પૂર્વ પાક. ક્રિકેટર ઇમરાન ખાન ત્રીજી વખત લગ્ન કરશે?

પાકિસ્તાનમાં ક્રિકેટરમાંથી નેતા બનેલા નેતા ઇમરાન ખાનના લગ્ન અંગે ચાલી રહેલી અટકળો અંગે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટી (પીટીઆઈ)ના પ્રવક્તાએ સ્પષ્ટતા આપી છે.

રવિવારે પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલાં નિવેદન પ્રમાણે, "મિસ્ટર ખાને બુશરા મેનકા સમક્ષ લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો છે, પરંતુ તેમણે જવાબ આપવા માટે સમય માંગ્યો છે.

"તેઓ પરિવાર અને બાળકો સાથે ચર્ચા કરીને આ વિશે નિર્ણય લેશે."

તમને આ પણ વાંચવું ગમશે

બુશરા મેનકા અંગે નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ સાર્વજનિક જીવનમાં નથી અને તેમનું અંગત જીવન છે.

મીડિયાને અપીલ

પાર્ટીએ આ બાબતને ઇમરાન ખાન તથા બુશરા મેનકા વચ્ચેની 'અંગત બાબત' ગણાવી છે, સાથે જ આ મુદ્દે જાહેર ચર્ચા અંગે ખેદ પ્રગટ કર્યો છે.

નિવેદન પ્રમાણે, "અત્યંત અંગત અને સંવેદનશીલ બાબત વિશે ભ્રમ પેદા કરતી અટકળો વહેતી કરવામાં આવી છે, જે દુખદ બાબત છે.

"આને કારણે મિસ્ટર ખાન તથા મિસ મેનકાનાં બાળકોને મીડિયા મારફત જ માલૂમ પડ્યું છે. જ્યારે તેમને આ અંગે જાણ થઈ તો બન્નેના બાળકો પર ભારે બોજ પડ્યો."

ટીપીપીએ તેના નિવેદનમાં ઉમેર્યું છે કે, જો બુશરા મેનકા લગ્ન સંબંધિત પ્રસ્તાવ સ્વીકારશે તો ઇમરાન ખાન તેની ઔપચારિક જાહેરાત કરશે.

નિવેદનમાં જણાવાયું છે, "...ત્યારસુધી અમે મીડિયાને આગ્રહ કરીએ છીએ કે બન્ને પરિવારો તથા વિશેષ કરીને બાળકોની પ્રાઇવસીનું સન્માન કરે."

જેમિમા ગોલ્ડસ્મિથ સાથે પ્રથમ લગ્ન

ગત સપ્તાહે એક અખબારે દાવો કર્યો હતો કે, ઇમરાન ખાને નવા વર્ષે ત્રીજી વખત લગ્ન કર્યાં છે.

જોકે, પીટીઆઈના નેતાઓએ આ અહેવાલને નકાર્યો હતો અને તેને ઇમરાન ખાનની 'અંગત બાબત' ગણાવી હતી.

ઇમરાન ખાનના પહેલા લગ્ન જેમિમા ગોલ્ડસ્મિથ સાથે થયાં હતાં. જેમિમા અને ઇમરાન વચ્ચે 2004માં તલ્લાક થઈ ગયા હતા, બંનેને બે પુત્રો છે.

જેમિમા બ્રિટિશ ઉદ્યોગપતિ ગોલ્ડસ્મિથના પુત્રી છે. તલ્લાક બાદ જેમિમાએ જાહેર કર્યું હતું કે 'હવે હું મારી સરનેમ 'ગોલ્ડસ્મિથ' જ રાખીશ'

બીજા પત્ની ટીવી ઍન્કર રેહામ ખાન

બાદમાં 2014માં ઇમરાન ખાને ટીવી ઍન્કર રેહામ ખાન સાથે બીજા લગ્ન કર્યાં હતાં. રેહામ ખાનનાં માતા-પિતા પાકિસ્તાની છે.

રેહામનો જન્મ લીબિયામાં થયો હતો, જ્યારે બ્રિટનમાં અભ્યાસ કર્યો છે. તેમની વેબસાઇટ મુજબ વર્ષ 2006માં તેમણે કૅરિયર શરૂ કરી હતી.

વર્ષ 2008માં તેઓ બીબીસીમાં જોડાયાં, અહીં તેઓ હવામાન સંબંધિત કાર્યક્રમ પ્રસ્તૂત કરતાં હતાં.

બાદમાં રેહામ ડૉન ન્યૂઝ સાથે જોડાયાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો