હાર્દિક પટેલની ઍન્ટ્રીથી ભાજપને કેટલો ફાયદો અને કૉંગ્રેસને કેટલું નુકસાન?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

19 એપ્રિલ 2019, હાર્દિક પટેલ કૉંગ્રેસમાં જોડાયા એ પછી સુરેન્દ્રનગરમાં એક જાહેરસભાને સંબોધી રહેલા હાર્દિક પટેલને એક પટેલ યુવાને મંચ પર જઈ લાફો મારી દીધો હતો.

8 એપ્રિલ 2018, મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં હાર્દિક પટેલ પર કાળી શાહી ફેંકવામાં આવી હતી.

2015માં ગુજરાતમાં રાજકીય-સામાજિક-આર્થિક રીતે આગળ પડતી કોમ પાટીદાર માટે અનામતની માગણીના આંદોલનથી યુવા નેતા હાર્દિક પટેલનો ઉદય થયો અને ત્યારથી હાર્દિક પટેલે યુવાનોનો સામનો કરવો પડી રહ્યો છે.

2015થી લઈને 2022 સુધી ગુજરાત સરકાર, કેન્દ્રની ભાજપ સરકાર સામે વિરોધની ભૂમિકામાં રહેનારા હાર્દિક પટેલે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને અન્ય નેતાઓની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કરી લીધો.

હાર્દિક પટેલે ભાજપમાં પ્રવેશતાં કહ્યું, 'રાષ્ટ્રના હિત માટે માનનીય નરેન્દ્રભાઈ હોય, અમિતભાઈ હોય, નડ્ડાસાહેબ હોય, સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ ભગીરથકાર્ય કરે છે તેમાં રામસેતુની ખિસકોલી બની કામ કરીશ.'

જોકે, હાર્દિક પટેલ માટે રામસેતુની ખિસકોલી બનવું સરળ નથી અને એની શરૂઆત પહેલા જ દિવસે પાટીદારોનાં મૃત્યુના સવાલની અકળામણથી થઈ ગઈ છે.

પાટીદાર અનામત આંદોલન દરમિયાન કદી રાજકારણમાં નહીં જવાની સોગંદ લેનાર હાર્દિક પટેલે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને પાછલા બારણે મદદ કરી હતી.

2019માં તેઓ સત્તાવાર રીતે કૉંગ્રેસમાં જોડાયા ત્યારે પટેલોમાં નારાજગી જોવા મળી હતી અને 2022માં ભાજપમાં જોડાયા ત્યારે પણ નારાજગી અને આકરા સવાલો પાટીદારો જ પૂછી રહ્યા છે.

'સરદાર પટેલ ગ્રૂપ'ના લાલજી પટેલે હાર્દિક પટેલને તકવાદી અને સ્વાર્થી ગણાવ્યા છે.

એમણે કહ્યું છે કે 'હાર્દિકે પહેલાં સરદાર પટેલ ગ્રૂપ સાથે દગો કર્યો, પછી કૉંગ્રેસને દગો કર્યો. સમાજમાં તમામને ખબર છે કે આ માણસ પર વિશ્વાસ કરવા જેવો નથી.'

પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલના એક સમયના સાથી અને હાલ ભાજપમાં જોડાયેલા વરુણ પટેલે 18 મે 2022ના રોજ ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'ભાજપનો કાર્યકર્તા મૌન છે પણ માયકાંગલો નથી. '

ભાજપનો દાવો, કોઈ નારાજ નથી

ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે ભાજપ શિસ્તબદ્ધ પક્ષ છે, હાર્દિકના ભાજપમાં પ્રવેશથી કોઈ કાર્યકર્તા નારાજ નથી.

"હાર્દિક પટેલ રાષ્ટ્રસેવા માટે અમારી વિચારધારા જોઈને જોડાયા છે. ભાજપમાં એમનો કોઈ વિરોધ નથી. ભાજપનો દરેક કાર્યકર્તા જાણે છે કે પક્ષ દ્વારા લેવાતા નિર્ણય પક્ષ અને પ્રજાના હિતમાં હોય છે એટલે કોઈ નારાજગીનો સવાલ નથી રહેતો. "

તેઓ હાર્દિક પટેલના ભાજપ પ્રવેશને નફા-નુકસાન સિવાયની વાત ગણાવે છે.

યક્ષેશ દવે કહે છે, "હાર્દિકના ભાજપમાં આવવા પાછળ પક્ષની કોઈ નફા-નુકસાનની ગણતરી નથી, સમાજસેવા કરનારા માટે અમારા દરવાજા ખુલ્લા છે. "

હાર્દિકને વિધાનસભાની કઈ બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવશે એવા સવાલના જવાબમાં યજ્ઞેશ દવેએ કહ્યું કે એ નિર્ણય પક્ષના મોવડીમંડળનો છે અને એની તેમને કોઈ જાણકારી નથી.

ભાજપ-કૉંગ્રેસ, કોને ફાયદો?

એક તરફ ભાજપમાં અસંતોષ વચ્ચે એ સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે કે હાર્દિક પટેલના જવાથી કૉંગ્રેસને કેટલું નુકસાન છે અને ભાજપને કેટલો ફાયદો છે?

જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે હાર્દિકના ભાજપમાં જવાથી કૉંગ્રેસને કોઈ મોટું નુકસાન નથી કે ભાજપને કોઈ મોટો ફાયદો પણ નહીં થાય.

હાર્દિક કૉંગ્રેસમાં રહીને ભાજપ વિરુદ્ધ જે નિવેદનો કરતા હતા એ અટકશે એ ભાજપનો ફાયદો કહી શકાય. જે યુવા મતદાતા છે એમની માનસિકતા કાયમ સત્તાવિરોધી હોય છે એટલે હાર્દિક ભાજપમાં આવતાં એ એક ન્યુસન્સ વૅલ્યૂ ઘટી જશે જેનો ભાજપને ફાયદો થશે.

ઘનશ્યામ શાહ જણાવે છે કે, "2017ની વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામ જોઈએ તો 1.7 ટકા નોટા મત હતા અને 32 વર્ષ પછી કૉંગ્રેસે 77 બેઠકો મેળવી હતી. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે 26 બેઠકો જીતી હતી પણ એની વોટિંગ પેટર્ન જુઓ તો સૌથી વધુ નોટાના વોટ આદિવાસી અને મુસ્લિમના છે, એટલે જ ભાજપે હાલ આદિવાસી નેતાઓને પોતાની સાથે લીધા છે."

"લોકસભા અને રાજ્યસભામાં આર્થિક અનામતનું બિલ પસાર થયું છે એટલે સવર્ણ વોટ બૅન્ક સરકી ન જાય તેની તકેદારી ભાજપ રાખવા માગે છે અને એટલે હાર્દિકનો ભાજપમાં પ્રવેશ કરાવ્યો છે પણ એનાથી ભાજપને બહુ મોટો ફાયદો થાય એમ નથી."

ઘનશ્યામ શાહ માને છે કે 2015માં હાર્દિક પટેલનો જે કરિશ્મા હતો તે હવે નથી.

તેઓ કહે છે, "હાર્દિકનો 2015 જેવો કરિશ્મા હોત તો લોકસભામાં અને તાજેતરમાં થયેલી મિની વિધાનસભા જેવી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં એ કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવાથી ફાયદો કરાવી શક્યા હોત પણ એવું થયું નથી."

ઘનશ્યામ શાહ યાદ કરાવે છે કે, "પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદારોની બે મોટી સંસ્થા ખોડલધામ અને ઉમિયાધામે કોઈ સ્ટેન્ડ લીધું નહોતું. ફક્ત સુરતના પટેલ સમાજનાં સંગઠનોએ સ્ટેન્ડ લીધું હતું અને હાર્દિકનો મોટો સમર્થક વર્ગ હવે એની પાસેથી ખસી ગયો છે. એટલે ભાજપને કોઈ મોટો ફાયદો થઈ રહ્યો છે એવું નથી."

કૉંગ્રેસને નથી વધારે નુકસાન

જાણીતા સેફોલૉજિસ્ટ અને તાલીમ રિસર્ચ ફાઉન્ડેશનના ડિરેક્ટર ડૉક્ટર એમ. આઈ. ખાન પણ એવું જ માને છે કે હાર્દિકના ભાજપમાં જોડાવાથી ભાજપને કોઈ મોટો ફાયદો નહીં થાય.

તેઓ કહે છે કે, "2017ની ચૂંટણીમાં ભાજપનો વોટ શૅર 1.15 ટકા વધ્યો હતો પણ બેઠકો 16 ઘટી હતી. આની સામે કૉંગ્રેસનો વોટ શૅર 2.57 ટકા વધ્યો હતો અને બેઠકો 77 બેઠકો જીતી ભાજપને 99 બેઠકો પર અટકાવી દીધો હતો. "

"આ અગાઉ 2012ની ચૂંટણીમાં કૉંગ્રેસનો વોટ શૅર ફક્ત 0.97 ટકા વધ્યો હતો અને બે બેઠકો વધી હતી. આ સંજોગોમાં 2022માં ભાજપ કોઈ કસર રાખવા માગતો નથી. ફર્સ્ટ ટાઇમ વોટરનો સહેજ પણ કૉંગ્રેસ તરફ ન આકર્ષાય એ માટે હાર્દિક પટેલને ભાજપમાં લાવવામાં આવ્યા છે. એ સિવાય ભાજપને અન્ય કોઈ ફાયદો નથી."

ખાન કહે છે કે, "હાર્દિક પટેલ પોતે રાષ્ટ્રીય નેતા હોવાની કૉંગ્રેસમાં છાપ ઊભી કરવામાં સફળ રહ્યા હતા. અચાનક પાટીદાર અનામત આંદોલન કરી લાઇમલાઇટમાં આવી ગયેલા હાર્દિકે અલગ અલગ રાજ્યોના નેતાઓ સાથે મુલાકાતો કરીને પોતાની આગવી આભા ઊભી કરી હતી."

"જેના ફળસ્વરૂપે એમને ગુજરાતમાં કૉંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા. નાની ઉંમરે એમને રાજકારણમાં મોટું પદ મળ્યું હતું ત્યારે એમણે પરિપક્વ થવાની જરૂર હતી."

તેઓ આ અંગે પોતાના વિશ્લેષણ અંગ વાત કરતાં જણાવે છે કે, "2015થી 2022 સુધી સ્થિતિ ઘણી બદલાઈ છે. હાર્દિક પટેલને કૉંગ્રેસે પ્રચારમાં ઉર્તાયા હતા પણ એકે ચૂંટણીમાં એ ફાયદો કરાવી શક્યા નથી. આ દર્શાવે છે કે એમની લોકપ્રિયતાનો ગ્રાફ નીચે ઊતરી રહ્યો છે."

ફાયદો હાર્દિક પટેલને વધારે

વરિષ્ઠ પત્રકાર પદ્મકાંત ત્રિવેદી કહે છે કે, "હાર્દિકના ભાજપમાં આવવાથી ભાજપને કોઈ મોટો ફાયદો નહીં થાય પણ ભાજપનો પાયાનો કાર્યકર્તા નારાજ થશે. જેની સામે લડ્યા છે એની સાથે એક મંચ પર બેસવું એમના માટે અઘરું બનશે. એટલે હાર્દિકના ભાજપમાં આવવાથી પક્ષને ફાયદો થાય એનાથી વધુ ફાયદો હાર્દિકને થયો છે."

તેઓ આગળ કહે છે કે, "કૉંગ્રેસમાં એક નેતા તરીકે નિષ્ફળ ગયા પછી ત્યાં ટકી રહેવું હાર્દિક માટે મુશ્કેલ હતું આ સંજોગોમાં ભાજપને તેમણે વિકલ્પ બનાવ્યો છે."

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "હાર્દિકના જવાથી કૉંગ્રેસને કોઈ ખાસ નુકસાન નથી. હાર્દિક પટેલને ઝડપથી બહુ મોટી જવાબદારી કૉંગ્રેસે આપી દીધી હતી. "

"હાર્દિકે અનેકવાર કૉંગ્રેસને નુકસાન થાય એવાં પગલાં ભર્યાં છે છતાં પક્ષ એમને દરગુજર કરતો હતો. લોકસભા અને ત્યાર બાદ થયેલી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતોની ચૂંટણીમાં એમણે કોઈ કરિશ્મા દેખાડ્યો ન હતો એટલે એમના જવાથી કૉંગ્રેસને કોઈ મોટું નુકસાન નથી."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો