You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એકનાથ શિંદે મામલે બોલ્યા સંજય રાઉત : ગમે તે સ્થિતિનો સામનો કરવા તૈયાર
- મહારાષ્ટ્રમાં વિધાનપરિષદની ચૂંટણીનાં પરિણામો બાદ રાજકીય સંકટ
- સરકારમાં મંત્રી એકનાથ શિંદે કેટલાક ધારાસભ્યો સાથે રાતોરાત ગાયબ થયા અને સુરતની હોટલમાં આવી પહોંચ્યા.
- જેમને મનાવવા પહોંચેલા ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસુ મિલિંદ નાર્વેકર હોટલમાં મુલાકાત બાદ પાછા ફર્યા હતા.
- નાર્વેકરની વાપસી બાદ સંજય રાઉતે પક્ષ ગમે તે સ્થિતિ સામે તૈયાર હોવાની વાત કરી હતી.
- શિંદે સાથે દસથી વધુ ધારાસભ્યો હોટલમાં રોકાયા.
- વિધાનપરિષદની ચૂંટણીમાં ભાજપને 134 મત મળ્યા. ગૃહમાં બહુમતનો આંક હાંસલ કરવા 145 વોટ જરૂરી.
- શરદ પવારે ભાજપ પર રાજ્ય સરકાર તોડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો.
એકનાથ શિંદે અંગે શિવસેનામાં ચાલી રહેલ ઘમસાણ પર પાર્ટીના નેતા સંજય રાઉતે કહ્યું છે કે અમે ગમે તે સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ.
તેમણે કહ્યું, "અમે એકનાથ શિંદે સાથે ચર્ચા કરી છે. હવે મિલિંદ નાર્વેકર અને રવીન્દ્ર ફાટક ઉદ્ધવ ઠાકરે સાથે આ મામલે ચર્ચા કરશે. અમે ગમે તે સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ."
સંજય રાઉતે કહ્યું, "એકનાથ શિંદેની નારાજગી અત્યારે સામે આવી છે. એકનાથ શિંદે એ વાતના સાક્ષી રહ્યા છે કે ભાજપે તેમની સાથે કેવો વ્યવહાર કર્યો છે."
આ પહેલાં મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના સરકારી આવાસ પર મહાવિકાસ અઘાડીના મોટા નેતાઓની બેઠક થઈ હતી.
શિવસેનાના મહાસચિવ અને ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસુ મિલિંદ નાર્વેકર એકનાથ શિંદેને મળવા સુરત પહોંચ્યા હતા. લગભગ એક કલાક બાદ નાર્વેકર હવે મુંબઈ માટે રવાના થશે. તેમણે લી મેરેડિયન હોટલમાં એકનાથ શિંદે સાથે મુલાકાત કરી. તે દરમિયાન તેમની સાથે શિવસેનાના ધારાસભ્ય રવીન્દ્ર ફાટક પણ હાજર હતા.
આ દરમિયાન, ભંડારાના શિવેસના પ્રાયોજિત નિર્દલીય ધારાસભ્ય નરેન્દ્ર બોંડેકર સુરતની લી મેરિડિયન હોટલ પહોંચ્યા હતા. બીબીસી સંવાદદાતા મયંક ભાગવત પ્રમાણે તેઓ આવ્યા તેની થોડી મિનિટ પહેલાં જ મિલિંદ નાર્વેકર પહોંચ્યા.
આ સમગ્ર ઘટનાક્રમની પૃષ્ઠભૂમિમાં ભાજપ નેતા અને કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ભાગવત કરાડ સુરતમાં હાજર છે. ભાગવત કરાડે કહ્યું, "મને ખબર પડી છે કે અમુક ધારાસભ્ય સુરત આવ્યા છે, પરંતુ હું તેમને નથી મળ્યો."
સુરતમાં એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસપાત્ર મિલિંદ નાર્વેકર વચ્ચે બેઠક પૂર્ણ
શિવસેના મહાસચિવ અને ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસપાત્ર મિલિંદ નાર્વેકર, એકનાથ શિંદેને મનાવા સુરતના લી મેરેડિયન હોટલ પહોંચ્યા હતા. તેમની સાથે શિવસેનાના નેતા રવીંદ્ર ફાટક પણ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હોટલમાં રોકાયેલા ધારાસભ્યો સાથેની મિટિંગ બાદ નાર્વેકર પોતાના કાફલા સાથે પાછા ફર્યા હતા.
એકનાથ શિંદે ઘણા ધારાસભ્યો સાથે ગુજરાતના સુરતમાં લી મેરિડિયન હોટલમાં રોકાયેલા છે. તેમની સાથે શિવસેનાના પણ કેટલાક ધારાસભ્યો છે.
હોટલની બહાર હાજર બીબીસી સંવાદદાતા મયંક ભાગવત પ્રમાણે પોલીસે મિલિંદ નાર્વેકર અને રવીન્દ્ર ફાટકને લગભગ 15થી 20 મિનિટ સુધી હોટલની અંદર નહોતા જવા દીધા.
આ સાથે જ હોટલમાં માત્ર એ લોકોને જ ઍન્ટ્રી અપાઈ રહી છે, જેમણે પહેલાંથી બુકિંગ કરાવડાવી હોય અને હોટલની બહાર પોલીસબળ તહેનાત કરી દેવાયું છે.
બીજી તરફ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ સરકારી આવાસ 'વર્ષા'માં શિવસેના ધારાસભ્યો અને અધિકારીઓની બેઠક થઈ. બેઠકમાં એકનાથ શિંદેને વિધાનસભાના ધારાસભ્યદળના નેતા પદેથી હઠાવવાનો નિર્ણય કરાયો છે.
અત્યાર સુધી મુંબઈના શિવડીના ધારાસભ્ય અજય ચૌધરી વિધાનસભામાં પાર્ટીના નેતા હશે.
'મહારાષ્ટ્રમાં સરકાર તોડવાનો ત્રીજો પ્રયાસ', શરદ પવારે ભાજપ પર આરોપ લગાવતાં શું કહ્યું?
મહારાષ્ટ્રમાં સોમવારે વિધાનપરિષદની ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદ સરકારમાં મંત્રી એકનાથ શિંદે અચાનક જ ગાયબ થઈ ગયા અને તેમનો સંપર્ક નથી થઈ રહ્યો.
મહારાષ્ટ્રના શહેરીવિકાસ મંત્રી તેમજ થાણે જિલ્લામાં ધારાસભ્ય એકનાથ શિંદે તેમના 10 સમર્થક ધારાસભ્યો સાથે સુરતની એક હોટલમાં આવી ગયા છે.
ઉદ્ધવ ઠાકરેએ આજે 12 વાગ્યે એક બેઠક બોલાવી છે અને એકનાથ શિંદે પણ પત્રકારપરિષદ યોજી રહ્યા છે.
નોંધનીય છે કે વિધાનપરિષદની દસમાંથી ભાજપે પાંચ બેઠકો જીતી હતી. એના તમામ ઉમેદવારો જીતી ગયા હતા.
પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે ભાજપને 134 વોટ મળ્યા હતા. અહીં એ વાત પણ નોંધવી રહી કે ગૃહમાં બહુમતનો આંક હાંસલ કરવા માટે 145 વોટની જરૂર પડે છે.
મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં આવું ત્રીજી વખત થઈ રહ્યું છે.
શરદ પવારે આ મામલે પત્રકારપરિષદ યોજી હતી. જ્યાં પત્રકારોએ તેમને પ્રશ્ન પૂછ્યો હતો કે શું ઠાકરેની સરકાર પડી જશે? પ્રશ્નનો જવાબ આપતાં પવારે કહ્યું હતું કે સરકાર બચાવવાનો 'કોઈને કોઈ વિકલ્પ મળી જશે.'
શરદ પવારે શું કહ્યું?
- સરકાર ઉથલાવવાની અઢી વર્ષથી યોજના, એનસીપીના કોઈ મંત્રીએ બળવો નથી કર્યો.
- ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં અહાવિકાસ અધાડીની સરકાર ચાલુ રહેશે.
- એકનાથ શિંદે મુખ્ય મંત્રી બનવા માગતા હતા એવું ક્યારેય સાંભળ્યું નથી.
- આજની પરિસ્થિતિ જોયા બાદ મને લાગે છે કે કોઈ માર્ગ નીકળશે.
- મહારાષ્ટ્રમાં સરકાર તોડવાનો ત્રીજી વાર પ્રયાસ કરાયો.
- મુખ્ય મંત્રીનું પદ શિવસેના પાસે છે અને આ પદ પર કોની નિમણૂક કરવી એ તેમની આંતરીક બાબત છે.
મહારાષ્ટ્રમાં સરકાર તોડી પાડવાનો પ્રયાસ : સંજય રાઉત
શિવસેનાના સાંસદ સંજય રાઉતે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્રમાં 'મહાવિકાસ અઘાડી'ની સરકાર તોડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
તેમણે એવું પણ કહ્યું કે ભાજપે યાદ રાખવું જોઈએ કે મહારાષ્ટ્ર રાજસ્થાન કે મધ્યપ્રદેશ કરતાં ઘણું અલગ છે.
સંજય કહ્યું, "અમારા ધારાસભ્યો ગુજરાતના સુરતમાં છે અને ત્યાંથી તેમને જવા નથી દેવાઈ રહ્યા, પણ તેઓ ચોક્કસથી પરત આવશે કેમ કે એમાંથી બધા જ શિવસેના પ્રત્યે સમર્પિત છે. મને વિશ્વાસ છે કે અમારા તમામ ધારાસભ્યો પરત આવશે અને બધુ જ ઠીક થઈ જશે."
તેમણે એવું પણ જણાવ્યું કે તેઓ સુરત ખાતેના ધારાસભ્યો સાથે સંપર્કમાં છે.
રાઉતે ઉમેર્યું, "અમે ઉદ્ધવ ઠાકરેજી અને પવારસાહેબ સાથે પરિસ્થિતિ પર વિચાર કરી રહ્યા છે. જેઓ એવું વિચારી રહ્યા છે કે તેઓ કિંગમેકર છે, તેઓ નિષ્ફળ રહશે."
રાત્રે બે વાગ્યા સુધી બેઠક
વિધાનપરિષદની ચૂંટણી અગાઉ મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી કે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે અણબનાવ છે.
સોમવારે વિધાનપરિષદની ચૂંટણીનાં પરિણામ આવ્યાં બાદથી એકનાથ શિંદેનો ફોન સતત બંધ આવતો હતો.
ત્યાર બાદ પ્રસારિત થઈ રહેલા અહેવાલો અનુસાર એકનાથ શિંદે તેમના સમર્થક ધારાસભ્યોને લઇને સુરતની એક હોટલમાં રોકાયા હતા.
જોકે, ધારાસભ્યો ગુમ થયા હોવાની જાણ થતા મુખ્ય મંત્રી ઠાકરેએ રાત્રે જ પોતાના નિવાસસ્થાન પર ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. આ બેઠક રાત્રે બે વાગ્યા સુધી ચાલી હતી.
વિધાનપરિષદની ચૂંટણીનું પરિણામ
વિધાનપરિષદની દસ બેઠકો માટે કુલ 11 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસના બે-બે ઉમેદવારો અને ભાજપના પાંચ ઉમેદવારોનો સમાવેશ થાય છે.
આ ચૂંટણીમાં શિવસેના અને એનસીપીના બંને ઉમેદવારો જીત્યા હતા. જ્યારે કૉંગ્રેસના એક ઉમેદવારની હાર થઈ હતી.
ભાજપના પાંચેય ઉમેદવારો જીતી જતા એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે તેમને 130થી વધુ મત મળ્યા છે એટલે કે અપક્ષ, નાની પાર્ટીઓ તેમજ ગઠબંધન સરકારના કેટલાક ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારોને મત આપ્યા હોય.
કૉંગ્રેસના 44 ધારાસભ્ય હોવા છતા કૉંગ્રેસના ઉમેદવારને માત્ર 41 વોટ મળ્યા હતા.
જ્યારે એનસીપી પાસે 51 ધારાસભ્યો હોવા છતા તેમના બંને ઉમેદવારો માત્ર 57 વોટ મેળવવામાં સફળ રહ્યા હતા.
નાની પાર્ટીઓના કુલ 16 ધારાસભ્યો છે અને 13 અપક્ષના ધારાસભ્યો. આ ધારાસભ્યોના વોટ ભાજપને મળ્યા હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
શું શિવસેનાની સરકાર પડી જશે?
વરિષ્ઠ પત્રકાર સુધિર સૂર્યવંશીએ બીબીસી મરાઠીના પ્રતિનિધિ સાથેની વાતચીતમાં જણાવ્યું, "ચોક્કસપણે મહાવિકાસ અગાડીની સરકાર ખતરામાં છે. ભાજપનું પર્ફોમન્સ સારું દેખાઈ રહ્યું છે. પણ એક વાત સ્પષ્ટ છે કે દેવેન્દ્ર ફડણવીસ એકનાથ ખડસેને ચૂંટાતા રોકી ન શક્યા."
અન્ય એક વરિષ્ઠ પત્રકાર મૃણાલિની નાનીવડેકરે કહ્યું, "એ કહેવું થોડું અઘરું છે કે ઉદ્ધવ ઠાકરેની સરકાર ખતરામાં છે પણ એમ કહી શકાય કે સરકારમાં કેટલાક વાદવિવાદ છે."
તેઓ આગળ કહે છે, "જો ભાજપ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરે તો તેમને હજુ પણ 10 ધારાસભ્યોની જરૂર છે. આગામી સમયમાં કૉંગ્રેસનું વલણ મહાવિકાસ અગાડીનું ભવિષ્ય નક્કી કરી શકે છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો