જાપાનનું એ જંગલ જ્યાં જઈને લોકો આત્મહત્યા કરે છે!

અમેરિકન યૂટ્યૂબ સ્ટાર લોગેન પૉલે પોતાના એક વીડિયોમાં મૃતદેહ બતાવવા પર માફી માગી છે.

આ વીડિયોમાં તેમણે જાપાનના ઓકિગાહારા જંગલમાં એક અજ્ઞાત વ્યક્તિનો મૃતદેહ બતાવ્યો હતો. એ વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હતી.

પૉલે આ વીડિયો પોતાના મિત્રો સાથે શૂટ કર્યો હતો. જેમાં તેઓ હસતા નજરે પડ્યા હતા.

વીડિયો અપલૉડ કર્યા બાદ તેમને ઇન્ટરનેટ પર લોકોની ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

ઘણા લોકોએ આ વીડિયોને અપમાનજનક અને ઘૃણાજનક ગણાવ્યો હતો.

ટીકા થયા બાદ લોગેન પૉલે વીડિયો ઇન્ટરનેટ પરથી હટાવી દીધો હતો અને માફી માગી હતી.

પરંતુ એવું શું છે જાપાનના આ જંગલમાં કે જેને 'સ્યૂસાઇડ ફૉરેસ્ટ્' તરીકે ઓળખવામાં આવે છે.

તમને આ પણ વાંચવું ગમશે

દર વર્ષે 50થી 100 લોકો આત્મહત્યા કરે છે

જાપાનના આ ઓકિગાહારા જંગલમાં મૃતદેહો મળવા સામાન્ય વાત છે.

અહીં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આત્મહત્યા કરે છે.

આ જંગલ ટૉક્યોથી લગભગ 100 કિલોમીટરના અંતરે ફુજી પર્વતના ઉત્તર-પશ્ચિમ બેઝ પર આવેલું છે.

અહીં દર વર્ષે 50થી 100 લોકો આત્મહત્યા કરે છે. આ જંગલમાં એટલાં વૃક્ષો છે કે અહીં સારી રીતે હવા અને સુર્યપ્રકાશ પણ મળતાં નથી.

અહીં વન્ય પ્રાણીઓ પણ નથી. એ જ કારણ છે કે આ જંગલ ખૂબ શાંત છે. અહીં પથ્થરની ઘણી ગુફાઓ છે.

અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોના ગોલ્ડન ગેટ બ્રિજની જેમ આ જાપાની જંગલ દુનિયાની એવી જગ્યાઓમાં સામેલ છે, જ્યાં ઘણા લોકો આત્મહત્યા કરી લે છે.

આ જંગલમાં મોતની કહાણીઓ પર એક ફિલ્મ 'ધ ફૉરેસ્ટ' (સ્પેનિશમાં 'એલ બોસ્ક') પણ બની છે. આ ફિલ્મ વર્ષ 2016માં રિલીઝ થઈ હતી.

ઓકિગાહારા જંગલમાં આત્મહત્યાઓને રોકવા માટે સરકારે ઘણા પ્રયાસ કર્યા છે.

જંગલમાં પ્રવેશતા જ એક નોટિસ જોવા મળે છે, જેમાં લખ્યું છે કે, 'ફરી એક વખત તમને મળેલા આ જીવન વિશે વિચારો. બધુ એકલાં સહન કરતાં પહેલાં કોઈનો સંપર્ક કરો.'

નોટિસ પર મદદ માટે ફોન નંબર પણ લખવામાં આવ્યો છે.

આત્મહત્યા સાહિત્યથી પ્રેરિત?

માનવામાં આવે છે કે જાપાનના લોકો એક વાર્તાથી પ્રેરિત થઈને આ જંગલમાં આવીને જીવ આપી દે છે.

સેઇચો માટ્સુમટોની વાર્તા 'કુરોઈ જુકાઈ' (ધ બ્લેક સી ઑફ ટ્રીઝ) 1960માં છપાઈ હતી.

આ વાર્તાના અંતે એક પ્રેમીની જોડી આ જંગલમાં આવીને આત્મહત્યા કરે છે.

કેટલાક લોકો માને છે કે જંગલમાં આવીને જીવ આપવાની પરંપરા 19મી સદીની 'ઉબાસુતે પ્રથા'માંથી શરૂ થઈ છે.

કહેવાય છે કે આ પ્રથાના આધારે દુષ્કાળના સમયે ઇચ્છામૃત્યુ માટે વૃદ્ધોને આ જંગલમાં છોડી દેવામાં આવતા હતા.

1993માં આવેલા પુસ્તક 'ધ કમ્પલીટ હેંડબુક ઑફ સ્યૂસાઇડ'માં ઓકિગાહારાને મરવા માટે યોગ્ય જગ્યા ગણાવવામાં આવી હતી.

આ પુસ્તકમાં લટકીને મરવાને 'વર્ક ઑફ આર્ટ' કહેવામાં આવ્યું છે.

આ પુસ્તકની લાખો કૉપી વેચાઈ પણ ત્યારબાદ જાપાને તેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

ઐતિહાસિક ચલણ

સમગ્ર દુનિયામાં લગભગ આઠ લાખ લોકો દર વર્ષે આત્મહત્યા કરે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા મુજબ જે દેશોમાં લોકો સૌથી વધારે આત્મહત્યા કરે છે તેમાં જાપાન પ્રથમ પાંચ દેશોમાં છે.

2015માં જાપાનમાં આત્મહત્યાનો અનુપાત વિકાસશીલ દેશોમાં સૌથી વધારે રહ્યો હતો.

બીબીસી સાથે વાત કરતા ટોક્યોની ટેમ્પલ યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક વતરુ નિશિદા કહે છે, "એકલતા અને અવસાદ આત્મહત્યાનું મુખ્ય કારણ છે."

વતરુ નિશિદા કહે છે, "એકલા રહેતા વૃદ્ધોમાં આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે. સંતાનો તેમની અવગણના કરી રહ્યા છે."

'આત્મહત્યા પાપ નથી'

જાપાનમાં થતી આત્મહત્યાઓ પાછળ બીજાં પણ કેટલાક પરંપરાગત કારણો બતાવવામાં આવે છે.

નિશિદા કહે છે, "તેનું કારણ એ પણ હોઈ શકે છે કે જાપાનમાં ખ્રિસ્તી ધર્મનો ઇતિહાસ રહ્યો નથી. એટલે અહીં આત્મહત્યાને ક્યારેય પાપ ગણવામાં આવી નથી."

વિશેષજ્ઞો એવું પણ કહે છે કે જાપાનમાં ગુસ્સો કે હતાશા જોવાની બીજી કોઈ રીત નથી.

જો યુવાનો પર પોતાના બૉસનું દબાણ છે, કોઈ ઉદાસ થઈ જાય તો તેમાંથી ઘણાં લોકો એવા છે કે જેમને મરવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી.

આ સ્થિતિને જાપાની ભાષામાં 'હિકિકોમરી' કહેવામાં આવે છે. આ એક સામાજિક લક્ષણ છે. જેમાં યુવાનો પોતાનાં ઘરમાંથી બહાર નીકળવા નથી માગતા.

આ સ્થિતિ નવી ટેક્નોલૉજીના આવ્યા બાદ વધી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો