ભાજપનેતા નુપૂર શર્માના નિવેદનને ભારતે કેમ કહ્યું આ 'શરારતી તત્ત્વોનું કામ' - પ્રેસ રિવ્યૂ

એક ટેલિવિઝન શો દરમિયાન પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી કર્યા બાદ વિવાદોમાં આવેલાં નેતા નૂપુર શર્માને ભાજપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાં છે.

સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ અનુસાર, ભારતીય જનતા પાર્ટીએ નૂપુર શર્માને પાર્ટીની પ્રાથમિક સદસ્યતા સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

નૂપુર શર્મા સિવાય ભાજપના દિલ્હી એકમના વધુ એક નેતા નવીનકુમાર જિંદલની પ્રાથમિક સદસ્યતા સસ્પેન્ડ કરવામાં આવી છે.

હવે આ સમગ્ર મામલો આંતરરાષ્ટ્રીય બનતો દેખાઈ રહ્યો છે.

રવિવારે આ મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરતાં કતરના વિદેશમંત્રાલયે દોહામાં તહેનાત ભારતના રાજદ્વારી દીપક મિત્તલને તલબ કર્યા અને તેમને કતરની આધિકારિક પ્રતિક્રિયા જણાવી.

કતરના વિદેશમંત્રાલયે જારી કરેલ નિવેદનમાં ભારતની સત્તાધારી પાર્ટીનાં નેતાના વિવાદાસ્પદ નિવેદન પર ભારે નારાજગી વ્યક્ત કરી છે.

કતરે પોતાના નિવેદનમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે તેમને આશા છે કે નૂપુર શર્માની ટિપ્પણીઓની ભારત સરકાર તરત નિંદા કરશે અને તેના માટે માફી માગશે.

કતરે નૂપુર શર્માના ભાજપમાંથી સસ્પેન્શનના સમાચારનું સ્વાગત કર્યું છે.

ભારતીય દૂતાવાસના પ્રવક્તાએ આ મામલે મીડિયા દ્વારા પૂછાયેલ સવાલોના જવાબમાં કહ્યું કે, "બંને દેશોના રાજદ્વારીઓ વચ્ચે થયેલ બેઠકમાં ધાર્મિક વ્યક્તિત્વ અંગે ભારતની વ્યક્તિ દ્વારા કરાયેલ આપત્તિજનક ટ્વીટ સંબંધે ચિંતા વ્યક્ત કરાઈ."

તેમણે કહ્યું કે આ ટ્વીટ કોઈ પણ પ્રકારે ભારત સરકારના વિચારોને નથી દર્શાવતું. આ શરારતી તત્ત્વોના વિચાર છે.

"આપણો સાંસ્કૃતિક વારસો અને અનેકતામાં એકતાની મજબૂત પરંપરાને અનુરૂપ ભારત સરકાર તમામ ધર્મોનું સર્વોચ્ચ સન્માન કરે છે. અપમાનજનક ટિપ્પણી કરનારા વિરુદ્ધ પહેલાંથી જ કઠોર કાર્યવાહી કરી દેવાઈ છે. આપણે શરારતી તત્ત્વો વિરુદ્ધ સાથે મળીને કામ કરવું જોઈએ."

ગત મહિને નૂપુર શર્માએ ટાઇમ્સ નાઉના એક પૅનલમાં ભાગ લીધો હતો. જેમાં જ્ઞાનવાપી મસ્જિદને લઈને થઈ રહેલા વિવાદ અંગે ચર્ચા થઈ રહી હતી.

નૂપુર શર્માએ જ્યારે પોતાની વાત મૂકી ત્યારે તેઓ કંઈક એવું બોલી ગયાં કે જેના કારણે વિવાદની શરૂઆત થઈ ગઈ. તેમના પર આરોપ લાગ્યો કે તેમણે પયગંબર મોહમ્મદ પર આપત્તિજનક ટિપ્પણી કરી અને તે સમયથી તેમના વિરુદ્ધ સતત કાર્યવાહીની માગ કરાઈ રહી છે.

તેમના આ નિવેદન બાદ પત્રકાર અને ફૅક્ટ ચેક વેબસાઇટ Alt Newsના સહસંસ્થાપક મોહમ્મદ ઝુબૈરે પોતાના ટ્વિટર ઍકાઉન્ટથી આ વીડિયો શૅર કર્યો અને નૂપુર પર પયંગબર મોહમ્મદ અંગે વિવાદિત ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો.

તે બાદ આ મામલો એટલો આગળ વધ્યો કે ભારત-પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર તેનો ઘણો વિરોધ થયો.

તે દરમિયાન ભાજપ દિલ્હીના પ્રવક્તા નવીનકુમાર જિંદલે પણ લઘુમતિ સમુદાય વિરુદ્ધ એક ટ્વીટ કરીને વિવાદ સર્જ્યો હતો. તેની પણ ઘણી ટીકા થઈ. નવીનકુમાર જિંદલે દિલ્હી પોલીસને એ વાતની ફરિયાદ કરી કે તેમને સતત ધમકી મળી રહી છે. તેમના જીવને જોખમ છે.

નરેશ પટેલે કેમ કહ્યું કે 'હાર્દિક પટેલે મોટી ભૂલ કરી'

પાટીદાર અગ્રણી નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિક પટેલના ભાજપમાં જોડાવા અંગે પ્રતિક્રિયા આપી છે.

નરેશ પટેલે કહ્યું છે કે, "આંદોલનકારીઓને જો અસામાજિક તત્ત્વો કીધા હોય તો તે હાર્દિકની બહુ મોટી ભૂલ છે. આવા શબ્દો ન નીકળવા જોઈએ, ફરીથી એમને હું અપીલ કરું છું."

ઉલ્લેખનીય છે કે ભાજપમાં પ્રવેશ બાદ હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં પાટીદાર અનામત આંદોલન સમયના કેસ સંદર્ભે એક પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું કે, "હું થોડો સળગાવવા ગયો છું. જે અસામાજિક તત્ત્વોએ આ કામ કર્યું છે તેમની વિરુદ્ધમાં કાર્યવાહી થાય છે અને એમની વિરુદ્ધ કેસ પણ થયા છે."

વર્ષ 2015માં અનામત માટે થયેલા પાટીદારોના આંદોલન વખતે સુરક્ષાદળો સાથે થયેલા ઘર્ષણને પગલે પાટીદાર સમાજના અમુક યુવાનોએ જીવ ગુમાવ્યા હતા.

આંદોલન અંતર્ગત લાખઓની સંખ્યામાં પાટીદાર સમાજના લોકો સમગ્ર રાજ્યમાંથી અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં એકઠા થયા હતા.

હાર્દિક પટેલની ધરપકડ બાદ પોલીસ અને પાટીદાર સમાજના લોકો વચ્ચે ઠેર-ઠેર ઘર્ષણનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

વિશ્લેષકો કહે છે કે આ આંદોલનના કારણે જ રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

ઉત્તર પ્રદેશમાં ગુજરાત જેવી દુર્ઘટના, ફેકટરીમાં આગ લાગતાં 12નાં મૃત્યુ

એનડીટીવીના અહેવાલ અનુસાર, ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતાં 12 લોકોનાં મોત થયાં છે. ફાયર ટેન્ડરોને ફેક્ટરીમાં લાગેલી આગને કાબૂમાં લેતા ત્રણ કલાકનો સમય લાગ્યો હતો.

વિસ્ફોટની અસર એટલી તીવ્ર હતી કે આસપાસમાં આવેલી કેટલીક ફેક્ટરીઓની છતને નુકસાન થયું હતું.

પોલીસ પ્રવક્તા સુરેન્દ્રસિંહે સમાચાર એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે, નવી દિલ્હીથી લગભગ 60 કિલોમીટર દૂર ધૌલાનામાં એક ઔદ્યોગિક એકમમાં બોઇલર ફાટતાં આ અકસ્માત થયો હતો.

આ ફેક્ટરી સીએનજી પંપની બાજુમાં આવેલી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્થળ પર બચાવ અને રાહતનાં પગલાં લેવામાં આવ્યાં હતાં.

હાપુરના પોલીસ અધિક્ષક દીપક ભુકરે જણાવ્યું કે 12 લોકોનાં મોત થયાં છે અને 21 લોકો ઘાયલ છે અને તેમની સારવાર ચાલી રહી છે.

હાપુરના કલેક્ટર મેધા રૂપમે કહ્યું, "ફેક્ટરીને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બનાવવાનું લાઇસન્સ આપવામાં આવ્યું હતું. અહીં ખરેખર શું બની રહ્યું હતું તે તપાસનો વિષય છે. આ એક દુખદ ઘટના છે. ફોરેન્સિક ટીમો અહીં પહોંચી ગઈ છે અને ઘટનાસ્થળેથી નમૂના એકત્ર કરી રહી છે."

તેમણે ઉમેર્યું, "કેટલાક ઘાયલોને સફદરજંગ હૉસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.

મોદીએ ટ્વીટ કર્યું, "અકસ્માત હૃદયદ્રાવક છે. આમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર ઘાયલોને સારવાર અને તમામ શક્ય મદદ પૂરી પાડવા સક્રિયપણે સામેલ છે."

મુખ્ય મંત્રીએ આ ઘટનાની તપાસના આદેશો જારી કર્યા છે.

આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ 182 સીટ પર ચૂંટણી લડશે

એએનઆઈના હવાલે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ એક અહેવાલમાં લખ્યું છે કે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ 182 સીટ પર ઉમેદવારો ઊભા રાખશે.

દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ 03 જૂને માહિતી આપી હતી કે આમ આદમી પાર્ટી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ સીટો પરથી ચૂંટણી લડશે.

મીડિયા સાથે વાત કરતા સિસોદિયાએ કહ્યું હતું કે "અમે ગુજરાતની તમામ સીટો પર ચૂંટણી લડીશું. હવે ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે, હવે તેમની પાસે વિકલ્પ છે."

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાછાપરી બે વાર ગુજરાતની મુલાકાત લીધી હતી.

પ્રથમ મુલાકાતમાં ભરૂચમાં આદિવાસીઓને સંબોધ્યા હતા, જ્યારે બીજી મુલાકાત દરમિયાન રાજકોટમાં સભા સંબોધી હતી. કેજરીવાલની રાજકોટ મુલાકાત સૌરાષ્ટ્રના પાટીદારોને આકર્ષવા માટે યોજાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

તે પહેલાં દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતની શાળાઓની મુલાકાત લીધી હતી અને શિક્ષણના કથળેલા સ્તરને લઈને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.

કેજરીવાલનો આજે ગુજરાત પ્રવાસ, મહેસાણામાં 'તિરંગાયાત્રા'માં ભાગ લેશે

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, 15 મેના રોજ શરૂ થયેલી આમ આદમી પાર્ટીની ત્રણ સપ્તાહની 'પરિવર્તનયાત્રા' પૂરી થઈ રહી હોવાથી કેજરીવાલ અમદાવાદ આવી રહ્યા છે.

દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ રવિવારે ગુજરાતમાં રોડ શોમાં ભાગ લેશે અને મહેસાણામાં સભાને સંબોધિત કરશે.

આમ આદમી પાર્ટીના ગુજરાતના વડા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે કેજરીવાલ યાત્રા દરમિયાન જનતાને પણ સંબોધિત કરશે.

AAPનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના ગઢ ગણાતા મહેસાણામાં કેજરીવાલની આ પ્રથમ મુલાકાત હશે.

આગામી ડિસેમ્બર મહિનામાં યોજાઈ રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કેજરીવાલ ગુજરાત પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના એક અધિકારીએ જણાવ્યું હતું કે મહેસાણામાં આ રોડ શો પાટીદાર, ચૌધરી અને ઠાકોર સમુદાયોને ટાર્ગેટ કરીને યોજાઈ રહ્યો છે..

2017ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપ મહેસાણાની સાતમાંથી પાંચ બેઠક જીત્યો હતી, જ્યારે કૉંગ્રેસ બે બેઠક જીતી હતી.

પાછળથી, કૉંગ્રેસના બે ધારાસભ્યોમાંથી એક ઊંઝાના ધારાસભ્ય આશા પટેલ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયાં હતાં. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમનું અવસાન થયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો