You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
છેલ્લો શો ફિલ્મ : ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' ઑસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
પાન નલિન દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' એ બહુચર્ચિત ફિલ્મ 'આરઆરઆર' તથા 'કાશ્મીર ફાઇલ્સ'ને પછાડીને ઑસ્કાર એવૉર્ડ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ઔપચારિક ફિલ્મ બની છે.
ફિલ્મ નવ વર્ષના બાળક સમયની કહાણી છે, જે સૌરાષ્ટ્રના ચલાલામાં આકાર લે છે. સમયને ભણવાનું કંટાળાજનક લાગે છે અને તે થિયેટરના પ્રોજેક્ટર-રૂમમાં બેસીને ફિલ્મો જુએ છે અને તેના પ્રત્યે આકર્ષણ પેદા થાય છે. આગળ જતાં તે જુગાડથી દેશી પ્રોજેક્ટર બનાવે છે.
પાન નલિનના કહેવા પ્રમાણે, આ તેમની 'અર્ધ-આત્મકથાનક ફિલ્મ' છે, જે 14 ઑક્ટોબરથી સિનેમાગૃહોમાં રજૂ થશે. નલિન અગાઉ સમસારા અને 'ઍંગ્રી ઇન્ડિયન ગૉડેસિસ' જેવું ફિલ્મોનું સર્જન કરી ચૂક્યા છે.
પોતાની ફિલ્મને ઑસ્કાર માટે મોકલવામાં આવશે, તેના વિશે પ્રતિક્રિયા આપતા નલિને તેમના ટ્વિટર હૅન્ડલ પર લખ્યું, 'ઓહ માય ગોડ ! આજની રાત અજોડ બની રહેશે! ફિલ્મ ફૅડરેશન ઑફ ઇન્ડિયા પ્રત્યે કૃતજ્ઞતા તથા જ્યુરી મૅમ્બર્સનો આભાર. 'છેલ્લો શો'માં વિશ્વાસ દાખવવા બદલ તમારો આભાર. હવે હું ફરીથી શ્વાસ લઈ શકીશ અને સ્વીકારીશ કે સિનેમા મનોરંજન આપે છે, પ્રેરણા આપે છે.
નલિન સ્વશિક્ષિત ફિલ્મ દિગ્દર્શક છે, જેમણે અંગ્રેજી, ગુજરાતી, હિંદી, જાપનિઝ, ફ્રૅન્ચ તથા તિબેટિયન ભાષામાં ફિલ્મો બનાવી છે. આઈએમડીબીના તેમના બાયોની વિગતો પ્રમાણે, તેમણે એમએસ યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સનો અભ્યાસ કર્યો. એ પછી તેમણે અમદાવાદમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનમાં અભ્યાસ કર્યો. તેમણે શરૂઆતમાં કેટલીક ઍડ ફિલ્મ અને કૉર્પોરેટ ફિલ્મો બનાવી. ફૂલ લૅન્થ ફિલ્મો બનાવતા પહેલાં તેમણે બીબીસી, ડિસ્કવરી, નેશનલ જ્યોગ્રાફિક તથા કેનલ પ્લસ સહિતની સંસ્થાઓ માટે ડૉક્યુમૅન્ટ્રી પણ બનાવી.
ભારતમાં ફિલ્મના વિતરણના અધિકાર મેળવનારા સિદ્ધાર્થ રૉય કપૂરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમારી ફિલ્મને ઑસ્કાર માટે મોકલવામાં આવી રહી છે, જેના બદલ અમે ઉત્સાહિત છીએ અને સન્માનિત અનુભવીએ છીએ. ફિલ્મના જાદુને નિરૂપતિ ફિલ્મ યોગ્ય પસંદગી જ છે.
આ ફિલ્મમાં ભાવિન રબારી, દીપેન રાવલ, ભાવેશ શ્રીમાળી તથા રિચા મિના વગેરે કલાકારોએ ભૂમિકા ભજવી છે.
ફિલ્મની કહાણી ભારતમાં સિનેમાની સફર પર આધારિત છે જે સિનેમાના પર્દા પરથી ડિજિટલ પ્લૅટફૉર્મ તરફ વધી રહી છે અને સેંકડો સિંગલ સ્ક્રીન સિનેમા થિયેટરો ખંડેર બની રહ્યા છે અથવા ગાયબ થઈ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગત વર્ષે જૂન મહિનામાં 'ટ્રિબેકા ફિલ્મ ફૅસ્ટિવલમાં' આ ફિલ્મ સ્પૉટલાઇટ સૅક્શનમાં દેખાડવામાં આવી હતી. ફિલ્મે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સમાં અનેક ઍવૉર્ડ જીત્યા છે જેમાં સ્પેનમાં આયોજિત 66મા વેલેદોલિદ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન સ્પાઇક ઍવૉર્ડ સામેલ છે, અહીં ફિલ્મને કૉમર્શિયલ સળફતા પણ મળી હતી.
પાન નલિન કહે છે કે," મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આવો દિવસ આવશે અને પ્રકાશ લાવશે તથા ઉજવણીનો પ્રકાશ. છેલ્લો શોને સમગ્ર વિશ્વમાં પ્રેમ મળ્યો છે પરંતુ મારા દિલમાં દર્દ હતો કે કેવી રીતે ભારતમાં તેની નોંધ લેવાય? હવે ફરી શ્વાસ લઈ શકું છું અને વિશ્વાસ કરી શકું છું કે સિનેમા મનોરંજન કરે છે, પ્રેરણા આપે છે અને જ્ઞાન પણ આપે છે."
ગુજરાતી બાળકના સિનેમા પ્રત્યેના પ્રેમની કહાણી
'છેલ્લો શો'માં સમય નામના બાળકની કહાણી દર્શાવાઈ છે. સમય તેના પિતાની ચાની કિટલી પર કામ કરે છે અને રેલવેના મુસાફરોને ચા વેચવાનું કામ કરે છે. તેને ભણવાનું ગમતું નથી. એક વખત તેઓ સહપરિવાર ફિલ્મ જોવા જાય છે અને સિનેજગત તેને આકર્ષે છે.
અહીં સિનેમા પ્રૉજેકટર ઑપરેટર ફઝલ સાથે તેની મુલાકાત થાય છે. સમયનાં માતા ખૂબ જ સારું ભોજન બનાવે છે. સમય પોતાના ટિફિનના બદલામાં તેને પ્રોજેક્ટર રૂમમાંથી ફિલ્મ જોવા દે છે.
ફિલ્મ 'છેલ્લો શો'માં સમય સાથે પરિવર્તનને કારણે થિયેટર બંધ પડી જાય છે અને ફઝલ બેકાર બને છે. એ પછી સમય જુગાડથી પ્રૉજેક્ટર બનાવે છે.
ફિલ્મની સરખામણી તેના અનેક દૃશ્યો તથા મુખ્ય કેન્દ્રબિંદુ ઇટાલિયન ફ્રૅન્ચ ફિલ્મ 'સિનેમા પેરેડાઇસો'થી (1988) પ્રભાવિત જણાય છે. સાલ્વાતોર આઠ વર્ષનો બાળક છે. જે પોતાના ફાઝલ સમય 'સિનેમા પેરેડાઇસો' નામના સિનેગૃહમાં વિતાવે છે. અહીં તે આલ્ફ્રૅડો નામના પ્રૉજેક્ટર ઑપરેટરના સંપર્કમાં આવે છે. આલ્ફ્રૅડો તેને માયાવશ પ્રોજેક્ટર બૂથમાંથી ફિલ્મ જોવા દે છે. સામે પક્ષે બાળક સાલ્વાતોર તેને રીલ બદલવાના, પ્રોજેક્ટર ઑપરેટ કરવાના નાના-મોટા કામોમાં મદદ કરે છે.
ફિલ્મ 'સિનેમા પેરેડાઇસો'માં થિયેટરમાં આગ લાગવાથી આલ્ફ્રૅડો અંધ બની જાય છે, જેના કારણે બાળ સાલ્વાતોરને પ્રૉજેક્ટર ઑપરેટર તરીકે કામ આપવામાં આવે છે.
ઇટાલિયન ફિલ્મમાં આગળ જતાં સાલ્વાતૉર વિખ્યાત દિગ્દર્શક બને છે.
નલિનના કહેવા પ્રમાણે, એનઆઈડીના અભ્યાસકાળ દરમિયાન અનેક ઇટાલિયન, ફ્રૅન્ચ વાસ્તવવાદી તથા નવવાસ્તવવાદી ફિલ્મો જોવાની તક મળી, જેણે તેમને ખૂબ જ પ્રભાવિત કર્યા.
સિનેમા પેરેડાઇસોને વિદેશી ફિલ્મની શ્રેણીમાં શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો હતો.
ઑસ્કારમાં ગુજરાતી ફિલ્મો
તાજેતરના ઇતિહાસમાં 'ધ ગુડ રોડ'ને ઑસ્કારમાં ભારતીય ફિલ્મ ઍન્ટ્રી તરીકે મોકલવામાં આવી હતી. તે પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી કે જેને ઑસ્કાર માટે મોકલવામાં આવી હોય.
ગ્યાન કોરિયા દ્વારા લિખિત-દિગ્દર્શિત ફિલ્મને 60મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો પુરસ્કાર મળ્યો હતો.
એ ફિલ્મ પણ એક બાળકના ખોવાઈ જવાથી મળવા સુધીની કહાણી ઉપર કેન્દ્રિત હતી, જે ગુજરાતના કચ્છમાં આકાર લે છે.
નેશનલ ફિલ્મ ડેવલ્પમૅન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા નિર્મિત ફિલ્મમાં અજય ગેહી તથા સોનાલી કુલકર્ણીએ અભિનય આપ્યો હતો.
ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે 'ગુજરાતી ફિલ્મ ઑસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની છે એ વાત જાણીને આનંદ થયો. કલાકારો તથા ક્રૂના સભ્યોને અભિનંદન તથા મારી શુભકામનાઓ.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો