ઉદયપુર : કનૈયાલાલના અંતિમસંસ્કારમાં હજારો લોકો સામેલ થયા, પરિવારજનોએ શું કહ્યું?
ઉદયપુરથી બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવે આપેલી માહિતી અનુસાર ઉદયપુર મંગળવારે કનૈયાલાલની હત્યા બાદ સંપૂર્ણ રીતે બંધ છે. મોબાઇલ સેના બંધ છે અને શહેરમાં કડક કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
શહેરમાં ભારે પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
પયગંબર મહમદ પર ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના વિવાદિત નિવેદનનું સમર્થન કરતી પોસ્ટ કરનાર દરજી કનૈયાલાલની હત્યા બાદ બંને સમુદાયો વચ્ચે ભારે તણાવની પરિસ્થિતિ છે.
ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે હજારો લોકો બુધવારે કનૈયાલાલના અંતિમસંસ્કારમાં સામેલ થયા હતા.
તણાવ વચ્ચે કનૈયાલાલની હત્યાની આ ઘટનાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએને સોંપવામાં આવી છે. જે આ ઘટનાના આતંકવાદ સાથે સંબંધ વિશે પણ તપાસ કરશે.
જોકે કૅમેરા પર વધુ લોકો વાત કરવા નહોતા માગતા પરંતુ જેમણે વાત કરી તેઓ હવે સાંપ્રદાયિક વિભાજનનો ભાગ બની ગયા હોય તેવું લાગતું હતું.
એ માર્કેટિંગ ઍક્ઝિક્યુટિવ જયપાલ વર્માએ કહ્યું કે, અમે એવા દેશમાં રહીએ છીએ જ્યાં હિંદુઓની બહુમતી છે એટલે અહીંયા આવું નહોતું થવું જોઈતું. હું વડા પ્રધાન મોદીને વિનંતી કરું છું કે તેઓ આ મામલે ધ્યાન આપે જેથી આવું ફરી ન થાય.
ઉદયપુરમાં ઐતિહાસિક રીતે હિંદુઓ અને મુસ્લિમોની ગીચ વસ્તી છે. તેઓ આસપાસમાં રહે છે અને એકબીજા સાથે વેપાર-ધંધો પણ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઘટના ઉદયપુરના જૂના શહેરના વિસ્તારમાં થઈ તેથી લોકો કર્ફ્યુ માટે તૈયાર નહોતા.
સ્થાનિક મુકેશ ગરડિયાએ જણાવ્યું કે તેમના ઘરમાં તો રોજનું રૅશન પણ ખૂટી પડે તેમ હતું. ઉદયપુરમાં પ્રથમ વખત થયું કે લોકોને રસ્તા પર ચા પણ નથી મળી રહી. પરંતુ જે કંઈ થયું તે ખૂબ આઘાતજનક છે.

કનૈયાલાલના પરિવારજનોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલની હત્યા પછી તેમના હત્યારાઓને ઍન્કાઉન્ટર અથવા ફાંસી આપવાની માગ કરી હતી.
સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાત કરતા તેમના પુત્રે કહ્યું કે, "અમે ઇચ્છીએ છીએ કે તેમનું ઍન્કાઉન્ટર થઈ જાય અથવા તેમને ફાંસી પર લટકાવવામાં આવે. તેમનામાં ડર પેદા કરવાની જરૂર છે."
કનૈયાલાલનાં પત્નીએ કહ્યું કે અમારી માગ છે કે, "કનૈયાલાલની હત્યા કરનારને ફાંસી આપવામાં આવી, અમે તેમને મોતની સજા આપવામાં આવે અને ન્યાયની માગ કરીએ છીએ."

પયગંબર મામલામાં સમાધાન થયા બાદ પણ કનૈયાલાલની હત્યા કેમ કરાઈ? SITએ તપાસ આરંભી

ઇમેજ સ્રોત, ANI
રાજસ્થાન પોલીસના અધિકારીઓનું કહેવું છે કે ઉદયપુર શહેરમાં મંગળવારે બપોરે એક દરજીની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરાઈ રહી છે અને કહેવામાં આવ્યું છે કે તપાસમાં જે લોકોનાં નામ સામે આવશે તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.
વિપક્ષે આ ઘટનાને પોલીસની નિષ્ફળતા ગણાવી છે અને કહ્યું છે કે મૃતક કનૈયાલાલે ખુદને મળી રહેલી ધમકી વિશે પોલીસને કહ્યું હતું. જ્યારે પોલીસનું કહેવું છે કે આ વિશે કનૈયાલાલ અને તેમને ધમકી આપનારા લોકો વચ્ચે સમાધાન કરાવી દેવામાં આવી હતી.
ઉદયપુરની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે 24 કલાક સુધી મોબાઇલ ઇન્ટરનેટને બંધ કરવામાં આવ્યું છે અને તમામ જિલ્લામાં આગામી એક મહિના સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે.
મૃતક કનૈયાલાલના મૃતદેહને બુધવારે સવારે પોસ્ટમૉર્ટમ બાદ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જતી વખતે ભારે ભીડ ઊમટી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ઉદયપુરના એસપી મનોજ કુમારે જણાવ્યું કે હત્યા બાદ કોઇ પણ દુર્ઘટના સર્જાઇ નથી અને સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે.
તેમણે કહ્યું, "આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી થશે. હું તમામ લોકોને કાયદા પર ભરોસો રાખવાની અપીલ કરું છું."
રાજસ્થાન પોલીસના અધિક ડીજીપી દિનેશ એમએને બુધવારે જણાવ્યું કે રાજ્યમાં હાલ શાંતિ છે.
ઉદયપુરના ડિવિઝનલ કમિશનર રાજેન્દ્ર ભટ્ટે જણાવ્યું કે મૃતક કનૈયાલાલના પરિવારજનોને 31 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે.
હત્યા પહેલાં શું-શું થયું હતું?
પોલીસ મહાનિદેશક એમ.એલ.લાઠરે જણાવ્યું કે 10 જૂનના એક વ્યક્તિએ ધાનમંડી પોલીસ ચોકીમાં કનૈયાલાલ વિરુદ્ધ એક કેસ દાખલ કરાવ્યો હતો. આ ફરિયાદ પર પગલાં ભરતા 11 જૂને કનૈયાલાલની ધરપકડ કરવામાં આવી હતી. 12 તારીખે તેમને જામીન આપવામાં આવ્યા હતા.
તેમણે જણાવ્યું કે એસએચઓએ પરિસ્થિતિને કદાચ ગંભીરતાથી ન લીધી અને એએસઆઈને મામલો સોંપ્યો હતો. એસએચઓએ બંને પક્ષોને બેસાડીને વાત કરી અને મામલો ખતમ કર્યો. તેમણે જે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈતી હતી, તે ન કરી. એટલે ભૂલ જોતાં એસએચઓ અને એએસઆઈને નિલંબિત કર્યા છે.

તપાસ શરૂ

ઇમેજ સ્રોત, ANI
આ વચ્ચે રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે, "આ ઘટનાના તાર ઊંડા હોઈ શકે છે. જેની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) ગઠિત કરવામાં આવી છે અને પ્રભારી મંત્રી ઉદયપુર પહોંચી ગયા છે."
જોધપુરમાં મીડિયા સાથેની વાતચીતમાં અશોક ગેહલોતે કહ્યું, "એસઆઈટીએ ગઈકાલે રાતથી જ પોતાનું કામ શરૂ કરી દીધું છે. અત્યારે જયપુર પહોંચતા જ અમે કાયદો અને વ્યવસ્થાને લઈને મીટિંગ કરી રહ્યા છીએ અને જે અહેવાલો આવી રહ્યા છે, જેમણે હત્યા કરી છે, તેમનો પ્લાન શું હતો, શું કોઈ ષડયંત્ર હતું અને કોના લિંક છે. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કોઈ એવી એજન્સી છે જેની સાથે લિંક છે. આ તમામ બાબતોનો ખુલાસો થશે."
"અમે આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા છીએ. કોઈ ઘટના સામાન્ય હોતી નથી. અનુભવ પ્રમાણે જ્યાર સુધી આ ઘટનાનો કોઈ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈક રૅડિકલ ઍલિમેન્ટ ન હોય, ત્યાં સુધી આવી ઘટના બની શકતી નથી."
રાજસ્થાન સરકારના મંત્રી સુભાષ ગર્ગે જણાવ્યું કે આ મામલે ધરપકડો શરૂ થઈ ગઈ છે.
તેમણે કહ્યું, "આ મામલે એસઆઈટી ગઠિત કરી દેવામાં આવી છે. પોલીસે છ કલાકમાં આરોપીઓને પકડી લીધા છે. આ પ્રકારની ઘટના ન થાય તે માટે પ્રશાસનને તૈયાર કરી દીધું છે."
"એસઓજીના એડીજી અશોક રાઠોડની દેખરેખમાં એક ટીમને તૈયાર કરીને સ્થળ પર મોકલી દેવામાં આવ્યા છે."

ઇમેજ સ્રોત, ANI
જ્યારે રાજસ્થાનમાં વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ ઉદયપુરની ઘટના માટે સરકારને જવાબદાર ઠેરવી છે.
કટારિયાએ ઉદયપુરના એમબી ગવર્મેન્ટ હૉસ્પિટલમાં મૃતક કનૈયાલાલના પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું, "પોલીસે તેમને સુરક્ષા આપવી જોઈતી હતી. તેમણે સુરક્ષા માગી હતી અને દુકાન ચાર-પાંચ દિવસ દુકાન બંધ રહી.આ સો ટકા પોલીસની નિષ્ફળતા છે."
કટારિયાએ કહ્યું કે, "નૂપુર શર્મા વિરુદ્ધ તેમના (કનૈયાલાલ) બાળક અથવા તો અન્ય કોઈકે વીડિયો પોસ્ટ કર્યો હતો. જેના કારણે તેમના પર કેસ થયો અને બાદમાં ધરપકડ થઈ. તેમને જામીન પર છોડવામાં આવ્યા બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવામાં આવી હતી. તેઓ વારંવાર સુરક્ષા માગી રહ્યા હતા."
તેમણે આગળ કહ્યું, "ચાર પાંચ દિવસ સુધી તેમની દુકાન બંધ રહી અને ત્યાર બાદ જ્યારે તેમણે દુકાન ખોલી તો પોલીસનું એટલું તો દિમાગ હોવું જોઈએ કે આ માણસના જીવને ખતરો છે, સુરક્ષા માગી રહ્યો છે અને હાલમાં દુકાન ખોલી રહ્યો છે તો તેને કંઈ નહીં તો માત્ર સિક્યૉરિટી તો આપવી જોઈતી હતી. નિશ્ચિતરૂપે પ્રશાસનની ચૂક થઈ, જેના કારણે આ ઘટના બની છે."

સંક્ષિપ્તમાં: હત્યા, વિવાદ અને વિરોધ

- મંગળવાર બપોરે ઉદયપુરના ધાનમંડી વિસ્તારમાં કનૈયાલાલ તેલી નામના દરજીની હત્યા કરવામાં આવી
- કપડા સિવડાવવા આવેલા બે લોકોએ દુકાનની બહાર લાવીને તેમનું ગળું કાપી નાખ્યું.
- હત્યારાઓએ હત્યાનો અને ત્યાર બાદ કબૂલાત કરતો વીડિયો બનાવ્યો
- વીડિયો વાઇરલ થતાં સમગ્ર રાજ્યમાં વિરોધ શરૂ કરાયો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત
- તપાસમાં અગાઉ કનૈયાલાલે કરેલી પોસ્ટ બદલ ધરપકડ કરાઈ હોવાનું આવ્યું સામે
- સમાધાન થયા બાદ હત્યા કેમ થઇ? આ મુદ્દે પોલીસે તપાસ આરંભી

સમાધાન થયા બાદ કેવી રીતે થઈ ઘટના?

ઇમેજ સ્રોત, ANI
રાજસ્થાનના એડીજી (લૉ ઍન્ડ ઑર્ડર) હવા સિંહ ઘુમરિયાએ મંગળવારે બનેલી આ ઘટના વિશે પત્રકારોને જણાવ્યું કે પયગંબર મામલે કનૈયાલાલ વિરુદ્ધ આ મહિને જ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બાદમાં તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું, "10 તારીખે મૃતક કનૈયાલાલ વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરાઈ હતી. તેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે પયગંબર મહમદને લઈને ચાલી રહેલા વિવાદમાં તેમણે આપત્તિજનક ટિપ્પણી આગળ પ્રસરાવી હતી."
"તેમાં પોલીસે તાત્કાલિક ઍક્શન લીધી હતી, ફરિયાદ દાખલ કરી અને કનૈયાલાલની ધરપકડ કરી. ત્યાર બાદ તેમને કોર્ટમાંથી જામીન મળ્યા હતા."
"જામીન પર છૂટ્યા બાદ તેમણે લેખિતમાં અરજી આપી હતી કે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. જેથી તેમને સુરક્ષા આપવામાં આવે. આ અરજી મળતા સ્થાનિક પોલીસમથકના વડાએ તાત્કાલિક ધમકી આપનારાઓને બોલાવ્યા અને બંને સમુદાયના પાંચ સાત જવાબદાર લોકોની હાજરીમાં સમાધાન થઈ ગયું હતું. મૂંઝવણ દૂર થયા બાદ ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી."
"અમે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે એ દિવસે સમાધાન થઈ ગઈ હોવા છતાં બાદમાં એવું શું થયું તો ઘટના અહીં સુધી પહોંચી અને સમાધાન કરાવનારા લોકોએ શું કર્યું?"

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













