અમેરિકા વાતચીત માટે તૈયાર પરંતુ ઉત્તર કોરિયા જવાબ આપતું નથી

ઇમેજ સ્રોત, KCNA
દક્ષિણ કોરિયાનું કહેવું છે કે તેમને ઉત્તર કોરિયાના લીડર કિમ જોંગ-ઉન અને અમેરિકના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની પ્રસ્તાવિત મંત્રણા માટે પ્યોંગયાંગ તરફથી આમંત્રણ નથી મળ્યું.
શુક્રવારે જ્યારે ડૉનાલ્ડ ટ્રમ્પે મંત્રણા માટે ઉત્તર કોરિયાનું આમંત્રણ સ્વીકર્યું તે આશ્રર્યજનક ઘટના હતી.
દક્ષિણ કોરિયાના સત્તાધિશોનું કહેવું છે કે કિમ જોંગ તેમના પરમાણુ હથિયારોનો ત્યાગ કરવા માટે તૈયાર છે.
જોકે, આ મંત્રણા અંગે વધુ માહિતી બહાર નથી આવી. જેમાં બેઠકનું સ્થળ અથવા એજન્ડા પર કોઇ પરસ્પર સમજૂતી થઈ નથી.
બન્ને રાષ્ટ્રો વચ્ચે પ્રવર્તી રહેલા સંબંધો અને જટિલ મુદ્દાઓને પગલે નિષ્ણાતોને પણ શંકા છે કે તેમાંથી શું પરિણામો મળી શકે છે.
સોમવારે દક્ષિણ કોરિયાના એક મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, "અમને ઉત્તર કોરિયા-અમેરિકા વચ્ચેની મંત્રણા માટે ઉત્તર કોરિયા તરફથી કોઈ પણ આમંત્રણ નથી મળ્યું."
તમને આ પણ વાંચવું ગમશે
"મને લાગે છે કે તેઓ ખૂબ જ સીવધાની પૂર્વક આ બાબતે અભિગમ દાખવી રહ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તેઓને તેમનું વલણ નક્કી કરવા માટે વધુ સમયની જરૂર છે."

દક્ષિણ કોરિયાના અધિકારીઓ ચીન અને જાપાનની મુલાકાતે

ઇમેજ સ્રોત, Getty Images
અત્રે નોંધવું રહ્યું કે, ટ્રમ્પ સાથે વાતચીત કરનારા દક્ષિણ કોરિયાના અધિકારીઓ ચીન અને જાપાનની મુલાકાતે છે.
તેઓ આગામી મંત્રણા માટે આ દેશોના નેતાઓને માહિતી આપવા માટે જઈ રહ્યા છે.
દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જે-ઇનના ટોચના સુરક્ષા સલાહકાર ચુંગ ઇયુ-યાંગ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરવાના છે.
દરમિયાન ઇન્ટેલિજન્સ એજન્સીના મુખ્ય વડા સુહ હૂન જાપાનના વડાપ્રધાન શિંજો એેબેને મળશે.
અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે એક વર્ષ વધુથી ચાલી આવતા શાબ્દિક યુદ્ધ બાદ આ મંત્રણાનો પ્રસ્તાવ રખાયો છે.
જોકે, આ બન્ને દેશ વચ્ચેના તણાવયુક્ત સંબંધોને પગલે વિશ્વમાં ચિંતાનો માહોલ હતો કે તેઓ લશ્કરી લડાઈ ના નોતરી બેસે.

ઉત્તર કોરિયાના પરમાણુ પરિક્ષણ

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લા એક વર્ષમાં ઉત્તર કોરિયાએ કેટલાક પરમાણુ પરિક્ષણ કર્યાં છે. જેમાં લાંબી રેન્જની મિસાઇલ્સ પણ વિકસાવી છે.
ઉત્તર કોરિયાના દાવા મુજબ આ મિસાઇલ્સ પરમાણુ બોમ્બના વહન માટે પણ સક્ષમ છે અને અમેરિકા સુધી તેની મારક ક્ષમતા છે.
અમેરિકા અને ઉત્તર કરિયા વચ્ચેની મંત્રણા બન્ને રાષ્ટ્રો વચ્ચે પ્રવર્તતી તકરારને કારણે એક અભૂતપૂર્વ ઘટના છે.
કેમ કે અત્યાર સુધી કોઈ પણ અમેરિકન પ્રમુખ ઉત્તર કોરિયાના લીડરને ભૂતકાળમાં ક્યારેય મળ્યા નથી.
જોકે, આ મંત્રણા અંગેની કોઈ સ્પષ્ટ વિગતો હજી સુધી મળી નથી.

પ્યોંગયાંગનો ઈરાદો

ઇમેજ સ્રોત, KOREAN CENTRAL NEWS AGENCY
પેસિફિક ફૉરમ સીએસઆઇએસના રિસર્ચ ફેલો એન્ડ્રે અબ્રાહમિયને કહ્યું,"પ્યોંગયાંગ ખરેખર રાહ જોવા માગે છે કેમ કે તેમને જાણવું છે કે વૉશિંગ્ટન આ ઓફર અંગે કઈ રીતે વર્તે છે."
"વ્હાઇટ હાઉસ તરફથી આપવામાં આવેલા સંદેશા મામલે પહેલાંથી જ મૂંઝવણ છે."
"આથી જાહેરમાં કોઈ ચોક્કસ નિવેદન આપતાં પહેલાં તેના મૂળભૂત નિયમો નક્કી કરી લેવાની કવાયત હાથ ધરવામાં આવી શકાય છે."
જો આ મંત્રણા પૂર્વે કોઈ અવરોધ નહીં સર્જાશે તો તે મે મહિનામાં હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. જેનો અર્થ કે ડૉનાલ્ડ ટ્રમ્પ કિમ જોંગને મે મહિનામાં મળી શકે છે.
જ્યારે દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન અને કિમ જોંગ આ પૂર્વે અલગથી એક બેઠક કરશે.
નિરીક્ષકો પણ બે મતમાં વહેંચાઈ ગયા છે. તેમની દલીલ છે કે શું આ મંત્રણા બાદ પ્યોંગયાંગ પરમામુ શસ્ત્રોનો ત્યાગ કરશે કે નહીં?
અથવા શું ઉત્તર કોરિયા તેમના પર લાગેલા પ્રતિબંધો ઉઠાવી લેવાય તે માટે આવું કરી રહ્યું છે?
એન્ડ્રે અબ્રાહમિયને કહ્યું, "તેમના ટૂંકા ગાળાનું લક્ષ્ય પહેલાં આંતરરાષ્ટ્રીય પ્રતિબંધમાંથી રાહત મેળવવાનું છે."
તેમણે ઉમેર્યું, "ઘણા નિષ્ણાતોનું માનવું છે કે કિમ જોંગ આ મંત્રણાથી માત્ર સ્વાર્થી હિતો સાધવાની કોશિશ કરશે."
"જોકે, આ ગંભીર બાબત નથી પણ તેનો અર્થ એવો નથી કે અમેરિકા તેને રાજકીય સિસ્ટમ, માનવાધિકાર રેકોર્ડ અને હથિયારોના કાર્યક્રમ મુદ્દે મંજૂરી આપી રહ્યું છે."

ટ્રમ્પે જાતે જ નક્કી કરી લીધું

ઇમેજ સ્રોત, EPA
કિમ જોંગને મળવાના ડૉનાલ્ડ ટ્રમ્પના નિર્ણયનો બચાવ કરતા સીઆઈએના ડાયરેક્ટર માઇક પોમ્પોએ રવિવારના રોજ કહ્યું કે,રાષ્ટ્રપતિને આ વાટાઘાટના જોખમ વિશેની સંપૂર્ણ સમજ છે.
વળી ઉત્તર કોરિયા સાથે વાતચીત સંબંધિત પડકારો પર અમેરિકી પ્રશાસન ધ્યાન આપી રહ્યું છે.
શનિવાર, 10મી માર્ચે એક રેલીમાં સમર્થકોને સંબોધતા ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમનું માનવું છે કે ઉત્તર કોરિયા શાંતિ ઇચ્છે છે.
પણ તેમને કહ્યું કે જો ઉત્તર કોરિયા પરમાણુ કાર્યક્રમોનો ત્યાગ નહીં કરે તો કદાચ તેઓ આ મંત્રણા નહીં કરે.
અમેરિકાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડૉનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા વગર જ આ નિર્ણય લઈ લીધો હતો.
સેક્રેટરી ઑફ સ્ટેટ રેક્સ ટિલરસને પુષ્ટિ કરી હતી કે આ નિર્ણય રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાની જાતે જ લીધો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












