You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિશ્વની પાંચ સૌથી તીવ્ર મોંઘવારી : જ્યારે દર 15 કલાકે થતો બેવડો ભાવવધારો
રૂપિયો ડૉલર સામે અત્યાર સુધીની સૌથી નિમ્ન સપાટીને સ્પર્શી ગયો છે. ડૉલર સામે તેનો ભાવ 70 રૂપિયાને પાર કરી ગયો છે.
રૂપિયાના અવમૂલ્યનના આ સમયમાં વિશ્વની સૌથી તોતિંગ મોંઘવારીના ઇતિહાસ પર એક નજર.
વર્તમાન સમયમાં વેનેઝુએલા બીજા વિશ્વયુદ્ધ બાદ પછી અત્યાર સુધીની સૌથી તીવ્ર મોંઘવારીનો માર ઝેલી રહ્યું છે.
અમેરિકાના બાલ્ટિમોરની જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના અપ્લાઇડ ઇકૉનૉમિક્સના પ્રોફેસર સ્ટીવ હેન્કી અનુસાર ઑગસ્ટ મહિનામાં વેનેઝુએલાનો ફુગાવો વિક્રમી સપાટીએ પહોંચી ગયો જેમાં 65,000 ટકાનો વાર્ષિક વધારો નોંધાયો હતો.
પ્રોફેસર તીવ્ર ફુગાવાની બાબતોના અગ્રણી નિષ્ણાતોમાંના એક છે.
તેઓ 'ટેબલ ઑફ ગ્લોબલ હાઇપરઇન્ફ્લેશન' નામના પુસ્તકના લેખક પણ છે.
આ પુસ્તક વર્ષ નવેમ્બર-2016માં દક્ષિણ અમેરિકામાં આવેલી તીવ્ર મોંઘવારી વિશે લખવામાં આવ્યું હતું.
વિશ્વવમાં 58 વખત ઉદભવી તીવ્ર મોંઘવારી
આ એવી મોંઘવારી હતી જેમાં દર મહિને 219 ટકાના દરે મોંઘવારી વધી રહી હતી અને દર 18 દિવસમાં બે ગણો ભાવવધારો થઈ રહ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, સમય જતાં સ્થિતિ વધુ વણસી જવાથી ખાદ્યચીજવસ્તુઓ અને દવાઓની તીવ્ર અછત વર્તાઈ હતી.
નાગરિકોએ તેમના રોજિંદા ખર્ચાઓ માટે મોટી સંખ્યામાં ચલણી નોટોની થપ્પીઓ દ્વારા ચૂકવણી કરવી પડતી હતી.
ત્યારબાદ નવી કરન્સી સૉવ્રિન (સાર્વભૌમ સંબંધિત) બોલિવર ચલણમાં મૂકવામાં આવી.
જેનું મૂલ્ય અગાઉની કરન્સીના સંબંધિત મૂળ મૂલ્ય કરતાં 1,00,000 ગણું વધારે હતું.
આપને આ પણ વાંચવું ગમશે
તેમ છતાં મજબૂત બોલિવર પણ તીવ્ર મોંઘવારી કાબૂમાં લેવામાં અસમર્થ પુરવાર થઈ. અને સમસ્યાનો ઉકેલ નહીં આવ્યો.
હેન્કીએ બીબીસીને જણાવ્યા અનુસાર વેનેઝુએલા સહિત વિશ્વવમાં 58 વખત આ પ્રકારની તીવ્ર મોંઘવારી ઉદભવી ચૂકી છે.
અમે તમને જણાવીશું કે તેમાંથી સૌથી ભયંકર પાંચ તીવ્ર મોંઘવારી ક્યારે અને ક્યાં નોંધાઈ હતી?
વળી એ પણ જણાવીશું કે આ મોંઘવારીઓને કઈ રીતે કાબૂમાં લેવાઈ હતી?
1 - હંગેરી (1946)
પ્રતિદિન ફુગાવાનો દર : 207 ટકા
દર 15 કલાકે બેવડો ભાવવધારો
વર્ષ 1946માં હંગેરીમાં ફુગાવો વિક્રમી સપાટીએ પહોંચી ગયો હતો. તેનું સ્તર 41,900,000,000,000,000 ટકા હતું.
અત્યાર સુધી નોંધાયેલો આ સૌથી તોતિંગ ફુગાવો છે.
હંગેરીમાં રહેતા લોકોના ખિસ્સામાં રહેતા નાણાંનું મૂલ્ય દર રાત્રે અડધા થઈ જવાનો સિલસિલો ચાલુ હતો.
સૌથી મોંઘુ બિલ 100 ટ્રિલિયન પેન્ગોસનું નોંધાયું હતું.
જ્યારે બુડાપેસ્ટ તબાહ થઈ ગયું
બીજા વિશ્વ યુદ્ધે હંગેરીની 40 ટકા સંપત્તિ નષ્ટ કરી નાખી હતી. તેની રાજધાની બુડાપેસ્ટ 80 ટકા નષ્ટ થઈ ગઈ હતી.
રેલ્વે અને ભૂમિ માર્ગો પણ તબાહ થઈ ગયા હતા તથા સરકારે યુદ્ધ બાદ ખૂબ જ જંગી વળતર ચૂકવવું પડ્યું હતું.
આથી હંગેરીએ તેમના ચલણને ફરી મજબૂત કરવા માટેના પ્રયાસો કર્યા અને સરકારે નવી કરન્સી લાવવાનું પગલું લીધું હતું.
પહેલી ઑગસ્ટ-1946ના રોજ સરકારે એક નવો કાર્યક્રમ હાથ ધર્યો અને તેના અંતર્ગત કર સુધારણાંનાં પગલાં લીધાં હતાં.
ઉપરાંત વિદેશમાં જતા રહેલા ગોલ્ડ રિઝર્વની રિકવરી કરીને એક નવું ચલણ હંગેરીયન ફોરિન્ટ લૉન્ચ કર્યું હતું.
આ ચલણનું મૂલ્ય અગાઉની કરન્સીના સંબંધિત મૂલ્ય કરતાં 4,00,000 ક્વૉડ્રિલિયન જેટલું વધુ હતું.
વળી નવી કરન્સી ગોલ્ડ રિઝર્વ અને વિદેશી હૂંડિયામણ આધારિત હતી.
2 - ઝિમ્બાબ્વે (2008)
પ્રતિદિન ફુગાવાનો દર : 98 ટકા
દર 25 કલાકે બે ગણો ભાવવધારો
નેવુંના દાયકામાં વ્યાપક સુધારણાનાં પગલાં બાદ ઝિમ્બાબ્વેના ખેત ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો.
સુધારણાનાં પગલાં હેઠળ શ્વેત લોકો પાસેથી તેમની જમીનો છીનવી લેવાઈ હતી.
વળી વર્ષ 1998ના કોંગો યુદ્ધમાં ઝંપલાવવું પણ મોંઘું પડ્યું હતું.
ઉપરાંત અમેરિકા તથા યુરોપિયન યુનિયને વર્ષ 2002માં ઝિમ્બાબ્વેના પ્રમુખ રૉબર્ટ મુગાબે પર લાદેલા પ્રતિબંધોની પણ માઠી અસર થઈ હતી.
ત્યાર પછીનાં વર્ષોમાં ઝડપથી ભાવો વધવા લાગ્યા. નવેમ્બર-2008માં ફુગાવાનો દર પ્રતિ મહિને 79,00,00,00,000 ટકાએ પહોંચી ગયો.
દુકાનોમાં વસ્તુઓના ભાવ દિવસમાં એકથી વધુ વખત વધી રહ્યા હતા. આથી પાણી અને ઊર્જા મામલે પણ સમસ્યા સર્જાઈ.
બૅન્ક અને ગૅસ સ્ટેશન પર લાઇનો લાગી
બૅન્ક અને ગૅસ સ્ટેશન પર લાઇનો લાગવા લાગી હતી. સુપરમાર્કેટમાં ખાદ્ય સામગ્રીની ખૂબ જ અછત વર્તાવા લાગી હતી.
ઘણા લોકોએ જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા દક્ષિણ આફ્રિકા અને બોત્સવાનાની સરહદો ઓળંગી હતી.
દક્ષિણ આફ્રિકા અને અમેરિકાના ડૉલરે એ સમયે ચલણમાં સ્થાન લઈ લીધું હતું.
આથી વર્ષ 2009માં રિઝર્વ બૅન્ક ઑફ ઝિમ્બાબ્વેએ પોતાની કરન્સી બંધ કરી દીધી.
એમેરિકાના ડૉલર તથા દક્ષિણ આફ્રિકાના રૅન્ડને ચલણી નાણાં તરીકે સ્વીકારી લીધા.
3 - ફેડરલ રિપબ્લિક ઑફ યુગોસ્લાવિયા (1994)
પ્રતિદિન ફુગાવાનો દર : 65 ટકા
દર 34 કલાકે બે ગણો ભાવવધારો
પ્રથમ વિશ્વ યુદ્ધ પછી બોસ્નિયા અને હેર્ઝેગોવિના, ક્રોએશિયા, મેસેડોનિયા, મોન્ટેનેગ્રો, સર્બિયા, સ્લોવેનિયા તમામે એક થઈને એક નવો દેશ બનાવ્યો જેને યુગોસ્લાવિયા નામ અપાયું.
જોકે, વર્ષ 80ના દાયકામાં આર્થિક અને રાજકીય કટોકટીના કારણે ફરીથી આ દેશો છુટા પડી ગયા.
વર્ષ 1992માં માત્ર સર્બિયા અને મોન્ટેનેગ્રો તેમાંથી અલગ નહોતા થયા અને એકજૂટ રહ્યા.
યુદ્ધ અને ઘરેલું માર્કેટ પડી ભાંગવાથી સરકારે ચલણ છાપવાનું શરૂ કર્યું.
અનિયંત્રિત જાહેર ખર્ચ, બિનકાર્યક્ષમતા, ભ્રષ્ટાચાર અને 1992-93માં યુએનના પ્રતિબંધોએ પરિસ્થિતિ વધુ વિકટ બનાવી દીધી.
ડૉલરનું કાળાબજાર
વર્ષ 1994ની શરૂઆતમાં દર મહિને 313,000,000 ટકાના દરે ફુગાવો વધી રહ્યો હતો.
લોકો પગાર મળતાની સાથે જ તેમના નાણાં વાપરી નાખતા હતા.
સર્બિયાના ઘણા લોકો પાડોશમાં આવેલા હંગેરીમાંથી સામાન લઈ આવતા હતા.
ભાવવધારો નિયંત્રણમાં લેવાના કેટલાક નિષ્ફળો પ્રયાસો બાદ આખરે ખેડૂતોએ ઉત્પાદન ઘટાડી દીધું.
જર્મનીની વસ્તુઓ અને અમેરિકાના ડૉલર્સનું કાળાબજાર સર્જાયું.
આથી આખરે સામાજિક રોષને ઠારવા અને યુએનના પ્રતિબંધો હટાવવા માટે સર્બિયાના નેતા સ્લોબોડન મિલોસેવિકે નવું ચલણ અપનાવવા સંમતિ દર્શાવી.
આમ નવા દિનાર ચલણી નાણા તરીકે શરૂ કરાયા. તેનું સર્જન ગોલ્ડ અને કરન્સીના સ્ટૉકને આધારે કરવામાં આવ્યું.
4 - જર્મની (1923)
પ્રતિદિન ફુગાવાનો દર : 21 ટકા
દર 3 દિવસ-17 કલાકે બે ગણો ભાવવધારો
પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) બાદ જર્મની દેવામાં ડૂબી ગયું હતું અને સમારકામનો મોટો ખર્ચ માથે આવી ચઢ્યો હતો.
આથી સરકારે વધુ નાણાં છાપવાનું શરૂ કર્યું. દેવું ચૂકવવા અને વધુ વિદેશી ચલણી નાણું ખરીદવા માટે આવું કરવામાં આવ્યું હતું.
જોકે, આ નવા ચલણનું અવમૂલ્યન શરૂ થવા લાગ્યું.
વર્ષ 1923માં કરેલું દેવું જર્મની ચૂકવી નહીં શક્યું હોવાથી સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી.
આથી દેવા ચૂકવણીની માગણી સાથે ફ્રેન્ચ અને બેલ્જિયનની આર્મીએ જર્મનીના હાર્દ ગણાતા ઔદ્યોગિક ક્ષેત્ર પર કબજો જમાવી લીધો હતો.
જેને પગલે હડતાલ કરવામાં આવી અને ઉત્પાદન બંધ થઈ ગયું.
પગાર થતો ત્યારે બેગ ભરીને નાણાં મળતા
ઑક્ટોબર-1923માં ફુગાવાનો પ્રતિ મહિનાનો દર 29,500 ટકાને સ્પર્શી ગયો હતો.
દર ત્રણથી ચાર દિવસે ભાવ બે ગણો થઈ જતો હતો.
બ્રેડની સ્લાઇસનો ભાવ એ વર્ષે જાન્યુઆરીમાં 250ના સ્તરે હતો એ ભાવ નવેમ્બરમાં વધીને 2,00,000 મિલિયનના સ્તરે પહોંચી ગયો.
આથી લોકોનો પગાર થતો ત્યારે તેમને બેગ ભરીને નાણાં મળતાં.
એવી કહાણીઓ પણ પ્રચલિત થવા લાગી કે એક વ્યક્તિ તેના નાણાથી ભરેલી બેગ(સૂટકેસ) કોઈ સ્થળે ભૂલી ગયો અને જ્યારે તેને લેવા પરત આવ્યો તો નાણાં ત્યાં જ મળ્યા પણ તેની સૂટકેસ ચોરાઈ ગઈ હતી.
એવી પણ એક કહાણી છે કે એક પિતા મોજાં ખરીદવા માટે બર્લિન પ્રવાસે ગયા પરંતુ તેઓ માત્ર એક કપ કૉફી જ લઈ શક્યા. વળી પરત તેમણે બસમાં આવવું પડ્યું હતું.
તે વર્ષ બાદ સરકારે નવું ચલણ લૉન્ચ કર્યું.
આથી ફરીથી સ્થિરતા આવી અને જર્મનીએ જેમની પાસેથી ઉધાર લીધું હતું તે તમામે યુદ્ધ બાદ ફરીથી નવા માળખા અને સમયાવધિથી પરત ચૂકવણીની વ્યવસ્થા કરી આપી.
5 - ગ્રીસ (1944)
પ્રતિદિન ફુગાવાનો દર : 18 ટકા
દર 4 દિવસ-6 કલાકે બે ગણો ભાવવધારો
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એક્સિસે કબજો કર્યો ત્યારે ગ્રીક અર્થવ્યવસ્થાને ખૂબ જ માઠી અસર પહોંચી હતી.
1940ના અંતમાં પહેલાં જ કેટલાક હુમલાઓનો માર ગ્રીસે સહન કર્યો હતો. વળી વર્ષ 1941માં સ્થિતિ વધુ ગંભીર થઈ ગઈ.
કબજો કરનાર આર્મીએ કાચોમાલ, પશુઓ, ફૂડ છીનવી લીધાં અને કઠપૂતળી બનેલી સરકારે તેની કિંમત ચૂકવવી પડી હતી.
કૃષિ પેદાશ ઘટી ગઈ અને તેની તંગી વર્તાવા લાગી. આ સમયને ધી ગ્રેટ ફેમિન તરીકે ઓળખવામાં આવે છે.
કેવી રીતે ગ્રીસ બેઠું થયું?
વળી ઘટી રહેલી ટૅક્સની આવકના કારણે ફુગાવો વધવા લાગ્યો.
નવેમ્બર-1944માં પ્રતિ મહિનાના દરે 13,800 ટકાની સપાટીને ફુગાવો સ્પર્શી ગયો.
જોકે, હંગેરી અથવા યુદ્ધ બાદ જર્મનીમાં જે તીવ્ર ભાવવધારો થયો હતો તેટલો ભાવવધારો નહોતો થયો.
સ્થિરતા લાવવામાં ગ્રીસને ખૂબ જ લાંબો સમય લાગ્યો.
વર્ષ 1944માં ગ્રીસમાં ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી હતી. જેમાં 18 મહિનામાં ત્રણ વખત આર્થિક સ્થિરતા માટે નિષ્ફળ થયા હતા.
આખરે નાણાકીય સુધારા, લૉન અને નવા ચલણને લૉન્ચ કર્યા બાદ સ્થિતિમાં સુધારો આવ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો