ઉદયપુર : રાજસ્થાનના રાજસંમદમાં કનૈયાલાલની હત્યાના વિરોધમાં પ્રદર્શન, પોલીસ કૉન્સટેબલ પર તલવારથી હુમલો - પ્રેસ રિવ્યુ

રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી હત્યાના વિરોધમાં રાજસમંદના ભીમમાં વિરોધપ્રદર્શન થયાં છે. પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે હવામાં ફાયરિંગ કરવું પડ્યું છે.

બીબીસીના સહયોગી પત્રકાર મોહરસિંહ મીણાએ જણાવ્યું કે પોલીસની કાર્યવાહી પ્રદર્શનકારીઓને સંવેદનશીલ વિસ્તારમાં જવાથી રોકવા માટે હતી. પોલીસકર્મીઓ પર પથ્થરમારો પણ થયો હતો.

પોલીસકર્મીઓ

ઇમેજ સ્રોત, Getty Images

એક પોલીસ કૉન્સ્ટેબલ પર તલવારથી હુમલો થયો. ઈજાગ્રસ્ત કૉન્સ્ટેબલને અજમેર હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

આ મામલે લગભગ 40 લોકોને પોલીસે અટકાયતમાં લીધા છે. ડીજીપી એમએલ લાઠરે કહ્યું કે, "ભીમમાં વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન એક પોલીસ કૉન્સ્ટેબલ પર તલવારથી હુમલો થયો હતો. કૉન્સટેબલની સ્થિતિ સ્થિર છે અને અજમેરમાં સારવાર ચાલુ છે. "

રાજસમંદના ભીમથી હત્યાના બંને આરોપીઓની ધરપકડ થઈ હતી. મંગળવારના ઉદયપુરમાં દરજીકામ કરતા કનૈયાલાલની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી.

બંને આરોપીઓની હત્યાના વીડિયો પણ બનાવાયા હતા અને આ હત્યાને ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની પયગંબર મહમદ પરની વિવાદિત ટિપ્પણીનો બદલો ગણાવ્યો હતો.

બંને આરોપીઓની ઓળખ મહમદ રિયાઝ અને ગૌસ મહમદ તરીકે થઈ છે. બંને એક વીડિયોમાં કનૈયાલાલનું માથું કાપી નાખવાની વાત સ્વીકાર કરી હતી. તેમણે આ વીડિયોમાં વડા પ્રધાન મોદીની હત્યાની પણ ધમકી આપી હતી.

line

ઉદયપુર : ઘટનાની તપાસ માટે SITની રચના, કેવી રીતે થઈ હતી કનૈયાલાલની હત્યા?

ઉદયપુર

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, રાજસ્થાન પોલીસે આ હત્યાના કેસમાં બે લોકોની ધરપકડ કરી છે.

રાજસ્થાનના ઉદયપુરમાં એક દરજીની હત્યા બાદ સમગ્ર રાજસ્થાનમાં ઇન્ટરનેટ બંધ છે. ઉદયપુરમાં ઠેરઠર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને હજુ પણ તણાવ પ્રવર્તી રહ્યો છે. કર્ફ્યુ લદાયેલો છે અને બજાર-દુકાનો બધું જ બંધ છે.

ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરી દેવાઈ છે. રાજ્યના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે હત્યાની આંતરરાષ્ટ્રીય લિંક છે કે કેમ એની તપાસ કરાશે.

જોધપુરમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું છે કે, "ઘટના બહુ મોટી છે. જઘન્ય છે, બહુ જ જઘન્ય છે."

"મેં કાલે પણ કહ્યું હતું કે જેટલી નિંદા કરાય એટલી ઓછી છે અને એટલે જ અમે એસઆઈટીની રચના કરી છે. એસઆઈટીએ પોતાનું કામ શરૂ કરી દીધું છે. જયપુર પહોંચતાં જ અમે લૉ ઍન્ડ ઑર્ડરને લઈને પણ બેઠક કરીશું."

તેમણે ઉમેર્યું, "આ ઘટનાને અમે ગંભીરતાથી લઈ રહ્યા છીએ અને આ ઘટના કોઈ મામૂલી ઘટના નથી. આવું ના થઈ શકે. જ્યાં સુધી આનો કોઈ આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય સ્તરે આવાં જ કટ્ટરવાદી તત્ત્વો સાથે સંબંધ ન હોય ત્યાં સુધી આવી ઘટનાઓ ના ઘટી શકે, એવું અનુભવ કહે છે. એ રીતે જ આની તપાસ શરૂ કરવામાં આવી છે."

આ દરમિયાન એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ આ ઘટનાને વખોડી કાઢી છે અને કહ્યું છે કે દેશમાં કટ્ટરતા ફેલાઈ રહી છે.

તેમણે પણ કહ્યું છે, "નૂપુર શર્માની ભારતના કાયદા હેઠળ ધરપકડ કરવી જોઈએ. જો કોર્ટ એને ગુનેગાર ગણે છે તો એ હિસાબે સજા પણ આપશે."

આ ઘટનાને આતંકી હુમલો ગણવી કે કેમ એ અંગે પુછાયેલા એક સવાલના જવાબમાં તેમણે કહ્યું, "હા, બિલુકલ... જે રીતે પહલુખાનને મારી નખાયો, એ આતંક હતો. અખલાકને મારી નાખ્યો એ પણ આતંક હતો. જે રીતે રાજસમંદમાં જ પશ્ચિમ બંગાળના એક મજૂરની હત્યા કરી દેવાઈ એ આતંક હતો... એ રીતે આ હત્યા પણ આતંક છે."

line

કનૈયાલાલની હત્યા કેવી રીતે થઈ હતી? દુકાનના કારીગરે જણાવી સમગ્ર કહાણી

ઉદયપુર હત્યા

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC

ઇમેજ કૅપ્શન, કનૈયાલાલની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી વિવાદ શરૂ થયો હતો

રાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરનારા એક દરજીની ગળું કાપીને હત્યા કરવાના મામલામાં તેમની દુકાનમાં કામ કરતાં એક કારીગરે સમગ્ર કહાણી જણાવી હતી.

હિંદી અખબાર દૈનિક ભાસ્કરે આ કારીગર દિનેશ શર્માએ રજૂ કરેલી હત્યાની કહાણી પ્રમુખતાથી છાપી છે. વાંચો, તેમના જ શબ્દોમાં...

"હું છેલ્લાં દસ વર્ષથી શેઠજી (કનૈયાલાલ)ને ત્યાં દરજીકામ કરતો હતો. મંગળવારે બપોરે બે યુવક (મોહમ્મદ રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદ) દુકાનમાં આવ્યા. તેમણે પૂછ્યું કે ઝભ્ભો-પાયજામો સીવી આપશો? શેઠજીએ કહ્યું કે બિલકુલ સીવી આપીશું."

"રિયાઝ ઝભ્ભા-પાયજામાનું માપ આપવા લાગ્યો. ગૌંસ ઊભો રહ્યો. હું અને મારો સાથી રાજકુમાર કપડાં સીવી રહ્યા હતા. અચાનક જ ચીસ સંભળાઈ. હું બહાર ભાગ્યો અને બાજુની દુકાન પાસે જોયું તો શેઠજી દુકાન બહાર લોહીથી લથપથ પડ્યા હતા અને સતત લોહી વહી રહ્યું હતું. મારી સાથે જેમતેમ કરીને રાજકુમાર પણ ભાગ્યો."

"શેઠજી હંમેશાં કહેતા હતા કે કપડાં એવા સીવો કે આદમી સજી જાય. શું ખબર હતી કે જેમને સજાવવા માટે તેઓ માપ લઈ રહ્યા હતા, એ લોકો જ તેમને કફન બંધાવી દેશે. શેઠજીએ 10-15 દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર પોસ્ટ નાખી હતી. જેના પર વિવાદ થતાં પોલીસ પકડીને લઇ ગઈ હતી. બાદમાં મામલો શાંત થઈ ગયો હતો."

દર્દનાક એ છે કે હત્યારાઓએ હત્યા કરતા પહેલાં સોશિયલ મીડિયા પર ધમકી આપી હતી. હત્યા કર્યા બાદ તેમણે સોશિયલ મીડિયા પર કબૂલાત પણ કરી હતી."

line

મુખ્ય મંત્રી કોરોનાનાં લક્ષણો જણાતાં આઇસોલેશનમાં

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આઇસોલેશનમાં ગયા

ઇમેજ સ્રોત, FB/BHUPENDRA PATEL

ઇમેજ કૅપ્શન, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આઇસોલેશનમાં ગયા

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કોરોના વાઇરસનાં હળવાં લક્ષણો જણાતાં કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવ્યો હતો, હાલ તેઓ સ્વસ્થ છે અને પોતાના નિવાસસ્થાને સારવાર લઈ રહ્યા છે.

આ માહિતી ગુજરાતના મુખ્ય મંત્રીના કાર્યાલય તરફથી આપવામાં આવી છે.

ચર્ચા છે કે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના પૉઝિટિવ થયા છે. જોકે ગુજરાતના મુખ્ય મંત્રીના કાર્યાલય તરફથી એ વાત સ્પષ્ટ કરવામાં આવી નથી કે તેઓ કોરોના પૉઝિટિવ છે.

line

મોહમ્મદ ઝુબૈર અને તિસ્તા સેતલવાડની ધરપકડ અંગે સંયુક્ત રાષ્ટ્રએ શું કહ્યું?

મોહમ્મદ ઝુબૈર

ઇમેજ સ્રોત, Twitter/@zoo_bear

સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ ઍન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તાએ ભારતમાં ઑલ્ટ ન્યૂઝના સહસ્થાપક મોહમ્મદ ઝુબૈરની ધરપકડ મામલે કહ્યું કે પત્રકારોને લખવા, ટ્વીટ કરવા અને બોલવા માટે જેલ ન થવી જોઇએ.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, તેમણે કહ્યું કે જરૂરી છે કે લોકોને કોઈ પણ રીતે અભિવ્યક્તિની આઝાદી મળવી જોઈએ.

ફૅક્ટ ચેકિંગ વેબસાઇટ ઑલ્ટ ન્યૂઝના સહસ્થાપક મોહમ્મદ ઝુબૈરની ટ્વીટ દ્વારા ધાર્મિક લાગણી દુભાવવાના આરોપસર સોમવારે દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી.

તેમને મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા બાદ હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે.

ઝુબૈરની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું, "વિશ્વભરમાં કોઈ પણ જગ્યાએ એ ઘણું મહત્ત્વનું છે કે લોકોને સ્વતંત્રપણે વ્યક્ત કરવાની મંજૂરી આપવામાં આવે. પત્રકારોને સ્વતંત્રપણે વ્યક્ત કરવાની મંજૂરી આપવામાં આવે. કોઈ પણ પ્રકારની હેરાનગતિ વગર."

તેમણે કહ્યું, "પત્રકારો જે લખે છે, જે ટ્વીટ કરે છે અને જે કહે છે, તેના માટે તેમને જેલ ન થવી જોઈએ અને આ નિયમ વિશ્વભરમાં એકસમાન હોવો જોઇએ."

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારે તિસ્તા સેતલવાડની ધરપકડને લઇને પણ ચિંતા વ્યક્ત કરી છે.

સંસ્થાએ ટ્વીટ કરીને લખ્યું છે કે તિસ્તા સેતલવાડ અને બે અન્ય પૂર્વ પોલીસ અધિકારીઓને તાત્કાલિક છોડી દેવામાં આવે. 2002નાં ગુજરાત રમખાણોના પીડિતોનો સાથ આપવા અને તેમના કામના લીધે તેમની પર કાર્યવાહી ન થવી જોઈએ.

જોકે, ભાજપે તેના પર આપત્તિ વ્યક્ત કરી હતી. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિએ ટ્વીટ કર્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારને એ ખબર નથી કે તેઓ શું બોલી રહ્યા છે. તમારે ભારતના આંતરિક મામલામાં દખલ ન દેવી જોઈએ, કારણ કે તમને આ વિશે ખ્યાલ નહીં હોય.

line

ગુજરાતમાં રથયાત્રા પહેલાં કોરોના કેસની સંખ્યામાં વધારો

ગુજરાતમાં કોરોના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા વધી રહી છે. મંગળવારે રાજ્યમાં 475 નવા કેસ નોંધાયા હતા.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી યાદી અનુસાર, મંગળવારે નોંધાયેલા 475 નવા કેસ પૈકી સૌથી વધારે 211 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે.

આ ઉપરાંત સુરત શહેરમાં 76, વડોદરામાં 35, જામનગરમાં 17, મહેસાણામાં 14 અને રાજકોટ શહેરમાં પાંચ નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં હાલ 2,793 ઍક્ટિવ કેસ છે અને આ તમામ દર્દીઓની હાલત સ્થિર છે. આ તમામ ઍક્ટિવ કેસ પૈકી મોટા ભાગના ઍક્ટિવ કેસ અમદાવાદમાં છે.

line

ઓએનજીસીનું હેલિકૉપ્ટર અરબી સમુદ્રમાં ક્રેશ, ચાર મૃત્યુ

ઓએનજીસીનું હેલિકૉપ્ટર ક્રેશ

ઇમેજ સ્રોત, ANI

ઓએનજીસીએ પોતાના ટ્વિટર હૅન્ડલ પરથી માહિતી આપી કે તેમનું એક હેલિકૉપ્ટર મંગળવારે અરબી સમુદ્રમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે.

આ પવનહંસ હેલિકૉપ્ટરમાં કુલ નવ લોકો સવાર હતા. જમાંથી સાત લોકો યાત્રી હતા જ્યારે બે ચાલકદળના સભ્યો હતા.

ઓએનજીસીએ જણાવ્યું કે હેલિકૉપ્ટરને મુંબઈ હાઇ વિસ્તારમાં રિગ સાગર કિરણ પાસે ઇમરજન્સી લૅન્ડિંગ કરવું પડ્યું હતું.

ત્યાર બાદ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યૂ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ નવ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ નવ લોકો પૈકી ચાર લોકોને બેભાન અવસ્થામાં હૉસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન