You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અગ્નિપથ યોજનાની એ જોગવાઈઓ, જેને લીધે દેશમાં હિંસક વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે
છેલ્લા ત્રણ દિવસથી કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય સેનામાં ભરતી જાહેર કરવામાં આવેલ 'અગ્નિપથ યોજના'નો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ઘણાં રાજ્યોમાં વિરોધપ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે.
ભારત સરકાર આ યોજના અંતર્ગત ટૂંકાગાળા માટે સેનામાં 17.5 વર્ષથી 21 વર્ષ (જે ગુરુવારે વધારીને 23 વર્ષ કરવામાં આવી છે)ની ઉંમરના યુવાનોની ભરતી કરશે.
આ યોજનાની જાહેરાત થતા જ વિરોધ શરૂ થઈ ગયો હતો.
રાજકીય પાર્ટીઓથી લઈને યુવાનો આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે.
ત્યારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અગ્નિપથ યોજનાની એ જોગવાઈઓ વિશે, જેના વિરોધે ત્રણ દિવસમાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે.
સરકારનું માનીએ તો યોજનાનો હેતુ યુવાનોમાં રાષ્ટ્રીયતાની ભાવના દૃઢ કરવાનો, ભારતીય સેનાને યુવાનોની સેનાનું સ્વરૂપ દર્શાવવાનો અને યુવાનોની ભારતીય સેનામાં કામ કરવાની મહત્ત્વાકાંક્ષાને પૂર્ણ કરવાનો છે.
ટીકાકારો આ યોજનાને ખોટું પગલું ગણાવી રહ્યા છે અને ભારતીય સેનાના પરંપરાગત સ્વરૂપ સાથેની છેડછાડ ગણાવે છે અને કહે છે કે તેનાથી સૈનિકોના મનોબળ પર વિપરીત અસર થશે.
સંક્ષિપ્તમાં : અગ્નિપથ યોજના છે શું?
- ભરતીની ઉંમર સાડા 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ
- શૈક્ષણિક લાયકાતઃ 10 કે 12 પાસ
- ભરતી ચાર વર્ષ માટે થશે
- ચાર વર્ષ પછી સેવામાં કામગીરીના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે અને 25 ટકા લોકોને કાયમી કરવામાં આવશે.
- ચાર વર્ષ પછી જે જવાનો નિયમિત થશે તેમને અગ્નિવીર કહેવામાં આવશે.
- પ્રથમ વર્ષનો પગાર મહિને 30 હજાર રહેશે
- ચોથા વર્ષે દર મહિને 40 હજાર રૂપિયા મળશે
યોજના સારી કે ખરાબ?
રિટાયર્ડ મેજર જનરલ શેઓનાનસિંહ પ્રમાણે ભારતીય સેનામાં કોઈનું ચાર વર્ષ માટે જોડાવું એ ઘણો ઓછો સમય કહેવાય અને જો આ આઇડિયા સારો હોય તો તેને તબક્કાવાર લાગુ કરવો જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે ચિંતા એ પણ છે કે આટલા ઓછા સમય માટે કોઈ યુવાન ખુદના સ્વભાવને મિલિટરીના બીબામાં કઈ રીતે ઢાળી શકશે.
તેઓ કહે છે કે, "ચાર વર્ષમાંથી છ મહિના તો ટ્રેનિંગમાં જશે. પછી એ વ્યક્તિ ઇન્ફૅન્ટરી, સિગ્નલ જેવાં ક્ષેત્રોમાં આગળ જાય તો તેની વિશેષ ટ્રેનિંગ લેવી પડશે."
"જેમાં વધારે સમય જશે. ઉપકરણોનો ઉપયોગ કરતા પહેલાં તેની સારી જાણકારી મેળવવી જરૂરી છે."
શેઓનાનસિંહને ચિંતા છે કે ટ્રેનિંગમાં આટલો સમય વીતાવ્યા બાદ કોઈ પણ વ્યક્તિ ખરેખર સેવામાં કેટલો આગળ વધી શકશે. તેઓ કહે છે, "એ વ્યક્તિ ઍરફોર્સમાં પાઇલટ તો બની શકશે નહીં. એ ગ્રાઉન્ડ્સમૅન કે પછી મિકૅનિક બનશે. એ વર્કશૉપમાં જશે. ચાર વર્ષમાં એ શું શીખી શકશે?"
"કોઈ તેને ઍરક્રાફ્ટને હાથ પણ નહીં લગાવવા દે. જો તમને ઉપકરણોની સારસંભાળ રાખતા પણ ન આવડતી હોય તો ઇન્ફૅન્ટ્રીમાં પણ તમારું કોઈ કામ નથી."
"યુદ્ધમાં કોઈ અનુભવી સૈનિક સાથે જાઓ તો શું યુદ્ધમાં તેમના મૃત્યુ બાદ ચાર વર્ષનો અનુભવી સૈનિક તેમની જગ્યા લઈ શકશે? આ કામ એ રીતે થતું નથી. આથી સુરક્ષાબળોની કુશળતાને અસર થશે."
અગ્નિપથ યોજના પર ઊઠી રહેલા પ્રશ્નો
- ચાર વર્ષ બાદ તાલીમબદ્ધ યુવાનો શું કરશે? તેનાથી સમાજનું 'સૈન્યીકરણ' થવાનો ખતરો છે.
- આ યોજનાથી ભારતીય સેનામાં 'શિખાઉ' જવાનોની સંખ્યા વધી જશે.
- આ યોજનાના કારણે સશસ્ત્ર બળોની સદીઓ પુરાણી રૅજિમેન્ટલ સંરચનાને ખલેલ પહોંચી શકે છે.
- પાઇલટ પ્રોજેક્ટ વગર જ આ યોજના શરૂ કરી દેવામાં આવી છે
- તેનાથી દર વર્ષે અંદાજે 40 હજાર યુવાનો બેરોજગાર થશે.
યોજના અંતર્ગત ભરતી થનારા લોકોનું ભવિષ્ય?
અગ્નિપથ યોજનાના ટીકાકારોનું કહેવું છે કે સેનામાં ટ્રેનિંગ લીધેલા 21 વર્ષીય બેરોજગાર યુવાન ખોટા રસ્તે જઈને પોતાની ટ્રેનિંગનો ખોટો ઉપયોગ કરી શકે છે.
રિટાયર્ડ મેજર જનરલ શેઓનાનસિંહ પૂછે છે કે 21 વર્ષીય દસ કે બાર ધોરણ પાસ બેરોજગાર યુવાન રોજગારી માટે ક્યાં જશે?
તેઓ કહે છે કે, "જો તે પોલીસમાં ભરતી માટે જાય તો તેમને કહેવામાં આવશે કે ત્યાં તો પહેલાંથી બીએ પાસ જવાનો છે, તેથી તેમને લાઇનમાં સૌથી પાછળ ઊભું રહેવું પડશે. અભ્યાસના કારણે તેમના પ્રમોશન પર અસર પડશે."
તેમનો મત છે કે યુવાનોને 11 વર્ષ સુધી સેનામાં સામેલ કરવામાં આવે. જેથી તેઓ ઓછામાં ઓછાં આઠ વર્ષ સેવા આપી શકે અને બાદમાં તેમને અડધું પૅન્શન આપીને જવા દેવામાં આવે.
રિટાયર્ડ મેજર જનરલ એસબી અસ્થાનાનું માનવું છે કે 21 વર્ષીય ગ્રૅજ્યુએટ યુવાન અને અગ્નિવીરો નોકરી શોધતી વખતે કોઈ અલગ સ્તર પર નહીં હોય. કારણ કે અગ્નિવીરો હુન્નરની દૃષ્ટિએ અન્યો કરતાં તદ્દન જુદા હશે.
રાજકારણીઓનો વિરોધ
બિહારના નેતા તેજસ્વી યાદવે આ યોજનાને લઈને પ્રશ્ન ઊઠાવ્યો છે કે, "આ યોજના અંતર્ગત શસ્ત્ર ચલાવવાનું પ્રશિક્ષણ મેળવ્યા બાદ ઓછા સમય માટે સેવા આપીને એક મોટો વર્ગ નાની ઉંમરમાં બેરોજગાર બની જશે. શું તેનાંથી દેસમાં કાયદા અને વ્યવસ્થાને લઈને સમસ્યા ઊભી નહીં થાય?"
પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદર્સિંહે કેન્દ્ર સરકારની આ યોજના પર સવાલ ઊઠાવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે, તેમણે સેનામાં ભરતી માટેની અગ્નિપથ યોજના પર પુનર્વિચાર કરવાની સલાહ આપી છે અને કહ્યું છે કે વિચારવાલાયક વાત એ છે કે સરકારે આ પ્રકારનો ફેરફાર કેમ કરવો પડ્યો?
કૉંગ્રેસ પાર્ટીએ પણ તેનો વિરોધ કરતા સરકારને અપીલ કરી છે કે આ યોજનાને પાછી લેવામાં આવે. કૉંગ્રેસનું કહેવું છે કે સરકાર ભરતી યોજનાના નામ પર યુવાનોનાં સપનાં પર પાણી ફેરવી રહી છે. ઓછું વેતન અને સમય માટે નોકરીના નામ પર યુવાનોનું અપમાન કરવામાં આવી રહ્યું છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો