યુ.એસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ નેશન્સનાં વાર્ષિક સત્રને પ્રથમ વખત સંબોધશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સંયુક્ત રાષ્ટ્ર સભા(યુ.એન)ના વાર્ષિક સત્રને સંબોધશે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ 193 સભ્યોવાળી સંયુક્ત રાષ્ટ્ર સભાને પ્રથમ વખત સંબોધશે.

ન્યૂ યોર્કના એક રહેવાસી તરીકે ટ્રમ્પે પ્રોપર્ટી ટાયકૂન તરીકે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઘણી તકો વિકસાવી તેનો લાભ ઉઠાવ્યો હતો. ભૂતકાળમાં તે યુ.એનના વડામથકના રિનોવેશનનો કોન્ટ્રાક્ટ પણ મેળવવા માંગતા હતા.

હવે રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ આ જ યુ.એન બિલ્ડીંગમાં વર્લ્ડ લીડરો સમક્ષ વિવિધ મુદ્દે સંબોધન કરશે જેમાં નોર્થ કોરિયા, ક્લાઈમેટ ચેન્જ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાના 'પીસ કીપીંગ' બજેટ પર વાત કરી શકે છે.

'પીસ કીપીંગ' બજેટ સાથે ટ્રમ્પને હંમેશા વાંધો રહ્યો છે. ટ્રમ્પ પ્રશાસનની ફરિયાદ રહી છે કે વિશ્વના અન્ય દેશો આ બજેટના બહાને અમેરિકા પાસેથી નાણાંકીય લાભ ખાટી જાય છે. એટલે ટ્રમ્પ પ્રશાસના દબાણને પગલે યુ.એને તેનું 'પીસ કીપીંગ' બજેટ અડધા મિલિયન જેટલું ઘટાડવું પડ્યું. બીજી તરફ યુ.એન.ના અધિકારીઓ આ બજેટ વધારવા માગતા હતા.

યુ.એસ.ના અનુસાર 'પીસ કીપીંગ' બજેટમાં અમેરિકા એકલું જ 28.5 % યોગદાન આપે તે યોગ્ય નથી.

ટ્રમ્પ યુ.એન.માં ડિપ્લોમસી કાર્ડ પણ રમી ચૂક્યા છે. સીરિયાની અસદ સરકારે તેના જ નાગરિકો પર રાસાણીક હથિયારો વાપર્યા અને એર સ્ટ્રાઈક કરી ખોટું કર્યું તે દર્શાવવા તેમણે આવું કર્યું હતું. જેમાં યુ.એસની એમ્બેસેડર નીકી હેલીએ યુ.એન સુરક્ષા પરિષદ સમક્ષ નાટ્યાત્મક ઢબે આની તસવીરો બતાવી હતી. આ તસવીરો હુમલામાં અસરગ્રસ્ત થયેલા બાળકોની હતી.

નોર્થ કોરિયા પર યુ.એન દ્વારા કઠોર પ્રતિબંધો લાદવામાં પણ ટ્રમ્પ પ્રશાસન સફળ રહ્યું છે.

અત્રે એ પણ નોંધવું જરૂરી છે કે ક્લાઈમેટ ચેન્જ(જળવાયુ પરિવર્તન) મામલે યુ.એસનો મત એવો છે કે ફક્ત અમેરિકા જ બધું ન કરી શકે. અન્ય રાષ્ટ્રસભ્યોએ પણ તેમાં એટલું જ યોગદાન આપવું જોઈએ જેટલું અમેરિકા આપે છે.

આમ, ટ્રમ્પ યુ.એનમાં આંતરરાષ્ટ્રીય સમુદાયને માત્ર ભાષણ આપશે કે પછી સમાધાનકારી વલણ અપનાવવાની કોશીશ કરશે તે જોવું રહ્યું.