You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સીરિયા, ઇરાક સાથે ભારતની તુલનાની રાહુલની દલીલમાં કેટલો દમ?
- લેેખક, અદિતિ ફડનીસ
- પદ, વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક
અટલ બિહારી વાજપેયીના નિધન બાદ અનેક મુદ્દાઓ વિશે લાંબી ચર્ચા થઈ હતી એ પૈકીનો એક મુદ્દો એ હતો કે તેઓ 2004માં ચૂંટણી ક્યા કારણસર હાર્યા હતા?
અટલ બિહારી વાજયેપીની હાર માટે લાલકૃષ્ણ અડવાણીનું 'ઇન્ડિયા શાઇનિંગ' અભિયાન જવાબદાર હોવાનું ભારતમાં ઘણા લોકો માને છે.
એ અભિયાન ભારતના મધ્યમ તથા સમૃદ્ધ વર્ગે જે મેળવ્યું હતું તેના પર કેન્દ્રીત હતું, પણ રોટી, કપડાં અને બીજી મૂળભૂત જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહેલા દેશની વસતીના એક મોટા હિસ્સાને તેમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો.
કોંગ્રેસે તેનો બરાબર લાભ લીધો હતો અને 'ઇન્ડિયા શાઇનિંગ' સામે 'મુઝે ક્યા મિલા' અભિયાન ચલાવીને જવાબ આપ્યો હતો.
કોંગ્રેસના અભિયાનમાં સામાન્ય લોકોની તકલીફોની નોંધ સરકારે નહીં લીધી હોવાની વાતને ભારપૂર્વક રજૂ કરવામાં આવી હતી.
એ કારણે કોંગ્રેસ 2004માં ચૂંટણી જીતી ગઈ હતી અને એ મુદ્દાને વળગી રહીને 2009માં પણ ફરી ચૂંટણી જીતી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
જોકે, સગાંવાદ, ભ્રષ્ટાચાર અને અયોગ્યતાથી સભર મનમોહન સરકાર પર શ્રેણીબદ્ધ આક્ષેપો થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય જનતા પક્ષે (ભાજપ) અગાઉની ભૂલ બીજીવાર કરી ન હતી. ભાજપે સ્વચ્છ, યોગ્ય અને ભ્રષ્ટાચારમુક્ત સરકારની માગણી કરી હતી.
વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ એવું એકેય ભાષણ કર્યું નથી, જેમાં ગરીબ, વંચિત અને શોષિત વર્ગોનો ઉલ્લેખ ન હોય.
ભાગલાનું રાજકારણ
વાસ્તવમાં 2016માં કેરળમાં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં અગ્રણી કેન્દ્રીય પ્રધાને નરેન્દ્ર મોદીના ભાષણ પરત્વે ખુલ્લેઆમ નિરાશા વ્યક્ત કરી હતી.
તેમણે સવાલ કર્યો હતો, "ગરીબીની આટલી બધી વાતો શા માટે? ભારતમાં સારું કામ થઇ રહ્યું છે. એ નિશ્ચિત રીતે આગળ વધી રહ્યું છે, તેમ છતાં આપણે આટલું નકારાત્મક શા માટે થવું જોઈએ?"
હવે જર્મનીમાં આંતરરાષ્ટ્રીય દર્શકો સાથે વાતો કરતાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ પણ એ જ મુદ્દો ઉઠાવ્યો હતો કે ભારત ભાગલાના રાજકારણ ભણી આગળ વધી રહ્યું છે અને તેની સમગ્ર વિશ્વ પર ગંભીર અસર થશે.
રાહુલ ગાંધીએ 'વંચિતો'ની શ્રેણીમાં માત્ર ધાર્મિક લઘુમતીનો નહીં, પરંતુ દલિતો, આદિવાસીઓ અને મધ્યમ વર્ગનો સંદર્ભ ટાંક્યો હતો.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ બધા લોકોને પાછલી સરકારો બહુ મહેનત કરીને સિસ્ટમમાં લાવી હતી પણ વર્તમાન સરકારી નીતિઓમાંથી તેમને જાણીજોઈને અલગ રાખવામાં આવ્યા છે.
સીરિયા અને ઈરાક સાથે સરખામણી
રાહુલ ગાંધીએ રોજગાર ગેરન્ટી કાર્યક્રમ અને દલિત અધિકાર કાયદા જેવી મનમોહન સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો.
હાલની કેન્દ્ર સરકારે એ બન્ને કાયદાને કમજોર બનાવ્યા હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
રાહુલ ગાંધીએ નોટબંધી તથા જીએસટી જેવી નરેન્દ્ર મોદી સરકારની આર્થિક નીતિઓની વાત કરી હતી.
તેમણે આક્ષેપ કર્યો હતો કે તેના કારણે લાખો લોકોના ધંધા-રોજગાર છીનવાઈ ગયા છે તથા માત્ર અમીરો તેમજ કોર્પોરેટ ગૃહોને લાભ થયો છે.
રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં સરકારની આંતરિક તથા વિદેશ નીતિની ટીકા કરી હતી.
તેમણે ભારતની સરખામણી ચીન સાથે કરી હતી. બન્ને દેશના વિકાસ દર તથા રોજગાર સર્જનની ક્ષમતાની તુલના કરી હતી.
રાહુલ ગાંધીએ ચેતવણી આપી હતી કે ભાગલાના રાજકારણનું ગંભીર પરિણામ આવી શકે છે, જે ઈરાકમાં જોવા મળ્યું હતું અને સીરિયામાં દેખાઈ રહ્યું છે.
આ અત્યંત દમદાર દલીલ હતી. એ ઉપરાંત 2019ની ચૂંટણી ભણી આગળ વધી રહેલા કોંગ્રેસના ચર્ચાના મુદ્દાની ઝલક પણ તેમાં જોવા મળી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું હતું, "અમે ઢંગધડા વગરની અને મનમોજી નીતિઓનો વિરોધ કરીએ છીએ. વાસ્તવમાં તેનાથી અમીરોને લાભ થવાનો છે."
ભાષણમાં બીજું શું-શું કહ્યું?
રાહુલ ગાંધીએ કહ્યું હતું, "અમે અમારો હાથ (કોંગ્રેસનું ચૂંટણી પ્રતિક) પોતાના અધિકારથી વંચિત લોકોને આપીએ છીએ અને અમે તેમના માટે લડીશું."
રાહુલ ગાંધીનો આ તર્ક થોડાં વર્ષ પહેલાંની તેમની 'સૂટ-બૂટની સરકાર'માંથી કાઢવામાં આવ્યો હોય તેવું લાગે છે.
નરેન્દ્ર મોદીએ અમેરિકાના તત્કાલીન પ્રમુખ બરાક ઓબામા સાથેની મુલાકાત વખતે નરેન્દ્ર મોદીએ જે સૂટ પહેર્યો હતો તેના પર નરેન્દ્ર મોદીનું નામ ગૂંથવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ તે સૂટની ટીકા કરી હતી.
રાહુલ ગાંધીએ જર્મનીમાં આપેલું ભાષણ ખરું, તર્કસંગત અને દલીલસભર હતું, પણ એ અપેક્ષા મુજબની ટીકા નહીં કરતા વિદેશી દર્શકો સામે આપવામાં આવ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમનાં તમામ ભાષણોમાં ગાંધી પરિવારની ટીકા તથા પોતાની સરકારના 'સબકા સાથ, સબકા વિકાસ' સુત્રનો જોરશોરથી ઉલ્લેખ કરવાનું ક્યારેય ચૂકતા નથી.
તેઓ હંમેશાં સવાલ કરે છે, "શું આપણે સમર્થ થયા? તેમણે (કોંગ્રેસ તથા ગાંધી પરિવારે) શું કર્યું? માત્ર પોતાનો વિકાસ."
બન્ને નેતાઓ ભારતના સંદર્ભે એકસરખી કથા રજૂ કરે છે. રૂઢિપ્રયોગોથી સભર નરેન્દ્ર મોદીની ભાષણકળા સામે રાહુલ ગાંધીની હિન્દી ભાષણશૈલી અસ્વાભાવિક છે.
અલબત, એક સંઘર્ષરત વ્યક્તિની માફક તેમણે આપેલા ઉગ્ર ભાષણમાં એક અલગ ખેંચાણ જરૂર છે.
મોટી સભાઓમાં લોકોને આકર્ષવાની, ઉત્તેજિત કરવાની અને ઉશ્કેરવાની ક્ષમતા નરેન્દ્ર મોદી ધરાવે છે તેમાં શંકા નથી, પણ રાહુલ ગાંધીના સ્વરમાં વાસ્તવિકતા જોવા મળે છે.
ગણતરી તો કામની જ થશે
આખરે તો તમે કરેલા કામની જ ગણતરી થતી હોય છે. મોદી સરકારે તેનાં કેટલાં વચનો પાળ્યાં છે અને જે કેટલાંક રાજ્યોમાં કોંગ્રેસ સત્તા પર છે ત્યાં તેણે કેટલાં સકારાત્મક કામ કર્યાં તેની જ ગણતરી થશે.
ફેંસલો થવો બાકી છે, પણ સારા રસ્તાઓ બન્યા છે, ડિજિટલ કનેક્ટિવિટીમાં સુધારો થઈ રહ્યો છે, ઈન્ટરનેટથી થતા વ્યવસાયોથી લોકોની કાર્યપદ્ધતિ બદલાઈ રહી છે, જીએસટીને કારણે અનેક ઉદ્યોગોનો માર્ગ આસાન થયો છે અને દિલ્હીથી ફોન કોલ્સ આવતા બંધ થઈ ગયા છે એ વાતોનો ઇનકાર ન થઈ શકે.
ટોળાં દ્વારા કરવામાં આવતી હિંસા, ધાર્મિક અલગાવ અને જ્ઞાતિ આધારિત હિંસા સંબંધી રાહુલ ગાંધીની ચિંતા દર્શાવે છે કે કોંગ્રેસ સાચી દિશામાં આગળ વધી રહ્યો છે, પણ ચૂંટણી જીતવા એટલું પૂરતું છે?
કેન્દ્રમાં આગામી સરકાર રચવા માટે કોંગ્રેસને પૂરતી બેઠકો મળશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે, પણ રાહુલ ગાંધીએ જર્મનીના ભાષણમાં આપેલા તર્ક પરથી સમજાય છે કે કોંગ્રેસ ફરી 'ગરીબી હટાવો' ભણી પાછો ફરી રહ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો