બ્લૉગઃ ‘નવાઝ શરીફના નિવેદન બાબતે ભારતીય મીડિયાનો ભાંગડા નિરર્થક કેમ?’

    • લેેખક, વુસતુલ્લાહ ખાન
    • પદ, પાકિસ્તાનથી, બીબીસી ગુજરાતી માટે

પાકિસ્તાનના અખબાર 'ડોન'માં બે દિવસ પહેલાં ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનો ઇન્ટર્વ્યૂ પ્રકાશિત થતાંની સાથે જ ભારતીય ટીવી ચેનલોએ એક પગે ભાંગડા કરવા લાગી હતી અને પાકિસ્તાની ચેનલોમાંથી આગના ભડકા નીકળવા લાગ્યા હતા.

બન્ને દેશોમાંનું સોશિયલ મીડિયા પણ પાગલ થઈ ગયું હતું અને એકથી બીજી ડાળ પર છલાંગ મારતો વાંદરો બની ગયું હતું.

નવાઝ શરીફે એ ઇન્ટર્વ્યૂમાં ઘણી વાતો કરી હતી. એ પૈકીની એક મુંબઈ પરના હુમલા સંબંધી હતી.

નવાઝ શરીફે કહ્યું હતું, "આપણે ત્યાં હથિયારધારી જૂથો અસ્તિત્વમાં છે. તમે તેમને બિનસત્તાવાર જૂથો કહી શકો છો. એ જૂથો સરહદ પાર કરીને મુંબઈ જાય અને દોઢસો લોકોની હત્યા કરીને આવે તેની છૂટ આપવી જોઈએ? મને સમજાવો."

"તમે કહો કે આતંકવાદીઓ સામેના અદાલતી ખટલાઓ આગળ કેમ નથી વધતા? આવું ન થવું જોઈએ. એવા પ્રયાસ અમે કરતા હતા. આપણે દુનિયાથી અલગ પડી ગયા છીએ. આપણી વાત કોઈ સાંભળતું નથી."

આમાં નવાઝ શરીફે એવું શું કહ્યું હતું કે મુંબઈ પરના હુમલામાં પાકિસ્તાનનો હાથ છે અને નવાઝ શરીફે ભાંડો ફોડી નાખ્યો છે એમ ભારતીય મીડિયા જોરશોરથી જણાવી રહ્યું છે?

પાકિસ્તાની મીડિયા અને સોશિયલ મીડિયા ગળું ફાડીને તેમને ગદ્દાર, દેશદ્રોહી, ટકલું વગેરે વગેરે શા માટે કહી રહ્યું છે?

ભૂતપૂર્વ રાષ્ટ્રીય સલામતી સલાહકારે શું કહેલું?

પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના રાષ્ટ્રીય સલામતી સલાહકાર જનરલ મહમૂદઅલી દુર્રાનીએ પણ મુંબઈ હુમલા પછી તરત જ આ વાત કરી હતી.

જનરલ દુર્રાનીએ જણાવ્યું હતું કે મુંબઈ પર હુમલો કરનારા બિનસત્તાવાર જૂથોના લોકોએ ભારતીય સીમા પાર કરી હતી.

આ મુદ્દે પરવેઝ મુશર્રફે જનરલ દુર્રાનીને બરતરફ કર્યા હતા અને તેના આઠ વર્ષ પછી એક પાકિસ્તાની ચેનલને આપેલા ઇન્ટર્વ્યૂમાં ખુદ પરવેઝ મુશર્રફે જણાવ્યું હતું કે તાલિબાન હોય કે અયમન અલ-જવાહિરીનું લશ્કરે તૈયબા, એક જમાનામાં એ બધા આપણા હીરો હતા. હવે જમાનો બદલાઈ ગયો છે.

ચૂંટણીની સીઝન

હવે નવાઝ શરીફે એ જ જૂની વાતોનો પુનરોચ્ચાર કરીને એવો ક્યો નવો બોમ્બ ફોડ્યો છે કે દિલ્હીથી ઇસ્લામાબાદ સુધી હાહાકાર ફેલાયો છે, જાણે કે આ ઘટસ્ફોટ પહેલીવાર થયો હોય.

હું તો એટલું જ સમજું છું કે પાકિસ્તાનમાં ચૂંટણી યોજાવાની છે અને ભારતમાં પણ ચૂંટણીની ગરમાગરમી શરૂ થવાની છે.

આ એ સીઝન હોય છે, જ્યારે મીડિયા તૂટેલાં વાસણો, લંગડી ખુરશી, ચિરાયેલા વાંસ, ફાટેલી શેરવાની, ફૂગવાળાં શાકભાજી અને સડેલાં ફળો મફતના ભાવે ખરીદીને સમાચાર તથા ઘટસ્ફોટના નામે જનતા અને નેતાઓને નવા સમાચાર સ્વરૂપે વેચતું હોય છે.

આવા સમાચારને સહારે કમસેકમ બે-ચાર દિવસ સુધી જુગાડ ચાલી જ જાય છે. એ પછી ખુદા કોઈ નવું તિકડમ કરાવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો