'અગ્નિપથ' યોજનાને લઈને વિરોધ ઉગ્ર બન્યો, તેલંગાણામાં એકનું મોત, 14ને ઈજા

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધમાં ઘણાં રાજ્યોમાં ઉગ્ર વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે. આ સાથે જ નેતાઓથી માંડીને ભૂતપૂર્વ સૈન્ય અધિકારી સુધી આ યોજનાના સમર્થન અને વિરોધમાં તર્ક આપી રહ્યા છે.

આ અઠવાડિયે મંગળવારે કેન્દ્ર સરકાર તરફથી સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સેનામાં ભરતી માટે નવી યોજના અગ્નિપથની જાહેરાત કરી. પરંતુ મોદી સરકારની આ યોજનાનો ઘણાં રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે.

આ યોજનનો વિરોધ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને તેલંગાણા સહિત અન્ય ઘણાં રાજ્યોમાં થઈ રહ્યો છે.

સિકંદરાબાદમાં હાજર બીબીસી સંવાદદાતા સુરેખી અબૂરીએ જણાવ્યું છે કે તેલંગાણાના હૈદરાબાદની ગાંધી હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું કે અગ્નિપથ યોજનાના વિરોધ દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે 14 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. તે પૈકી બે લોકોની સર્જરી કરાઈ છે.

ઉત્તર પ્રદેશ અને બિહારમાં કેટલાંય વાહનોને આગ લગાડી દેવાઈ છે. આ બન્ને રાજ્યોમાં પ્રદર્શનનો આ સતત ત્રીજો દિવસ છે.

ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં કેટલાક લોકો ભેગા થઈને રેલવેસ્ટેશનમાં ઘૂસી ગયા અને ટ્રેનમાં તોડફોડ કરી. આ સાથે જ તેમણે રેલવેસ્ટેશનની સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું છે.

બીબીસી સંવાદદાતા અનંત ઝણાણેએ જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશના પૂર્વાંચલના બલિયા જિલ્લામાં પણ પ્રદર્શને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે.

શુક્રવાર સવારે કેટલાય વિદ્યાર્થીઓ બલિયા સ્ટેશન પર આવી પહોંચ્યા અને ટ્રેનોમાં તોડફોડ કરી. પ્રદર્શનકારીઓએ સ્ટેશન પર ઉભેલી 'બલિયા-સિયાલદહ એક્સપ્રેસ' અને 'બલિયા-લોકમાન્ય ટર્મિનસ એક્સપ્રેસ'માં પણ તોડફોડ કરી.

હાલની જાણકારી અનુસાર ભીડ સ્ટેશનથી શહેરમાં પહોંચી ગઈ છે અને કેટલીક જગ્યાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. પોલીસ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે લાઠીચાર્જ અને બળપ્રયોગ કરી રહી છે.

બલિયા જિલ્લાના મૅજિસ્ટ્રેટ સૌમ્ય અગ્રવાલે જણાવ્યું છે કે શુક્રવારે સવારે ફોર્સ તહેનાત કરી દેવાઈ છે. ઉપદ્રવીઓને નુકસાન કરતાં રોકી દેવામાં આવ્યા છે. પથ્થરમારાનો પ્રયાસ થયો છે અને યુવકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં વીડિયોગ્રાફી જોવાઈ રહી છે.

ટ્રેનો અને વાહનોમાં આગ લગાવ્યા બાદ હવે પ્રદર્શનકારીઓ દ્વારા બિહારના ડૅપ્યુટી સીએમ રેણુદેવીના ઘર પર હુમલો કરવામાં આવ્યો છે.

બિહારના બેતિયાસ્થિત તેમના ઘર પર પ્રદર્શન કરી રહેલા લોકોએ હુમલો કરી દીધો છે. રેણુદેવીના પુત્રએ મીડિયાને જણાવ્યું કે રેણુદેવી હાલ પટનામાં છે પરંતુ બેતિયામાં તેમના ઘરને ઘણું નુક્સાન પહોંચ્યું છે.

પશ્ચિમ ચંપારણ જિલ્લાના જ બગહા તેમજ સાસારામ વિસ્તારમાં ભાજપ કાર્યાલાયમાં પણ તોડફોડ કરવામાં આવી છે.

આ ઘટના બાદ સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે શાંતિ માટે લોકોને અપીલ કરી છે.

કેટલાંય રાજ્યોમાં વિરોધપ્રદર્શનો

આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાય એવા વીડિયો પણ વાઇરલ થયા છે, જેમાં પ્રદર્શનકારીઓ પોલીસ સાથે વાદવિવાદ કરતાં નજરે પડે છે. કેટલાક લોકોના હાથમાં લાકડીઓ પણ જોઈ શકાય છે.

અત્યાર સુધી જે જાણકારી સામે આવી છે તે અનુસાર બિહારના મોહિઉદ્દીનનગરમાં જમ્મુ-તાવી એક્સપ્રેસને આગ લગાડી દેવાઈ છે. આ ઉપરાંત બિહારના લખીસરાય જંક્શનમાં પણ એક ટ્રેનને આગ લગાડી દેવાઈ છે.

એક પોલીસવાળાએ જણાવ્યું, "એમણે મને વીડિયો બનાવતા અટકાવ્યો અને મારો ફોન આંચકી લીધો. 4-5 કમ્પાર્ટમેન્ટ પ્રભાવિત થયાં છે. મુસાફરોને ટ્રેનમાંથી ઉતારી દેવા પડ્યા હતા."

સમસ્તીપુરમાં પણ પ્રદર્શનકારીઓએ એક ટ્રેનમાં આગ લગાડી દીધી છે.

લખીસરાય પોલીસ સ્ટેશનના એસએચઓએ પત્રકારોને જણાવ્યું છે કે વિક્રમશિલા એક્સપ્રેસના સાત-આઠ ડબ્બાઓ અને કેટલીક ટ્રેનોને ઉપદ્રવીઓએ આગ લગાડી દીધી છે.

હાલમાં ફાયર-બ્રિગેડ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, હજારોની સ્થિતિમાં હાજર પ્રદર્શનકારીઓને લીધે સ્થિતિ પર કાબૂ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે.

બિહાર અને ઉત્તર પ્રદેશ ઉપરાંત મધ્ય પ્રદેશ અને હરિયાણામાં પણ પ્રદર્શનો થઈ રહ્યાં છે.

હરરિયાણાના પલવલ જિલ્લામાં કેટલીક જગ્યાઓએ પથ્થરમારો પણ થયો છે.

અગ્નિપથ યોજના શું છે?

ભારતીય સેનાના ત્રણેય વડાઓએ સૈન્યમાં ટૂંકા ગાળાની નિમણૂકોને લઈને 'અગ્નિપથ' નીતિની જાહેરાત કરી હતી.

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે મંગળવારે અગ્નિપથ યોજનાને ખુલ્લી મૂકી હતી.

એ વખતે સંરક્ષણમંત્રીએ કહ્યું હતું, "આજે અમે 'અગ્નિપથ' નામની એક પરિવર્તનકારી યોજના લાવી રહ્યા છીએ, જે આપણાં સશસ્ત્ર દળોમાં બદલાવ લાવીને તેમને વધુ આધુનિક બનાવશે."

"અગ્નિપથ' યોજના હેઠળ, ભારતીય યુવાનોને 'અગ્નવીર' તરીકે સશસ્ત્ર દળોમાં સેવા કરવાની તક પૂરી પાડવામાં આવશે."

'અગ્નિપથ' હેઠળ યુવાનોને ચાર વર્ષ સુધી સેનામાં કામ કરવાની તક મળશે. તેમાં જોડાનારા 25 ટકા યુવાનોને પછીથી કાયમી કરવામાં આવશે. એટલે કે 100માંથી 25 લોકોને પૂર્ણ સમય સેવા કરવાનો મોકો મળશે.

રાજનાથ સિંહે એવું પણ કહ્યું હતું કે આ યોજના રોજગારની તકો વધારશે અને દેશની સુરક્ષાને મજબૂત કરશે.

અગ્નિપથ યોજના પર ઊઠી રહેલા પ્રશ્નો

  • ચાર વર્ષ બાદ તાલીમબદ્ધ યુવાનો શું કરશે? તેનાથી સમાજનું 'સૈન્યીકરણ' થવાનો ખતરો છે.
  • આ યોજનાથી ભારતીય સેનામાં 'શિખાઉ' જવાનોની સંખ્યા વધી જશે.
  • આ યોજનાના કારણે સશસ્ત્ર બળોની સદીઓ પુરાણી રૅજિમેન્ટલ સંરચનાને ખલેલ પહોંચી શકે છે.
  • પાઇલટ પ્રોજેક્ટ વગર જ આ યોજના શરૂ કરી દેવામાં આવી છે
  • તેનાથી દર વર્ષે અંદાજે 40 હજાર યુવાનો બેરોજગાર થશે.

નૅવી ચીફ ઍડમિરલ આર. હરિકુમારે કહ્યું હતું કે આ યોજના હેઠળ ચાર વર્ષ માટે લગભગ 45000 યુવાનોની ભરતી કરવામાં આવશે. અગ્નિવીરોમાં મહિલાઓનો સમાવવાની પણ તેમણે વાત કરી હતી.

અગ્નિપથ હેઠળ ભરતી કરાયેલા યુવાનોને આગળ જાળવી રાખવા માટે છ મહિનાની તાલીમમાંથી પસાર થવું પડશે.

તેમનો પગાર લગભગ 40 હજાર રૂપિયા જેટલો હશે.

આ યોજનાની જાહેરાત કરતા આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું હતું કે આ યોજના તમામ સંબંધિત પક્ષો સાથે વિગતવાર ચર્ચા અને પરામર્શ કર્યા પછી લાવવામાં આવી છે.

અગ્નિપથ યોજના હેઠળ આગામી 90 દિવસમાં એટલે કે ત્રણ મહિનામાં ભરતી શરૂ થશે.

અગ્નિપથ યોજનાનો વિરોધ કેમ થઈ રહ્યો છે?

અગ્નિપથ યોજનામાં ભરતીની પદ્ધતિને 'ટૂર ઑફ ડ્યૂટી' કહેવામાં આવી રહી છે.

સિંગાપોરમાં ઍસ રાજરત્નમ સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના અનિત મુખરજીએ બીબીસીને કહ્યું, "જો પ્રોફેશનલ સૈનિકોની જગ્યાએ ટૂંકા ગાળાના સૈનિકોની નિમણૂક કરવામાં આવે તો તેની અસર ક્ષમતા પર પડશે."

સૅન્ટર ફૉર પૉલિસી રિસર્ચના સિનિયર ફૅલો સુશાંતસિંહ આ પ્રસ્તાવથી અસ્વસ્થ છે. તેમનું કહેવું છે કે જો યુવાનોને ટૂંકા ગાળા માટે સૈનિકોમાં ભરતી કરવામાં આવે તો તેઓ 24 વર્ષ સુધીમાં સેનામાંથી બહાર થઈ જશે. તેનાથી દેશમાં બેરોજગારીમાં વધારો જ થશે.

સુશાંત કહે છે, "શું તમે મોટી સંખ્યામાં સૈન્ય તાલીમ લીધી છે એવા યુવાનોને બહાર કાઢવા માગો છો?"

"આ યુવાનો ફરી એ જ સમાજમાં આવશે જ્યાં પહેલેથી હિંસાનું પ્રમાણ વધારે છે. શું તમે એવું ઇચ્છો છો કે આ ભૂતપૂર્વ સૈનિકો પોલીસ અને સિક્યૉરિટી ગાર્ડ બને? મને ડર એ છે કે હથિયાર ચલાવવાની તાલીમ મેળવી લીધેલા બેરોજગાર યુવાનોની ફૌજ ન તૈયાર થઈ જાય."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો