You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND vs AUS : હાર્દિકની ઝંઝાવાતી બેટિંગ અને જંગી સ્કોર છતાં ઑસ્ટ્રેલિયાએ ભારતને કેમ હરાવી દીધું?
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટી-20ની ત્રણ મૅચોની ટુર્નામેન્ટની પ્રથમ મૅચ મોહાલીમાં રમાઈ, જેમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને 4 વિકેટે હરાવી દીધું. આ સાથે ઑસ્ટ્રેલિયાએ આ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
ઑસ્ટ્રેલિયાની ટીમે જીત માટેનો 209 રનનો ટાર્ગેટ 4 બૉલ બાકી રાખીને પૂરો કર્યો હતો. ઑસ્ટ્રેલિયન ટીમની જીતના હીરો કૅમરોન ગ્રીન અને મેથ્યુ વેડ રહ્યા હતા.
કૅમરોન ગ્રીન ઇનિંગની મજબૂત શરૂઆત કરી હતી અને માત્ર 30 બૉલમાં 61 રન ફટકાર્યા હતા. ગ્રીનને 'મૅન ઓફ ધ મૅચ' જાહેર કરવામાં આવ્યા હતા.
તો મેથ્યુ વેડે 21 બૉલમાં 45 રનની ઇનિંગ રમીને પોતાની ટીમને જીતવામાં મોટો ફાળો આપ્યો હતો. પેટ કમિન્સે છેલ્લી ઓવરના બીજા બૉલ પર ચોગ્ગો ફટકારીને ઑસ્ટ્રેલિયાને જીત અપાવી હતી.
ટોસ હાર્યા બાદ બેટિંગમાં ઊતરેલી ભારતીય ટીમે આમ તો ધમાકેદાર ઇનિંગ ખેલીને ઑસ્ટ્રેલિયાને જીત માટે મોટો લક્ષ્યાંક આપ્યો હતો.
ભારતીય ટીમ માટે હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે સારી ઇનિંગ રમી હતી.
બેટિંગમાં ભારતીય કૅપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કૅપ્ટન વિરાટ કોહલીના બેટનો જાદુ ચાલી શક્યો નહોતો. જોકે ભારતીય ટીમે છ વિકેટ 208 બનાવી લીધા હતા.
ભારતીય બૉલિંગ નબળી
ભારત તરફથી સૌથી સફળ બૉલર અક્ષર પટેલ રહ્યા હતા, જેમણે 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવે પણ બે વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલને એક વિકેટ મળી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑસ્ટ્રેલિયાના બૉલરોની વાત કરીએ તો નાથન એલિસે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. જોશ હેઝલવૂડે પણ બે અને કૅમરોન ગ્રીને એક વિકેટ લીધી હતી.
ભારતીય બૉલર ભુવનેશ્વરકુમાર આ વખતે પણ મોંઘા સાબિત થયા હતા. તેમણે ચાર ઓવરમાં 52 રન આપ્યા હતા અને એક પણ વિકેટ મળી નહોતી.
ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ કહ્યું કે ટીમે મેદાનમાં મળેલી તકોનો લાભ ઉઠાવ્યો ન હતો અને બૉલિંગ પણ નબળી હતી, જેના કારણે ત્રણ મૅચની સિરીઝની મોટા સ્કોરવાળી પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચમાં ઑસ્ટ્રેલિયા સામે 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો.
રોહિતે કહ્યું, "મને નથી લાગતું કે અમે એટલી સારી બૉલિંગ કરી, 200નો સ્કોર બચાવ માટે પૂરતો સારો હતો, પરંતુ અમે મેદાન પર મળેલી તકોનો ફાયદો ઉઠાવ્યો નહીં."
હાર્દિકની બેટિંગ એળે ગઈ
વિરાટ અને રોહિત શર્મા જલદી આઉટ થઈ ગયા હતા, જોકે કેએલ રાહુલ અને સૂર્યકુમારે બાજી સંભાળી હતી. રાહુલે 55 અને સૂર્યકુમારે 46 રનની ઇનિંગ ખેલી હતી.
બાદમાં આવેલા હાર્દિક પંડ્યાએ ઝંઝાવાતી બેટિંગ કરીને ભારતીય ટીમને મોટો સ્કોર અપાવ્યો હતો.
હાર્દિક પંડ્યાએ 30 બૉલમાં 71 રન બનાવ્યા હતા, જેમાં સાત ચોગ્ગા અને પાંચ સિક્સર ફટકારી હતી.
જોકે ઑસ્ટ્રેલિયન ટીમે પણ શરૂઆતથી સારી બેટિંગ કરી હતી. ફિન્ચે પહેલા બૉલે સિક્સર મારીને શરૂઆત કરી હતી. ફિન્ચના આઉટ થયા બાદ કૅમરોન ગ્રીને ચોગ્ગા અને છગ્ગાની જાણે કે ઝડી વરસાવી હતી.
ગ્રીને ઉમેશ યાદવની મૅચની બીજી ઓવરમાં સળંગ ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. ગ્રીને 30 બૉલમાં 61 રન કર્યા હતા. બાદમાં સ્ટીવ સ્મિથે પણ 35 રન કર્યા હતા.
અક્ષર પટેલે પહેલી વિકેટ (ઍરોન ફિન્ચ) લીધી હતી. જોકે ઑસ્ટ્રેલિયાની ટીમનો સ્કોર બનવો ચાલુ રહ્યો હતો.
છેલ્લી ઓવરોમાં ઑસ્ટ્રેલિયાએ બાજી મારી
ઑસ્ટ્રેલિયાની ટીમ એક સમયે હાર બાજુ સરકી રહી હોય તેમ લાગતું હતું. સ્મિથ અને મેક્સવેલના આઉટ થયા બાદ એક તબક્કે ભારતીય ટીમનું પલ્લું ભારે જણાતું હતું.
જોકે છેલ્લી ઓવર આવતાં-આવતાં બાજી પલટાઈ ગઈ હતી.
ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન જોસ અને ટીમ ડેવિડે પણ ટીમની જીતમાં થોડું યોગદાન આપ્યું હતું.
જોકે મૅચના હીરો રહ્યા મેથ્યુ વેડ. વેડે 21 બૉલમાં બે સિક્સર અને છ ચોગ્ગાની મદદથી અણનમ 45 રન ફટકાર્યા હતા.
છેલ્લી ઓવરમાં ભારતીય બૉલરોના ખરાબ પ્રદર્શનને લીધે મૅચ હાથમાંથી સરકી જતી દેખાઈ. 18મી ઓવરમાં ઑસ્ટ્રેલિયાએ ત્રણ સિક્સરની મદદથી 22 રન લીધા હતા અને જીતની નજીક પહોંચી ગયું હતું.
ભારતીય બૉલર ભુવનેશ્વરનું એશિયા કપની જેમ અહીં પણ ડેથ ઓવર બૉલિંગમાં ખરાબ પ્રદર્શન રહ્યું હતું.
19મી ઓવર નાખવા આવેલા ભુવનેશ્વરની બૉલિંગે ઑસ્ટ્રેલિયાની જીત લગભગ નક્કી કરી દીધી હતી. તેમની ઓવરમાં મેથ્યુ વેડે છેલ્લા ત્રણ બૉલમાં સળંગ ત્રણ ચોગ્ગા માર્યા અને એ રીતે ઑસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો