You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
15 ઑગસ્ટ : PM મોદીએ ભ્રષ્ટાચાર અને પરિવારવાદને ગણાવ્યા પડકાર, સોનિયા ગાંધીએ કહ્યું 'આત્મમુગ્ધ સરકાર'
- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો
- નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં દેશના હરેક નાગરિકો અને ભારતપ્રેમીઓને આઝાદીના અમૃત મહોત્સવની શુભેચ્છા આપી હતી.
- વડા પ્રધાને પોતાના સંબોધનમાં મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, બાબાસાહેબ આંબેડકર અને વીર સાવરકરનું નામ લીધું
- વડા પ્રધાને રાણી લક્ષ્મીબાઈ, ઝલકારી બાઈ, દુર્ગા ભાભી, રાની ચેન્નમ્મા, બેગમ હઝરત મહલ જેવી દેશની વીરાંગનાઓને યાદ કરતા નારી-શક્તિનો ઉલ્લેખ કર્યો હતો
દેશના 76મા સ્વતંત્રતા દિવસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને દેશને સંબોધન કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં દેશના હરેક નાગરિકો અને ભારતપ્રેમીઓને આઝાદીના અમૃત મહોત્સવની શુભેચ્છા આપી હતી. તેમણે કહ્યું કે આ એક પૂણ્ય અવસર છે.
તેમણે કહ્યું, "ગુલામીનો આખો કાળખંડ સંઘર્ષમાં પસાર થયો છે. એવી કોઈ જગ્યા નહોતી જ્યાં દેશવાસીઓએ ગુલામી સામે બલિદાન ન આપ્યું હોય. આજે દેશ માટે ત્યાગ કરનારા દરેક ત્યાગીને યાદ કરવાનો દિવસ છે. તેમનાં સપનાં પૂરાં કરવાનો સંકલ્પ."
વડા પ્રધાને પોતાના સંબોધનમાં મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, બાબાસાહેબ આંબેડકર અને વીર સાવરકરનું નામ લેતા કહ્યું કે આ લોકોએ કર્તવ્યપથ પર ખુદને ખપાવી દીધા.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે આ દેશ મંગલ પાંડે, તાત્યા ટોપે, ભગતસિંહ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, અશફાક ઉલ્લાહ ખાન, રામ પ્રસાદ બિસ્મિલ જેવા અસંખ્ય ક્રાંતિવીરોનો ઋણી છે, જેમણે બ્રિટિશ શાસનનો પાયો હલાવી દીધો.
પોતાના સંબોધનમાં પીએમે રાણી લક્ષ્મીબાઈ, ઝલકારી બાઈ, દુર્ગા ભાભી, રાની ચેન્નમ્મા, બેગમ હઝરત મહલ જેવી દેશની વીરાંગનાઓને યાદ કરતા નારી-શક્તિનો ઉલ્લેખ કર્યો હતો.
વડા પ્રધાને દેશના લોકોને પાંચ પ્રણ લેવા કહ્યું હતું, તેમજ દેશની વર્તમાન સ્થિતિ અને ભાવિ અંગે પણ વાત કરી હતી.
અમૃતકાળનાં પાંચ-પ્રણ
- પહેલું પ્રણ- બહુ મોટા સંકલ્પો લઈને ચાલવું પડશે
- બીજું પ્રણ- આપણી અંદર ગુલામીનો એક પણ અંશ હશે તો તેને કાઢી નાખવો પડશે
- ત્રીજું પ્રણ- આપણને આપણી વિરાસત પર ગર્વ હોવો જોઈએ
- ચોથું પ્રણ- એકતા અને એકજૂથતા
- પાંચમું પ્રણ- નાગરિકોનું કર્તવ્ય
વડા પ્રધાનના સંબોધનના મહત્ત્વના અંશો
- ભ્રષ્ટાચાર દેશને ઊંધઈની જેમ ખાઈ રહ્યો છે, તેની સામે દેશે લડવું જ પડશે. અમારા પ્રયાસો છે કે જેણે દેશને લૂંટ્યો છે, એણે પાછું પણ આપવું પડે, અમે એના પ્રયાસો કરી રહ્યા છીએ
- જ્યારે હું ભાઈ-ભત્રીજાવાદ અને પરિવારવાદની વાત કરું છું, તો લોકોને લાગે છે કે હું માત્ર રાજનીતિની વાત કરી રહ્યો છું. એવું નથી. દુર્ભાગ્યવશ રાજકારણ ક્ષેત્રની એ બુરાઈએ હિન્દુસ્તાનની દરેક સંસ્થામાં પરિવારવાદને પોષિત કરી દીધો છે
- કોઈને કોઈ કારણે આપણી અંદર એક એવી વિકૃતિ આવી ગઈ છે, આપણી બોલચાલમાં, વ્યવહારમાં, આપણા કેટલાક શબ્દોમાં... આપણે નારીનું અપમાન કરીએ છીએ
- નારીનું ગૌરવ રાષ્ટ્રનાં સપનાં પૂરાં કરવામાં બહુ મોટી મૂડી બનાવાનું છે, આથી મારો એ તમને આગ્રહ છે કે નારીનું સન્માન કરો
- આઝાદીનાં આટલાં વર્ષો બાદ વિશ્વનો ભારત તરફ જોવાનો નજરિયો બદલાયો છે
- વિશ્વ ભારત તરફ ગર્વ અને અપેક્ષાથી જોઈ રહ્યું છે
- સમસ્યાઓનું સમાધાન ભારતની ધરતી પર ખોજી રહ્યું છે
- અમે એ લોકો છીએ જે જીવમાં શીવ જુએ છે, નરમાં નારાયણ જુએ છે
- આત્મનિર્ભર ભારત કોઈ સરકારી એજન્ડા કે સરકારી કાર્યક્રમ નથી, આ સમાજનું જનઆંદોલન છે, જેને આપણે આગળ વધારવાનું છે
- ગુલામીની માનસિકતાને તીલાંજલિ આપવી પડશે, પોતાના સામર્થ્ય પર વિશ્વાસ રાખવો પડશે
- 75 વર્ષ બાદ લાલ કિલ્લા પર તિરંગાને સલામી આપવાનું કામ પહેલી વાર મેડ ઇન ઇન્ડિયા તોપે કર્યું
- ક્યારેક આપણું ટેલેન્ટ ભાષાનાં બંધનોમાં બંધાઈ જાય છે, આ ગુલામીની માનસકિતાનું પરિણામ છે
- આપણા દેશની દરેક ભાષા પર ગર્વ હોવો જોઈએ
મોદી સરકાર 'આત્મમુગ્ધ' છે- સોનિયા ગાંધી
કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે મોદી સરકાર 'આત્મમુગ્ધ' છે, જે સ્વાતંત્ર્યસેનાનીઓની ઉપલબ્ધિઓને નબળી સાબિત કરવાની કોશિશ કરી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દેશવાસીઓના નામે જારી પોતાના સંદેશમાં સોનિયા ગાંધીએ લખ્યું, "આપણે 75 વર્ષમાં અનેક સિદ્ધિ હાંસલ કરી છે, પરંતુ આજની આત્મમુગ્ધ સરકાર આપણા સ્વાતંત્ર્યસેનાનીઓનાં મહાન બલિદાનો અને દેશની ગૌરવશાળી સિદ્ધિઓને તુચ્છ સાબિત કરવા તત્પર છે, જેને ક્યારેય સ્વીકારી ન કરી શકાય."
તેમણે વધુમાં કહ્યું હતું કે, "રાજકીય લાભ માટે ઐતિહાસિક તથ્યો પર કોઈ પણ ખોટી નિવેદનબાજી અને ગાંધી-નેહરુ-પટેલ-આઝાદજી જેવા મહાન નેતાઓને અસત્યના આધારે કઠેડામાં ઊભા કરવાના દરેક પ્રયાસનો કૉંગ્રેસ ઉગ્ર વિરોધ કરશે."
લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો
થોડા સમય પહેલાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર પહોંચ્યા હતા અને તેમણે લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો હતો.
પીએમ મોદીએ લાહોરી ગેટથી કિલ્લામાં પ્રવેશ કર્યો હતો.
વડા પ્રધાનના નિવાસસ્થાનથી તેઓ સૌથી પહેલા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરવા રાજઘાટ પહોંચ્યા હતા.
દેશના રક્ષામંત્રી રાજનાથસિંહે લાલ કિલ્લા પર તેમનું નેતૃત્વ કર્યું હતું. દરમિયાન ત્રણેય સેનાના પ્રમુખો પણ હાજર રહ્યા હતા અને તેમનું સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેવા લોકો આવી પહોંચ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થવા પર દેશવાસીઓને શુભેચ્છા પણ પાઠવી છે.
ટ્વિટર પર તેમણે લખ્યું, "દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ!"
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો