You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆને કહ્યું, "અમેરિકાને શરમ આવવી જોઈએ"
તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને આરોપ મૂક્યો છે કે અમેરિકા એક પાદરીને કારણે તુર્કીને ઝુકાવવાના પ્રયાસો કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકા એન્ડ્ર્યુ બ્રુસન નામના પાદરીને મુક્ત કરવાની માગ કરી રહ્યું છે જે તુર્કીની જેલમાં બંધ છે.
તેમની પર આરોપ છે કે તેઓ વર્ષ 2016માં તુર્કીમાં થયેલા અસફળ શાસનપલટાનું ષડ્યંત્ર ઘડનારાઓ સાથે સંપર્કમાં હતા.
અમેરિકાએ તુર્કી પર શુક્રવારે સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પર લાગતા આયાત કરને વધારીને બમણો કરી દીધો છે.
બન્ને દેશની રાજકીય લડાઈને કારણે તુર્કીનાં ચલણ લીરાની કિંમત અમેરિકાના ડૉલરની સરખામણીએ 16 ટકા ઘટી ગઈ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ગત મહિને ટ્વીટ કરીને બ્રુસનની મુક્તિની માગ કરી હતી.
તેમણે કહ્યું હતું, "બ્રુસન જેવા મહાન ખ્રિસ્તી, પારિવારિક વ્યક્તિ અને સારા માણસને લાંબા સમય સુધી બંદી બનાવી રાખવા માટે અમે તુર્કી પર પ્રતિબંધો લગાવીશું. નિર્દોષ બ્રુસેનને તરત મુક્ત કરવા જોઈએ."
જોકે, અમેરિકા અને તુર્કી વચ્ચે માત્ર બ્રુસેન વિવાદનો મુદ્દો નથી. સીરિયા માટે તુર્કીની નીતિઓ અને રશિયા સાથે વધતી નિટકતા પણ આ માટે જવાબદાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'શરમ કરો...શરમ કરો...'
રાષ્ટ્રપતિ અર્દોઆને શનિવારે એક રેલીમાં કહ્યું, "એક પાદરીને કારણે તુર્કીને ધમકાવી ઝુકાવવાનો પ્રયાસ કરવો ખોટી બાબત છે. શરમ કરો, શરમ કરો. તમે તમારા નાટો સહયોગીને એક પાદરીને કારણે ધમકાવી રહ્યા છો."
તેમણે વધુમાં ઉમેર્યું, "તમે આ દેશને ધમકીઓ આપી ઝુકાવી નહીં શકો. અમે ક્યારેય અમારી નીતિ સાથે સમજૂતી નથી કરી, અને કરીશું પણ નહીં."
તમે આ વાંચ્યું કે નહીં?
આ ઘટનાના એક દિવસ પહેલાં અર્દોઆને દેશવાસીઓને તેમની પાસે રહેલી વિદેશી મુદ્રા અને સોનાને લીરા (તુર્કીનું ચલણ)માં બદલવાની ભાવુક અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું, "જો તમે તમારા ઓશીકા નીચે ડૉલર, સોનું કે યુરો રાખ્યા હોય, તો બૅન્ક જાઓ અને તેમને લીરામાં બદલો. આ દેશની લડાઈ છે અને આપણે એકસાથે મળીને લડવું જોઈએ."
અર્દોઆને ન્યૂ યોર્ક ટાઇમ્સના પોતાના એક લેખમાં કહ્યું કે જો અમેરિકા પોતાનું વલણ નહીં બદલે, તો તુર્કી નવા મિત્રો અને સહયોગી શોધી લેશે.
તેમણે લખેલા મહત્ત્વના મુદ્દાઓ આ પ્રમાણે હતા:
અમેરિકા સતત તુર્કીના લોકોની ચિંતા અને મુદ્દાઓને સમજવામાં નિષ્ફળ રહ્યું છે.
જો અમેરિકા, તુર્કીનું સાર્વભૌમત્વ ન સમજી શકે, તો અમારા સંબંધો મુસીબતમાં પડી જશે.
ભલે અમેરિકા અને તુર્કી દાયકાઓથી સહયોગીઓ રહ્યા હોય, પરંતુ તુર્કી પાસે બીજા વિકલ્પો પણ છે.
જો અમેરિકા કોઈ એકતરફી નિર્ણય લેશે, તો અમે નવા સહયોગીઓ શોધી લઈશું.
શું કહે છે અમેરિકા?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટ કરીને કહ્યું કે તુર્કીનું ચલણ લીરા અમેરિકન ડૉલરની તુલનાએ ખૂબ જ નબળું છે. હાલમાં બન્ને દેશ વચ્ચેના સંબંધો પણ સારા નથી.
એટલું જ નહીં ટ્રમ્પે ઍલ્યુમિનિયમ અને સ્ટીલના સામાન પર આયાત કર વધારવાની જાણકારી પણ ટ્વિટર મારફતે આપી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો