દક્ષિણ કોરિયાએ કહ્યું, મે મહિનામાં પરમાણુ પરીક્ષણ સ્થળ બંધ કરશે ઉત્તર કોરિયા

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું છે કે ઉત્તર કોરિયા પોતાનું પરમાણુ પરીક્ષણ સ્થળ મે મહિનામાં બંધ કરશે.

એક પ્રવક્તાએ કહ્યું છે કે પુંગેરી સ્થળ સાર્વજનિક રૂપે બંધ કરવામાં આવશે અને દક્ષિણ કોરિયા- અમેરિકાના વિદેશી વિશેષજ્ઞોને આ દૃશ્ય જોવા આમંત્રિત કરવામાં આવશે.

શુક્રવાર (27 એપ્રિલ 2018)ના રોજ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન કોરિયાઈ પ્રાયદ્વીપને પરમાણુ હથિયારમુક્ત બનાવવા પર રાજી થયા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

બન્ને રાષ્ટ્રોના વડાઓ વચ્ચે આ બેઠક ઉત્તર કોરિયા તરફથી યુદ્ધ જેવી સ્થિતિઓ ઊભી કર્યા બાદ થઈ હતી.

શનિવાર (28 એપ્રિલે) અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ઉત્તર કોરિયાના નેતૃત્વમાં આગામી ત્રણ કે ચાર અઠવાડિયાની અંદર કોરિયાઈ પ્રાયદ્વીપને પરમાણુ મુક્ત કરવા અંગે વાત કરશે.

દક્ષિણ કોરિયાએ શું કહ્યું?

રાષ્ટ્રપતિના પ્રવક્તા યૂન યોંગ-ચાને કહ્યું કે કિમ કહી ચૂક્યા છે કે તેઓ મે મહિનામાં પરમાણુ પરીક્ષણ સ્થળને બંધ કરી દેશે.

યૂને આગળ કહ્યું કે ઉત્તર કોરિયાના નેતાએ એમ પણ કહ્યું છે કે "તેઓ ઉત્તર કોરિયા અને અમેરિકાના વિશેષજ્ઞોને એ જોવા માટે આમંત્રિત કરશે જેથી આ પ્રક્રિયા વિશે આંતરરાષ્ટ્રીય સમુદાયને પારદર્શિતા સાથે ખબર પડી શકે."

રાષ્ટ્રપતિ કાર્યાલયે એમ પણ જણાવ્યું છે કે ઉત્તર કોરિયા પોતાના ટાઇમ ઝોનને બદલશે જેથી દક્ષિણ કોરિયા અને તેનો સમય એક થઈ શકે. અત્યારે બન્નેના સમયમાં અડધી કલાકનો અંતર છે.

આ મુદ્દે ઉત્તર કોરિયાએ હજુ કોઈ ટિપ્પણી કરી નથી.

ક્યાં છે પરીક્ષણ સ્થળ?

ઉત્તર કોરિયાનું આ પરમાણુ પરીક્ષણ સ્થળ પહાડી વિસ્તારમાં છે અને માનવામાં આવે છે કે આ ઉત્તર કોરિયાનું મુખ્ય પરમાણુ કેન્દ્ર છે.

પુંગેરી સ્થળની નજીક મંટાપ પહાડની નીચે સુરંગ ખોદીને પરમાણુ પરીક્ષણ થઈ ચૂક્યું છે.

2006 બાદ ત્યાં છ વખત પરમાણુ પરીક્ષણ થઈ ચૂક્યાં છે.

સપ્ટેમ્બર 2017માં છેલ્લા પરીક્ષણ બાદ ભૂકંપ જેવા ઝટકા અનુભવાયા હતા જ્યારબાદ ભૂકંપ નિષ્ણાતોનું માનવું છે કે પહાડની અંદરનો વિસ્તાર ધસી પડ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો