એક સેલ્ફીના કારણે કઈ રીતે પકડાઈ હત્યારી બહેનપણી?

ઇમેજ સ્રોત, FACEBOOK
મોટાભાગના લોકો ફેસબુક પર પોતાની સેલ્ફી પોસ્ટ કરે છે. આ સેલ્ફી એકલા અથવા તો આપણા કોઈ ખાસ મિત્ર કે પરિવારજન સાથે હોય છે.
કેનેડામાં આવી જ સેલ્ફીના કારણે એક કાતિલ મહિલાએ જેલની હવા ખાવી પડશે.
શાયેન એન્ટોની પોતાની જ મિત્ર બ્રિટની ગૈરગોલની હત્યા મામલે દોષિત સાબિત થઈ છે.
કોર્ટે માર્ચ 2014ના આ કેસ મામલે સુનાવણી કરતા શાયેનને સાત વર્ષની સજા સંભળાવી છે.
બ્રિટનીની હત્યાના કેસમાં પોલીસને શાયેનની ફેસબુક સેલ્ફી પુરાવા સ્વરૂપે મળી હતી.
તમને આ પણ વાંચવું ગમશે
શાયેન અને બ્રિટની વચ્ચે ગાઢ મિત્રતા હતી. બન્ને એક રાત્રે પાર્ટી માટે બહાર નીકળી હતી અને એ જ રાત બાદ સવારે પોલીસને બ્રિટનીનો મૃતદેહ મળ્યો હતો.
મૃતદેહ પાસે એક બેલ્ટ પણ મળી આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે પોલીસે બ્રિટની વિશે શાયેનને સવાલ કર્યા તો તેમણે જવાબ આપ્યો કે, "અમે બન્ને એક હાઉસ પાર્ટીમાંથી બારમાં ગયા હતાં."
"ત્યારબાદ બ્રિટની એક અજ્ઞાત વ્યક્તિ સાથે જતી રહી હતી અને હું મારા એક અંકલને મળવા આવી ગઈ હતી."
પોલીસને શાયેનની આ વાત પર વિશ્વાસ ન આવતા અને તેમને શંકાસ્પદ માનતા આગળ તપાસ ચાલુ કરી હતી.

ફેસબુક સેલ્ફીથી મળ્યો પુરાવો

ઇમેજ સ્રોત, Getty Images
પોલીસની નજર બ્રિટનીના ગુમ થયા બાદ આગામી દિવસની સેલ્ફી પર પડે છે.
આ સેલ્ફીમાં શાયેન અને બ્રિટની બન્ને નજરે પડી હતી.
શાયેને તસવીરના કેપ્શનમાં લખ્યું હતું, "તું ક્યાં છે. તારા વિશે કોઈ જાણકારી મળી રહી નથી. મને આશા છે કે તું સુરક્ષિત ઘરે પહોંચી ગઈ હશે."
આ તસવીરમાં શાયેને જે બેલ્ટ પહેર્યો છે, તે પોલીસને બ્રિટનીના મૃતદેહ પાસે મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસને વધુ શંકા થઈ.
આ વચ્ચે શાયેન પણ મિત્રની હત્યાના ગુનાની કબૂલાત કરે છે.
તે જણાવે છે, "અમે બન્નેએ દારૂ પીધો હતો અને ડ્રગ્સ પણ લીધું હતું. ત્યારે જ એક વાતને લઈને અમારા બન્ને વચ્ચે વિવાદ થયો."
"હું માનું છું કે મેં મારી મિત્રનું ગળું દબાવીને હત્યા કરી નાખી. પણ શું, ક્યાં અને કેવી રીતે થયું તે મને સારી રીતે યાદ નથી."
સેલ્ફી અને કબૂલનામાના આધારે પોલીસે શાયેનની ધરપકડ કરી છે. કોર્ટમાં પણ શાયેને પોતાના ગુનાની કબૂલાત કરી હતી.
વકીલના માધ્યમથી એક નિવેદનમાં તે કહે છે, "હું મારી જાતને ક્યારેય માફ નહીં કરું. હું કંઈ પણ કહીશ કે કરીશ તેનાથી બ્રિટની પરત નહીં આવે. મને ખૂબ દુઃખ છે. જે થયું તે ખોટું થયું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












