You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કચ્છ: મુન્દ્રામાં 'દીકરાની ફી ભરવા' પિતાએ હત્યા કરી પણ એક બ્રૅસલેટે ખોલ્યો ભેદ
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
કચ્છના મુન્દ્રા તાલુકામાં આવેલા વડાલા ગામમાં થયેલી હત્યાનો કેસ પોલીસે 25 દિવસમાં ઉકેલ્યો છે. પણ આ હત્યા બાદ આરોપીએ ચોંકાવી દેનારી કબૂલાત કરી અને પોલીસ સમક્ષ તેમણે કહ્યું હતું કે, "દીકરાની ફી ભરવા માટે તેમણે લૂંટ કરી હત્યાને અંજામ આપ્યો હતો."
ગત તા. 26 એપ્રિલના દિવસે વડાલા ગામની મધ્યેથી 60 વર્ષના મનસુખભાઈ સતરાનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના શરીર ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા હતા અને 7 તોલાના દાગીના લૂંટાયા હતા.
આ સમગ્ર ઘટના એવી છે કે, ગત તા. 26 એપ્રિલના રોજ બપોરે 11થી સાંજના 5 વાગ્યા દરમિયાન વડાલા ગામની મધ્યમાંથી 60 વર્ષીય મનસુખ ઉર્ફે મનુભાઈ સતરાનો મૃતદેહ મળી આવ્યો હતો.
મનસુખભાઈ સતરા મુંબઈના મુંલુંડ ખાતે રહેતા હતા અને પૈતૃક ગામ વડાલા આવ્યા હતા.
મનસુખભાઈનાં પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે, મૃતકનું સોનાનું બ્રસૅલેટ (3 તોલા) તથા હાંસબાઈ માતાજીનાં ફોટા સાથેની લોકેટવાળી સોનાની ચેઇન (4 તોલા) ગાયબ હતી. જેની કિંમત અંદાજે 2.80 લાખ હતી.
પોલીસ માટે આ પ્રથમ દૃષ્ટિએ લૂંટ-હત્યાનો કેસ હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને બાતમીદારના નેટવર્ક સહિત તમામ સંભાવનાઓ તપાસી કેસનો ભેદ ઉકેલવા પ્રયત્ન શરૂ કર્યા હતા.
પોલીસને બાતમી મળી હતી કે, આ જ ગામમાં રહેતા 41 વર્ષીય વાલા નાગશી ગઢવી નામના શખ્સ દ્વારા ફેડ બૅન્કમાં બ્રૅસલેટ મૂકી 1.10 લાખની લૉન લેવામાં આવી છે.
પોલીસે બૅન્કમાંથી બ્રૅસલેટના ફોટા પાડી મૃતકના પરિજનોને મોકલી આપ્યા હતા. આ મૃતકના બ્રૅસલેટની ઓળખ થતા આરોપી વાલા ગઢવીને પકડી પાડ્યો હતો અને તેની પૂછપરછમાં તેણે ગુનાની કબૂલાત કરી હતી કે, " દીકરાના અભ્યાસ માટે ફી ભરવા માટે રૂપિયાની સખત જરૂરિયાત હતી, મનસુખભાઈએ સોનાની ચેઇન અને બ્રૅસલેટ પહેર્યું હતી જેથી તેમને સસ્તી જમીન ખરીદવાની લાલચ આપી અવાવરું જગ્યાએ લઈ જઈ શરીર ઉપર છરીના 12 ઘા મારી હત્યા કરી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આરોપીના નિવેદન ઉપર મૃતકના સગાઓને વિશ્વાસ નથી.
આરોપીની વાત પર પીડિત પરિવારને ભરોસો નહીં
આ અંગે ફરિયાદી મુકેશભાઈ મુળજીભાઈ છેડા મૃતક મનસુખ સતરાના સાઢુ છે. તેમણે સમગ્ર ઘટના અંગે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "મારા સાઢુને જમીન લેવાની હોય તેવી કોઈ ચર્ચા પરિવાર સાથે થઈ ન હતી. આરોપી દ્વારા મનસુખભાઇને જમીન લેવાની હોવાથી જમીન જોવા માટે લઈ ગયા હતા તેવું નિવેદન આપ્યું છે, આ નિવેદન અમને શંકાસ્પદ લાગે છે."
તેઓ કહે છે કે, "મારા સાઢુ મનસુખભાઈ વર્ષોથી મુંબઈમાં રહે છે. મનસુખભાઇ પહેલા કાંદિવલીમાં રહેતા હતા. મનસુખભાઇ ખાંડવી બનાવીને અલગ હોટેલોમાં સપ્લાય કરતા હતા પરંતુ છેલ્લા થોડાક સમયથી તેમની દીકરીને સારી કંપનીમાં ઉચ્ચ પગારની નોકરી મળી હતી જેથી તેઓ કાંદિવલીથી મુલુંડ રહેવા માટે ગયા હતા. મુલુંડ રહેવા આવ્યા બાદ તેઓએ કામ બંધ કરી નિવૃત્ત જીવન જીવતા હતા."
"મનસુખભાઇને પગમાં દુખાવો થતો હતો જેની દવા ગઢશીશાથી લાવતા હતા. જેથી તેઓ દવા લેવા માટે વડાલા ગામ આવ્યા હતા. તેમની ગામમાં કોઈ સાથે કોઈ દુશ્મનાવટ ન હતી. મનસુખભાઇએ 7 તોલા જેટલું સોનું પહેર્યું હતું. જે તેમના મૃતદેહ પરથી ગાયબ હતું."
બૅન્ક ગીરવી મૂકેલું સોનું બન્યું કડી
મુંદ્રા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર ગિરીશ વાણિયાએ જણાવ્યું હતું કે, "આ બ્લાઇન્ડ મર્ડર કેસ હોવાથી અમારા માટે થોડો મુશ્કેલ કેસ હતો. છેલ્લા એક મહિનાથી અમારી ટીમ દ્વારા રાત દિવસ મહેનત કરીને આ કેસને સોલ્વ કરવામાં આવ્યો છે."
"આરોપી વાલા ગઢવી મૃતકને હત્યાના દિવસે મળ્યા હતા. જેથી તેઓ શંકાના દાયરામાં હતા. અમારી ટીમ દ્વારા તેમની કોલ ડિટેલ ચકાસવામાં આવી તેમજ હ્યુમન રિસોર્સ દ્વારા તેમની પર નજર રાખવામાં આવી હતી."
"આરોપી દ્વારા ફેડ બૅન્કમાંથી હત્યાના દિવસે રૂ. 1.10 લાખની લૉન લીધી હતી. જે અંગે અમારા ધ્યાનમાં આવતા અમે બૅન્કનો સંપર્ક કર્યો હતો. બૅન્કમાં આપેલા ગોલ્ડનો ફોટો અમે મૃતકના પરિવારને મોકલ્યો હતો. જેમને ગોલ્ડના દાગીના મૃતકના હોવાની ઓળખ કરી હતી. ત્યારબાદ આરોપીની સઘન પૂછપરછ કરતાં આરોપી વાલા ગઢવીએ મનસુખભાઇની હત્યા કરી હોવાનું કબૂલ કર્યું હતું."
"વાલા ગઢવીને બે બાળકો છે. બંને હોસ્ટેલમાં રહે છે. ગઢવીને દેવામાં ડૂબી ગયો હતો તેમજ તેના દીકરાની ફી ભરવાની હતી જેથી લૂંટના ઈરાદે હત્યા કરી હોવાનું કબૂલ કર્યું છે."
ભુજના ACP જે. એન. પંચાલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "આ મર્ડર કેસમાં ફરિયાદમાં આરોપીનું નામ હતું નહીં. ગામમાં સીસીટીવી કૅમેરા હોતા નથી. પોલીસની ટીમને પરિવાર સાથેની વાતમાં ધ્યાનમાં આવ્યું હતું કે મૃતકે પહેરેલાં સોનાના દાગીના ગાયબ હતા. આ દિશામાં તપાસ શરૂ કરી હતી."
"ઘટનાસ્થળે ડૉગ સ્ક્વૉડ દ્વારા તપાસ શરૂ કરી હતી પરંતુ સ્થળ પરથી દાગીના મળ્યા ન હતા. પછી દાગીના માટે હત્યાની દિશામાં તપાસ શરૂ કરી હતી."
"મૃતકને છેલ્લે વાલા ગઢવી મળ્યા હતા. જેથી તેમની પૂછપરછ કરી હતી પરંતુ તેમની પૂછપરછ દરમિયાન તેમના નિવેદનોમાં વિસંગતતા જોવા મળી હતી જેથી વાલા ગઢવી પર નજર રાખવામાં આવી હતી."
"એ બાદ વાલા ગઢવી ફેડ બૅન્કમા ગયા હોવાના ફૂટેજ મળી આવ્યા હતા. જેથી ફેડ બૅન્કમાં વાલા ગઢવીનો ફોટો લઈને અમારી ટીમ પહોંચી હતી. અમારી ટીમને જાણવા મળ્યું કે વાલા ગઢવીએ સોનાના દાગીના ગીરવી મૂકીને 1.10 લાખની લૉન લીધી છે. વાલા ગઢવીની પૂછપરછ કરતાં તેમને મનસુખ સતરાની હત્યા કરી હોવાનું કબૂલ કર્યું હતું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો