ભાજપના રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર દ્રોપદી મુર્મૂ કોણ છે?

નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે ભારતના રાષ્ટ્રપતિપદના શપથ ગ્રહણ કર્યા છે. એ સાથે જ તેઓ દેશનાં 15મા રાષ્ટ્રપતિ બન્યાં છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલય અનુસાર રાષ્ટ્રપતિપદ માટેનો શપથસમારોહ આજે સવારે 10:15 વાગ્યે સંસદના સૅન્ટ્રલ હૉલમાં શરૂ થયો.

દેશના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્ના દ્રોપદી મુર્મૂને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા. એ બાદ નવાં રાષ્ટ્રપતિએ દેશને સંબોધ્યો.

નોંધનીય છે કે ગુજરાતમાં આવનારા દિવસોમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે ઘણા રાજકીય વિશ્લેષકોનો દાવો હતો કે ગુજરાતમાં ભાજપ આદિવાસી મત પોતાની તરફ આકર્ષવા મથી રહ્યો છે. દ્રોપદી મુર્મૂના નામની જાહેરાત પણ આ જ દિશામાં એક મોટું પગલું ગણાઈ રહ્યું છે.

દ્રોપદી મુર્મૂ અગાઉ પ્રથમ આદિવાસી ગવર્નર બનવાનું બહુમાન મેળવી ચૂક્યાં છે. તેમજ ઝારખંડના ઇતિહાસનાં તેઓ પ્રથમ મહિલા ગવર્નર પણ હતાં.

હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ અનુસાર દ્રોપદી મુર્મૂ ઓડિસાના રાયરંગપુરથી ધારાસભ્ય તરીકે ચૂંટાતાં હતાં.

તેઓ મૂળ છત્તીસગઢનાં છે. મે, 2015માં તેમને ઝારખંડનાં રાજ્યપાલ બનાવાયાં હતા.

પરંતુ વર્ષ 2019માં ઓડિસા વિધાનસભાની ચૂંટણી ભાજપે ગુમાવતાં પક્ષમાં તેમની લોકપ્રિયતાને ફટકો પડ્યો હોવાનું કહેવાય છે.

2017માં પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ નામ ચર્ચામાં હતું

આ પહેલાં વર્ષ 2017માં પણ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપનાં ઉમેદવાર તરીકે તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું.

તેઓ બે વખત ઓડિસા વિધાનસભાનાં ધારાસભ્ય રહી ચૂક્યાં છે.

તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત 1997થી થઈ હતી.

તે સમયે તેઓ કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. તેમજ બાદમાં તેઓ રાયરંગપુર નોટિફાઇડ વિસ્તાર કાઉન્સિલનાં ઉપપ્રમુખ પણ બન્યાં હતાં.

તે બાદ મુર્મૂ ભાજપનાં ઓડિસાના એસટી મોરચાનાં પ્રમુખ પણ બન્યાં હતાં.

વર્ષ 2013માં મુર્મૂ પાર્ટીના એસટી મોરચાના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય બન્યાં.

વર્ષ 2007માં તેમને સર્વશ્રેષ્ઠ ધારાસભ્યને અપાતો નિલકંઠ પુરસ્કાર પણ હાંસલ થયો હતો.

તેમને ભાજપસમર્થિત બીજુ જનતા દળની સરકારમાં મંત્રી તરીકે સેવા આપવાની પણ તક પ્રાપ્ત થઈ હતી.

રમા દેવી વિમૅન કૉલેજનાં સ્નાતક મુર્મૂએ રાજકારણ અને સામાજિક કાર્યમાં બે દાયકાનો અનુભવ મેળવ્યો છે.

નોંધનીય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈના રોજ થવાની છે. જેનાં પરિણામ 21 જુલાઈએ જાહેર કરાશે.

વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા કોણ છે?

યશવંત સિંહા 1960માં આઈએએસ (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) માટે ચૂંટાઈ આવ્યા હતા, તેમને સમગ્ર ભારતમાં 12મું સ્થાન મળ્યું હતું.

તેમણે બિહારના આરા અને પટનામાં કામ કર્યું હતું અને સંથાલ પરગણામાં (હાલ ઝારખંડમાં) ડેપ્યુટી કમિશનર તરીકે તહેનાત હતા.

તેમને પશ્ચિમ જર્મનીમાં ભારતીય રાજદૂતાલયમાં ફર્સ્ટ સેક્રેટરી તરીકે નીમવામાં આવ્યા.

અમુક વર્ષ બિહારમાં નોકરી કર્યા બાદ જ્યારે બિહારમાં કર્પૂરી ઠાકુરની સરકાર બની ત્યારે તેમને મુખ્ય મંત્રીના મુખ્ય સચિવ તરીકે નીમવામાં આવ્યા.

સિંહા 'જનનાયક' જય પ્રકાશ નારાયણથી ખૂબ જ પ્રભાવિત હતા. સિંહા પદ પરથી રાજીનામું આપીને જનસેવા કરવા માગતા હતા, પરંતુ જેપીએ સલાહ આપી કે તેઓ પહેલાં આજીવિકાની વ્યવસ્થા કરે તે પછી રાજીનામું આપે.

એશિયન રમતોત્સવ દરમિયાન અન્ય જવાબદારીઓની સાથે તેમને દિલ્હી પરિવહન નિગમના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા. ત્યાર સુધીમાં તેમના બંને દીકરા 'સેટલ' થઈ ગયા હતા, દીકરીનાં લગ્ન થઈ ગયાં હતાં.

12 વર્ષની નોકરી બાકી હતી, પરંતુ પેન્શન મેળવવા પાત્ર બની ગયા હતા. આથી તેમણે નોકરી છોડી દીધી.

ચંદ્રશેખર વડા પ્રધાન બન્યા, ત્યારે સિંહા ઇચ્છતા હતા કે તેમને વિદેશમંત્રી બનાવવામાં આવે, પરંતુ દેશની સામેના આર્થિક પડકારોને જોતાં ચંદ્રશેખરને લાગતું હતું કે સિંહા જ તેને પહોંચી વળી શકે, એટલે તેમને નાણામંત્રી બનાવ્યા.

ચંદ્રશેખરની સરકાર લાંબો સમય ન ચાલી અને તેનું પતન થયું. સાત વર્ષ બાદ ફરી એક વખત તેઓ નાણામંત્રી બન્યા. પાર્ટી હતી ભાજપ અને વડા પ્રધાન હતા અટલ બિહારી વાજપેયી.

યશવંત સિંહાએ 2009માં ઝારખંડની હઝારીબાગ બેઠક પરથી ચૂંટણી જીતી હતી. આ પહેલાં 1998,1999માં આ બેઠક પરથી લડ્યા અને જીત્યા હતા, જોકે 2004માં હારી ગયા હતા. 2014માં તેમના બદલે તેમના પુત્ર જયંતને ઉમેદવાર બનાવવામાં આવ્યા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો