મણિપુર ભૂસ્ખલન: 'આશા અને હતાશા'નો સંઘર્ષ, હજુ પણ 34 લાપતા

    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા, મણિપુરના નોનીથી

મણિપુરની રાજધાની ઈમ્ફાલથી નોની જિલ્લામાં 'મરાંગચિંગ' સુધી પહોંચવું એ જ એક મોટો પડકાર છે.

આ સફર એટલી સરળ નથી. નબળા હૃદયના લોકો માટે બિલકુલ નહીં.

તૂટેલા રસ્તા. ભૂસ્ખલનથી રસ્તા પર જમા થયેલા માટી-પથ્થરના ઢગલા અને તેને હટાવતા મોટાં મશીનો.

પહાડો પર ઠેરઠેર પથ્થરો તોડવાનું કામ ચાલી રહ્યું છે. કામદારો વાહનોને રોકી દે છે જેથી ઉપરથી ગબડતા મોટા પથ્થરોથી લોકો બચી શકે.

દરેક કિલોમીટરના અંતરે આવું જ દેખાય છે. વરસાદના કારણે પહાડી માર્ગો પર કાદવ કીચડ જમા થયો છે. ગાડીઓ ફસાઈ રહી છે. વરસાદ પડી રહ્યો છે.

'આશા છોડી નથી'

પહાડો ખભળી રહ્યા છે. ગમે તેમ કરીને વાહનોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ બધું 'થ્રિલર' જેવું જ છે.

પૂર્વોત્તર રાજ્ય મણિપુરના નોની જિલ્લામાં ભૂસ્ખલનની ઘટનામાં ગુમ થયેલા લોકોના બચવાની આશા હવે નહિવત્ છે. મણિપુરમાં અકસ્માતના સ્થળે કાટમાળ નીચે દટાયેલામાં સાત લોકો આસામના પણ છે.

આસામ સરકારના મંત્રી પીયૂષ હજારિકાએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરતી વખતે પત્રકારોને જણાવ્યું કે તેઓ 'આશા છોડી નથી'.

પરંતુ રાહત અને બચાવકાર્યમાં લાગેલા સેના અને 'એનડીઆરએફ' તેમજ રાજ્ય સરકારની રાહત ટીમના અધિકારીઓને લાગે છે કે 'કોઈને હવે બચાવી શકાશે નહીં'.

તેઓ માને છે કે 'ચમત્કાર' થાય તો જ જીવતા મળી શકે છે.

ખરાબ હવામાનનો બચાવકાર્યમાં અવરોધ

ભારે વરસાદ અને ભૂસ્ખલન વચ્ચે મૃતદેહો શોધવાની પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ ભૂસ્ખલનને કારણે કાટમાળનો એટલો ઢગલો છે કે રેસ્ક્યૂ ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજ્યના અધિક મુખ્ય સચિવ એસએમ ખાન ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ વિભાગના વડા પણ છે અને તેમની દેખરેખ હેઠળ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે કે તે માત્ર કાટમાળ નથી પરંતુ તે કીચડનો પહાડ છે.

તેઓ કહે છે કે જો સૂકી માટી હોય તો તેની નીચે 'એર પોકેટ્સ' બને છે, જેના કારણે જીવતા બચવાની સંભાવના રહે છે.

બચાવ અભિયાન

ઍડિશનલ ચીફ સેક્રેટરી ખાનનું કહેવું છે કે ભારે વરસાદને કારણે કાટમાળ કીચડના રૂપમાં પડ્યો હતો અને તેથી જ તેની નીચે દટાયેલા લોકોના બચવાની શક્યતા નહિવત્ છે.

ઘટના બાદ તરત જ હાથ ધરવામાં આવેલા બચાવ અભિયાનમાં લગભગ 18 લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં બચાવી શકાયા હતા.

પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ કોઈને પણ જીવતા બચાવી શકવાની સંભાવનાઓ ઘટી રહી છે.

બચાવ કામગીરી કેટલાય ફૂટ નીચે ચાલી રહી છે અને જેસીબી મશીનો દ્વારા માટી હટાવવામાં આવી રહી છે. રેસ્ક્યૂ ટીમના કર્મચારીઓ કતારમાં નીચે જાય છે.

જીવને જોખમ

અમે હાજર હતા ત્યારે જ કોઈ મૃતદેહ મળવાની જાણકારી અધિકારીઓને વાયરલેસ પર મળી.

ત્યાર બાદ એક લાંબી દોરડું નીચે ઉતારવામાં આવ્યું હતું જેના પર સ્ટ્રૅચર બાંધીને મૃતદેહને ઉપર ખેંચવામાં આવ્યો હતો.

મૃતદેહની તાત્કાલિક ઓળખ થઈ શકી નથી.

વરસાદ અને ઉપરથી ધસી આવતા કાટમાળના કારણે રેસ્ક્યૂ ટીમને પણ જીવનું જોખમ છે.

સૈનિકોનાં પણ મોત

મણિપુર સરકારના જણાવ્યા અનુસાર 34 લોકો હજુ પણ લાપતા છે.

અધિકારીઓનું કહેવું છે કે અત્યાર સુધી જેમના મૃતદેહ મળી આવ્યા છે તેમાં સેનાના 'જુનિયર કમિશન્ડ' ઑફિસરનો પણ સમાવેશ થાય છે.

કાટમાળમાંથી 14 ટેરિટોરિયલ આર્મીના જવાનોના મૃતદેહ મળી આવ્યા છે અને સરકારી અધિકારીઓનું કહેવું છે કે તમામ મૃતદેહોને તેમના વતન મોકલવામાં આવ્યા છે, જ્યાં તેમના રાજકીય સન્માન સાથે અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યા છે.

'ટેરિટોરિયલ આર્મી'

સરકારી અધિકારીઓનું કહેવું છે કે આ પ્રોજેક્ટમાં સામેલ કર્મચારીઓને સુરક્ષા આપવા માટે 'ટેરિટોરિયલ આર્મી'ની 107મી બટાલિયનને આ વિસ્તારમાં તહેનાત કરવામાં આવી હતી.

રાજ્યની મ્યાનમાર સાથેની સરહદને કારણે આ વિસ્તારમાં ઉગ્રવાદી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે.

નાગા અને કુકી સમુદાયના કેટલાય ભૂગર્ભ સંગઠનોની પ્રવૃત્તિને કારણે સરકાર આ વિસ્તારમાં સુરક્ષાને લઈને ઘણી સતર્કતા પૂર્વક વર્તી રહી છે.

મહત્ત્વાકાંક્ષી રેલ પ્રોજેક્ટ

મણિપુરમાં શરૂ થયેલા મહત્ત્વાકાંક્ષી રેલ પ્રોજેક્ટના કામમાં રોકાયેલી બે ખાનગી કંપનીઓ અને કેટલાક રેલવે કર્મચારીઓના મૃતદેહ પણ મળી આવ્યા છે.

જોકે આ પ્રોજેક્ટમાં કામ કરતા કેટલાક સ્થાનિક ગ્રામજનો વિશે કોઈ માહિતી નથી.

તેમની વચ્ચે એક પરિવાર એવો પણ છે જે તૂપુલસ્થિત 'ટેરિટોરિયલ આર્મી'ના કેમ્પ પાસે દુકાન ચલાવતો હતો.

સ્થાનિક ગ્રામજનોએ બીબીસીને જણાવ્યું કે ઘટના સમયે એક સ્થાનિક મહિલા અને તેની બે વર્ષની પુત્રી પણ દુકાનમાં હાજર હતી, જેમનો હજુ સુધી કોઈ અત્તોપત્તો નથી.

એલ મખુવામ પણ અહીં ત્રણ દિવસથી રોકાયેલા છે. તેઓ તેમનાં પુત્ર, પુત્રવધૂ અને બે વર્ષની પૌત્રીને શોધી રહ્યા છે.

અત્યાર સુધીમાં તેમનાં પુત્રવધૂની દુકાનમાં હતા તે માત્ર બે ગૅસના સિલિન્ડર જ મળ્યા છે.

મખુવામ કહે છે કે અન્ય ઘણા ગ્રામીણો છે જેઓ આ પ્રોજેક્ટમાં નાનું-મોટું કામ કરતા હતા અને આ ઘટના પછી તેમનો પણ કોઈ અત્તોપત્તો નથી.

તેમણે સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રને આવા ગ્રામજનોની ઓળખ કરવાની માગ કરી છે.

ભૂસ્ખલનનું જોખમ વધ્યુંઃ મુખ્યમંત્રી

મણિપુરના મુખ્ય મંત્રી એન બિરેનસિંહે બીબીસી સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે તેમના રાજ્યમાં પહાડો નબળા છે, જેના કારણે ભૂસ્ખલનનું જોખમ વધી રહ્યું છે.

તેમણે કહ્યું કે રેલવે પ્રોજેક્ટ ખૂબ જ મહત્ત્વાકાંક્ષી છે અને તેના પૂર્ણ થયા બાદ મણિપુરની સમગ્ર દેશ સાથે રેલ કનેક્ટિવિટી થઈ જશે.

આ પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

તેમણે આ પ્રોજેક્ટને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો 'ડ્રીમ પ્રોજેક્ટ' ગણાવ્યો હતો.

દરમિયાન ભારે વરસાદની ચેતવણી વચ્ચે નોની જિલ્લા મેજિસ્ટ્રેટ એચ ગુઇટે ઘટનાસ્થળની નજીક રહેતા ગ્રામજનોને સાવચેત રહેવા સૂચના આપી છે.

હવામાન વિભાગની સતત ચેતવણીઓને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે ગ્રામજનોને કહ્યું છે કે સ્થિતિ વધુ વણસી શકે છે અને ભારે વરસાદ સાથે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થઈ શકે છે.

તૂપુલમાં જ્યાં આ દુર્ઘટના બની છે, ત્યાં વારંવાર ભૂસ્ખલન થઈ રહ્યું છે.

તેથી, સ્થાનિક પ્રશાસને પણ લોકોને આ વિસ્તારમાંથી સુરક્ષિત સ્થળે ખસી જવાની સલાહ આપી છે.

જોકે, પ્રોજેક્ટનું કામ રાત-દિવસ ચાલી રહ્યું છે અને તેના કારણે નોનીથી મરાંગચિંગના 80 કિલોમીટરના માર્ગમાં ઠેરઠેર પહાડો તોડીને પથ્થરો કાઢવામાં આવી રહ્યા છે.

રોડ પહોળો કરવાની કામગીરી પણ ચાલી રહી છે. પરંતુ તેના કારણે પહાડો વધુ નબળા પડવા લાગ્યા છે અને લોકો મોટા પાયે ભૂસ્ખલનના જોખમનો પણ સામનો કરી રહ્યા છે.

રાજધાની ઇમ્ફાલથી નોની પહોંચવામાં સામાન્ય રીતે એક કલાક લાગે છે.

પરંતુ રસ્તાઓની હાલત એવી થઈ ગઈ છે કે હવે પહોંચવામાં ચારથી પાંચ કલાકનો સમય લાગી રહ્યો છે.

મોટા પાયે રસ્તા પહોળા કરવાના કામ અને વિવિધ પ્રોજેક્ટ્સને કારણે મણિપુરના પહાડો ઉત્તરાખંડ જેટલા જ સંવેદનશીલ બની ગયા છે.

મણિપુરના મુખ્ય મંત્રી એન બિરેનસિંહ પણ આ બાબતને લઈને ચિંતિત છે, કારણ કે આ વિસ્તાર 'સિસ્મિક' ઝોનમાં આવે છે જ્યાં ગમે ત્યારે મોટો ભૂકંપ આવવાની સંભાવના હંમેશાં રહે છે.

બિરેનસિંહ કહે છે, "અમે 'ફૉલ્ટ લાઇન' પર બેઠા છીએ. કોઈ પણ દિવસે મોટો ભૂકંપ આવી શકે છે અને ભારે વિનાશ થઈ શકે છે."

"તેથી જ અમે ખૂબ કાળજી લઈ રહ્યા છીએ. પ્રોજેક્ટ પૂર્ણ થાય ત્યાં સુધી અમે પર્વતોમાં વ્યાપક વૃક્ષારોપણ પણ કરી રહ્યા છીએ. અમે તેને મજબૂત કરવા માટે તમામ પગલાં પણ લઈ રહ્યા છીએ."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો