હત્યાના આરોપમાં શહેરની આખી પોલીસ ફોર્સની અટકાયત

મેક્સિકોના એક શહેર ઓકામ્પૉમાં મેયરપદના ઉમેદવારની હત્યા બાદ શહેરના તમામ પોલીસ અધિકારીઓની હત્યામાં સંડોવણીની શંકાના આધારે અટકાયત કરાઈ છે.

ગુરુવારે 64 વર્ષીય ફર્નાન્ડો એન્જલ્સ જ્યુરૅઝની અજાણ્યા શખ્સ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

પહેલી જુલાઈએ થનારી સામાન્ય ચૂંટણી પહેલાં મેક્સિકોમાં અત્યારસુધી 100 રાજકારણીઓની હત્યા થઈ ચૂકી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

એન્જલ્સની હત્યા સાથે મિકૉઆકૅનના પશ્ચિમ વિસ્તારમાં એક જ સપ્તાહમાં રાજકારણીની હત્યાની આ ત્રીજી ઘટના નોંધાઈ છે.

શહેરના 27 પોલીસ અધિકારીઓ અને સ્થાનિક સુરક્ષા કર્મચારીઓની ફૅડરલ ફોર્સીસ દ્વારા રવિવારે અટકાયત કરવામાં આવી હતી.

જ્યારે મેક્સિકોની ફૅડરલ ફોર્સ શનિવારે આરોપીઓની અટકાયત કરવા માટે શહેરમાં આવી, ત્યારે સ્થાનિક પોલીસે તેમને અટકાવ્યા હતા.

રવિવારે સવારે તેઓ સૈન્ય સાથે પરત આવ્યા, સ્થાનિક ફોર્સ અને તેમના વડાની ધરપકડ કરી લીધી.

તેમની પૂછપરછ માટે હાથકડી પહેરાવીને રાજધાની મોરેલિઆ ખાતે લઈ ગયા હતા.

ફરિયાદી વકીલોએ હત્યાઓ માટે જવાબદાર જૂથો સાથે આ પોલીસ અધિકારીઓ અને ગોન્ઝાલેઝના સંપર્ક હોવાનો આક્ષેપ કર્યો હતો.

મેક્સિકોમાં રવિવારે ચૂંટણી થશે જેમાં રાષ્ટ્રપતિ પણ ચૂંટાશે, આશરે ત્રણ હજાર જેટલા પદો માટે આ ચૂંટણી યોજાઈ રહી છે.

ભ્રષ્ટાચારના વિરોધી નેતાની છાપ

એન્જલ્સ એક સફળ બિઝનેસમૅન તરીકેની કારકિર્દી સાથે રાજકીય અનુભવ પણ ધરાવતા હતા.

અપક્ષ ઉમેદવાર તરીકે તેઓ ચૂંટણી લડે એવી શક્યતા હતી, પણ તેઓ મેક્સિકોની મુખ્ય પાર્ટીઓમાંથી એક ગણાતી સેન્ટ્રલ-લેફ્ટ પાર્ટી ઑફ ધ ડેમૉક્રેટિક રિવલ્યુશન(પીઆરડી)માં જોડાયા હતા.

તેમના નજીકના મિત્ર મિગ્યુઅલ મલાગૉને 'એલ યુનિવર્સલ' અખબારને જણાવ્યું, "ઍન્ગલ્સ ગરીબી, અસમાનતા અને ભ્રષ્ટાચાર જોઈ નહોતા શકતા અને એટલે જ તેમણે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું."

આ હત્યા બાદ વકીલોએ ઓકેમ્પૉના જાહેર સુરક્ષા સચિવ, ઓસ્કાર ગોન્ઝાલેઝ ગાર્સિયાની સંડોવણીનો આરોપ મૂક્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો