You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ખંજર' અંગે USએ તુર્કીને રોકડું પરખાવ્યું
લીરાની કિંમતોમાં સતત ઘટાડો નોંધાયા બાદ વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે તુર્કીનાં આર્થિક સંજોગો પર તેમની બાજ નજર છે.
તુર્કીમાં આર્થિક સંકટનું કારણ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા નિર્ણયો છે એ વાતને ટ્રમ્પના વહીવટી તંત્રે રદિયો આપ્યો છે.
અમેરિકાએ તુર્કીમાંથી આયાત કરાતાં ઍલ્યુમિનિયમ અને સ્ટીલ ઉત્પાદનો પર જકાત વધારી દીધી છે.
આ અગાઉ તુર્કીનાં રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને અમેરિકા પર તુર્કીની પીઠમાં ખંજર ભોંકવાનો આક્ષેપ કર્યો હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
એમણે કહ્યું હતું, "એક તરફ તમે અમારા વ્યૂહાત્મક સહયોગી હોવાનો દાવો કરો છો, તો બીજી બાજુ તમે અમારા પર હુમલો કરો છો? આવું ના જ ચલાવી લેવાય."
"આપણે અફઘાનિસ્તાન, સોમાલિયા અને નાટોમાં સાથે મળીને કામ કરીએ છીએ અને અચાનક એક દિવસે આપ આવીને અમારી પીઠમાં ચાકૂ ભોંકી દો, એ અમને બિલકુલ મંજૂર નથી.''
તુર્કીનું ચલણ ગગડ્યું
વ્હાઇટ હાઉસના આર્થિક સલાહકાર કેવિન હેસેટનું કહેવું છે કે તુર્કીમાં, અમેરિકાનું ઍલ્યુમિનિયમ અને સ્ટીલ સેક્ટર ઘણું નાનું હોવાથી ત્યાંના આર્થિક સંકટ માટે ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણયોને જવાબદાર ગણી શકાય નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસીના આર્થિક બાબતોનાં સંવાદદાતા પણ આ વાત સાથે સહમત થાય છે. તેમનું કહેવું છે કે તુર્કી પોતાનાં બજારો પર અંકુશ લાદવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે.
જોકે તુર્કીની મધ્યસ્થ બૅન્કના કેટલાક નિર્ણયોને કારણે લીરા પરનું ભારણ થોડાક અંશે ઘટ્યું છે.
તો વળી સરકારના સમર્થક કેટલાક ધંધાદારીઓ, જે લોકોએ લીરાને ડૉલર, યૂરો અને સોનામાં ફેરવ્યા છે તેમને ખરીદીમાં છૂટ આપી રહ્યા છે.
ગયા અઠવાડિયે લીરાનાં ઘટતા દરોને કારણે ચિંતિત અર્દોઆને તુર્કીનાં લોકોને લીરાને વિદેશી મુદ્રા સામે વટાવવાની લાગણીશીલ અપીલ કરી હતી.
તુર્કીને જર્મનીનું સમર્થન
આ સ્થિતિમાં જર્મનીએ તુર્કીને સમર્થન આપ્યું છે. જર્મન ચાન્સેલર ઍન્ગેલા મર્કેલે કહ્યું છે કે તુર્કીનું અર્થતંત્ર ડામાડોળ બંને એમાં કોઈનો પણ ફાયદો નથી.
એમણે કહ્યું,''જો યુરોપિયન સંઘની આજુબાજુ સ્થિર આર્થિક પરિસ્થિતિનું નિર્માણ થશે તો આપણને જ લાભ થશે, માટે આપણે સૌએ એવા સંજોગો ઊભા કરવામાં મદદ કરવી જોઈએ."
"જર્મની તુર્કીને આર્થિક રીતે સંપન્ન દેશ તરીકે જોવા ઇચ્છે છે. એમાં અમારો પણ ફાયદો જ છે.''
અમેરિકાએ ગયા અઠવાડિયે તુર્કીમાંથી આયાત કરાતાં ઍલ્યુમિનિયમ અને સ્ટીલ ઉત્પાદનો પર કર બે ગણો વધારી દીધો હતો, ત્યાર બાદ જ તુર્કીની મુદ્રા લીરામાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.
ત્યાર બાદ અર્દોઆને કહ્યું હતું કે, જો અમેરિકા પોતાનું વલણ નહીં સુધારે તો તુર્કી પોતાના માટે નવો મિત્ર અને સાથી શોધી કાઢશે.
અમેરિકા અને તુર્કી વચ્ચે વધતા તણાવનું કારણ પાદરી એન્ડ્ર્યૂ બ્રૂસનને પણ માનવામાં આવે છે.
તુર્કીએ વર્ષ 2016માં નિષ્ફળ શાસનપલટાનાં ષડયંત્ર રચનાર સાથે સાંઠગાંઠ હોવાના આરોપસર એમની ધરપકડ કરી હતી. અમેરિકા બ્રૂસનને છોડી મૂકવાની માગણી કરી રહ્યું છે.
જોકે, બ્રૂસન એ અમેરિકા અને તુર્કી વચ્ચે વધતા તણાવનું એકમાત્ર કારણ નથી. આની પાછળ સીરિયા માટે તુર્કીની નીતિઓ અને રશિયા સાથે વધતા જતા સંબંધોને પણ કારણભૂત ગણવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો