You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનથી દિલ્હી આવેલાં ફૈઝ અહેમદ ફૈઝના પુત્રીને કેમ બોલવા ન દેવાયાં?
- લેેખક, અનંત પ્રકાશ
- પદ, બીબીસી સંવાદદાતા
પાકિસ્તાનના પ્રખ્યાત શાયર ફૈઝ અહમદ ફૈઝનાં દીકરી મોનીઝા હાશમીને તેમના ભારત પ્રવાસ દરમિયાન એક કાર્યક્રમમાં કથિત રૂપે ભાગ લેવાથી રોકી દેવાયાં હતાં.
મોનીઝા હાશમીએ નવી દિલ્હીમાં 10થી 12 મેના રોજ આયોજિત એશિયા મીડિયા સમિટના 15માં સંમેલનમાં ભાગ લેવાનો હતો.
પરંતુ જ્યારે તેઓ સંમેલન માટે પાકિસ્તાનથી દિલ્હી પહોંચ્યાં તો સંમેલનના આયોજકોએ તેમાં તેમને ભાગ લેવા ન દીધો.
આ સંમેલનનું આયોજન એશિયા- પેસેફિક ઇન્સ્ટિટ્યૂટ ફોર બ્રોડકાસ્ટિંગ ડેવલપમેન્ટ (એઆઈબીડી) કરે છે. પહેલી વખત તેનું આયોજન ભારતમાં થયું છે.
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે ટ્વીટ કરીને આ ઘટનાની ટીકા કરી હતી.
સાથે જ મોનીઝા હાશમીના દીકરા અલી હાશમીએ પણ આ ઘટના અંગે ટ્વીટ કર્યું હતું.
તેમણે લખ્યું કે તેમનાં 72 વર્ષીય માને કૉન્ફરન્સમાં બોલાવ્યા બાદ ભાગ લેવા ન દીધો.
આ આયોજન ભારતમાં પહેલી વખત થયું અને જે દેશમાં પણ તેનું આયોજન થાય છે, ત્યાં સરકાર તેની આયોજક હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત સરકાર અને કાર્યક્રમના આયોજકો તરફથી હજુ સુધી આ મામલે કોઈ ઔપચારિક નિવેદન આવ્યું નથી.
'ખબર નહીં મારી સાથે આવું કેમ થયું'
મોનીઝા હાશમીએ પોતાની સાથે થયેલી વર્તણૂક મામલે બીબીસી સાથે વાત કરી.
તેમણે જણાવ્યું, "હું છેલ્લાં 12-14 વર્ષથી આ સંમેલનમાં ભાગ લઈ રહી છું. ક્યારેક ચીનમાં, ક્યારેક વિયેતનામમાં, ક્યારેક હોંગકોંગમાં તેનું આયોજન થાય છે. ભારતમાં તેનું આયોજન પહેલી વખત થયું છે."
તમે આ વાંચ્યું કે નહીં?
"તેમાં પણ મને નિમંત્રણ મળ્યું અને પૂછવામાં આવ્યું કે મારી પાસે વિઝા છે કે નહીં. મેં હા કહ્યું કેમ કે ફૈઝ ફાઉન્ડેશનના આધારે મને છ મહિનાના મલ્ટી એન્ટ્રી વિઝા મળ્યા હતા. તેવામાં મારી પાસે વિઝા હતા."
"ત્યારબાદ તેમણે કહ્યું કે તમે આવો અને મને એક વિષય આપ્યો જેના પર મારે બોલવાનું હતું. ત્યારબાદ હું 9 મેના રોજ તાજ પેલેસ હોટેલના ડિપ્લોમેટિક એનક્લેવ પહોંચી અને મારા રૂમ વિશે પૂછ્યું તો રિસેપ્શન પર મને જણાવવામાં આવ્યું કે મારા નામથી કોઈ રૂમનું બુકીંગ થયું નથી."
'તેમણે' ના પાડી દીધી છે
72 વર્ષીય મોનીઝા હાશમી ફૈઝ ફાઉન્ડેશન માટે ઘણી વખત ભારતની યાત્રા કરે છે.
પરંતુ આ વખતે તેમનું કહેવું છે કે તેમની સાથે અજબ વર્તણૂક કરવામાં આવી છે.
હાશમી જણાવે છે, "મને એક યુવતીએ આવીને જણાવ્યું કે તમને કાલે (સંમેલન)માં બોલવાની પરવાનગી નથી. તમે આ સંમેલન માટે રજીસ્ટ્રેશન કરી શકતા નથી અને તમે આ હોટેલમાં પણ નહીં રહી શકો."
"મેં કહ્યું કે તમે એશિયા- પેસેફિક ઇન્સ્ટિટ્યૂટ ફોર બ્રોડકાસ્ટિંગ ડેવલપમેન્ટના ડાયરેક્ટરને બોલાવો જેમણે મને નિમંત્રણ આપ્યું હતું. "
"જ્યારે AIBDના ડાયરેક્ટર આવ્યા તો તેમણે કહ્યું કે મને માફ કરી દો. મને હમણાં જ જાણકારી મળી છે, 'તેમણે' મને એવું કહ્યું છે કે તમે આ સંમેલનમાં ભાગ લઈ શકતા નથી અને સંમેલન માટે રજીસ્ટ્રેશન પણ નહીં કરી શકો."
મોનીઝા કહે છે, "પરંતુ હવે આ 'તેમણે' કોણ છે, એ ખબર પડી નથી."
'અમે શું પાકિસ્તાનથી ચેપી રોગની બીમારી લઈને આવ્યાં હતાં'
મોનીઝા હાશમી આ સંમેલનમાં મહિલા સશક્તિકરણના મુદ્દા પર પોતાની વાત રાખવાના હતા પરંતુ તેમને આ સંમેલનમાં ભાગ પણ લેવા ન દીધો.
તેઓ કહે છે કે તેમણે ઘણી વખત કહ્યું કે તેમને આ સંમેલનમાં સામેલ થવા દે પરંતુ આયોજકોએ તેની પણ ના પાડી દીધી.
બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "આટલા ડરનું કારણ શું હતું? અમે શું પાકિસ્તાનથી ચેપી રોગની બીમારી લઈને આવ્યાં હતાં? રજીસ્ટ્રેશન પણ કરવા ન દીધું. આ સારું નથી થયું."
"હું શાંતિ પસંદ કરતી દરેક વ્યક્તિના માધ્યમથી કહેવા માગું છું કે આ પ્રકારનો વ્યવહાર કરવો ન જોઈએ. દરવાજા ખુલ્લા રાખો. દરેક સાથે વાત કરો અને બધાની વાત સાંભળો. તમારો મત વ્યક્ત કરો. પરંતુ આવું ન કરવું જોઈએ કે કોઈના અસ્તિત્વની જ અવગણના કરવામાં આવે."
"પાકિસ્તાન સારું છે કે ખરાબ, પણ અસ્તિત્વમાં છે. મહેમાન સાથે મેજબાન આવો વ્યવ્હાર કરતા નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો