ઇમરાનની પાર્ટીએ કહ્યું, કોઈ સેલિબ્રિટી આમંત્રણ નહીં

ઇમેજ સ્રોત, Getty Images
તહેરિક-એ-ઇન્સાફ પાર્ટીના કહેવા પ્રમાણે, પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે ઇમરાન ખાનની શપથવિધિમાં કોઈ પણ વિદેશી ફિલ્મ સ્ટાર કે ખેલાડીને આમંત્રિત કરવામાં નથી આવ્યા.
પાર્ટીના વરિષ્ઠ નેતા ફૈઝલ જાવેદને ટાંકીને બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝમાં મીડિયા રિપોર્ટ્સને નકારી કાઢવામાં આવ્યા છે.
ભારતમાં પ્રકાશિત મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ઇમરાન ખાનના શપથ સમારંભમાં સુનિલ ગાવસ્કર, કપિલ દેવ, અભિનેતા આમિર ખાન તથા નવજોતસિંઘને આમંત્રિત કરવામાં આવ્યા છે.
પત્રકાર પરિષદમાં નવજોત સિંઘ સિદ્ધુએ આ વાતની પુષ્ટિ કરી હતી. બાદમાં બીબીસી સાથે વાતચીતમાં સિદ્ધુએ કહ્યું હતું, "જે ચાર લોકોને શપથ સમારંભ માટે આમંત્રણ મળ્યું છે, તેમાં મારું નામ પણ છે. એ મારા માટે સન્માનની વાત છે."
વાતચીત દરમિયાન સિદ્ધુએ ઇમરાન ખાનની રાજકીય કારકિર્દીની પ્રશંસા કરી હતી.
તહેરિક-એ-ઇન્સાફ પાકિસ્તાન દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું હતું કે શપથ સમારંભમાં કોઈ વિદેશી રાજકારણીને આમંત્રણ આપવામાં નથી આવ્યું.
તાજેતરની વાતચીતમાં પાર્ટીએ કહ્યું છે કે આ કાર્યક્રમ સાદગીપૂર્ણ હશે, કારણ કે પાર્ટી કરદાતાઓના નાણાંનો વેડફાટ નથી ઇચ્છતી.
તા. 11મી ઑગસ્ટે ઇસ્લામાબાદ ખાતે ઇમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે શપથ લેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમરાનની પ્રશંસા

ઇમેજ સ્રોત, Getty Images
આ પહેલાં નવજોત સિંઘ સિદ્ધુએ બીબીસી સંવાદદાતા પ્રદીપ કુમાર સાથેની વાતચીતમાં કહ્યું, "હું સન્માનિત અનુભવું છું કે જે ચાર લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે, તેમાંનો એક હું છું એટલે ખૂબ જ સન્માનિત અનુભવું છું."
રાજનેતા ઇમરાન ખાનની સફળતા વિશે વાત કરતા સિદ્ધુ કહે છે, "ઇમરાન સાહેબના ગત 20-25 વર્ષ જોઈ લો, મુશ્કેલીએ તેમને નિખાર્યા છે.”
“તેમણે સંઘર્ષને પોતાનું ઘરેણું બનાવ્યું. એક પાર્ટી શરૂ કરી અને પ્રધાનમંત્રીના પદ સુધી પહોંચી ગયા. તેમની યાત્રા સંઘર્ષમય હતી, પરંતુ દરેક મુસીબતોમાંથી પાર ઉતર્યા."
પાકિસ્તાનના વિદેશમંત્રાલય તરફથી સ્પષ્ટ કરાયું છે કે, ઇમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં કોઈ પણ રાજનેતાને આમંત્રિત નથી કરાયા.
નવજોત સિંઘ સિદ્ધુ પંજાબમાં કોંગ્રેસ સરકારમાં મંત્રી પણ છે, પરંતુ ઇમરાન ખાનનું આમંત્રણ તેમને ક્રિકેટર તરીકે મળ્યું હશે.
તમે આ વાંચ્યું કે નહીં?

ઇમેજ સ્રોત, PTI
રોચક વાત એવી છે કે 1989માં ભારતીય ક્રિકેટ ટીમ સાથે નવજોત સિંઘ સિદ્ધુએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો, ત્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કૅપ્ટન ઇમરાન ખાન હતા.
આ સિરીઝમાં પહેલી વાર એવું બન્યું હતું કે ભારતીય ટીમ એક પણ ટેસ્ટ હારી ન હતી.
ચાર ટેસ્ટ મેચની આ સિરીઝની ચારેય ટેસ્ટ ડ્રો થઈ હતી. નવજોત સિંઘ સિદ્ધુએ ચાર ટેસ્ટમાંથી ત્રણ ટેસ્ટમાં ભારત માટે શાનદાર બૅટિંગ કરી હતી.
તેઓ સદી નહોતા કરી શક્યા, પરંતુ સિયાલકોટમાં તેમની 97 રનની ઇનિંગના કારણે ભારત ટેસ્ટ સાથે સાથે સિરીઝ બચાવવામાં સફળ રહ્યું હતું.
આ સિરીઝને યાદ કરતા સિદ્ધુ કહે છે, "પીચ ઘાસ વાળી હતી. ઇમરાન સાહેબને લાગતું હતું કે આ પીચ પર ભારતીય ખેલાડી ઇમરાન, વસીમ, આકિબના આક્રમણને સહન કરી શકશે નહીં.
"પરંતુ મેં સંઘર્ષને ઘરેણું બનાવી લીધું હતું. સિયાલકોટમાં ભારતની 24 રનમાં ચાર વિકેટ પડી ગઈ હતી. તેંડુલકરના નાક પર ઇજા પહોંચી હતી.
"પરંતુ તેણે ખૂબ જ સારી હિમ્મત દાખવી હતી અને અમે ટેસ્ટ બચાવી શક્યા હતા."


ઇમેજ સ્રોત, Getty Images
ઇમરાન ખાનના કૅપ્ટન તરીકેના યોગદાન વિશે સિદ્ધુ કહે છે કે "ઇમરાન એવા કૅપ્ટન હતા, જે સાધારણ ખેલાડીઓને અસાધારણ બનાવી દેતા હતા.”
“વસીમ અને વકાર પાસે જૂતાં પણ ન હતા. તેમને સીધા ટીમમાં સામેલ કરી દેવામાં આવ્યાં હતાં. ઇન્ઝમામનો વર્લ્ડ કપમાં સીધો સમાવેશ કરી લેવાયો હતો."
સિદ્ધુના કહેવા મુજબ, ઇમરાન ખાન સામે અનેક પડકારો છે, કારણ કે તેમની સામે પાકિસ્તાનને ઉત્તમ દેશ બનાવવાનો પડકાર છે.

ઇમેજ સ્રોત, Getty Images
સિદ્ધુ કહે છે, "ઇમરાન ખાનનું વ્યક્તિત્વ હારને જીતમાં બદલી નાખનારું રહ્યું છે. તેમની ટીમની સ્થિતિ સારી હોય તો તેઓ આરામ કરે, પણ સ્થિતિ ખરાબ હોય તો સૌથી આગળ રહેતા હતા."
ઇમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં સિદ્ધુ તેમને મળશે તો એવું શું કહેશે કે જેથી બન્ને દેશોના સંબંધો સુધરી શકે.
આ સવાલના જબાવમાં સિદ્ધુ કહે છે કે અત્યારે તો માહોલ સ્વાગત સમારોહ જેવો હશે.
પરંતુ સિદ્ધુ એવું પણ માને છે કે ઇમરાન ખાનના પ્રધાનમંત્રી બનવાથી બન્ને દેશો વચ્ચે નવા સંબંધની શરૂઆત થશે.
સિદ્ધુ કહે છે "અમને આશા છે કે ઇમરાન ખાન એક નવી શરૂઆત કરશે. જેટલી જલદી બૉર્ડર ખુલે, વેપાર રોજગાર વધે એટલું સારું થશે.”
“લોકોમાં પ્રેમ વધશે તો જ કડવાશ ઓછી થશે. અમૃતસરમાં કોઈ સાગ-મકાઈની રોટલી ખાય અને લાહોરથી બિરયાની ખાઈને પરત આવે."
સિદ્ધુ કહે છે કે તેઓ ગુરુ નાનકની 550મી જન્મ જયંતીની શરૂઆત પાકિસ્તાનના નનકાના સાહેબથી કરાવવા માગે છે.
કરતારપુર સાહેબ કોરિડોર ઉપરાંત હુસૈનીવાલા બૉર્ડર અને વાઘા બૉર્ડર ખોલાવવા માંગે છે.
સિદ્ધુના મતે, જ્યારે આ બૉર્ડર ખુલશે, ત્યારે બન્ને દેશોના સંબંધો વધુ મજબૂત બનશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














