You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીજો વિસ્ફોટ પત્રકારોના જૂથને નિશાન બનાવીને ઇરાદાપૂર્વક કરવામાં આવ્યો હતો
બીબીસીના અફઘાનિસ્તાનના સંવાદદાતા અહેમદ શાહનું મૃત્યુ થયું છે. તેમને પૂર્વ અફઘાનિસ્તાનમાં આવેલા ખોસ્ત પ્રાંતમાં ગોળી મારવામાં આવી હતી. આ ઉપરાંત અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલા બે શક્તિશાળી બૉમ્બ વિસ્ફોસ્ટમાં પત્રકારો સહિત 40 લોકો મૃત્યુ પામ્યા હતા.
અહેમદ શાહ 29 વર્ષના હતા. તેઓ એક વર્ષ પહેલા બીબીસી અફઘાન સર્વિસમાં જોડાયા હતા. બીબીસીમાં આટલા ટૂંકા ગાળાની તેમની આ સફર યાદગાર હતી.
આ સિવાય એએફપી સમાચાર સંસ્થાના અગ્રણી ફોટોગ્રાફર અને અન્ય પત્રકારો સહિત કાબુલમાં 25 લોકો મૃત્યુ પામ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
સોમવારની સવારે કાબુલના શાશદરક વિસ્તારમાં એક હુમલાખોરે મોટરબાઇક પર આવીને પહેલો વિસ્ફોટ કર્યો.
તેની 15 મિનિટ બાદ જ્યારે ત્યાં લોકો અને પત્રકારો એકઠાં થઈ ગયાં ત્યારે બીજો વિસ્ફોટ થયો.
એએફપીએ જણાવ્યું છે કે તેના ચીફ ફોટોગ્રાફર શાહ મરઈ આ વિસ્ફોટમાં મૃત્યુ પામ્યા છે.
અફઘાનિસ્તાનના ગૃહમંત્રીના પ્રવક્તા નજીબ દાનીશે બીબીસીને જણાવ્યું કે, મૃત્યુ પામનારાઓમાં નવ પત્રકારો અને ચાર પોલીસ અધિકારીઓનો સમાવેશ થયા છે.
આ હુમલામાં 45 લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક ટ્વીટમાં સમાચાર સંસ્થાએ જણાવ્યું હતું કે, બીજો વિસ્ફોટ પત્રકારોના જૂથને નિશાન બનાવીને ઇરાદાપૂર્વક કરવામાં આવ્યો હતો.
એએફપીએ પોલીસ પ્રવક્તાને ટાંકીને જણાવ્યું, "પત્રકારના વેશમાં આવેલા આત્મઘાતી બૉમ્બરે ત્યાં એકઠી થયેલી ભીડની વચ્ચે જઈને પોતાની જાતને ઉડાવી દીધી."
શાશદરક વિસ્તારમાં અફઘાનિસ્તાનનું રક્ષા મંત્રાલય, ઇન્ટેલિજન્સ સર્વિસ અને નૅટોની ઓફિસ છે.
શું તમે આ વાંચ્યું?
આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ જૂથે લીધી છે. આઈએસએ આ દાવો પોતાની કહેવાતી સમાચાર સંસ્થા અમાકને આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું.
હજી 10 દિવસના સમયગાળામાં જ કાબુલના એક મતદાર નોંધણી કેંદ્ર પર થયેલા આત્મઘાતી બૉમ્બ વિસ્ફોટમાં 60 લોકોના મૃત્યુ થયા હતા અને 119 લોકો ઘાયલ થયા હતા. એ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ જૂથે લીધી હતી.
કોણ હતા શાહ મરઈ?
બીબીસીના સંવાદદાતા માહફૂઝ ઝુબૈદ એએફપીના ચીફ ફોટોગ્રાફર શાહ મરઈને યાદ કરતા જણાવે છે કે, શાહે તાલિબાનના સમયગાળામાં 1990ના દાયકામાં એએફપીમાં એક ડ્રાઇવર તરીકે કામ શરૂ કર્યું હતું.
વિશ્વની ઘટનાઓમાં તેમનો રસ, જિજ્ઞાસાવૃત્તિ અને ફોટોગ્રાફી પ્રત્યેના પ્રેમને કારણે એએફપીએ તેમને ફ્રાંસમાં ટ્રેઇનિંગ માટે મોકલ્યા હતા.
જ્યારે એ પરત ફર્યા ત્યારે તેમણે કાબુલના સૌથી ખરાબ સમયગાળામાં પણ માણસાઈને ઉજાગર કરતા ફોટોગ્રાફ્સ ખેંચ્યા હતા.
તેમના સૌથી હૃદયસ્પર્શી ફોટોગ્રાફ્સમાંથી એક ગયા વર્ષે શિયા મસ્જિદ પર થયેલા હુમલા બાદ લેવામાં આવ્યો હતો. જેમાં હુમલાખોરો મસ્જિદમાં હોવાને કારણે પોલીસ દ્વારા જગ્યા છોડી દેવાની સૂચના બાદ પણ સ્થિર થઈ ગયેલું એક બાળક હતું જે તેના પિતાને શોધી રહ્યું હતું.
દરેક ઘટનાઓ દરમિયાન શાહ મરઈ શાંત, હકારાત્મક અને હંમેશા સ્મિત સાથે કામ કરતા રહેતા. તેમને ક્યારેય કોઈ જોખમનો ડર નહોતો.
જોકે, થોડાં વર્ષો પહેલાં તેમના મિત્ર અને સાથી પત્રકાર સરદાર અહેમદનું કાબુલની સેરેના હોટલ પર થયેલા હુમલામાં મૃત્યુ થયું ત્યારે તેમને આઘાત લાગ્યો હતો.
હું શાહને મારા બાળપણથી ઓળખું છું. અમે બન્ને કાબુલના મીડિયામાં કામ કરતી વખતે ઘણી વખત કોઈ દુર્ઘટનાના સ્થળે ભેગા થઈ જતા હતા.
કાબુલા ઘણા બધા પત્રકારોના એ મિત્રો હતા. અમે હવે તેમના મૃત્યુનો શોક અનુભવી રહ્યા છીએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો