You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્રમાં શિંદે CM: ગુજરાતનાં એ મુખ્ય મંત્રી, જેમણે ઉદ્ધવ ઠાકરેની જેમ ફેસબુક પર રાજીનામું આપ્યું હતું
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
મહારાષ્ટ્રના રાજકારણમાં ચોંકાવનારો ઘટનાક્રમ ગુરુવારે સાંજે ભજવાયો. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી તરીકે શપથ લેશે, તેવી મીડિયા તથા ભાજપવર્તુળોમાં ચર્ચા ચાલી રહી હતી, ત્યાં શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેનું નામ આગળ કરવામાં આવ્યું.
જનતા હજુ આ વળાંકને પચાવી શકે તે પહેલાં વધુ એક ટ્વિસ્ટ આવ્યો. કેન્દ્રીય નેતૃત્વના કહેવાથી દેવેન્દ્ર ફડણવીસ બળવાખોર શિંદેની સરકારમાં નાયબ મુખ્ય મંત્રી બનવા તૈયાર થઈ ગયા.
એ પહેલાં આવો જ એક નાટ્યાત્મક ઘટનાક્રમ બુધવારે સાંજે ભજવાયો, જ્યારે શિવસેનાના સર્વેસર્વા ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઇવ કર્યું અને મુખ્ય મંત્રી તથા વિધાન પરિષદના સભ્યપદેથી જ રાજીનામું આપવાની જાહેરાત કરી.
તેમની આ જાહેરાત અનપેક્ષિત ન હતી, પરંતુ આવી રીતે પોતાનો નિર્ણય જાહેર કરશે, તે ઘણાને માટે આશ્ચર્યજનક હતું.
જોકે, સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીનામાની જાહેરાત કરનાર તેઓ પ્રથમ મુખ્ય મંત્રી નથી. આ પહેલાં ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલે ફેસબુક પોસ્ટના માધ્યમથી રાજીનામાની જાહેરાત કરી હતી.
ઔપચારિક રીતે તેમણે 75 વર્ષની ઉંમર થઈ હોવાથી સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી, આમ છતાં તેના માટે પડદા પાછળના રાજકારણને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું.
સોશિયલ મીડિયાએ તેમની જાહેરાતનું વિશ્લેષણ કર્યું હતું. એ પછી તેમને મધ્ય પ્રદેશના રાજ્યપાલ નીમવામાં આવ્યા હતા. હાલમાં આનંદીબહેન દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશનાં ગવર્નર છે.
ફેસબુક પર રાજીનામું
તા. પહેલી ઑગસ્ટ, 2016ના સાંજે પાંચેક વાગ્યા આસપાસ ગુજરાત સરકારના કર્મચારીઓ દિવસભરનું કામકાજ પતાવીને ઘરે ફરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તેમને ફેસબુક પર આનંદીબહેન પટેલની નવી પોસ્ટનું 'નૉટિફિકેશન' મળ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આનંદીબહેન પટેલે ફેસબુક ઉપર રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમાં તેમણે મહિલા મોરચાનાં વડાંથી લઈને મુખ્ય મંત્રી અલગ-અલગ હોદ્દા આપવા બદલ પાર્ટીનો આભાર માન્યો હતો. સાથે જ આગામી (2017ની) વિધાનસભાની ચૂંટણી પહેલાં 'યુવા ચહેરા'ને આગળ કરી શકાય તથા વાઇબ્રન્ટ ગુજરાતની સારી રીતે તૈયારીઓ થઈ શકે તે માટે રાજીનામું આપી રહ્યાં હોવાનું જણાવ્યું.
તેમના શાસન અને કાર્યપ્રણાલીને લઈને વિરોધ થઈ રહ્યો હતો, પરંતુ આ રીતે તેમનું રાજીનામું આશ્ચર્યજનક હતું. પટેલે ફેસબુક પોસ્ટમાં દાવો કર્યો હતો કે બે મહિના પહેલાં જ તેમણે પક્ષના કેન્દ્રીય નેતૃત્વને રાજીનામું આપવાનો ઇરાદો જણાવી દીધો હતો.
એ સમયે અમિત શાહ ભાજપના અધ્યક્ષ હતા. એ પછી તેમણે ફેસબુક પોસ્ટના માધ્યમથી ફરીથી મુક્ત કરવા વિનંતી કરી હતી. આને આનંદીબહેન પટેલની કેન્દ્રીય નેતૃત્વ પર નિર્ણય લેવા માટે દબાણ લાવવાની નીતિ તરીકે જોવામાં આવી.
સોશિયલ મીડિયા "કૉમેન્ટરી"
આનંદીબહેનના રાજીનામા મુદ્દે ટ્વિટર પર ફેસબુકનો વિજય. એ સમયના ટ્વિટરના ભારતીય પદાધિકારીને ટૅગ કરતાં લખ્યું કે આગામી રાજીનામું સૌ પહેલાં ટ્વિટર પર જાહેર થાય તેની તમે ખાતરી કરજો.
શોભિત પંત નામના હૅન્ડલ પરથી ટ્વિટરાઇટે લખ્યું, "કદાચ પહેલી વખત કોઈ મોટા સરકારી કર્મચારીએ સોશિયલ મીડિયા પરથી રાજીનામું આપ્યું છે. ભારત ખરેખર ડિજિટલ બની રહ્યું છે."
સાકેત અલોની નામના યૂઝરે લખ્યું, "આનંદીબહેન પટેલે ફેસબુક મારફત રાજીનામું આપ્યું. ડિજિટલ ઇન્ડિયાની નવી સિદ્ધિ!"
સ્મિતા પ્રકાશ નામનાં પત્રકારે લખ્યું, "ફેસબુક પર રાજીનામાની નવું ચલણ. ટ્વિટર પર શપથવિધિ તથા વૉટ્સઍપ પર કૅબિનેટની બેઠક થશે."
રાજનેતાઓ પણ ફેસબુક પર રાજીનામા વિશે ટિપ્પણી કરવામાં પાછળ રહ્યા ન હતા. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે લખ્યું, "ગુજરાતમાં આપની લોકપ્રિયતા ઝડપભેર વધી રહી છે તથા આનંદીબહેનનું રાજીનામું તેનું પરિણામ છે. ગુજરાતમાં ભાજપ ખૂબ જ ભયભીત છે."
એ સમયે કૉંગ્રેસ સાથે સંકળાયેલા સંજય ઝાએ લખ્યું, "એક મુખ્ય મંત્રી રાજીનામું આપવાનો પોતાનો વિચાર ફેસબુક પર જાહેર કરે છે. આનંદીબહેન પાસે નરેન્દ્ર મોદી કે અમિત શાહનો ફોન નંબર ન હતો?"
#internaldemocracy સાથે ભાજપમાં પ્રવર્તમાન આંતરિક લોકશાહી ઉપર સવાલ ઉઠાવ્યો. અન્ય એક ટ્વીટમાં ઝાએ લખ્યું, "ગુજરાતના મુખ્ય મંત્રીએ ફેસબુક પર રાજીનામું આપ્યું. ફેસબુક પર તેનો સ્વીકાર થયો (મને લાગે છે લાઇક સાથે). ડિજિટલ માર્કેટિંગનું વિચિત્ર રીતે માર્કેટિંગ થઈ રહ્યું છે."
આનંદીબહેન પર આરોપ
ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વડા પ્રધાન તરીકે શપથ લેતા આનંદીબહેને રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા.
લગભગ બે વર્ષ અને અઢી મહિનાના કાર્યકાળ દરમિયાન એવી કેટલીક બાબતો બની હતી, જે તેમને રાજીનામા સુધી દોરી ગઈ.
માર્ચ-2016માં વિધાનસભામાં વિપક્ષના ધારાસભ્યોએ આરોપ મૂક્યો હતો કે વનવિભાગ હેઠળ આવતાં વિસ્તારમાં એક રિસૉર્ટને મફતના ભાવે જમીન આપવામાં આવી હતી. રિસૉર્ટના માલિક આનંદીબહેન પટેલનાં પુત્રી અનાર પટેલના બિઝનેસ પાર્ટનર હોવાનો દાવો પણ વિપક્ષે કર્યો હતો.
તેઓ '100 સુનાર કી, એક અનાર કી' અને 'અનારની માતા, ભ્રષ્ટાચારની દાતા' જેવા પ્લૅકાર્ડ્સ લઈને ગૃહમાં પહોંચ્યા હતા. અધ્યક્ષે કૉંગ્રેસી ધારાસભ્યોને ભાષા અને નારેબાજી મુદ્દે ચેતવણી આપી હતી. અંતે તેમને સાર્જન્ટ મારફત બહાર કાઢવામાં આવ્યા હતા.
જોકે, તેમના રાજીનામાની સ્ક્રિપ્ટ લગભગ એક વર્ષ પહેલાં હાર્દિક પટેલના પાટીદાર અનામત આંદોલન વખતે જ લખાઈ ગઈ હતી. પિતાએ ચૂંટણીપ્રચારમાં આનંદીબહેનને મદદ કરી હોવાથી તેમને 'ફોઈબા' તરીકે સંબોધનાર હાર્દિક પટેલે તા. 25 ઑગસ્ટ, 2015ના જીએમડીસી ખાતે આવીને આનંદીબહેન આવેદનપત્ર સ્વીકારે એવી માગ રજૂ કરી હતી.
એક પછી રાજ્યમાં હિંસાચક્ર ફરી વળ્યું. હિંસક ટોળાએ અલગ-અલગ સ્થળોએ આગચંપી કરી. બીજા દિવસે પોલીસ કાર્યવાહીમાં 14 પાટીદાર યુવાનોનાં મૃત્યુ થયાં. હાર્દિક પટેલે આરોપ મૂક્યો કે અમિત શાહના આદેશથી ગુજરાત પોલીસે પાટીદાર યુવાનો પર દમન ગુજાર્યું હતું.
તેઓ શાહને જલિયાંવાલા બાગ હત્યાકાંડ માટે જવાબદાર બ્રિટિશ અધિકારી 'જનરલ ડાયર'ના નામથી સંબોધિત કરતા હતા.
ભાજપ સરકાર પ્રત્યે પાટીદારોનો આક્રોશ ડિસેમ્બર-2015માં યોજાયેલી સ્થાનિસ્વરાજ્ય ચૂંટણી દરમિયાન જોવા મળ્યો. પાર્ટીને તત્કાળ નેતૃત્વ પરિવર્તનની જરૂરિયાત જણાઈ હતી.
આ સિવાય 2016ના જુલાઈ મહિનામાં જ ઉના ખાતે કથિત ગૌરક્ષકો દ્વારા ગૌહત્યા મુદ્દે દલિતોને જાહેરમાં ફટકારવામાં આવ્યા હતા.
એટલું જ નહીં, તેનો વીડિયો બનાવીને વાઇરલ કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન દલિતમતોની તો ભાજપને ચિંતા હતી જ, આ સિવાય પાર્ટીની નજર ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પર હતી.
માર્ચ-2017માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાનારી હતી, 2014ની લોકસભા ચૂંટણી વખતે એનડીએને યુપીમાં 73 બેઠક મળી હતી. પાર્ટી અહીંથી અખિલેશ યાદવની સરકારને હટાવવા માગતી હતી. જો દલિતો સાથે મારઝૂડ મુદ્દે પાર્ટીએ કશું નથી કર્યું, તેવો સંદેશ જાય તો પાસું પલટાઈ જાય તેમ હતું.
આનંદીબહેનને હટાવીને વિજય રૂપાણીને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા. પાર્ટીને માત્ર 99 બેઠક મળી, જે તેનું તાજેતરના ઇતિહાસનું સૌથી ખરાબ પ્રદર્શન હતું. છતાં ભાજપ વિજય રૂપાણીના નેતૃત્વમાં વધુ એક વખત સરકાર બનાવવામાં સફળ રહ્યો. આગળ જતાં હાર્દિક પટેલ પહેલાં કૉંગ્રેસમાં અને પછી ભાજપમાં જોડાઈ ગયા.
આનંદીબહેન પટેલની કારકિર્દી
આનંદીબહેન પટેલના રાજીનામાને છ વર્ષ જેટલો સમય થઈ ગયો છે, એટલે સ્વાભાવિક રીતે દરેક રાજ્યોની વિધાનસભાની ઓછામાં ઓછી એક-એક ટર્મ પૂર્ણ થઈ ગઈ છે.
આ અરસામાં વિજય રૂપાણી (ગુજરાત-2021), વિપ્લબ દેવ (ત્રિપુરા-2022), કમનલાથ (મધ્ય પ્રદેશ-2020), દેવેન્દ્ર ફડણવીસ (મહારાષ્ટ્ર-2019), ત્રિવેન્દ્રસિંહ રાવત (ઉત્તરાખંડ- માર્ચ 2021), તીરથસિંહ રાવત (ઉત્તરાખંડ-જુલાઈ 2021), એચડી કુમારસ્વામી (કર્ણાટક-2018), બીએસ યેદિયુરપ્પાએ (જુલાઈ-2021) અસામાન્ય સંજોગોમાં રાજીનામાં આપ્યાં છે, પરંતુ કોઈએ ફેસબુક પોસ્ટ કે લાઇવ માધ્યમથી રાજીનામાની જાહેરાત કરી ન હતી.
આનંદીબહેન પટેલનો જન્મ તા. 21 નવેમ્બર 1941ના મહેસાણાના વીજાપુરના ખારોડ ગામે જન્મ થયો હતો. તેમણે એમએસસી, એમએડનો અભ્યાસ કર્યો અને શિક્ષિકા તરીકે નોકરી સ્વીકારી.
આનંદીબહેન અમદાવાદમાં મોહિનાબા કન્યા વિદ્યાલયનાં પ્રિન્સિપાલ રહી ચૂક્યાં છે.
1987માં તેઓ ભાજપમાં જોડાયાં, પરંતુ તેઓ તા. 26 જાન્યુઆરી, 1992ના દિવસે ચર્ચામાં આવ્યાં. ઉગ્રવાદીઓની ધમકી છતાં શ્રીનગરના લાલચોક ખાતે તિરંગાને ફરકાવવાના હેતુસર ભાજપ દ્વારા કન્યાકુમારીથી તિરંગાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં તેમણે ગુજરાતમાંથી ભાગ લીધો હતો.
તેઓ ભાજપની મહિલા પાંખનાં વડાં હતાં. આ યાત્રામાં ભાજપના મહાસચિવ નરેન્દ્ર મોદી પણ જોડાયા હતા. તેઓ એકતાયાત્રામાંથી પરત ફર્યાં ત્યારે અમદાવાદમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
1994થી 1998 સુધી તેઓ રાજ્યસભાનાં સાંસદસભ્ય બન્યાં. 1998માં તેઓ માંડલ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બન્યાં. તેઓ કેશુભાઈ પટેલની બીજી સરકારમાં મંત્રી બન્યાં હતાં.
શંકરસિંહ વાઘેલાના બળવા પછી સમાધાનની ફૉર્મ્યૂલા તરીકે નરેન્દ્ર મોદીને દિલ્હી મોકલી દેવામાં આવ્યા ત્યારે આનંદીબહેન પટેલ અને અમિત શાહ જેવા કેટલાક નેતા ગાંધીનગરમાં તેમનાં આંખ-કાન બની રહ્યા હતા.
આગળ જતાં બંને મોદી સરકારમાં (2001 પછી) મંત્રી પણ બન્યાં અને તેમના વચ્ચે મતભેદના અહેવાલ પણ આવ્યા.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો