અમદાવાદ : ભરણપોષણ ન આપવું પડે એ માટે IB અધિકારીએ પત્નીની હત્યા કરાવી, એક ભૂલથી કઈ રીતે પકડાયા?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે

- આઈબી ઇન્સ્પેક્ટરે અમદાવાદમાં રહેતા પત્નીની હત્યા માટે પ્લાન બનાવ્યો
- પત્નીને ભરણપોષણ ન આપવું પડે એ માટે આયોજન કર્યું
- વતન તેલંગાણામાં પ્રોફેશનલ કિલરને સોપારી આપી
- ડિલીવરી બૉય બનીને કિલરે હત્યા કરી

"અમારા મિત્ર ઇન્સ્પેક્ટર રાધેકૃષ્ણના કહેવાથી અમે તેમના પત્નીની રેકી કરતા હતા. અમને ખબર પડી કે તેઓ એકલાં રહે છે અને ઓફિસેથી ઘરે મોડાં આવે છે ત્યારે એ જમવાનું ઑર્ડર કરીને મંગાવે છે. અઠવાડિયામાં ત્રણ દિવસ તેઓ બહારથી જમવાનું મંગાવતાં હતાં. એકવાર ઇન્સ્પેક્ટર મિત્રના કહેવાથી અમે સોસાયટીની બહારથી ડિલિવરી બૉયને પૈસા આપીને રવાના કરી દીધો અને અમે જમવાનું લઈને એના ઘરે ગયા અને એમનું ગળું દબાવી દીધું."
આ કબૂલાત છે દક્ષિણ ભારતના પ્રોફેશનલ કિલર ખાલીઉદ્દીન સૈયદની.
કેન્દ્ર સરકારના આઈબી (ઇન્ટેલિજન્સ બ્યૂરો)માં ઇન્સ્પેક્ટર તરીકે મધ્યપ્રદેશમાં ફરજ બજાવતા રાધેકૃષ્ણ દૂધેલાએ અલગ રહેતા પત્નીની હત્યા માટે ફિલ્મી પટકથા જેવો પ્લાન ઘડ્યો હતો.
રાધેકૃષ્ણ અને મનીષાના લગ્ન 18 વર્ષ પહેલાં થયાં હતાં. લગ્નજીવનમાં ભંગાણ પડતાં છૂટાછેડા અને ભરણપોષણનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.

ભરણપોષણ પેટે મહિને 30 હજાર ચૂકવવાના હતા

ઇમેજ સ્રોત, Bhargav Parikh
મનીષાએ ગુજરાત હાઈકોર્ટમાં ભરણપોષણ માટે કરેલી અરજીમાં કહ્યું હતું કે, "શરુઆતમાં લગ્નજીવન સારું ચાલ્યું પરંતુ લગ્નનાં થોડાં વર્ષો બાદ પતિની મારઝૂડને પગલે તેમણે છૂટાછેડા લીધા હતા."
મનીષાની ભરણપોષણની અરજીના ચૂકાદામાં કોર્ટે રાધેકૃષ્ણને મહિને 30 હજાર રૂપિયા ભરપોષણ પેટે ચૂકવવાનો આદેશ કર્યો હતો. અરજી અનુસાર, અમદાવાદના વેજલપુર વિસ્તારમાં તેમનાં માતા જે ફ્લેટમાં રહેતાં હતાં તેની સામેના ફ્લેટમાં તેઓ એકલાં જ ભાડે રહેતાં હતાં.
મનીષા અમદાવાદના મેમનગર વિસ્તારમા એક ખાનગી કંપનીમાં કૉમ્પ્યૂટર ઓપરેટર તરીકે નોકરી કરતાં હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર કોર્ટમાં કેસ હારી ગયા પછી મનીષાના પતિ રાધેકૃષ્ણે ભરણપોષણ ન આપવું પડે એ માટે પત્નીને મારી નાખવાની યોજના ઘડી અને તેલંગાણાના વારંગલમાં પ્રોફેશનલ કિલર ખાલીઉદ્દીન સૈયદનો સંપર્ક કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખાલીઉદ્દીન સૈયદે પોલીસ સમક્ષ કબૂલાતમાં કહ્યું છે કે, 'મનીષાને મારવાનું કામ તેને રાધેકૃષ્ણ દૂધેલાએ સોંપ્યું હતું એટલે એ પોતાના બે સાથીઓને લઈ અમદાવાદ આવ્યો હતો અને હત્યા કરી પરત તેલંગાણા જતો રહ્યો હતો.'
આ કેસનો ભેદ ઉકેલનાર ડીસીપી ભગીરથસિંહ જાડેજા બીબીસી સાથે વાત કરતા કહે છે, "પ્રથમ દ્રષ્ટિએ લાગતું હતું કે અકસ્માતે પડી જવાથી મૃત્યુ થયું છે. એટલે અકસ્માત મૃત્યુની ફરિયાદ નોંધીને મનીષાનો મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો."

ભાડાની મોટરસાઇકલ પરથી ભેદ ઉકેલાયો

ઇમેજ સ્રોત, Bhargav Parikh
ડીસીપી જાડેજા કહે છે, "પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં મૃતકના ગળાના ભાગે ઈજા જોવા મળી. મનીષાનું મૃત્યુ 19 જુલાઈએ થયું હોવાનું બહાર આવ્યું. અમે સોસાયટીના એક મહિનાના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા. તેમાં અમને ખબર પડી કે મનીષાના ઓફિસ જવા-આવવાના સમયે એક મોટરસાઇકલ આવતી જોવા મળી. આ મોટરસાઇકલ સોસાયટીમાં પ્રવેશતી નહોતી, બહારથી જ પરત ફરી જતી હતી."
પોલીસે મોટરસાઇકલ અંગે તપાસ કરી તો તે અમદાવાદના ઈન્ક્મટેક્સ વિસ્તારમાંથી ઑનલાઈન ભાડે લેવાઈ હતી. વેજલપુરની નજીક આનંદનગર વિસ્તારમાં એક હોટલમાં રહેતા ખાલીઉદ્દીન સૈયદે એક મહિનો અમદાવાદમાં રહેવાનો હોવાનું કહીને મોટરસાઇકલ ભાડે લીધી હતી.
પોલીસે હોટલના સીસીટીવીની તપાસ કરી તો એ જ વ્યક્તિ દેખાઈ જે વેજલપુરમાં મનીષાના ફ્લેટ પાસે બાઈક પર ફરતી હતી.
હોટલમાં તપાસ કરી તો ખાલીઉદ્દીનની સાથે બીજા બે માણસો રોકાયા હતા. હોટલના દસ્તાવેજોને આધારે પોલીસની ટીમ તેલંગાણા મોકલવામાં આવી.
તેલંગાણા પોલીસને પહેલા ફેરામાં ખાલીઉદ્દીન હાથ ન લાગ્યો. સ્થાનિક પોલીસ સાથે સંકલન કર્યું અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી બીજા પ્રયાસમાં પકડી પાડ્યો.
ખાલીઉદ્દીને પોલીસ સમક્ષ કબુલાત કરતાં કહ્યું છે કે તેમને તેમના મિત્ર રાધેકૃષ્ણ તરફથી મનીષાને મારવાની સોપારી મળી હતી.
હત્યામાં મદદ માટે તેમણે સાથે જાવેદ અને સતીશને લીધા હતા અને તેમને મદદગારી માટે 15,000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું.
ડીસીપી ભગીરથસિંહ કહે છે, "હાલ ખાલીઉદ્દીનની ધરપકડ કરવામાં આવી છે અને સતીશ તથા જાવેદ નાસતા ફરે છે. રાધેકૃષ્ણ દૂધેલાની મધ્યપ્રદેશ પોલીસની મદદથી ધરપકડ કરવામાં આવશે."
ધરપકડ થયા બાદ ખાલીઉદ્દીને કાબુલ કર્યું છે કે તેમણે 15 દિવસ મનીષાની રેકી કરી હતી. તેમણે જણાવ્યું કે મનીષા મેમનગરમાં પોતાની ઑફિસમાં કામ કરી સાંજે ઘરે આવતાં હતાં. તેમને મળવા કોઈ આવતું નહોતું. મંગળવાર, ગુરુવાર અને શનિવારે તેમને ઑફિસમાંથી આવતાં મોડું થતું હતું એટલે રાતનું જમવાનું ઓર્ડર કરીને મંગાવતાં હતાં.
"અમે ડિલિવરી બૉય પાસેથી જમવાનું લઈ લીધું અને તે લઈને મનીષાના ઘરમાં ઘૂસી ગયાં હતાં. મનીષાના ગળે ઘા મારી હત્યા કરીને તેલંગાણા જતા રહ્યા હતા."

ઘરમાંથી વાસ આવતાંમૃત્યુની જાણ થઈ

ઇમેજ સ્રોત, Getty Images
ખાલીઉદ્દીનની કબૂલાત અનુસાર, તેમણે રાધેકૃષ્ણના કહેવા પ્રમાણે જ કર્યું હતું.
તેમને કહેવામાં આવ્યું હતું કે ગુજરાત પોલીસમાં તેમના નામે કોઈ ગુનાહિત રૅકર્ડ નહીં હોય. તેમને વાહન ભાડે લેવા કહ્યું હતું અને ડિલિવરી બૉય જમવાનું આપવા આવે ત્યારે તેમની પાસેથી 'ફૂડ પાર્સલ' લઈને મનીષાના ઘરમાં જઈને હત્યા કરવા કહેવાયું હતું.
મનીષા ઑફિસથી લગભગ દસ વાગ્યા પછી આવતા અને તે સમયે સોસાયટીમાં ખાસ અવર-જવર રહેતી ન હોવાથી ખાલીઉદ્દીન અને તેના સાગરિતો ખૂન કરીને સરળતાથી ભાગી ગયા.
મૃતક મનીષાનાં માતા વર્ષાબહેને બીબીસી સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું, "પોલીસમાં હોવાનો રોફ જમાવી એ મારપીટ કરતો અને માનસિક ત્રાસ આપતો. મનીષાથી માર સહન ન થતાં તે અમદાવાદ આવી ગઈ હતી. કારણ કે મારી બીજી દીકરીનાં લગ્ન અમદાવાદમાં થયાં છે અને એ બોપલમાં રહે છે. હું વેજલપુરમાં મનીષાના ફ્લેટની સામેના ફ્લેટમાં રહું છું. "
"એ ચાર દિવસથી મને મળવા આવી નહોતી, એવામાં અમારા પડોશીએ કહ્યું કે મનીષાના ઘરમાંથી વાસ આવે છે. મેં જઈને જોયું તો એનો મૃતદેહ પડેલો હતો."
મેમનગરની ખાનગી કંપનીમાં મનીષા સાથે કામ કરતા તેમનાં સહકર્મી આરતી જોશીએ કહ્યું, "મનીષા પોતાના કામથી મતલબ રાખતાં હતાં. એમનો સ્વભાવ મળતાવડો હતો, અઠવાડિયામાં ત્રણ દિવસ તેઓ ઓવરટાઈમ કરતા જેથી આવક વધે."
"મનીષાએ છેલ્લે કહ્યું હતું કે હવેથી એ ઓવરટાઈમ બંધ કરશે. કારણ કે કોર્ટમાં તેઓ ભરણપોષણનો કેસ જીતી ગયા છે અને હવે તેમને પૈસા મળશે."
પતિ દ્વારા જ પત્નીની હત્યાની ઘટના અંગે જાણીતા મનોચિકિત્સક ડૉ. જ્યોતિક ભચેચ કહે છે,"આ પોલીસ અધિકારીને પત્ની તરફથી મળેલી હારને કારણે એનો બદલો લેવાની ભાવના દૃઢ થઇ છે."
"આવા કિસ્સામાં જયારે વ્યક્તિ ઉચ્ચ હોદ્દા પર હોય ત્યારે આવી હાર પચાવી શકતી નથી અને આવેશમાં આવું પગલું ભરી લે છે. મૃતકનો પતિ સિસ્ટમનો માણસ હોવાથી એને પોતાની પત્નીનું ખૂન કરવા માટે ઘણું પ્લાનિંગ કર્યું હતું."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













