વિશ્વ હિંદુ પરિષદના નેતાની ધમકી, ‘મૌલવી પોતાનો સામાન બાંધી લે નહીં તો...’ - પ્રેસ રિવ્યૂ

વિશ્વ હિંદુ પરિષદ

ગુરુગ્રામના ભોરા કલાં ગામમાં તાજેતરમાં મસ્જિદમાં નમાજ પઢી રહેલા લોકોને માર મારવાની ઘટના ઘટી હતી. આ મામલે વિશ્વ હિંદુ પરિષદે ગંભીર આરોપ લગાવ્યા છે અને મૌલવીઓને ચેતવણી આપી છે.

'ઇન્ડિયન ઍક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે, રવિવારે વિશ્વ હિંદુ પરિષદના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને કહ્યું કે મસ્જિદમાં વિવાદનો મુદ્દો 'લૅન્ડ જેહાદ'નું એક મોટા ષડયંત્રનો એક ભાગ છે. તેમણે મૌલવીઓને ચેતવણી આપતાં કહ્યું કે 'પોતપોતાનો સામાન બાંધી લો.'

હરિયાણાના માનેસરમાં વીએચપી દ્વારા આયોજિત 'ત્રિશૂલદીક્ષા' કાર્યક્રમમાં 100થી વધુ લોકોની હાજરીમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. તેમણે આગળ કહ્યું, "12-13 વર્ષ પહેલાં માત્ર ત્રણ મુસ્લિમ પરિવાર ભોરા કલાં આવ્યા હતા અને બકરીઓ ચરવાની જગ્યાએ નમાજ પઢવાની મંજૂરી માગી હતી. તે સમયે એક સમજૂતી થઈ હતી કે ત્યાં ન તો કોઈ મૌલવી રાખવામાં આવશે, ન તો બહારથી કોઈ આવીને ત્યાં રહેશે."

"પણ ધીરેધીરે બહારથી લોકોનું આવવું શરૂ થઈ ગયું. તેમણે ઈંટો જોડી અને મસ્જિદ બનાવવાનું શરૂ કર્યું. જો કોઈ તમારા ઘરમાં ઘૂસીને મસ્જિદ બનાવી જાય તો તમે સ્વીકારશો? જે ભોરા કલાંમાં થયું, એ આવતીકાલે બીજે ક્યાંય પણ બની શકે છે. તેઓ આખા દેશનો ધર્મ બદલવા માગે છે. હું ભોરા કલાંના લોકોને શુભેચ્છા પાઠવું છું કે તમે એ લોકોને પાઠ ભણાવ્યો."

સુરેન્દ્ર જૈન આટલું બોલીને રોકાયા નહીં, તેમણે વધુમાં કહ્યું, "હું મૌલવીઓને એક જ વાત કહેવા માગુ છું કે પોતપોતાનો સામાન બાંધી લો, નહીં તો માનેસરના લોકો તમને છોડશે નહીં. આ હિંદુ રાષ્ટ્ર છે અને રહેશે જ."

line

સીબીઆઈ આબકારી નીતિને લઈને દિલ્હીના ડૅપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની કરશે પૂછપરછ

મનીષ સિસોદિયા

ઇમેજ સ્રોત, ANI

દિલ્હી સરકારની આબકારી નીતિ બનવવા અને લાગુ કરવાના કથિત કૌભાંડ મામલે સીબીઆઈ આજે દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાની પૂછપરછ કરશે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સીબીઆઈએ મનીષ સિસોદિયાને સોમવારે સવારે 11 વાગ્યે દિલ્હીસ્થિત એજન્સીના મુખ્યાલયમાં બોલાવ્યા છે.

રવિવારે મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે તેમને સીબીઆઈએ તપાસ માટે બોલાવ્યા છે અને તેઓ સંપૂર્ણપણે સહયોગ આપશે.

સિસોદિયાએ લખ્યું, "મારા ઘરે 14 કલાક સીબીઆઈએ રેડ કરાવી, કંઈ ના નીકળ્યું. મારા બૅન્ક લૉકર ચૅક કર્યા, એમાં પણ કંઈ ના મળ્યું. મારા ગામમાં એમને કંઈ ના મળ્યું. હવે તેમણે મને કાલે સવારે 11 વાગ્યે સીબીઆઈ મુખ્યાલયમાં બોલાવ્યો છે. હું જઈશ અને સંપૂર્ણપણે સહયોગ આપીશ. સત્યમેવ જયતે."

પીટીઆઈએ સીબીઆઈના એક અધિકારીને ટાંકીને જણાવ્યું છે કે આ મામલે અત્યાર સુધી ઘણા આરોપીઓની પૂછપરછ કરી ચૂકી છે. સીબીઆઈએ ઑગસ્ટ મહિનામાં જ મનીષ સિસોદિયા સહિત 14 અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

line

પેકે ક્રૂડઑઇલ ઉત્પાદનમાં ઘટાડો કરાતા અમેરિકાનું સાઉદી અરેબિયા તરફ આકરું વલણ

અમેરિકા સાઉદી અરેબિયા

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૅક સુલિવને સાઉદી અરેબિયા સાથે અમેરિકાના સંબંધ પર પુનર્વિચાર કરવાની જાહેરાત કરી છે.

વિશ્વના મુખ્ય ઑઇલ ઉત્પાદક દેશોના સમૂહ ઑપેકે ક્રૂડ ઑઇલના ઉત્પાદનમાં કાપ ન મૂકવાની અમેરિકાની અપીલ ફગાવ્યા બાદ આ નિવેદન સામે આવ્યું છે.

સમાચાર એજન્સી રૉયટર્સે જૅક સુલિવનને ટાંકીને જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ જો બાઇડન આ માટે 'વ્યવસ્થિત રીતે' કામ કરશે અને તેમના વિકલ્પોમાં સાઉદી અરેબિયાને અમેરિકા તરફથી મળી રહેલી સુરક્ષા સહાયતામાં ફેરફાર કરવો પણ સામેલ છે.

તેમણે કહ્યું કે આવતા મહિને ઇન્ડોનેશિયામાં યોજાનારા જી-20 શિખર સંમેલનમાં રાષ્ટ્રપતિ બાઇડનની સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન મોહમ્મદ બિન સલમાનને મળવાની કોઈ યોજના નથી.

ઑપેકે અમેરિકાની અપીલ ફગાવીને ચાલુ મહિનાથી ઑઇલ ઉત્પાદનમાં પ્રતિદિન 20 લાખ બૅરલનો કાપ મૂકવાનો નિર્ણય લીધો છે.

ઓપેકના પ્રમુખ હૅથમ અલ-ઘૈસીએ કહ્યું કે ઑઇલ બજાર અસ્થિરતાના સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને આ નિર્ણયનો ઉદ્દેશ બજારને સ્થિર રાખવા માટેનો છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન