લેસ્ટર તણાવ : સ્મેથવિકમાં મંદિરની બહાર પ્રદર્શન દરમિયાન એક યુવકની ધરપકડ - પ્રેસ રિવ્યૂ

યુકેના વેસ્ટ મિડલૅન્ડ્સમાં મંગળવારે સાંજે સ્મેથવિકમાં દુર્ગાભવન મંદિરની બહાર સો જેટલા લોકો એકઠા થયા હતા.

પ્રદર્શન વખતે પોલીસ તરફ ફટાકડા અને મિસાઇલો છોડવાના અહેવાલ છે જોકે કોઈને પણ ઈજા થઈ હોવાનું સામે નથી આવ્યું.

18 વર્ષના યુવાનની ચાકુ રાખવાના શકમાં ધરપકડ કરવામાં આવી છે.

વેસ્ટ મિડલૅન્ડ્સ પોલીસ કહે છે કે તેમને હિંદુ કલ્ચરલ રિસોર્સ સેન્ટરમાં પ્રદર્શનના આયોજનની જાણ હતી.

પોલીસનું કહેવું છે કે આ આયોજન રદ કરવામાં આવ્યું હોવાની જાણ થઈ હતી અને આયોજનના સ્પીકર યુકેમાં નથી રહેતા.

સ્થાનિક સમયે સાંજે 7.30 વાગ્યે સ્પોન લેનમાં એક મોટા જૂથને વેરવિખેર કરાયું હતું.

પોલીસનું કહેવું છે કે સ્થાનિક સ્તરે અને આ વિસ્તારમાં પરિસ્થિતિ પર નજર રાખવામાં આવશે

ઇંગ્લૅન્ડના ઈસ્ટ મિડલૅન્ડ્સમાં આવેલા લેસ્ટરમાં શનિવારે હિંદુ અને મુસ્લિમ સમુદાયના યુવાનો વચ્ચે અથડામણ થઈ હતી.

ગુજરાતમાં માલધારી સમાજના ઉગ્ર વિરોધ બાદ ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચાયું

ગુજરાતમાં માલધારી સમાજના ઉગ્ર વિરોધ અને આંદોલન બાદ ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું છે.

ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી એ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે રખડતાં ઢોર અંગેનો કાયદો વિધાનસભામાં સર્વાનુમતે પરત લેવાયો છે. આ બિલ રાજ્યપાલને મોકલી આપવાંમાં આવશે.

માલધારીઓ આ બિલના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા હતા અને દૂધનો પુરવઠો પણ બંધ કરી નાખ્યો હતો.

દૂધ પુરવઠો બંધ કર્યો હોવાને લીધે રાજ્યમાં દૂધની અછત પણ જોવા મળી હતી અને લોકોએ દૂધ લેવા માટે લાઇનો પણ લગાવી હતી.

બિલ પસાર થયું ત્યારે કૉંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો અને ભાજપમાંથી પણ બિલની કેટલીક જોગવાઈઓ સામે વિરોધના સૂર ઊઠ્યા હતા.

માલધારી સમાજે આ કાયદાને 'કાળો કાયદો' ગણાવીને સુરત, રાજકોટ, અમદાવાદ વગેરે સ્થળોએ તેની વિરુદ્ધ આવેદનપત્ર આપ્યાં હતાં.

તિસ્તા સેતલવાડ સામે ચાર્જશીટ દાખલ

ગુજરાત એસઆઈટીએ 2002ના ગુજરાત રમખાણોના મામલામાં કથિત ખોટા પુરાવા ઊભા કરવાના કેસમાં સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર એસઆઈટીએ અમદાવાદ મેજિસ્ટ્રેટને કોર્ટમાં તિસ્તા વિરુદ્ધ રિટાયર્ડ ડીજીપી આરબી શ્રીકુમાર અને પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ વિરુદ્ધ પણ ચાર્જશીટ દાખલ કરી છે.

આ આરોપોના આધારે ગુજરાત પોલીસે તિસ્તાની 25 જૂનના ધરપકડ કરી હતી. તેમને બીજી સપ્ટેમ્બરના જામીન મળ્યા હતા.

તિસ્તા સિવાય આરબી શ્રીકુમારની પણ 25 જૂનના ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ પછી તેઓ કસ્ટડીમાં છે અને પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ પહેલાંથી જ જેલમાં બંધ છે.

તેમને અટકાયતમાં મૃત્યુના એક મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

24 જૂનના સુપ્રીમ કોર્ટે ઝકિયા જાફરીની અરજી ફગાવી હતી. તેના બીજા જ દિવસે તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારની ધરપકડ કરવામાં આવી હતી.

ઝાકિયા જાફરીની અરજીમાં 2002ના ગુજરાત રમખાણોના મામલામાં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સહિત 59 લોકોને પાસેથી મળેલી ક્લીનચિટને પડકારી હતી.

ઝાકિયા જાફરીના પતિ અને પૂર્વ કૉંગ્રેસ સાંસદ એહસાન જાફરીનું ગુજરાત રમખાણોમાં મૃત્યુ થયું હતું.

ગુજરાતમાં માલધારીઓની હડતાલ ઉગ્ર બની, રાજ્યમાં દૂધની અછતના અહેવાલ

ગુજરાતમાં માલધારી સમાજની દૂધ-હડતાળને પગલે મંગળવારે મોડી સાંજથી દૂધની અછત જોવા મળી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, હડતાળને પગલે બુધવારે પણ દૂધની અછત વર્તાઈ શકે છે.

ગુજરાતમાં માલધારી સમાજ રખડતાં ઢોર નિયંત્રણ બિલ સામે વિરોધ કરી રહ્યો છે અને તેમની માગ છે કે આ બિલ રદ કરવામાં આવે.

ગુજરાત વિધાનસભા બુધવારે આ બિલને રદ કરવાની દરખાસ્ત રજૂ કરે તેવી ધારણા છે.

ગુજરાત માલધારી મહાપંચાયતના કન્વીનર નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે "અમે 21 સપ્ટેમ્બરથી દરેકને દૂધનો પુરવઠો બંધ કરીશું, પછી તે વ્યક્તિગત ગ્રાહકો હોય કે દૂધની મોટી ડેરીઓ હોય કે કંપનીઓ. જ્યાં સુધી અમારી તમામ માગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આ ચાલુ રહેશે."

તો ઓઢવના માલધારી સમાજે જણાવ્યું હતું કે વિરોધના સમર્થનમાં તે દૂધ નહીં વેચે નહીં પરંતુ તેમના દૂધની ખીર બનાવશે અને એક દિવસ માટે વિસ્તારના લોકોને વહેંચશે.

તો રાજકોટમાં માલધારી સમાજના આગેવાનો દ્વારા રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં દર્દીઓને દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કૉંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, ભરૂચનાં વિવિધ ગામોમાંથી કૉંગ્રેસના 300થી વધુ કાર્યકરોમાં ભાજપમાં જોડાયા હતા, જેમાં મુસ્લિમ સમાજના લોકોનો પણ સમાવેશ થાય છે.

ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ બાંબુસર ગામના સરપંચ ગુલામ પટેલ સહિત નવા સભ્યોનું ભાજપમાં સ્વાગત કર્યું હતું.

ભરૂચ શહેરથી 19 કિલોમીટર દૂર મુસ્લિમ બહુમતી ધરાવતા બંબુસર ગામમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં ભાજપના મહાસચિવ દિગ્વિજયસિંહ ચુડાસમા, ભાજપ લઘુમતી પાંખના નેતાઓ સલીમખાન પઠાણ અને મુસ્તુફા ખોડાએ પણ હાજરી આપી હતી.

તો ભરૂચ કૉંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણાએ કહ્યું, "અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આવું કેમ થયું. અમે એક ટીમ બનાવી છે. અમે આનો ઉકેલ લાવીશું."

યુદ્ધને રોકવા પુતિનની દરેક વાત ન માની શકીએ- જર્મન ચાન્સેલર

જર્મન ચાન્સેલર ઓલાફ શૉલ્ટસે મંગળવારે યુએન જનરલ ઍસૅમ્બૅલીમાં જણાવ્યું હતું કે યુક્રેનમાં શાંતિ માટે પુતિનની શરતોને સ્વીકારી ન શકાય.

તેમણે કહ્યું છે કે પુતિન રશિયા અને યુક્રેન માટે વિનાશના જોખમવાળી "સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાઓ" ત્યાં સુધી નહીં છોડે જ્યાં સુધી તેમને સમજાશે નહીં કે આ યુદ્ધ જીતવું અશક્ય છે.

ચાન્સેલરે કહ્યું કે "આ કારણે અમે શાંતિ માટે રશિયન શરતો સ્વીકારીશું નહીં અને માટે યુક્રેને રશિયન હુમલાઓનો સામનો કરવા સક્ષમ થવું જોઈએ."

તેમણે એમ પણ કહ્યું કે યુક્રેન પર પુતિનનો હુમલો માત્ર યુરોપ માટે જ નહીં પરંતુ નિયમો આધારિત વૈશ્વિક શાંતિ વ્યવસ્થા માટે તબાહી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો