You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીનનાં 'ખંડિયાં રાજ્ય' બની રહેલા રાષ્ટ્રો
- લેેખક, ટીમ બીબીસી
- પદ, નવી દિલ્હી
ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે ‘વન બેલ્ટ વન રોડ’ પરિયોજનાને 'પ્રોજેક્ટ ઑફ ધ સેન્ચ્યુરી 'તરીકે ઓળખાવી હતી અને જણાવ્યું હતું કે તેનાથી વૈશ્વિકીકરણનો સુવર્ણ યુગ આવશે.
ચીનનાં ‘વન બેલ્ટ વન રોડ’ પરિયોજનામાં 78 દેશોનો સમાવેશ થાય છે. અને આ દુનિયાની સૌથી મહત્ત્વાકાંક્ષી વિકાસ પરિયોજના છે.
જોકે આ પરિયોજના પર ટીકાકારોને શંકા છે કે તેમાં સામેલ દેશો કરજનાં બોજા હેઠળ એવા દબાઈ રહ્યા છે કે એમના માટે આ યોજનામાંથી બહાર નીકળવું મુશ્કેલ કામ છે.
શંકાનાં વમળો વધુ ઘેરાવાનું કારણ આ પરિયોજના સાથે જોડાયેલા કેટલાક વિવાદો છે.
પાકિસ્તાન, શ્રીલંકા, મોંટેનેગ્રો, લાઓસ અને મલેશિયા પર ચીનનું દેવું વધી રહ્યું છે આ વાતની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે.
આ દેશોમાં ચીનની ‘વન બેલ્ટ વન રોડ’ પરિયોજના હેઠળ થઈ રહેલા કામ એટલાં ખાનગી રીતે થાય છે કે અત્યાર સુધી થયેલા ખર્ચાને પણ જાહેર કરવામાં આવ્યો નથી.
આ યોજનામાં ચીનનાં કેટલાં નાણાં રોકવામાં આવ્યા છે અને જે દેશોમાં આ કામ થઈ રહ્યું છે તેની કેટલી ભાગીદારી છે તે વાત ઉપર પણ પડદો જ પડેલો છે.
વૉશિંગ્ટનની એક થિંક ટેંક આરડબ્લ્યૂઆર એડવાઈઝરી ગ્રૂપનું કહેવું છે કે પ્રોજેક્ટની કિંમત અને ચીનથી મળતી ઋણની રકમ સંપૂર્ણપણે અપારદર્શી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ થિંક ટેંકનાં પ્રમુખ એન્ડ્ર્યુ ડેવેનપોર્ટનું કહેવું છે કે ઋણ લેવામાં જરૂરી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી.
તમે આ વાંચ્યું કે નહીં?
બીઆરઆઈ એટલે કે વન બેલ્ટ રોડનું માળખું જે રીતે ચીને તૈયાર કર્યું છે તે ઢંગધડા વગરનું છે.
‘ફાઇનેન્શિયલ ટાઇમ્સ’નાં એક અભ્યાસ અનુસાર ચીને જે 78 દેશોને આ યોજનામાં સામેલ કર્યાં છે તેમાંથી ઘણાની અર્થવ્યવસ્થા દુનિયાની સૌથી સંકટગ્રસ્ત અર્થવ્યવસ્થા છે.
ક્રેડિટ રેટિંગ એજંસી મૂડીનું પણ એ જ કહેવું છે કે ચીને જે 78 દેશોને આ યોજનામાં સામેલ કર્યાં છે તેમાંથી ઘણાની અર્થવ્યવસ્થા રોકાણ માટે લાયક જ નથી.
ખાલી થઈ ગયું પાકિસ્તાનનું વિદેશી મુદ્રા ભંડોળ
ઉદાહરણ તરીકે બીઆરઆઈમાં સામેલ પાકિસ્તાનને લઈ શકીએ છીએ. ઓઈસીડી રેન્કિંગ ઑફ કન્ટ્રી રિસ્કમાં પાકિસ્તાનને સાતમો ક્રમાંક આપવામાં આવ્યો છે.
આ મહિનામાં જ પાકિસ્તાને આ વાતને સમર્થન આપ્યું હતું કે તે બેલઆઉટ માટે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષનો સંપર્ક કરી રહ્યું છે.
ચીન-પાકિસ્તાન ઇકોનૉમિક કૉરિડોર હેઠળ, ચીન પાકિસ્તાનમાં 60 અરબ ડૉલરની યોજના પર કામ કરી રહ્યું છે.
સીપીઈસીને કારણે પાકિસ્તાન ચીનમાંથી મોટા પાયે સામાન મંગાવે છે અને આ કારણે એનો આયાત ખર્ચો પણ પુષ્કળ વધી ગયો છે.
ઋણ ચૂકવવાને કારણે પાકિસ્તાનનું વિદેશી મુદ્રા ભંડોળ લગભગ ખાલી થઈ ગયું છે.
અત્યારે પાકિસ્તાન વિદેશી મુદ્રા ભંડોળની અછત સામે ઝઝૂમી રહ્યું છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં ચૂકવણીનું સંકટ સતત વધી રહ્યું છે.
એશિયા ઇકોનૉમિક્સ એટ કેપિટલ ઇકોનૉમિક્સ, એક રિસર્ચ ફર્મ છે અને એમનું કહેવું છે કે આવું પાકિસ્તાનમાં ચાલી રહેલી ચીનની પરિયોજનામાં વપરાતો સામાન, ચીનમાંથી મંગાવવાને કારણે બન્યું છે.
જૂન મહિનાની શરૂઆતમાં પાકિસ્તાનની કેંદ્રીય બૅન્ક પાસે માત્ર 10 અબજ ડૉલર વિદેશી મુદ્રા બચી હતી. પાકિસ્તાનને આવતા વર્ષે ચૂકવણી માટે 12.7 અબજ ડૉલરની જરૂર પડશે.
કંબોડિયા પણ તણાવમાં.
આ પરિયોજના હેઠળ બીજો દેશ છે કંબોડિયા જેને કર્જ આપવામાં આવ્યું છે. કંબોડિયા પણ આને કારણે તણાવમાં છે.
પરિયોજનાને પૂરી કરવા કંબોડિયા માટે મોટા પાયે સામાન મંગાવી રહ્યું છે. આ કારણે એને વેપારમાં 10 ટકા નુકસાન વધી ગયું છે.
જો વિદેશી રોકાણમાં ઉણપ આવશે તો કંબોડિયાને પોતાનું ઋણ ચૂકવવામાં પણ મુશ્કેલી પડી શકે છે.
બીજા અન્ય દેશોની ચિંતાઓ
અન્ય દેશોને પણ આ પ્રકારની ચિંતાનો સામનો કરવો પડી રહ્યો છે. શ્રીલંકા આર્થિક મુશ્કેલીઓને કારણે પોતાનો હમ્બનટોટા ટાપુ ચીનને સોંપી ચૂક્યું છે.
શ્રીલંકાએ ચીન પાસેથી ઋણ લીધા બાદ એને ચૂકવી ના શક્યું, આથી એની પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો.
ચીન પાસેથી ઋણ લીધા બાદ ક્રેડિટ રેટિંગ મૂડીઝે મોંટેનેગ્રો દેશની ક્રેડિટ રેટિંગ ઘટાડી દીધી હતી.
મોંટેનેગ્રોએ પોતાની મોટરવે પરિયોજનાનાં પહેલાં ચરણ માટે ચીન પાસેથી 809 મિલિયન યૂરોનું ઋણ લીધું હતું.
આ ઋણ એની કુલ જીડીપીનો લગભગ પાંચમો ભાગ હતો.
મલેશિયાએ રોકી ચૂકવણી
લાઓસે ચીનની સાથે દેશમાં રેલ લાઈન નિર્માણ પર કરાર કર્યા હતા, જેની કિંમત લગભગ 6 અબજ ડૉલર છે.
આ સંપૂર્ણ ખર્ચ એની 2015ની જીડીપીનો 40 ટકા છે. નિર્માણમાં વપરાતી ઘણી વસ્તુઓ આયાત કરવામાં આવતી હતી. જેના કારણે દેશને સુસ્ત અર્થવ્યવસ્થાનો સામનો કરવો પડી રહ્યો હતો.
વન બેલ્ટ વન પરિયોજનાને લઈને મલેશિયાની મુશ્કેલીઓ કંઈક જુદી જ છે. મલેશિયાને ચૂકવણીની સમસ્યા નથી પણ દેશની નવી સરકારે ઘણા નિર્ણયો બદલી નાખ્યા છે.
નવા વડા પ્રધાન મહાતિર મોહમ્મદે દેશમાં ચીનની મદદથી ચાલતી એક પરિયોજના પર રોક લગાવી દીધી છે.
મલેશિયાએ પોતાનાં નિર્ણયમાં 23 અબજ ડૉલરની ચૂકવણી અટકાવી દીધી છે. સાથે નવી સરકારે હવે ''અસમાન સંધિ'' ની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે.
ચીનની કંપનીઓ પણ દેવા તળે.
અમેરિકાની વેપાર પ્રબંધન સલાહકાર ફર્મ આરડબ્લ્યૂઆર એડવાઈઝરીનાં એક અભ્યાસમાં આ ઋણનું સંપૂર્ણ આંકલન કરવામાં આવ્યું છે.
આમાં સાર્વજનિક વિરોધ,ચીનની શ્રમ નીતિઓ, નિર્માણમાં ઢીલ અને રાષ્ટ્ર સુરક્ષા સામેની ચિંતા જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એમાં એ જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2013માં શરૂ કરવામાં આવેલી ‘વન બેલ્ટ વન રોડ’ પરિયોજના હેઠળ 1814 પરિયોજનામાંથી 270 પર જ સારૂં કામ થઈ શક્યું છે. આ આખી પરિયોજનાનો માત્ર 32 ટકા ભાગ જ છે.
ચીનની માલિકીવાળી કંપની જે આ નિર્માણ કાર્યમાં લાગેલી છે તે પણ ઋણની સમસ્યાથી પરેશાન છે.
ફાઇનેન્શિયલનાં એક અભ્યાસ અનુસાર ચીનની બહાર કામ કરતી 10 મોટી કંપનીઓ પર દેવાનો બોજો વધારે છે.
આંકડા અનુસાર આ કંપનીઓ પર એમની ક્ષમતા કરતા 9.2 ગણું વધારે ભારણ છે. તો આ જ પરિયોજના માટે કામ કરી રહેલી ચીન સિવાયની કંપનીઓ પર આ ભારણ 2.4 ટકા છે.
ફાઇનેન્શિયલ ટાઈમ્સ સાથે, પોતાનું નામ જાહેર ના કરવાની શરત સાથે વાત કરતાં એક ચીની અધિકારીએ કહ્યું, ''મોટી કંપનીઓને દેશનાં કમ્યૂનિસ્ટ પાર્ટીનાં નેતાઓ ચલાવી રહ્યા છે. રાજકારણમાં વફાદારી અને પોતાનાં સર્વેસર્વાને ખુશ રાખવા માટે એમને આ પરિયોજનાનો ભાગ બનાવવામાં આવ્યા છે. એવામાં ઋણ એમના માટે ચિંતાનો વિષય નથી.''
આ કંપનીઓ ક્યાંકને ક્યાંક તો સરકારનો ભાગ છે, એવામાં દેવાળુ ફૂંકાવવાના ડર વગર ભારે દેવા સાથે પણ તે નિર્વાહ કરી શકે છે.
ચીનના એક અગ્રણી અધિકારીનાં જણાવ્યા મુજબ પરિયોજના હેઠળ કેટલાક રોકાણો જોખમભર્યાં છે. જેની ભરપાઈ કદાચ ના કરી શકાય.
એટલે બેજિંગમાં આ પરિયોજનાની સમીક્ષા કરવામાં આવી રહી છે. એ વાતની ખાતરી કરવાની જરૂર છે કે પરિયોજનાની પ્રતિષ્ઠા જળવાઈ રહે અને કામ પણ ગુણવત્તાયુક્ત હોય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો