ઝકરબર્ગ: ભારતની ચૂંટણીઓને સુરક્ષિત રાખવા પગલાં ભરશે

ઇમેજ સ્રોત, JIM WATSON/Getty Images
ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે અમેરિકન સંસદની સામે હાજર થયા હતા. તેમણે ડેટા લિક થવા મામલે પોતાનું નિવેદન આપ્યું હતું.
તેમણે અમેરિકન સંસદને લેખિત નિવેદન આપીને જણાવ્યું કે તેમની કંપની સોશિયલ નેટવર્કનો ઉપયોગ કરવા માગતા રશિયન ઓપરેટર્સ સાથે સતત સંઘર્ષ કરી રહી છે.
તેમણે કહ્યું "આ એક હથિયારોની રેસ છે." ઝકરબર્ગ કેમ્બ્રિજ ઍનાલિટિકા ડેટા કલેક્શન કૌભાંડ મામલે પોતાનો જવાબ આપી રહ્યા હતા.
2016માં યોજાયેલી અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં રશિયા દ્વારા કથિત દખલગીરીની તપાસ કરતા સ્પેશિયલ કાઉન્સેલ રોબર્ટ મ્યુલરે ફેસબુક સ્ટાફની મુલાકાત લીધી હોવાનો પણ તેમણે ઘટસ્ફોટ કર્યો.
પણ તેમની પોતાની તપાસ ન થઈ હોવાનું ઝકરબર્ગે જણાવ્યું હતું. તેમણે આ તપાસને ગુપ્ત જણાવી એ વિશે વધુ માહિતી આપી નહોતી.

ભારત વિશે ઝકરબર્ગે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
આ પૂછપરછમાં ઝકરબર્ગે ભારતનો પણ ઉલ્લેખ કર્યો. એક મહિલા સાંસદ મિસેઝ ફિનસ્ટિને ઝકરબર્ગને પૂછયું કે અમેરિકાની ચૂંટણીને બહારનાં તત્ત્વો પ્રભાવિત ના કરી શકે તે માટે તેઓ શું કરી રહ્યા છે?
જેના જવાબમાં ઝકરબર્ગે કહ્યું, "વર્ષ 2018માં આ તેમની સૌથી મોટી પ્રાથમિકતા હશે. વર્ષ 2018માં ચૂંટણીને જોતાં આ ખૂબ મહત્ત્વનું છે. માત્ર અમેરિકા માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે"
તમે આ વાંચ્યુ કે નહીં
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ભારત, બ્રાઝિલ, મેક્સિકો, પાકિસ્તાન અને હંગેરી માટે પણ આ વર્ષે થનારી ચૂંટણીઓમાં આ બાબત મહત્ત્વની છે. અમે આ દેશોમાં થઈ રહેલી ચૂંટણીઓને સુરક્ષિત રાખવા માટે તમામ પગલાં લેવા માટે તૈયાર છીએ."
મિસેઝ ફિનસ્ટિને ઝકરબર્ગને પૂછ્યું કે તેઓ આ મામલે શું પગલાં ભરશે?
તેના જવાબમાં ઝકરબર્ગે કહ્યું કે ફેક અકાઉન્ટની ઓળખ કરી શકાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે. સાથે જ ભડકાઉ નિવેદનોના મામલે સતર્કતા વર્તવામાં આવશે.

ઇમેજ સ્રોત, Getty Images
ફેબ્રુઆરીમાં મ્યુલરની ઑફિસે ત્રણ રશિયન કંપનીઓ સહિત 13 રશિયનો પર 2016માં ચૂંટણીમાં દખલગીરીનો આરોપ મૂક્યો હતો.
તેમાંની એક કંપની ઇન્ટરનેટ રિસર્ચ એજન્સી હતી. ઝકરબર્ગે જણાવ્યું હતું કે આ કંપની હવે ફેક અકાઉન્ટ્સ ઓળખવા માટે નવાં ટૂલ્સ વિકસાવી રહી છે.
"રશિયામાં એવા લોકો છે કે જે આપણી સિસ્ટમ્સ અને અન્ય ઇન્ટરનેટ સિસ્ટમ્સનો ફાયદો ઉઠાવી રહ્યા છે. જેમની સામે આપણે રોકાણ કરવાની જરૂર છે."
સેનેટર્સના સોશિયલ નેટવર્કને નજીકથી કઈ રીતે વધુ નિયંત્રિત કરી શકાય તે વિશેના પ્રશ્નોના માર્ક ઝકરબર્ગે જવાબ આપ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે તેઓ "યોગ્ય રેગ્યુલેશન"નું સ્વાગત કરશે. જોકે કેવા પ્રકારના રેગ્યુલેશન તેની તેમણે સ્પષ્ટતા કરી નહોતી.
અમેરિકાની કેટલીક સેનેટ સમિતિઓના સંયુક્ત સત્રની સામે તેઓ હાજર થયા હતા.

સુનાવણી દરમિયાન ઝકરબર્ગે આ પણ કહ્યું,

ઇમેજ સ્રોત, Alex Wong/Getty Images
- "સ્પષ્ટ છે કે અમે આ ટૂલને નુકસાનકારક ઉપયોગમાં લેવાતું રોકવા માટે પૂરતું કામ કર્યું નથી."
- "તે સ્પષ્ટપણે એક ભૂલ હતી" કે કોઈપણ તપાસ વગર માની લીધું કે કેમ્બ્રિજ ઍનાલિટીકાએ ડેટા ડિલિટ કરી નાખ્યા છે.
- તેમને એવું લાગતું નથી કે ફેસબુક પાસે એકાધિકાર છે.
- તેઓ કંપનીમાં રાજકીય પૂર્વગ્રહની શક્યતા અંગે વ્યક્તિગત રૂપે ચિંતિત હતા.
સુનાવણીની કાર્યવાહીના પ્રથમ બ્રેકમાં જ ફેસબુકની શેરની કિંમત લગભગ 5% વધી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















