You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇમરાન ખાન સામે સાઉદી અરબ અને ઈરાન વચ્ચે સંતુલન જાળવવાનો પડકાર
- લેેખક, ટીમ બીબીસી હિન્દી
- પદ, નવી દિલ્હી
ક્રિકેટનાં મેદાનથી રાજનીતિનાં મેદાનમાં આવેલા ઇમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન તો બની ગયા પરંતુ તેઓ વિખરાયેલા પાકિસ્તાનને કેટલી હદે સુધારી શકશે? મતલબ કે ખાન વિદેશ નીતિ કેવી અપનાવશે એ સવાલ પણ સ્વાભાવિક છે.
ઇમરાન ખાન પાકિસ્તાનમાં એક લોકપ્રિય નેતા તરીકે ઊભરી આવ્યા છે અને તેમણે ચૂંટણી અભિયાન દરમિયાન ઘરેલું મુદ્દાઓ પર વધુ ધ્યાન આપ્યું હતું. સાથે જ તેમણે દેશમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત પણ કરી હતી.
પાકિસ્તાન માત્ર પોતાના ઘરમાં જ નહીં, પરંતુ વિદેશ નીતિની પીચ પર પણ અશાંત છે.
પાકિસ્તાન અંગે એવું કહેવાઈ રહ્યું છે કે છેલ્લા ઘણાં સમયથી મધ્યપૂર્વમાં તેમની પાસે રચનાત્મક વિદેશ નીતિનો અભાવ છે. તો શું ઇમરાન ખાન મધ્યપૂર્વમાં પાકિસ્તાનને ઊંચાઈના શીખર સુધી પહોંચાડી શકશે?
ઇમરાન ખાને વડા પ્રધાન બન્યા બાદ ટીવી પર રાષ્ટ્રને સંબોધિત કરતા જે વાતો કહી તે પરથી તેમની મુશ્કેલીઓનો અંદાજ લગાવી શકાય છે.
ઇમરાન ખાને તેમની પ્રથમ વિદેશ યાત્રા માટે સાઉદી અરબને પસંદ કર્યું છે. સાઉદી અરબ સાથે પાકિસ્તાનની મૈત્રી ઐતિહાસિક છે. પરંતુ શું પાકિસ્તાન તેમની દક્ષિણ-પશ્ચિમ સીમા સાથે જાડાયેલા ઈરાનની ઉપેક્ષા કરી તેને નારાજ કરી શકે ખરાં?
ઉલ્લેખનીય છે કે ઈરાન અને સાઉદી અરબની દુશ્મની દુનિયાથી અજાણી નથી. શું પાકિસ્તાન આ બન્ને રાષ્ટ્રોને નારાજ કર્યા વિના બંને સાથે મિત્રતા નિભાવવાની કળા જાણે છે?
તમે આ વાંચ્યું કે નહીં?
ઇમરાન ખાને રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે કહ્યું હતું, "અમે લોકો ઈરાન સાથે સંબંધ સુધારવા માગીએ છીએ. સાઉદી અમારો મિત્ર છે. તે દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં અમારી પડખે ઊભો રહ્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમે મધ્યપૂર્વમાં મેળ-મિલાપ માટે જે પણ કરી શકીએ તે કરીશું. અમારું લક્ષ્ય એ જ છે. જે પણ પાડોશીઓ વચ્ચે તણાવની સ્થિતિ છે તેમને દૂર કરી નજીક લાવવાના પ્રયાસો કરીશું."
સંતુલનવાદી નીતિ
ઈરાન અને સાઉદીને સાથે એક જ સમયે તાલમેલ સાધવો પાકિસ્તાન માટે સહેલું નથી. પાકિસ્તાન લાંબા સમયથી પ્રયાસો કરી રહ્યું છે કે ઈરાન અને સાઉદી અરબ વચ્ચે સંતુલન બનાવીને આગળ વધે.
પરંતુ સંતુલનની નીતિ હંમેશાં મુશ્કેલ છે.
પાકિસ્તાન અંગે કહેવામાં આવે છે કે તેની પર રાજનૈતિક અને સામાજિક રૂપે સૌથી વધુ પ્રભાવ કોઈ દેશનો હોય તો તે સાઉદી અરબનો છે.
સાઉદીમાં પાકિસ્તાનના લગભગ 27 લાખ લોકો કામ કરે છે. આ લોકો કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં અથવા તો નાની-મોટી નોકરીઓ સાથે જોડાયેલા છે.
ઐતિહાસિક રૂપે પાકિસ્તાન સાઉદીની નજીક રહ્યું છે અને તેને અમેરિકા અને બ્રિટને સમર્થન આપ્યું છે.
પાકિસ્તાનને પણ એ વાતની જાણ છે કે તેને સૌથી વધુ આર્થિક મદદ સાઉદી અરબ પાસેથી જ મળે છે. એટલે સુધી કે પાકિસ્તાનના પરમાણુ હથિયાર પ્રોજેક્ટમાં પણ સાઉદીએ રોકાણ કર્યું છે.
પાકિસ્તાન તેમની વિદેશ નીતિને માત્ર સાઉદી અરબ સુધી જ સીમિત નથી રાખી શકતું. જ્યારે ઇમરાન ખાનની જીત થઈ, ત્યારે સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમિરાતે તેને સત્તાવાર રીતે અભિનંદન પાઠવ્યા.
જ્યારે ઈરાને એક પત્ર લખી નવી સરકાર સાથે સહયોગ વધારવાની વાત કહી.
ઘણાં વિશ્લેષકોનું માનવું છે કે ઇમરાને રાષ્ટ્રને કરાયેલાં સંબોધનમાં ઈરાનનો ઉલ્લેખ કરી જે સહાનુભૂતિ દર્શાવી તે અસાધારણ છે.
વિલ્સન સેન્ટરમાં દક્ષિણ એશિયાના ડેપ્યુટી ડિરેક્ટર માઇકલ કગલમૈને મિડલ ઇસ્ટ આઈને કહ્યું કે એવું ક્યારેક જ બને છે જ્યારે કોઈ પાકિસ્તાની નેતા ઈરાન સાથે આ પ્રકારની સહાનુભૂતિ દર્શાવે.
ઇમરાન ખાન યમનમાં સાઉદી અરબના નેતૃત્વવાળા સૈન્ય દળમાં પાકિસ્તાનની સૈનિકોને સામેલ કરવાના વિરોધમાં રહ્યા છે.
દ્વિપક્ષીય સંબંધ
પાકિસ્તાનનો ખજાનો લગભગ ખાલી છે. ઇમરાન ખાનને જે પાકિસ્તાન મળ્યું છે તે દેવા હેઠળ છે. તેમની પાસે અમુક અઠવાડિયા સુધી ચાલે એટલી જ વિદેશી મુદ્રા બચી છે.
પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસેથી 12 અરબ ડૉલરની સહાય લેવાના પ્રયોસો કરી રહ્યું છે. જોકે, આ સહેલું નથી કારણ કે અમેરિકા વિરોધ નોંધાવી રહ્યું છે.
એવામાં જો પાકિસ્તાન તેમના સંબંધ ઈરાન સાથે વધારે તો સ્થિતિ વધુ જટિલ બનશે. કારણ કે અમેરિકાએ ઈરાન પર ઘણાં આર્થિક પ્રતિબંધો મૂક્યા છે.
સાઉદી સ્થિત ઇસ્લામિક ડેવલપમેન્ટ બૅન્કે હાલમાં જ પાકિસ્તાનને તેલ ખરીદવા માટે ચાર અરબ ડૉલરની આર્થિક મદદ સુનિશ્ચિત કરી છે. પાકિસ્તાન અંગે કહેવામાં આવે છે કે ત્યાંની રાજનીતિ હંમેશાં સેના દ્વારા પ્રેરાયેલી છે.
ઇમરાન ખાનની જીતમાં સેનાને પણ શ્રેય આપવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના રિટાયર્ડ આર્મી પ્રમુખ મુસ્લિમ નાટો (ઇસ્લામિક મિલિટરી અલાયન્સ ટુ ફાઇટ ટેરેરિઝમ)ના વડા બનવા પર રાજી થયા છે.
આ સાઉદીના નેતૃત્વવાળું મુસ્લિમ દેશોનું સંગઠન છે.
રિટાયર્ડ આર્મી પ્રમુખ રાહીલ શરીફે પાકિસ્તાનને 'મુસ્લિમ નાટો'ના પ્રમુખ બનવાની અનુમતિ છેલ્લા બે વર્ષથી આપી દીધી છે.
બીજી તરફ સાઉદી અરબ પર એ આરોપ પણ લાગે છે કે તે બલુચિસ્તાનમાં ઈરાન વિરોધી તાકતોને આર્થિક મદદ કરી રહ્યું છે.
મિડલ ઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટના સ્કૉલર આરિફ રફિકે તેમનાં ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે પાકિસ્તાન મુસ્લિમ વર્લ્ડના બે શક્તિશાળી દેશો વચ્ચે ફસાયેલું છે.
રફિક અનુસાર પાકિસ્તાને, ઈરાન અને સાઉદી મુદ્દે રાજનૈતિક નિર્ણય લેવા માટે નિર્ણાયક પગલાં લેવાં પડશે.
અત્યાર સુધી પાકિસ્તાનની નીતિ ઈરાન અને સાઉદી અરબ વચ્ચે સંતુલન બનાવીને ચાલવાની રહી છે. રાહિલ શરીફનું આ પગલું ઈરાનને પસંદ નહોતું પડ્યું.
પાકિસ્તાન સ્થિત ઈરાનના રાજદૂતે આ બાબતે અસહમતિ દર્શાવી હતી.
ઈરાન આઈએમએફટીનો ભાગ નથી. જ્યારે પાકિસ્તાને રાહિલ શરીફને આ સંગઠનના પ્રમુખ બનવાની અનુમતિ આપી હતી, ત્યારે ઇમરાન ખાનની પાર્ટીએ તેને વિરોધ કર્યો હતો.
ઇમરાન ખાને ત્યારે કહ્યું હતું કે આ બાબતથી એવો સંદેશ જાય છે કે પાકિસ્તાને, ઈરાન અને સાઉદી વચ્ચેના તણાવમાં એક પક્ષ લઈ લીધો છે.
વર્ષ 2014માં પાકિસ્તાનની સંસદે એક પ્રસ્તાવ પાસ કર્યો હતો જેમાં યમન યુદ્ધમાં તટસ્થ રહેવાની વાત કરવામાં આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો