You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘લઠ્ઠાકાંડમાં પિતા ગુમાવ્યા પછી મા પણ છોડી ગયાં’, દાદા-દાદી પાસે ઉછરેલી દિકરીઓની કહાણી
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- આઠ જુલાઈ 2009ના રોજ થયું હતું પરષોત્તમનું મૃત્યુ
- મૃત્યુ બાદ પરષોત્તમનાં પત્ની ઘરેથી ચાલ્યા ગયાં હતાં
- ત્રણ અને છ વર્ષની પુત્રીઓની જવાબદારી દાદા-દાદીના માથે હતી
- દાદા-દાદીએ અથાગ મહેનત કરીને આ બંને બહેનોને ઉછેરી
- હવે આ બહેનો દાદા-દાદીનું ઘડપણ સુધારવા માગે છે
અમદાવાદના મજૂર ગામની સાંકડી ગલીઓમાં ભાડાના મકાનમાં રહેતા જયંતીભાઈ રેવર સાંજ પડે જ્યારે ઘરે પહોંચે છે ત્યારે સગીર વયની બે પૌત્રીઓ તેમની રાહ જોતી હોય છે. તેમની પૌત્રીઓ ઉંમરમાં સગીર હોઈ શકે છે પરંતુ સમય અને સંજોગોએ બંનેને પુખ્ત બનાવી દીધી છે.
આ સમય અને સંજોગોમાં સૌથી મોટો અને આઘાતજનક સંજોગ ઘટ્યો હતો સાત જુલાઈ 2009ના રોજ. આ દિવસે બંને બહેનોએ અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં પોતાના પિતાને ગુમાવ્યા હતા.
લઠ્ઠાકાંડમાં પિતાને ગુમાવ્યા ત્યાં સુધી તો ઠીક છે પરંતુ પિતાના મૃત્યુ બાદ માતા પણ બંનેને છોડીને ચાલ્યાં ગયાં હતાં. ત્યારથી તેઓ મજૂર ગામમાં પોતાના દાદા જયંતીભાઈ અને દાદી ધણીબહેન સાથે રહે છે.
એકબાજુ દાદા-દાદી પૌત્રીઓને સારું અને ગુણવત્તાભર શિક્ષણ મળી રહે તે માટે દિવસ-રાત સતત મહેનત કરે છે. ત્યારે બીજીબાજુ બંને બહેનો છેલ્લાં 15 વર્ષથી એક પણ તહેવાર ન ઉજવનારાં દાદા-દાદીનું ઘડપણ સુધારવા માટે જલદીથી અભ્યાસ પૂરો કરીને કામ કરવા માગે છે.
ડૉક્ટરે પણ સારવાર વગર પાછા મોકલી દીધા હતા
જયંતીભાઈ રેવરનો પુત્ર પરષોત્તમ કડિયાકામ કરીને સારું કમાઈ લેતા હતા. લગ્ન બાદ બે દીકરીઓનો જન્મ થયો અને સમય જતા પહેલાં જેવું કામ ન મળતા તેઓ આર્થિક તંગીમાં સપડાઈ ગયા હતા.
પરષોત્તમનાં માતા ધણીબહેન કહે છે, "મારા દીકરાને બે પુત્રીઓ આવી ત્યાર બાદ તેની પત્ની રોજ વધારે પૈસા કમાવાનું કહેતી હતી અને મારા દીકરાને પહેલાંની જેમ કામ મળતું ન હતું."
તેઓ આગળ કહે છે, "બે દીકરીઓની ચિંતામાં એ ક્યારે દારૂ પીવાની લતે ચઢી ગયો એની અમને ખબર પણ ન પડી. એક દિવસ રાત્રે એ ઘરે આવ્યો, ઊલટીઓ કરતો હતો અને વારંવાર ઠંડુ પાણી પીતો હતો."
"સતત ઊલટીઓ ચાલુ રહેતાં મેં મારા પતિને બોલાવ્યા અને તેને દવાખાને લઈ ગયા પરંતુ ડૉક્ટરે તો ગણકાર્યા જ નહીં અને 'દારૂ પીવો તો આવું જ થાય ને' એમ કહીને અમને પાછા મોકલી દીધા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જયંતીભાઈ રેવર જણાવે છે કે હૉસ્પિટલમાંથી જ્યારે તેમને પાછા કાઢવામાં આવ્યા ત્યારે બીમાર પુત્રને લઈને તેઓ ઘરે આવ્યા હતા. તેઓ કહે છે, "આખી રાત તેને પેટમાં બળતરા થતી હતી એટલે તેને આઈસ્ક્રીમ ખવડાવ્યો, ઠંડું પાણી આપ્યું પણ જેવું તેના પેટમાં કંઈક જતું, તે ઊલટી કરી નાખતો."
તેઓ આગળ કહે છે, "જેમતેમ કરીને અમે રાત વીતાવી. સવાર પડી ત્યાર સુધીમાં તેને આંખે રતાંધળાપણું આવી ગયું, મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું અને સતત ઊલટીઓ ચાલુ જ રહેતા તેને ફરીથી દવાખાને લઈ ગયા. ડૉક્ટરોએ સારવાર શરૂ કરી અને સાંજે તો તેનું મૃત્યુ થયું."
14 વર્ષથી સહાય માટે વલખા
જયંતીભાઈના કહેવા મુજબ 2009ના લઠ્ઠાકાંડમાં તેમની શેરીમાંથી ઘણા જવાન લોકોનાં મૃત્યુ થયાં હતાં. લઠ્ઠાકાંડ બાદના દિવસો વિશે વાત કરતાં તેઓ કહે છે, "અમારા ઘરે નેતાઓના ફેરા ચાલુ થઈ ગયા. દરેક નેતા સરકારી સહાય, નોકરીઓ આપવાની વાત કરતા પણ સમય જતાં તેઓ જ ગુમ થઈ ગયા."
તેમનો દાવો છે કે ઘટનાને 14 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આજદીન સુધી તેમને જરા પણ સહાય મળી નથી.
જયંતીભાઈ કહે છે, "તે સમયે પરષોત્તમની એક દીકરી છ અને બીજી દીકરી ત્રણ વર્ષની હતી. આ દરમિયાન પરષોત્તમની પત્ની બંને બાળકીઓને મૂકીને ચાલી ગઈ."
પરિવાર પહેલેથી ગરીબીમાં તો ઝઝૂમતો જ હતો. એવામાં મોટા દીકરાના મૃત્યુ બાદ તેમનાં પત્ની પણ જતાં રહ્યાં અને બંને બાળકીઓની જવાબદારી જયંતીભાઈ પર આવી. તેઓ એક તરફ સરકારી સહાય માટે ધક્કા ખાઈ રહ્યા હતા અને બીજી બાજુ તેમના પર પાંચ સભ્યોના પરિવારની જવાબદારી હતી.
આ જવાબદારીઓ વિશે તેઓ કહે છે, "પૌત્રીઓને ભણાવવાની અને અન્ય જરૂરિયાતો પૂરી કરવાની સાથેસાથે નાના દીકરાનાં લગ્ન પણ કરાવ્યાં. સમય જતાં નાના દીકરાને ત્યાં બે બાળકો થયાં. પાંચ સભ્યોના અમારા પરિવારમાં હવે આઠ સભ્યો થઈ ગયા અને ખર્ચો વધી ગયો."
'14 વર્ષમાં બે જોડીથી વધારે કપડાં લીધા નથી'
એક પછી એક મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરતા જયંતીભાઈ જેમતેમ કરીને પુત્રનાં લગ્ન કરાવ્યાં બાદ કરકસરપૂર્વક ઘર ચલાવી રહ્યા હતા. આ વચ્ચે તેમનું મકાન તૂટી પડ્યું.
ઘર પડ્યાં બાદની પરિસ્થિતિ વિશે જયંતીભાઈ કહે છે, "બાદમાં અમે મહિને પાંચ હજાર રૂપિયા ભાડું આપીને બે રૂમનું ઘર લીધું. ઘરને ટેકો આપવા મારો પુત્ર અને પુત્રવધૂ બંને કામ કરવા જાય છે."
"દીકરીઓને ભણાવવા લૉન લીધી છે. લૉનના હપ્તા અને મકાનનું ભાડું ચૂકવ્યા બાદ દર મહિને અમે માત્ર પાંચેક હજાર રૂપિયામાં આઠ લોકોનું ગુજરાન ચલાવીએ છીએ."
મૃતક પરષોત્તમનાં માતા ધણીબહેન જણાવે છે, "દીકરાના અવસાનને 14 વર્ષ થયાં. હવે, બાળકો બધા તહેવારો ઉજવે છે પણ 14 વર્ષથી અમે એકેય તહેવાર ઉજવ્યો નથી. છોકરાઓ ખુશ થાય તે માટે તેમને નવાં કપડાં અને મીઠાઈ લઈ આપીએ છીએ પણ મેં અને મારા પતિએ 14 વર્ષમાં બે જોડીથી વધારે કપડાં લીધાં નથી."
'તેમણે અમારું બાળપણ સુધાર્યું, અમે તેમનું ઘડપણ સુધારીશું'
લઠ્ઠાકાંડમાં પિતાનું મૃત્યુ થયું ત્યારે છ અને ત્રણ વર્ષની ઉંમર ધરાવતી બંને દીકરીઓ ઘરની પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે. જેથી તેઓ પોતાનો અભ્યાસ પૂરો કરીને પોતાના પરિવારને મદદ કરવા માટે તત્પર છે.
બંને બહેનો પૈકી નાની બહેન કાજલ હાલમાં દસમા ધોરણમાં અભ્યાસ કરે છે. તે કહે છે, "હાલમાં હું દસમા ધોરણમાં અભ્યાસ કરું છું અને તે પૂરું થયા પછી નર્સિંગનો કોર્સ કરીશે. કારણ કે નર્સિંગના કોર્સ પછી તરત નોકરી મળી જાય છે."
કાજલ વધુમાં કહે છે, "ઝડપથી કામ મળી જાય તે માટે જ મારે નર્સિંગનું કામ કરવું છે. જેથી હું કમાઈને દાદા-દાદીની મદદ કરી શકું. પિતાના મૃત્યુ બાદ જ્યારે માતા પણ છોડીને ચાલ્યાં ગયાં તો દાદા-દાદીએ અમને મોટા કરવા પોતાની જાત ઘસી નાખી. "
જ્યારે બી. કૉમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી મોટી બહેન ભાવિકા જણાવે છે કે તેમની ઇચ્છા આગળ જઈને વકીલ બનવાની છે.
ભાવિકા કહે છે, "એલએલબી કરવાનું કારણ એ છે કે પિતાના અવસાન બાદ મેં દાદાને કોર્ટ કચેરીના ધક્કા ખાતા જોયા છે. તેમણે ખૂબ પૈસા ખર્ચ્યા પણ કોઈ ઉકેલ ન મળ્યો. જેથી હું વકીલ બનીને ગરીબોની મદદ કરીશ અને તેમને પણ અમારા જેવી પરિસ્થિતિમાંથી ન પસાર થવું પડે તેનું ધ્યાન રાખીશ."
તેમણે આગળ કહ્યું, "અમારાં દાદા-દાદીએ અમારા માટે ઘણુંબધું કર્યું છે. હવે અમારો સમય છે તેમના માટે કંઈક કરવાનો. તેમણે અમારું બાળપણ સુધાર્યું, અમે તેમનું ઘડપણ સુધારીશું."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો