ક્યાં રહેવું વધારે ફાયદાકારક છે શહેરમાં કે ગામડામાં?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રદૂષણ આજે વિશ્વ માટે એક મોટી સમસ્યા બનીને ઊભરી રહ્યું છે. કેટલાંક વર્ષો પહેલાં ચીનની રાજધાની બેઇજિંગ દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર હતું.
જોકે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના 2018ના રિપોર્ટ મુજબ કાનપુર શહેરે બેઇજિંગને પછાડી દીધું છે.
મોટાં શહેરોમાં લોકો પ્રદૂષણથી તો પરેશાન છે પરંતુ સાથેસાથે તણાવથી પણ પીડાઈ રહ્યા છે.
આ મુશ્કેલીઓથી છૂટકારો મેળવવા માટે લોકો દરિયા કિનારે કે પહાડી વિસ્તારો તરફ જવાનું વિચારે છે.
જોકે, તાજેતરનું એક સંશોધન દર્શાવે છે કે આપણે મોટાં શહેરોમાં રહીએ, દરિયા કિનારે રહીએ કે પહાડોમાં રહીએ, માહોલ આપણા સ્વાસ્થ્ય કે ખુશીઓ પર ઊંડી અસર કરતો નથી.
પણ, આ વાત હજી શરૂઆતના સંશોધનના આધારે કહેવામાં આવી રહી છે. આ દિશામાં હજી પ્રયોગો ચાલુ છે.
બ્રિટિશ પર્યાવરણ મનોવૈજ્ઞાનિક મૅથ્યુ વ્હાઇટ અને અન્ય સંશોધકોનું કહેવું છે કે આપણી આસપાસનો માહોલઆપણા પર કેવી અસર કરે છે, તેનાં ઘણાં કારણો હોય છે.
તેમાં વ્યક્તિનો ઉછેર, જિંદગીની પરિસ્થિતિ, તેમનો શોખ અને કાર્ય મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમાં કોઈ શંકા નથી કે જે લોકો હરિયાળીની નજીક રહેતા હોય એમના પર પ્રદૂષણની અસર ઓછી થતી હોય છે. એમને તણાવ પણ ઓછો અનુભવાતો હોય છે.
મોટા શહેરોમાં એટલે જ વૃક્ષોની વધુ જરૂર હોય છે.
જ્યારે આપણે કોઈ બગીચામાં ફરતાં હોઈએ કે કોઈ વૃક્ષની છાયામાં બેઠા હોઈએ ત્યારે હૃદયના ધબકારા અને બ્લડપ્રેશર આપોઆપ નિયંત્રિત થઈ જતા હોય છે.

શહેર અને ગામની સમાનતા

ઇમેજ સ્રોત, Getty Images
ખરેખર તો એવા સમયે આપણું શરીર લિમ્ફૉસાઇટ્સ નામના કિલર સેલ પેદા કરવા લાગતું હોય છે.
જે શરીરમાં વાઇરસની શિકાર કોશિકાઓ અને કૅન્સર જેવી ઘાતક બીમારીના વાઇરસ સાથે લડે છે.
અલબત્ત, કેટલાક સંશોધકો આ થિયરીને પૂરી રીતે સાચી માનતા નથી.
અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર ઍમ્બર પિયર્સનનું કહેવું છે કે જો માનવના વિકાસક્રમની થિયરી પર ધ્યાન આપવામાં આવે તો કુદરતે જ તેનું અસ્તિત્વનું ટકાવી રાખ્યું હતું.
એટલે જ હાલના સંશોધનનાં તારણો નજરઅંદાજ કરી શકાય કે સંપૂર્ણરીતે નકારી શકાય એવા નથી.
એમાં કોઈ શંકા નથી કે શહેરી લોકોમાં વિવિધ ઍલર્જી, તણાવ અને શ્વાસ સંબંધિત બીમારીઓનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે.
લોકો શહેરની ભીડ, પ્રદૂષણ અને તણાવથી દૂર થવા માટે ગામડાંમાં રહેવા લાગ્યા છે પરંતુ હવે તો ત્યાં રહેવું એક પડકારજનક છે.
ત્યાં જીવજંતુઓ દ્વારા થતા ઇન્ફૅક્શનનો ખતરો વધારે રહે છે.

ગામડાંમાં પ્રદૂષણ

ઇમેજ સ્રોત, Getty Images
જો આપણે ભારતનાં દિલ્હી જેવાં શહેરોની વાત કરીએ તો અહીં મોટાં શહેરોમાં થનારા પ્રદૂષણ માટે ઘણે અંશે ગામડાં જવાબદાર છે.
ગામડાંમાં ડાંગર અને ઘઉં જેવા પાક લીધા બાદ ખેતર સાફ કરવા માટે સળગાવવામાં આવે છે.
જેમાંથી ઝેરી ધુમાડો નીકળે છે, જે શહેરી લોકો કરતાં વધારે ગામનાં લોકો માટે ખતરનાક હોય છે.
એ સિવાય ગામમાં ભોજન રાંધવા માટે છાણાં અને લાકડાંના બળતણનો ઉપયોગ થાય છે. તેમાંથી પણ ધુમાડો નીકળે છે. જે નુકસાનકારક હોય છે.
એક રિપોર્ટ અનુસાર, 2015માં ભારતમાં લગભગ 11 લાખ લોકોનાં મૃત્યુ પ્રદૂષણનાં કારણે થયાં હતાં. મૃતકોની સંખ્યામાં 75 ટકા લોકો ગામડાંના હતા.
ભારતની જેમ ઇન્ડોનેશિયામાં પણ ખેતરો સાફ કરવા માટે આવી પદ્ધતિ અપનાવવામાં આવે છે.
અહીં ખેતરો સળગાવ્યા બાદ નીકળતો ધુમાડો વધારે ઝેરી હોય છે અને કેટલાય મહિનાઓ સુધી ઇન્ડોનેશિયા સહિત અન્ય દેશો સિંગાપોર, મલેશિયા અને થાઇલૅન્ડ જેવા દેશોને પણ અસર કરે છે.
એટલું જ નહીં દક્ષિણ અમેરિકા અને દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થતો ધુમાડો સમગ્ર દક્ષિણ ધ્રુવને પ્રદૂષિત કરે છે.

ઊંચાઈ પર રહેવાનું નુકસાન

ઇમેજ સ્રોત, Getty Images
વિકસિત દેશો પણ હવાને પ્રદૂષિત કરવામાં પાછળ નથી. ઉદાહરણના રૂપમાં જોઈએ તો અમેરિકાનાં જંગલોમાં લાગેલી આગ અને ખેતરોમાં ઉપયોગમાં લેવાતાં જંતુનાશકો પણ યુરોપ, રશિયા, અમેરિકા અને ચીનની હવાને પ્રદૂષિત કરી રહ્યાં છે.
જે લોકો મેદાની પ્રદેશમાં 2500 મીટરની ઊંચાઈએ રહે છે, તેમને શ્વાસ સંબંધિત બીમારીઓ સરળતાથી થઈ જાય છે. તેમને હંમેશાં શ્વાસનળીમાં ઇન્ફૅકશન થાય છે.
સામાન્ય રીતે કાર જેમ વધુ ઊંચાઈએ પહોંચે તેમ તેમાંથી કાર્બન મોનોઑક્સાઇડ અને હાઇડ્રોકાર્બન વધારે નીકળે છે.
સોલર રેડિયેશનના કારણે વાહનો પણ વધારે ખતરનાક થઈ જાય છે. વાસ્તવમાં 1500થી 2500 ફૂટની ઊંચાઈએ રહેવું સારો વિકલ્પ છે.

પાણીની પાસે રહેવાના ફાયદા-નુકસાન

ઇમેજ સ્રોત, Getty Images
પાણીની નજીક રહેવાના સમર્થનમાં ઘણા મત જોવા મળે છે. કેટલાકનું કહેવું છે કે જે લોકો પાણીની નજીક રહે છે તેમનામાં વિટામિન ડીની ઊણપ નથી હોતી.
બીજું કે ત્યાં ખાવા માટે એટલા જીવો મળી જાય છે જે માણસના સ્વાસ્થ્ય માટે સારું છે.
તે ઉપરાંત ઘણા લોકો તો તેના મનોવૈજ્ઞાનિક ફાયદા પણ જણાવે છે. ઉદાહરણના રૂપે સંશોધક પિયર્સન અને તેમના સાથીઓએ2016માં ન્યૂ ઝીલૅન્ડમાં એક સંશોધન કર્યું.
જેમાં જાણવા મળ્યું કે દૂર સુધી ફેલાયેલા પાણીને જોતાં તેમને મૂડ ડિસઑર્ડર અને તણાવની સમસ્યા ઓછી થતી જણાઈ.
આવા જ કેટલાંક તારણો અમેરિકાના ગ્રેટ લૅક અને હોંગકોંગમાં પાણીની નજીક રહેનારા પર રિસર્ચ કરતા જાણવા મળ્યાં.
જોકે, આ મામલે હજી સંશોધન ચાલી રહ્યાં છે કે પાણીની નજીક રહેવાથી જ ફરક પડે છે કે માત્ર સમુદ્ર કિનારે જવાથી જ કામ ચાલી જાય.
ડેટા એ પણ દર્શાવે છે કે જે લોકો ખૂબ જ વધારે સૂરજનાં સીધાં કિરણોના સંપર્કમાં રહે છે તેમને સ્કિન કૅન્સરનું જોમખ વધુ રહે છે.
એ જ કારણ છે કે અમેરિકાના વરમૉન્ટ અને મિનેસોટામાં રહેનારા અને ફ્રાન્સ અને ડૅનમાર્કમાં રહેનારા લોકોને કૅન્સર વધારે થાય છે.
હાં, જો પાણી અને હરિયાળી બંને હોય તો તેનો ફાયદો થાય છે ખરો.

સંશોધનની દિલચસ્પ વાત

ઇમેજ સ્રોત, Getty Images
જે લોકો સામાજિક અને આર્થિક રીતે કમજોર હોય છે તેમને પૈસાદાર લોકો કરતાં કુદરતી ચીજોના વધુ ફાયદા મળતા હોય છે.
પ્રોફેસર વ્હાઇટનું કહેવું છે કે અમીર લોકો સામાન્ય પાર્કમાં જતા નથી પરંતુ તેઓ એવા પાર્કમાં જાય છે જ્યાં તેમના જેવા જ લોકો આવે છે.
તેઓ તણાવ મુક્ત થવા માટે રજા પર પણ જતા રહે છે.
જ્યારે ઓછા પૈસાવાળા લોકો ખુલ્લામાં રહે છે અને પોતાનું જીવન સ્તર સુધારવા માટે સંઘર્ષ કરતા રહે છે.
આનંદભર્યા જીવન માટે માત્ર સ્થળમાં બદલાવ જ પૂરતો નથી. અન્ય બાબતો જેમ કે રોજગારી, લગ્ન-છૂટાછેડા, સંબંધોમાં આવતા ઊતાર-ચઢાવ પણ જિંદગીની ખુશી સાથે જોડાયેલા હોય છે.
આ બાબતોની પણ આપણાં જીવન અને સ્વાસ્થ્ય પર ઊંડી અસર થાય છે.
એસ્ટૉનિયાના પ્રોફેસર સાઇમન બેલ કહે છે કે એમાં કોઈ શંકા નથી કે કુદરતની નજીક રહેવાના ઘણા ફાયદા છે.
જોકે, વધારે જરૂરી એ છે કે લોકો એવી જગ્યાની પસંદગી કરે જ્યાં સુરક્ષાનો અનુભવ કરી શકે. કામનું સ્થળ અને બાળકોની સ્કૂલ ઘરની નજીક હોવી જોઈએ.
લોકો સમુદ્ર કે પહાડોમાં રહેવા માગતા હોય તો ઘણા વિકલ્પ છે, પરંતુ યાદ રહે કે અસલમાં ખુશી તો મનની શાંતિ અને સંતોષથી જ આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












