You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત હવામાન : અહીં હવામાન પલટાયું, ચોમાસા પહેલાં જ પડશે વરસાદ
ગુજરાતમાં થોડા જ દિવસોમાં ચોમાસું દસ્તક દેવા માટે તૈયાર છે, બીજી તરફ કેરળમાં ચોમાસાની નબળી શરૂઆત થઈ છે. જોકે, હવે ચોમાસા માટે સારા સમાચાર આવી રહ્યા છે, આવનારા દિવસોમાં ચોમાસામાં વરસાદ વધવાની સંભાવના છે.
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું કહેવું છે કે 7 જૂનની આસપાસથી કેરળ સહિતના અન્ય વિસ્તારોમાં વરસાદ વધશે. ઉપરાંત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
ખેડૂતો માટે આ સારા સમાચાર છે, ગુજરાત સુધી પહોંચતા સુધી ચોમાસું મજબૂત થવાની સંભાવના છે.
ગુજરાતમાં થોડા જ દિવસોમાં ચોમાસું શરૂ થવા જઈ રહ્યું છે તે પહેલાં જ કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું છે.
હવામાન વિભાગે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.
રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે, ચોમાસા પહેલાં કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે અને ચોમાસું કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે.
આ વર્ષે કેટલો વરસાદ થશે?
હવામાન વિભાગે ચોમાસાને લઈને લાંબાગાળાનું પોતાનું નવું અનુમાન જાહેર કર્યું છે. આ પહેલાં હવામાન વિભાગે એપ્રિલમાં અનુમાન જાહેર કર્યું હતું.
31 મેના રોજ જાહેર કરેલા અનુમાનમાં હવામાન વિભાગે કહ્યું છે કે દેશમાં જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનાના ગાળામાં 103 ટકા વરસાદ થવાની શક્યતા છે. જેમાં હવામાન વિભાગે 4% એરર માર્જિન રાખ્યું છે, એટલે સરેરાશ કરતાં 4 ટકા વધારે કે ઓછો વરસાદ થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલે કે ગુજરાત સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં પણ સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પહેલાં એપ્રિલમાં જારી કરેલા અનુમાનમાં હવામાન વિભાગે કહ્યું હતું કે દેશમાં લાંબાગાળાની સરેરાશ પ્રમાણે 99% વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી હતી. જોકે હવે આ સરેરાશ અનુમાન 103% કરવામાં આવ્યું છે.
ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી?
કેરળમાં ચોમાસું શરૂ થયા બાદ તે તેના સમય કરતાં આગળ વધી રહ્યું છે, ચોમાસું અરબી સમુદ્ર તરફ કેરળ બાદ કર્ણાટક અને તામિલનાડુના કેટલા વિસ્તારોમાં પહોંચી ગયું છે.
થોડા જ દિવસોમાં મુંબઈ અને તે બાદ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસું પહોંચશે. એ પહેલાં જ રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાય તેવી સંભાવના છે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 3 જૂનના રોજ વરસાદની આગાહી કરી છે.
નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં એકાદ દિવસ હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
ચોમાસું કેટલું ઝડપથી આગળ વધી રહ્યું છે?
વાવાઝોડા અસાનીને કારણે આંદામાન-નિકોબાર ટાપુઓ પર ચોમાસાનું વહેલું આગમાન થઈ ગયું હતું.
જે બાદ ચોમાસું આગળ તો વધ્યું પરંતુ તેની ગતિ ધીમી થઈ ગઈ. જોકે, કેરળમાં ચોમાસું તેના સમય કરતાં ત્રણ દિવસ વહેલું એટલે 29 મેના રોજ શરૂ થયું હતું.
જે બાદ અરબ સાગર તરફની ચોમાસાની બ્રાન્ચ હજી પણ સમય કરતાં આગળ છે. એટલે કે ગુજરાત તરફ ચોમાસું સમય કરતાં વહેલું આગળ વધી રહ્યું છે.
મહેશ પલાવતનું કહેવું છે કે ગુજરાતમાં ચોમાસું તેના સમય કરતાં વહેલું શરૂ થઈ શકે છે. હવામાન વિભાગના આવનારા બે અઠવાડિયાના અનુમાન અનુસાર પણ રાજ્યમાં સમય કરતાં વહેલો વરસાદ થઈ શકે છે.
ગુજરાતમાં હાલની સ્થિતિ પ્રમાણે 10થી 14 જૂનની આસપાસ ચોમાસું શરૂ થાય તેવી શક્યતા છે અને જૂનના અંત સુધીમાં રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદ થઈ જવાની શક્યતા છે.
ચોમાસું ગુજરાત સુધી ક્યારે?
ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની સત્તાવાર તારીખ 15 જૂન છે, એટલે કે કેરળમાં ચોમાસું શરૂ થાય તેના 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે.
કેરળમાં 29 મેના રોજ પહોંચેલું ચોમાસું હાલ આગળ વધીને કર્ણાટકના કેટલાક વિસ્તારો સુધી પહોંચી ગયું છે.
હાલની સ્થિતિ પ્રમાણે બે કે ત્રણ દિવસમાં તે મહારાષ્ટ્ર સુધી પહોંચી જાય તેવી શક્યતા છે. અરબ સાગરની ચોમાસાની બ્રાન્ચ તેના સમય કરતાં ઝડપથી આગળ વધી રહી છે.
હવામાન વિભાગના વિસ્તૃત શ્રેણી મોડલ માર્ગદર્શન અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 10 જૂનની આસપાસ વરસાદી માહોલ શરૂ થાય તેવી શક્યતા છે.
15 જૂનની આસપાસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રાજ્યના અન્ય વિસ્તારો કરતાં વહેલો વરસાદ શરૂ થાય તેવી શક્યતા છે.
ચોમાસા પહેલાં જ ગુજરાતમાં વરસાદ?
રાજ્યમાં ચોમાસું શરૂ થાય તે પહેલાં જ વરસાદ પડવાની સંભવાના છે, જેને ચોમાસા પહેલાંનો વરસાદ કહેવામાં આવે છે.
આવનારા ત્રણ-ચાર દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા છે.
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના મહેશ પલાવતના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ચોમાસું પહોંચે એ પહેલાં જ વરસાદ શરૂ થવાની સંભવાના છે.
વલસાડ, નવસારી, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, વગેરે જિલ્લાઓમાં ચોમાસા પહેલાં હળવા વરસાદની સંભવાના છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો