અમદાવાદમાં ભાજપ અને રાજસ્થાનમાં કૉંગ્રેસની ચિંતિન શિબિરમાં શું-શું થયું?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષો પણ તૈયારીમાં લાગી ગયા છે.
અમદાવાદની બહાર આવેલા એક ફાર્મહાઉસમાં ભાજપની ચિંતન બેઠક ચાલી રહી છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા છે. તો રાજસ્થાનમાં પણ કૉંગ્રેસની ચિંતિન શિબિર યોજાઈ હતી.

ઇમેજ સ્રોત, BJP Gujarat/Facebook
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે અગાઉ દાવો કર્યો હતો કે ભાજપ આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182માંથી 150થી વધુ સીટ જીતશે.
ભાજપની આ ચિંતન બેઠકમાં 35-40 વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીની ચિંતન બેઠક એટલા માટે મહત્ત્વની છે કે વિજય રૂપાણીએ મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપ્યું અને ભૂપેન્દ્ર પટેલ નવા મુખ્ય મંત્રી બન્યા તે બાદ પહેલી વખત ચિંતન શિબિર યોજાઈ રહી છે.
બીજી તરફ રાજસ્થાનના ઉદયપુરમાં કૉંગ્રેસ પાર્ટીની ચિંતનશિબિર રવિવારે જ પૂર્ણ થઈ છે. કૉંગ્રેસ પાર્ટીની ચિંતન શિબિરમાં કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના તમામ વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કૉંગ્રેસની ચિંતન શિબિરમાં ગુજરાતના 14 નેતાઓએ ભાગ લીધો હતો.
ગુજરાતમાં 2022ના અંતમાં ચૂંટણી યોજાવાની હોવાથી કૉંગ્રેસની ચિંતન શિબિરમાં પણ ગુજરાતની ચૂંટણી ચર્ચાના કેન્દ્રમાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ભાજપની ચિંતન બેઠકમાં આપ પર ચર્ચા

ઇમેજ સ્રોત, Facebook/BJP Gujarat
અમદાવાદમાં ચાલી રહેલી ભાજપની ચિંતન બેઠકનો એક દિવસ પૂર્ણ થઈ ગયો છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ચિંતન બેઠકના પહેલા દિવસે પાટીદાર સમાજની વોટ બૅન્ક, આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટીની ચર્ચા વધારે થઈ હતી.
પાર્ટીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે 2017ની ચૂંટણીમાં ભાજપ પાંચ હજારથી ઓછા વોટથી હારી હોય અને જ્યાં કૉંગ્રેસ વર્ષોથી મજબૂત છે તેવી સીટો પર જીતવાની રણનીતિ બનાવી છે. ઉપરાંત આ સીટો પર ભાજપવિરોધી મતમાં ભાગલા પડે તેના પર ચર્ચા કરવામાં આવી હતી.
ભાજપની ચિંતન શિબિરમાં આમ આદમી પાર્ટીની ગુજરાતમાં હાજરી અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને મળેલા સમર્થનની પણ ચર્ચા થઈ હતી.
રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને આદિવાસીઓની સભાને સંબોધી હતી, જેના કારણે આદિવાસીઓના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર જે રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ફેલાવો વધી રહ્યો છે તેને જોતા તેની પણ ચર્ચા કરાઈ હતી. આમ આદમી પાર્ટીને કાઉન્ટર કરવાની સ્ટ્રેટેજીની ચર્ચા થઈ હતી. ભાજપે જે વિધાનસભા સીટ પર નબળી છે ત્યાં સંગઠનને કેવી રીતે મજબૂત કરવી તેની ચર્ચા થઈ હતી.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ભાજપ કૉંગ્રેસથી નારાજ નેતાઓને પોતાના પક્ષમાં સામેલ કરવા પર પણ કામ કરી શકે છે.

હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે મુલાકાત
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ભાજપ અને કૉંગ્રેસની ચિંતન બેઠક ચાલી રહી હતી ત્યારે ગુજરાતના રાજકોટમાં પાટીદાર આગેવાનોની પણ બેઠક મળી હતી.
પાટીદાર આગેવાન નરેશ પટેલ, કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા અને દિનેશ બાંભણિયા સહિતના નેતાઓની બેઠક મળી હતી.
હાર્દિક પટેલ કૉંગ્રેસ પાર્ટીમાંથી નારાજ છે. તો એવી અટકળો છે કે તેઓ કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે.
હાર્દિક પટેલે કહ્યું, "હું કૉંગ્રેસથી નારાજ છું, કોણ ના પાડે છે. આ વાત જગજાહેર છે. કોઈ પણ પાર્ટીની અંદર કોઈ પણ નેતા હોય તેની જવાબદારી નક્કી હોય છે. આજે હું ગુજરાતનો કાર્યકારી પ્રમુખ છું તો મારી જવાબદારી નક્કી હોય ને. નરેશભાઈ કૉંગ્રેસમાં આવશે તો મારી નારાજગી દૂર થશે, પછી તો મારે તેની સાથે જ ચર્ચા કરવાની થશે."
હાર્દિક પટેલે વધુમાં કહ્યું, "હું, અલ્પેશભાઈ અને દિનેશભાઈ, નરેશભાઇ કોઈ પણ રાજકીય નિર્ણય લે તેને અમે માનીશું."
કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું, "નરેશભાઈને કૉંગ્રેસના હાઈકમાન્ડ સાથે ડિરેક્ટ ચર્ચા થઈ છે. આથી સ્થાનિક કક્ષાએ શું ઇસ્યુ છે તેનો મને વધારે ખ્યાલ નથી. નરેશભાઈ સોનિયાજી અને રાહુલજી સાથે ચર્ચા કરે છે તો આશા રાખું છું કે ટૂંક સમયમાં ત્યાંથી જ નિર્ણય આવી જશે."
પાટીદાર આગેવાન નરેશ પટેલે કહ્યું, "5થી 7 દિવસ બાદ મારો નિર્ણય જાહેર કરીશ. હાર્દિકની પરિસ્થિતિ છે તે યથાવત્ છે અને જે પક્ષમાં છે તેમાં જ છે. તેને એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવું છે તેના વિશે ચર્ચા થઈ નથી."

કૉંગ્રેસની ચિંતન શિબિરમાં શું થયું?

ઇમેજ સ્રોત, Facebook/INC INDIA
રાજસ્થાનમાં મળેલી કૉંગ્રેસની નવ સંકલ્પ શિબિર સંપૂર્ણપણે સંગઠનની મજબૂતી અને યુવાઓ પર ફૉકસ રહી. શિબિરમાં કૉગ્રેસે વર્ષ 2022 માટે 'ભારત જોડો'નો નવો નારો આપ્યો છે.
ત્રણ દિવસ યોજાયેલી શિબિરમાં સંગઠનને મજબૂત કરવા પર ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટીએ બનાવેલી છ કમિટિઓએ વિસ્તારથી રિપોર્ટ સોનિયા ગાંધીને આપ્યો છે.
કૉંગ્રેસ પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત કરવા માટે બ્લૉક સ્તર પર કામ કરવામાં આવશે.
કૉંગ્રેસના સંગઠનમાં રાષ્ટ્રીય સ્તરે ત્રણ નવા વિભાગો બનાવવામાં આવશે. વિવિધ મુદ્દા પર જનતાના વિચારોને જાણવા માટે પબ્લિક ઇનસાઇડ ડિપાર્ટમેન્ટ, પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓને ટ્રેનિંગ આપવા રાષ્ટ્રીય ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવશે.
ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઇલેક્શન મૅનેજમૅન્ટ ડિપાર્ટમેન્ટનું ગઠન કરાશે.
કૉંગ્રેસની વર્કિંગ કમિટી, રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશ, જિલ્લા, બ્લૉક સ્તરે 50 ટકા યુવાનોની ભરતી કરાશે જેમની ઉંમર 50 વર્ષથી ઓછી હોય.
શિબિરના અંતિમ દિવસે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું, "શૉર્ટકટથી આ કામ નહીં થાય. આપણે આ કામ પરસેવો પાડીને કરી શકીશું. આપણા સૌમાં આ કરવાની ક્ષમતા છે. આ આપણા ડીએનએમાં છે. આપણે એક વખત ફરી જનતાની વચ્ચે જવાનું છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












