You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાર્દિક પટેલ : ભાજપમાં જોડાતી વખતે લોકોનાં મૃત્યુ અંગે પ્રશ્ન પુછાયો તો શું કહ્યું?
વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન થકી ગુજરાતમાં ભાજપ સરકારને મુશ્કેલીમાં મૂકનાર હાર્દિક પટેલે 2 જૂનના રોજ ભાજપમાં જોડાઈ ગયા છે.
રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલે કેસરીયો ખેસ પહેરાવીને હાર્દિક પટેલનું ભાજપમાં સ્વાગત કર્યું હતું.
હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા બાદમાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં પત્રકારોએ હાર્દિક પટેલને અનેક પ્રશ્નો કર્યા હતા.
અમુક પ્રશ્નોનો જવાબ આપતી વખતે હાર્દિક ગુસ્સે પણ થઈ ગયા હતા.
એક પત્રકારે હાર્દિક પટેલને પૂછ્યું, "તમે આખા ગુજરાતને ભડકે બાળ્યું હતું, ગુજરાતની મિલકતોને કરોડોનું નુકસાન કર્યું હતું, તમે તો ભાજપમાં આવી ગયા. હવે એ ભોગવશે કોણ?"
હાર્દિક પટેલ શરૂઆતમાં ગુસ્સે થઈ ગયા હતા તેમણે પત્રકારને વળતો પ્રશ્ન કરતાં કહ્યું, "એ ભઈલા, એ ભઈલા હું તોફાન કરું, મેં જાતે સળગાવ્યું છે. મારો આ પૈકી એકમાં પણ રોલ છે?"
સામે પત્રકારે પ્રશ્ન કર્યો હતો કે તમારા નેતૃત્વમાં તમારા સમયમાં થયું હતું ને?
હાર્દિક પટેલે જવાબમાં કહ્યું, "મેં જાતે થોડી સળગાવ્યું છે. હું થોડું આગચંપી કરવા ગયો છું. જે અસામાજિક તત્ત્વો હોય. તેની વિરુદ્ધમાં કાર્યવાહી થાય અને એની વિરુદ્ધ કેસ પણ થયા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલી હિંસા અને તે બાદ થયેલી પોલીસ કાર્યવાહીમાં 14 પાટીદાર યુવાનોનાં મૃત્યુ થયાં હતાં.
હાર્દિક પટેલને એક પત્રકારે પૂછ્યું હતું કે આંદોલનમાં 14 લોકોનાં મૃત્યુ થયાં એના માટે જવાબદાર કોણ?
હાર્દિક પટેલે તેના જવાબમાં કહ્યું, "સમાજ હિત માટે આંદોલન થાય, તેમાં બધાની ભૂમિકા હોય. આ આંદોલનના કારણે જનતાને ફાયદો થયો છે. 1985ની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે આપણે આજે ભૂલી ગયા છીએ."
પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન પત્રકારે હાર્દિક પટેલને પૂછ્યું હતું કે, "શું તમે આરએસએસના ઇશારે આ કર્યું છે? અનામતને લઈને બંધારણની અંદર ફેરફાર કરી શકાય? તમે એવું બોલી ગયા છો કે હું ઘરનો છું ઘરમાં આવ્યો છું, મારા કારણે અનામત મળી છે સ્વર્ણોને? તો આ બધું પૂર્વાયોજિત હતું?"
હાર્દિક પટેલે જવાબમાં કહ્યું, "પહેલી વસ્તુ એ કે અનામત મારા કારણે મળી છે તેની સાથે હું સંમત નથી. સમાજના લોકોના કારણે આ લાભ થયો છે. જે યુવાનોએ સંઘર્ષ કર્યો, જેલમાં ગયા તેમના કારણે આ શક્ય બન્યું છે. હું તો નિમિત્ત હતો. સફળતા અને નિષ્ફળતા નેતાના માથે ઢોળાય છે. આપે વાત કરી આઠ વર્ષની, આરએસએસની, બંધારણની અંદર ફેરફાર કરવો હતો માટે કામ કર્યું, મારા મનમાં એવી ભાવના ન હતી.. જનહિત, સમાજના હિત માટે જો હું કોઈનો હાથો પણ બન્યો હોઉં તો એ હાથા તરીકે હું ગર્વ અનુભવું છું."
હાર્દિક પટેલે 14 પાટીદાર યુવાનોને સહાય અપાવવા અંગે શું કહ્યું?
હાર્દિક પટેલે પ્રેસ કૉન્ફરન્સની શરૂઆતમાં 14 પાટીદાર યુવાનોનાં મૃત્યુ પર કહ્યું હતું, "આજે સવારે અમે ચાર મિત્રો મળ્યા હતા. અમારા જે સાથીદારોનાં આંદોલન વખતે મૃત્યુ થયાં હતાં તેમને સંપૂર્ણ મદદ કરીશું. જ્યાં સુધી મદદ પૂર્ણ ના થાય ત્યાં સુધી અમે ચાર મિત્રોએ નક્કી કર્યું છે કે તેમના પરિવારોને આવનારા બે મહિનામાં નોકરીની વૈકલ્પિક વ્યવસ્થા કરીશું. રાજ્ય સરકારના મુખ્ય મંત્રી અને મંત્રીઓને અમે વિનંતી કરીશું કે આ યુવાનોના પરિવારને જે પણ મદદ થાય તે કરે."
હાર્દિક પટેલે કહ્યું હતું, "રાજ્ય સરકારે અને મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે જે કંઈ પણ બન્યું છે એ ખોટું બન્યું છે. રાજ્ય મુખ્ય મંત્રીના નેતૃત્વમાં નીતિનભાઈ સાહેબ સાથે મિટિંગ થતી ત્યારે તમામ યુવાનોને ન્યાય મળે તેની ખાતરી અપાવી હતી. જે તે સમયે તમામ યુવાનોને આર્થિક મદદ કરી દેવામાં આવી હતી."
સરકારે કરેલી કામગીરી અંગે હાર્દિક પટેલે વધુમાં કહ્યું હતું, "સરકારે દસ ટકા અનામત આપી છે, આનંદીબહેને એક હજાર કરોડની યુવા સ્વાવલંબન યોજના આપી છે, આમ સરકારે અનેક મદદ કરી છે."
હાર્દિક પટેલે બીજું શું કહ્યું?
- રાષ્ટ્રના હિતની વાત હોય, ધર્મના હિતની વાત હોય ત્યારે માત્ર રાજા કે સેનાપતિ નહીં સૈનિક બનવાની જરૂર હોય છે.
- 'કમલમ્'ના આ કાર્યાલય પર હાર્દિકની નહીં, પરંતુ ગુજરાતના સાડા છ કરોડ લોકોની અપેક્ષાઓ જોડાયેલી છે.
- અપેક્ષા કઈ? 27 વર્ષથી જે પાર્ટીને અમે સત્તા પર પહોંચાડી એ જ લોકોની અમારે જરૂર છે.
- જો આ રાજ્યનું જો કોઈ હિત કરી શકે તો તે ભાજપ જ કરી શકે છે.
- હું બીજા નેતાઓની જેમ નહીં કહું કે હું ઘરવાપસી કરું છું. અમે ઘરમાં જ હતા.
- આનંદીબહેન પટેલ માંડલથી ચૂંટણી લડતાં ત્યારે પિતા એમનો પ્રચાર કરતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો