સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ : કેમ મોંઘીદાટ કારનાં સેફ્ટી ફીચર પણ ઉદ્યોગપતિને અકસ્માતમાં બચાવી ન શક્યાં, ક્યાં થઈ ચૂક?

  • મોંઘીદાટ અને અનેક સેફ્ટી ફીચરવાળી કાર મર્સીડીઝ બેન્ઝ જીએલસીમાં સવાર ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનો અકસ્માતમાં બચાવ કેમ ન થઈ શક્યો?
  • ગુજરાત આવેલા સાયરસ મિસ્ત્રીની કારને મહારાષ્ટ્રના પાલઘર ખાતે સૂર્યા નદીના બ્રિજ પર અકસ્માત નડ્યો હતો
  • અકસ્માતમાં સાયરસ સહિત જહાંગીર પંડોલેનું પણ મૃત્યુ થયું હતું તથા અનાહિતા અને ડેરિયસ પંડોલે બચી જવા પામ્યાં હતાં.

રવિવારે બપોરે સવા ત્રણ વાગ્યે ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચૅરમૅન અને શાપૂરજી પલોનજી ગ્રૂપના વડા સાયરસ મિસ્ત્રીનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

તેઓ ગુજરાતના વલસાડના ઉદવાડાથી મિત્રના પિતાની અંતિમ ક્રિયામાં ભાગ લઈ પાછા મુંબઈ ફરી રહ્યા હતા.

તેઓ અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે મોંઘીદાટ એવી મર્સીડીઝ બેન્ઝ જીએલસી મૉડલની કારમાં આ સફર કરી કરી રહ્યા હતા.

પાછળની સીટ પર બેઠેલા સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલેનાં આ અકસ્માતમાં મૃત્યુ નીજપ્યાં હતાં.

બ્રીચ કેન્ડી હૉસ્પિટલનાં ગાયનેકૉલૉજિસ્ટ ડૉ. અનાહિતા પંડોલે કાર ચલાવી રહ્યાં હતાં જ્યારે બાજુની સીટમાં તેમના પતિ ડેરિયસ પંડોલે બેઠા હતા. બંને પતિ-પત્ની અકસ્માતમાં બચી ગયાં હતાં. ડેરિયસ જેએમ ફાઇનાન્સિયલ પ્રાઇવેટ ઇક્વિટીના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ છે. આ ત્રણેય સાયરસનાં કૌટુંબિક મિત્રો હતાં.

નોંધનીય છે કે આ કાર દમદાર સેફ્ટી અને લક્ઝરી ફીચરવાળી હોવાનો દાવો કરાય છે.

તેમ છતાં આ કારનાં સેફ્ટી ફીચર કેમ આ અકસ્માતમાં ઉદ્યોગપતિ અને તેમના મિત્રના જીવ ન બચાવી શક્યાં?

આમ, સાયરસ મિસ્ત્રીના મૃત્યુ બાદ મોંઘીદાટ મર્સીડીઝ બેન્ઝ જીએલસી મૉડલની કાર અને તેનાં સેફ્ટી ફીચર અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.

કારનાં સેફ્ટી ફીચર

ન્યૂઝ 18ના ડોટ કૉમના એક અહેવાલ અનુસાર આ કાર 2 જૂન 2016ના રોજ ઑટો એક્સપો ખાતે ભારતમાં લૉન્ચ કરવામાં આવી હતી.

એ સમયે કારની કિંમત (એક્સ-શો રૂમ કિંમત પુણે) 50 લાખ કરતાં વધુ રાખવામાં આવી હતી.

જોકે અહેવાલ પ્રમાણે અકસ્માત થયો એ કાર ખરેખર મર્સીડીઝના કયા વૅરિયન્ટની હતી એ ખ્યાલ આવી શક્યો નહોતો.

નોંધનીય છે કે મર્સીડીઝની GLC સીરિઝને યુરો NCAP (ન્યૂ કાર ઍસેસમૅન્ટ પ્રોગ્રામ) દ્વારા ફાઇવ સ્ટાર રેટિંગ આપવામાં આવી હતી.

આ કારનાં સેફ્ટી ફીચરની વાત કરીએ તો તે સાત ઍરબૅગથી સજ્જ હતી. તેમજ ક્રોસવિંડ આસિસ્ટ, પાર્કિંગ આસિસ્ટ, ઍટેન્શન આસિસ્ટ, ઍડેપ્ટિવ બ્રેક લાઇટ્સ, ટાયર-પ્રેશર મૉનિટરિંગ સિસ્ટમ, હિલ ડિસેન્ટ કંટ્રોલ અને મર્સિડિઝના પ્રી-સેફ ઑક્યુપન્ટ પ્રૉટેક્શન વડે સજ્જ હતી.

જોકે વર્ષ 2021માં આ કારને તેના ફિસલિફ્ટેડ મોડ્યુલ સાથે વર્ષ 2021માં ફરી લૉન્ચ કરવામાં આવી હતી.

અકસ્માત વખતે શું થયું?

હિંદુસ્તાન ટાઇમ્સ અખબાર લખે છે, પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કાર પૂરપાટ જઈ રહી હતી અને પાછળની સીટ પર બેસેલા સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલેનું મૃત્યું થયું હતું. બન્નેએ સીટ બેલ્ટ નહોતા બાંધ્યા.

આ સિવાય કારમાં અકસ્માત સમયે ઍરબૅગ સમયસર ખૂલી હતી કે કેમ તે અંગે પણ હજુ સુધી કંઈ ખબર પડી શકી નથી. તેમજ જો સમયસર ઍરબૅગ ખૂલી હોત તો તે પરિસ્થિતિમાં બંને મૃતકોના જીવ બચાવી શકાયા હોત કે કેમ તે પણ હાલ તબક્કે કહી શકાય એમ નથી.

સમાચાર એજન્સી પીટીઆઈએ પોલીસસૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે પાલઘરમાં ચારોટી ચૅકપોસ્ટ પરથી મર્સીડીઝ કાર બપોરે 2:21 વાગ્યે પસાર થઈ હતી જ્યારે અકસ્માત બપોરે 2:30 વાગ્યે સૂર્યા નદી પર આવેલા પુલ પર થયો હતો, જે ચૅકપોસ્ટથી લગભગ 20 કિલોમિટર દૂર છે.

જેના આધારે ગાડીએ 20 કિલોમિટરનું અંતર માત્ર નવ મિનિટમાં કાપ્યું હોવાનું પીટીઆઈ પોલીસના હવાલેથી જણાવે છે.

આ ઉપરાંત ગાડી ચલાવી રહેલાં ડૉ. અનાહિતાથી ચૂક (ઍરર ઑફ જજમૅન્ટ) થઈ હોવાનું પણ પોલીસનું માનવું છે.

ઇકૉનોમિક ટાઇમ્સ સૂત્રોને ટાંકીને લખે છે, 'પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે રોડ ઇજનેરી કે વાહનમાં કોઈ ખામી નહોતી. આગળની સીટ પર બેસેલી બન્ને વ્યક્તિ માટે ઍર બૅગ ખૂલી હતી. જ્યારે પાછળની સીટમાં આવી કોઈ ઍૅર બૅગ જોવા નહોતી મળી. એ ઉપરાંત પાછળ બેઠેલી વ્યક્તિઓએ સીટ બેલ્ટ પણ નહોતો બાંધ્યો.'

આ પહેલાં પાલઘરના પોલીસ અધીક્ષક બાલાસાહેબ પાટીલે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું, "અકસ્માત થયો ત્યારે ડૉ. અનાહિતા પંડોલે કાર ચલાવી રહ્યાં હતાં. તેમના પતિ ડેરિયસ આગળની સીટ પર બેઠા હતા અને સાયરસ તેમજ જહાંગીર પંડોલે પાછળની સીટ પર બેઠા હતા."

એસપી અનુસાર, 'પ્રથમ દૃષ્ટિએ કારની ગતિ વધારે હતી એવું જણાય છે. જ્યારે તેઓ સૂર્યા નદી પરના પુલ પર પહોંચ્યાં, ત્યારે રસ્તો ત્રણ લૅનથી બે લૅનમાં ફેરવાયો હતો અને ત્યાં કાર પુલની ધારમાં ધસી ગઈ.'

ઉદવાડા અંતિમ સંસ્કાર વિધિમાં હાજરી પુરાવવા આવ્યા હતા સારસ

સૂત્રોના જણાવ્યા અનુસાર સાયરસ મિસ્ત્રી પંડોલેના પારિવારિક મિત્ર હતા. પંડોલેના પિતાનું પખવાડિયા પહેલાં મૃત્યુ થયું હતું.

સાયરસ મિસ્ત્રી અને અન્ય ત્રણ અંતિમ વિધિ માટે ગુજરાતના વલસાડ ખાતેના ઉદવાડા ગયા હતા, જ્યાંથી તેઓ પરત ફરી રહ્યાં હતાં.

પારસીઓના ધર્મગુરુ ખુરશીદજી વડા દસ્તૂરના જણાવ્યા પ્રમાણે સાયરસ મિસ્ત્રી અને પંડોલે પરિવારે રવિવારે સવારે ઉદવાડા ખાતે ઈરાનશાહ આતશ બહેરામની મુલાકાત લીધી હતી.

ઈરાનશાહ આતશ બહેરામ ભારતમાં પારસી ધર્મનાં આઠ અગ્નિમંદીરો પૈકીનું એક અને પ્રથમ મંદીર છે.

પોલીસ તપાસમાં શું-શું બહાર આવ્યું?

પોલીસ તપાસમાં મળેલી માહિતી અંગે સમાચાર સંસ્થાના ઇનપુટ સાથે હિંદુસ્તાન ટાઇમ્સ લખે છે :

સાયરસ મિસ્ત્રી અને જહાંગીર મિસ્ત્રીને તપાસનારા ડૉક્ટરનું કહેવું છે કે સાયરસ મિસ્ત્રીને મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા પરંતુ જહાંગીર પંડોલેનું હૉસ્પિટલ લઈ જતી વખતે મૃત્યુ થયું હતું.

સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલેને માથાના ભાગે ગંભીર ઈજા હતી. જહાંગીરને ડાબા પગે ફ્રૅક્ચર પણ હતું.

અકસ્માતના સમયે સ્થળ પર હાજર પ્રત્યક્ષદર્શીએ પોલીસને જણાવ્યું કે ગાડી પૂરઝડપે જઈ રહી હતી અને પુલ શરૂ થયો તે પહેલા ડાબી બાજુએથી અન્ય એક ગાડીને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો અને એવામાં કાબૂ ગુમાવી દેતાં અકસ્માત સર્જાયો હતો.

આગળની સીટ પર બેઠેલાં અનાહિતા અને તેમના પતિ ડેરિયસને ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે વાપીની રેઇનબો હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

આ દંપતીનો ઍરબૅગ્સના કારણે જીવ બચી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો