એક પ્રવાસીનો દીકરો બન્યો તુર્કીનો સૌથી તાકતવર નેતા

નજીકના લોકો અર્દોઆનને 'બેયેફેંદી' (સર) તરીકે ઓળખે છે. જ્યારે પ્રશંસકો તેમને 'રેઇસ' (બોસ)ના નામે સંબોધે છે.

રવિવારે તુર્કીમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 52 ટકા મત સાથે રેચેપ તૈય્યપ અર્દોઆન ફરી એક વખત તુર્કીની શાસનધૂરા સંભાળશે. જોકે, તેઓ 'બોસ' કે 'સર'થી ખૂબ જ વધુ તાકતવર બની રહેશે.

એટલું જ નહીં તુર્કીના ઇતિહાસમાં આ ઇસ્લામવાદી નેતા બીજા સૌથી તાકતવર નેતા બની ગયા છે. હજુ પણ તુર્કીના સ્થાપક મુસ્તફા કમાલ અતાતુર્ક એટલે કે મુસ્તફા કમાલ પાશા સૌથી લોકપ્રિય નેતા છે.

અર્દોઆનથી ઉપર કોઈ નહીં

ચૂંટણી પરિણામોમાં અર્દોઆનનો વિજય થયો, પરંતુ તેના મૂળિયા 2017માં જ નખાઈ ગયા હતા. એ સમયે થયેલા જનમત સંગ્રહમાં અગાઉ વડા પ્રધાન પાસે રહેલી સત્તાઓ રાષ્ટ્રપતિને આપવામાં આવી હતી.

હવે તુર્કીમાં વડા પ્રધાનનું પદ નાબુદ કરી દેવામાં આવ્યું છે અને તેની પાસે રહેલી તમામ શક્તિઓ રાષ્ટ્રપતિને સોંપવામાં આવી છે.

અર્દોઆન એકલા હાથે વરિષ્ઠ અધિકારીઓથી માંડીને પ્રધાનો, જજો તથા ઉપ-રાષ્ટ્રપતિની નિમણૂક કરશે.

અર્દોઆન તુર્કીના ન્યાયતંત્રની કાર્યપદ્ધતિમાં દખલ કરી શકશે, દેશનું બજેટ તૈયાર કરશે. 2016માં તુર્કીની સેનાએ બળવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

એ સમયે દેશમાં કટોકટી લાદવામાં આવી હતી. હવે, અર્દોઆને નિર્ણય કરવાનો છે કે કટોકટી ઉઠાવી લેવી કે ચાલુ રાખવી.

વ્યાપક અધિકારોની સાથે તુર્કીમાં એવી કોઈ સત્તા કે વ્યક્તિ નહીં રહે કે જે અર્દોઆનના નિર્ણયોની સમીક્ષા કરી શકે.

નવા બંધારણ મુજબ, અર્દોઆન માત્ર પાંચ વર્ષ માટે દેશના સર્વસત્તાધીશ નહીં હોય. તેઓ ઇચ્છે તો 2023 અને પછી 2028ની ચૂંટણી પણ લડી શકશે. હાલમાં તેમની ઉંમર 64 વર્ષની છે.

ઇમિગ્રન્ટનો દીકરો સૌથી તાકતવર નેતા

અર્દોઆનના પિતા જોર્જિયાથી આવીને તુર્કીમાં વસ્યા હતા. આજે તેમનો દીકરો તુર્કીનો સૌથી શક્તિશાળી શખ્સ બની ગયો છે.

અહીં સુધી પહોંચવા માટે અર્દોઆને લાંબી સફર ખેડી છે તથા અનેક તડકીછાંયડી જોઈ છે. અર્દોઆનનો જન્મ કાસિમપાસામાં થયો હતો, પરંતુ તેમનો ઉછેર કાલા સાગર પાસે થયો હતો.

તુર્કીમાં ઇસ્લામિક આંદોલન સમયે અર્દોઆનને પ્રસિદ્ધિ મળી. સત્તાના શિખર સુધી પહોંચતા પહેલાં અર્દોઆને જેલજાત્રા પણ કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

11 વર્ષ સુધી અર્દોઆન તુર્કીના વડા પ્રધાનપદ પર રહ્યા. આ ગાળા દરમિયાન તેમને પદ પરથી હટાવવા માટે અનેક હિંસક પ્રયાસ થયા, પરંતુ અર્દોઆને તેનો સફળતાપૂર્વક સામનો કર્યો.

ગત પંદર વર્ષ દરમિયાન અર્દોઆને 14 ચૂંટણીનો (ધારાસભી છ, ત્રણ જનમત સંગ્રહ, ત્રણ સ્થાનિક તથા બે રાષ્ટ્રપતિ) સામનો કર્યો અને તેમાં વિજયી પણ થયા.

રૂઢિચુસ્ત મુસ્લિમોમાં અર્દોઆન ખૂબ જ લોકપ્રિય છે. સમર્થકોનું કહેવું છે કે અર્દોઆને આર્થિકક્ષેત્રે સકારાત્મક પગલાં લીધા છે તથા દેશને આંતરરાષ્ટ્રીય મંચ પર સ્થાન અપાવ્યું છે.

અર્દોઆનની સિદ્ધિઓ

પ્રારંભિક કાર્યકાળમાં અર્દોઆને આરોગ્ય સેવાઓને સુદ્રઢ કરી તથા મોતની સજાને નાબુદ કરી. તેમના આ નિર્ણયથી કૂર્દ બળવાખોરો સાથે શાંતિ સ્થાપમાં સરળતા રહી હતી.

સત્તા સંભાળ્યા બાદ અર્દોઆને તુર્કી જેવા પંથનિરપેક્ષની દેશમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પરના નિયંત્રણો હટાવી લીધા. તેમણે માળખાકીય સુવિધાઓ વધારવા માટે કાર્યક્રમ હાથ ધર્યો તથા આક્રમક વિદેશનીતિ અપનાવી.

શું કહે છે ટીકાકારો?

જોકે, અર્દોઆનના ટીકાકારો તુર્કીમાં પ્રવર્તમાન આર્થિક કટોકટી તથા તેમના વલણની ટીકાર કરે છે.

તુર્કીમાં મોંઘવારીનો દર દસ ટકાથી વધુ છે. ઉપરાંત તુર્કીના ચલણ લીરાનું મૂલ્ય દિવસે ને દિવસે કથળી રહ્યું છે.

ટીકાકારોનું કહેવું છેકે અર્દોઆન સત્તા પર આવ્યા છે, ત્યારથી તેમના દુશ્મનો કાં તો જેલમાં છે અથવા તો વિદેશમાં નિર્વાસિત બની રહેવા માટે મજબૂર છે.

2016માં સેનાના એક વર્ગે બળવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ત્યારથી તુર્કીવાસીઓ કટોકટીમાં જીવી રહ્યા છે.

ત્યારથી લઈને અત્યારસુધીમાં લગભગ એક લાખ સાત હજાર સરકારી કર્મચારીઓ અને સૈનિકોને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ઉપરાંત 50 હજારથી વધુ લોકો જેલમાં સબડી રહ્યા છે.

પડકારો

અર્દોઆન પાસે તમામ સત્તાઓ હશે અને બહુમત પણ છે. છતાંય તેમના માટે આગામી સમય પડકારોથી ભરેલો હશે. ચૂંટણી પ્રચાર અભિયાન જ તેમને આ વાતનો અંદાજ આવી ગયો હશે.

અન્ય રાજકીય પક્ષો અર્દોઆનના નિર્ણયોની ટીકા કરી રહ્યા છે. અર્દોઆન યુરોપિયન સંઘમાં સામેલ થવા માગે છે, પરંતુ વિપક્ષના વિરોધને કારણે તેમની આ ઇચ્છાને અસર પહોંચે તેવી શક્યતા છે.

યુરોપિયન સંઘના સભ્ય (એમઈપી) કૈટી પિરીએ ટ્વિટર પર સ્પષ્ટપણએ જણાવ્યું છે કે અર્દોઆનની કાર્યપદ્ધતિ યુરોપિયન સંઘમાં સામેલ થવાની વાતચીને અનુરૂપ નથી.

તુર્કીમાં છેલ્લા લગભગ બે વર્ષથી કટોકટી લદાયેલી છે. ત્યારે અર્દોઆન તેને ઉઠાવે છે કે નહીં, તેની ઉપર નજર રહેશે.

છેલ્લા કેટલાક સમયથી તુર્કીમાં રાજકીય અસ્થિરતા પ્રવર્તી રહી છે, જેના કારણે વિદેશી મૂડી રોકાણ ઘટ્યું છે.

જો તુર્કીમાંથી કટોકટી ઉઠાવી લેવામાં આવે તો પણ તેનો મતલબ એવો નથી કે જેલમાં બંધ કેદીઓને છોડી મૂકવામાં આવશે.

તુર્કીથી બીબીસી સંવાદદાતા માર્ક લૉવેન જણાવે છે કે અર્દોઆન વિપક્ષ સાથે કેવી રીતે વાટાઘાટો હાથ ધરે છે, તેના ઉપર નજર મંડાયેલી રહેશે.

લૉવેન ઉમેરે છે, "ફરી એક વખત તુર્કીની અડધી પ્રજા વિજયનો આનંદ મનાવી રહી છે તો અડધી પ્રજા ગુસ્સામાં છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો