You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજુ શ્રીવાસ્તવનું નિધન, ઍઇમ્સમાં 58 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
લોકપ્રિય કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવે બુધવારે દિલ્હીની ઍઇમ્સ હૉસ્પિટલમાં 58 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. 10 ઑગસ્ટે હૃદયરોગનો હુમલો આવ્યા બાદ તેઓ અહીં દાખલ હતા. લાંબા સમય સુધી વૅન્ટિલેટર પર રહ્યા બાદ 21 સપ્ટેમ્બરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
બીબીસી સાથે ઍઇમ્સનાં સૂત્રોએ રાજુ શ્રીવાસ્તવના મૃત્યુની પુષ્ટિ કરી છે. રાજુ શ્રીવાસ્તવ ટ્રેડ મિલ પર દોડી રહ્યા હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો અને તેઓ પડી ગયા હતા.
શ્રીવાસ્તવનો પરિવાર લાંબા સમયથી તેમની હાલતમાં સુધારો આવે એની રાહ જોઈ રહ્યો હતો પણ આવું શક્ય ન બન્યું.
રાજુ શ્રીવાસ્તવ ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના ચૅરમૅન હતા. તેમણે 'મૈંને પ્યાર કિયા', 'બાઝીગર', 'આમદની અઠ્ઠની ખર્ચા રૂપૈયા' જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
કૅસેટના દિવસોથી શરૂઆત
વર્ષ 1963માં કાનપુરમાં કવિ રમેશ શ્રીવાસ્તવ ઉર્ફે બલઈ કાકાને ત્યાં જન્મેલાં રાજુ શ્રીવાસ્તવને બાળપણથી જ ફિલ્મી સિતારાઓની મિમિક્રી કરવાનો શોખ હતો.
કૉમેડીની દુનિયામાં કદાચ તેમને સૌથી વધુ નામના અમિતાભ બચ્ચનની મિમિક્રી કરીને જ મળી હતી.
જોકે, તેમણે કૉમેડી કરવાનું એવા સમયે શરૂ કર્યું હતું જ્યારે યૂટ્યૂબ, ટીવી, સીડી અને ડીવીડી ચલણમાં નહોતી.
તેમનું પહેલું કૉમેડી સ્કૅચ 'હસના મના હૈ' પણ એક ઑડિયો કૅસેટ સ્વરૂપે સામે આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજુ શ્રીવાસ્તવે પોતાના એક ઇન્ટરવ્યૂમાં તેનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું, "આ 1980ના દાયકાની વાત છે, એ દિવસોમાં ઘણી ચેનલો નહોતી. માત્ર દૂરદર્શન હતું. હું એ સમયનો માણસ છું. તે સમયે ડીવીડી, સીડી એ બધું નહોતું. તે સમયે અમારી ઑડિયો કૅસેટ રિલીઝ થતી હતી. જે ફસાઈ જાય તો તેમાં પેન્સિલ નાખીને ઠીક કરવી પડતી હતી. ટી સિરીઝે મારી કૅસેટ લૉન્ચ કરી હતી."
'એક શ્રીવાસ્તવની કૅસેટ આવી છે, તેની પાસેથી આઇડિયા લો'
રાજુ શ્રીવાસ્તવ કહેતા હતા, "એ જમાનાની ખાસિયત એ હતી કે એ પણ હિટ થઈ આ રજૂઆત પણ હિટ થઈ ગઈ પરંતુ એક વાત ખૂંચતી હતી કે જ્યારે હું રિક્ષામાં બેઠો હોઉં, રિક્ષામાં મારી જ કૅસેટ વાગતી હોય પણ સાંભળનારાને એ વાતનો ખ્યાલ નહોતો કે તેઓ જેની કૅસેટ સાંભળી રહ્યા છે એ વ્યક્તિ તેમની પાછળ જ બેઠી છે. ક્યારેક-ક્યારેક હું તેમને છેડવા માટે કહી દેતો હતો કે આ શું સાંભળી રહ્યા છો યાર, બંધ કરો. કંઈક સારું લગાવો. તો રિક્ષાવાળો કહેતો હતો કે અરે નહીં ભાઈ, કોઈ શ્રીવાસ્તવ છે, મસ્ત હસાવે છે."
રાજુએ એક કિસ્સો જણાવ્યો હતો, "એક વખતની વાત છે જ્યારે હું ટ્રેનમાં પોતાના એક પાત્ર મનોહરના અંદાજમાં કોઈકને શોલની કહાણી સંભળાવી રહ્યો હતો. ઉપરની બર્થમાં એક કાકા સૂઈ રહ્યા હતા, મને સાંભળીને તેઓ નીચે ઊતર્યા અને કહ્યું કે તુ આ જે કરી રહ્યો છે તેને વધારે સારી રીતે કર. તેમાં મહેનત કર અને કૅસેટ બનાવીને મુંબઈ જા. ગુલશનકુમારનો સ્ટુડિયો હશે, ત્યાં જઈને સંભળાવ. તારી પણ કૅસેટ આવશે. એક શ્રીવાસ્તવની કૅસેટ આવી છે, તેની પાસેથી આઇડિયા લો."
ગ્રેટ લાફ્ટર ચૅલેન્જથી મળી પ્રસિદ્ધિ
વર્ષ 1982માં મુંબઈ પહોંચનારા રાજુ શ્રીવાસ્તવે શરૂઆતના સમયમાં ઑર્કેસ્ટ્રા સાથે કામ કર્યું હતું અને પહેલી વખતની ફી તરીકે માત્ર 100 રૂપિયા મળ્યા હતા.
ફિલ્મોમાં તેમની સફર સલમાન ખાનની પહેલી ફિલ્મ 'મૈનેં પ્યાર કિયા'થી શરૂ થઈ. ત્યાર બાદ તેમણે બાઝીગરથી લઇને 'બૉમ્બે ટૂ ગોવા' અને 'આમદની અઠન્ની ઔર ખર્ચા રૂપૈયા જેવી ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું.'
જોકે, તેમને દેશવ્યાપી પ્રસિદ્ધિ ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચૅલેન્જથી મળી. જેમાં તેમણે પોતાની શાનદાર કૉમેડીથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
રાજુ શ્રીવાસ્તવને એક એવા કૉમેડિયન તરીકે પણ ઓળખવામાં આવે છે જે તૈયારી વગર અચાનક વાતો-વાતોમાં જોક્સ સંભળાવી શકતા હતા.
એક ઇન્ટરવ્યૂમાં જ્યારે તેમના ખાસ અતરંગી કપડાને લઇને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું, "મારા શો લખનૌ-પટના જેવાં શહેરોમાં લાગનારા મેળામાં થાય છે. જ્યાં ભારે ભીડ જમા થતી હોવાથી અતરંગી કપડાંમાં લોકોને દૂરથી દેખાઈ જાઉં છું અને આ ચોટલી એટલા માટે રાખી છે કે જેથી લોકો મને ચોટી(ઉચ્ચ કક્ષા)નો કલાકાર સમજે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો