તાપી : '20 વર્ષથી પાણીની પીડા ભોગવી રહ્યાં છીએ,' એ ગામ જ્યાં પાણી માટે લોકો વલખાં મારે છે

"અહીં પાણીની ખૂબ સમસ્યા છે. પાણી ભરવા માટે અમારે ખૂબ દૂર જવું પડે છે. અહીં એક જ હૅન્ડપંપ છે જેમાંથી પાણી ભરવા માટે કલાકોની રાહ જોવી પડે છે."

આ શબ્દો છે તાપી જિલ્લાના વડપાડા ગામમાં રહેતાં રીમાબહેન કોંકણીના.

તેમની સાથે જ પાણી માટે વલખા મારી રહેલાં સુમિત્રાબહેન કહે છે, "હું લગ્ન કરીને આવી તેને 20 વર્ષ થયાં. પાણીની આ સમસ્યા પણ 20 વર્ષથી આમને આમ જ છે."

ઉનાળાની શરૂઆત થતા જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પાણીનો કકળાટ શરૂ થઈ જાય છે. તાપી જિલ્લો પણ તેમાંથી બાકાત નથી.

અહીં પાણીની સમસ્યા એટલી ગંભીર છે કે એક બેડા માટે મહિલાઓને બળબળતા તાપમાં કિલોમીટરો સુધી ભટકવું પડે છે.

એટલું જ નહીં મહિલાઓની સાથે તેમનાં બાળકો પણ પાણી ભરવા માટે આવે છે.

માત્ર એક હૅન્ડપંપ સહારો

વડપાડા ગામથી દૂર આવેલો એકમાત્ર હૅન્ડપંપ અહીંના લોકોની તરસ છીપાવવા માટે છે.

રીમાબહેનને દરરોજ ચાલીને આ હૅન્ડપંપ પર પાણી ભરવા આવવું પડે છે.

તેઓ કહે છે, "જાન્યુઆરીથી અમારે પાણીની ખૂબ તકલીફ રહે છે. જ્યાં સુધી વરસાદ ન વરસે ત્યાં સુધી આ સ્થિતિ રહે છે."

"આમ તો અહીં બે-ત્રણ હૅન્ડપંપ છે પરંતુ એકેયમાં પાણી નથી આવતું. માત્ર આ એક જ પંપ ચાલે છે. દરરોજ આટલે દૂર આવવાને લીધે અમારાં બાળકોને શાળાએ મોકલવામાં પણ મોડું થાય છે."

આ ગામમાં ઘણા લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. અહીં પાણીની તંગી એટલી છે કે ખુદ માણસો પાણી માટે વલખા મારી રહ્યા છે એમાં પશુઓની તરસ કેવી રીતે છીપાવવી?

ગામમાં રહેતાં સુમિત્રાબહેન કોંકણીએ પાણીની પીડા વ્યક્ત કરતાં બીબીસી ગુજરાતીને જણાવ્યું, "બીજાં ગામોમાં ઉકાઈ ડૅમથી લાઇનો નંખાઈ ગઈ છે પરંતુ અમારા ઉમરપાડામાં લાઇનો નથી નંખાતી. પાણી નથી મળતું એના લીધે મહિલાઓમાં ઝઘડા પણ થાય છે."

તેમનું કહેવું છે કે નેતાઓ દાવો કરતા રહે છે કે તેમણે અહીં પાણીની સુવિધા કરી આપી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેમણે કોઈ સુવિધા નથી કરી.

બીબીસી ગુજરાતીએ પાણીની સમસ્યાને લઈને એક વીડિયો સિરીઝ શરૂ કરી છે, જેમાં ઘણા લોકોની આ જ ફરિયાદ છે કે નેતાઓ ચૂંટણીટાણે પાણીની સમસ્યા દૂર કરવાનાં વચનો આપે છે, પણ ચૂંટણી પતી જાય પછી તેમનો કોઈ ભાવ પૂછતું નથી.

તંત્ર શું કહે છે?

એક તરફ સરકાર દાવો કરી રહી છે કે આવા અંતરિયાળ વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે તેમણે કરોડો રૂપિયાના ખર્ચે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.

પરંતુ આ યોજનાઓ સમયમર્યાદામાં પૂર્ણ ન થઈ હોવાની વાત પણ સામે આવી રહી છે.

તાપી જિલ્લાના વારમો વિભાગના યુનિટ મૅનેજર જી.એન. સોનકેસરિયાનું કહેવું છે કે જે ગામો જૂથ યોજના હેઠળ આવે છે ત્યાં પાણી મળી રહ્યું છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે ઉમેર્યું, "જે ગામો જૂથ યોજના હેઠળ નથી તેમને હૅન્ડપંપ, પાઇપ, કૂવા મારફતે પાણી પહોંચાડવાનું આયોજન કરેલું છે."

"તાપી જિલ્લાના કુલ 488 ગામોમાં 2,12,480 જેટલા કનેક્શન કરવાનાં હતાં. અમે 2,10,300 કનેક્શનો પૂર્ણ કરેલાં છે. મે મહિનાના અંત સુધીમાં બાકીનું કામ પૂર્ણ થઈ જશે."

એક તરફ સરકાર કાગળ વાંચીને પાણી પહોંચ્યું હોવાની વાત કરે છે તો બીજી તરફ આદિવાસી મહિલાઓ માથે બેડાં લઈને પાણી માટે ભટકતી નજરે પડે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઉનાળો આવતા પહેલાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પાણીની સમસ્યાના સમાચાર આવતા રહે છે.

લોકોને પાણી માટે દૂર દૂર જવું પડે છે, કેટલાંક ગામોમાં પાણીની એટલી વિકટ સમસ્યા છે કે લોકો તેમનાં ઢોરઢાંખરના બચાવવા માટે હિજરત કરવા પણ મજબૂર બન્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો