પોરબંદર : 'ક્યાં સુધી સાબિત કરવું કે અમે દેશના નાગરિક છીએ' ગુજરાતના મુસ્લિમ પરિવારોએ ઇચ્છામૃત્યુ કેમ માગ્યું?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

1993ના મુંબઈના બૉમ્બધડાકાની વાત આવે ત્યારે પોરબંદરના ગોસાબારાની વાત જરૂર નીકળે. મુંબઈ બૉમ્બધડાકા અને ગોસાબારાના કાંઠે થયેલા RDXનું લેન્ડિંગ ખૂબ જ ચકચારી ઘટના રહી હતી.

જેમ ધરતીકંપ બાદ આફટરશોક્સ આવે એવી જ રીતે 1993ની ઘટના પછી પણ અહીં રહેતા લોકો હજી તે ઘટનાથી પરેશાન થઈ રહ્યા છે, તેવું તેમની વાત પરથી લાગે છે.

મુસ્લિમ લોકો

ઇમેજ સ્રોત, Alarakkha timmer

ગોસાબારાના ટાપુ પર 100 મુસ્લિમ પરિવારો રહે છે અને તેઓ માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

જોકે અહીંના લોકોનું કહેવું છે કે તેઓ મુસ્લિમ સમુદાયના હોવાથી તેમની સાથે સરકાર અને તેના અધિકારીઓ ભેદભાવ કરે છે.

ભેદભાવના આરોપો સાથે આ સમુદાયના મુખિયા અલ્લારખ્ખા ટીમ્મરે હાલમાં જ જો તેમની તકલીફોનું સમાધાન ન આવે તો તેમને અને તેમના સમુદાયના લોકોને ઇચ્છામૃત્યુની પરવાનગી આપવામાં આવે, તેવી પિટિશન તેમણે ગુજરાતની હાઈકોર્ટમાં કરી છે.

જોકે આ પિટિશન બાદ ગોસાબારાના મુસ્લિમ સમુદાયના લોકોની સમસ્યા લોકોને ધ્યાને તો આવી જ છે, પરંતુ ગુજરાતના નાના છેવાડાના વિસ્તારોમાં મુસ્લિમ સમુદાયના લોકોને કેવી-કેવી તકલીફો પડી રહી છે, તેની ચર્ચા પણ થઈ રહી છે.

તો સૌથી પહેલા જાણીએ કે ગોસાબારા RDX લેન્ડિંગ કેસ શું છે.

ગોસાબારા પોરબંદર પાસે આવેલો એક નાનકડુ ટાપુ છે, જેના પર મુસ્લિમ સમુદાયના લોકો માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. 1993ની મુંબઈ બૉમ્બબ્લાસ્ટની પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મુંબઈ બૉમ્બધડાકામાં ઉપયોગમાં આવેલો વિસ્ફોટક RDX અહીંથી મુંબઈ પહોંચ્યો હતો. આ કિનારા પર દાઉદ ઇબ્રાહીમે કરાચીથી RDX મોકલ્યું હતું, પછી મુંબઈ સુધી લઈ જવામાં આવ્યુ હતું. આ કેસમાં 63 જેટલા લોકો સામે ફરિયાદ થઈ અને તેમાંથી 40થી વધુ લોકોની ધરપકડ થઈ હતી.

"આ ઘટના બાદ અહીં કોઈ પણ પ્રકારની આવી કોઈ જ પ્રવૃત્તિ થઈ નથી," તેમ ગોસાબારામાં રહેતા મુસ્લિમ આગેવાન અલ્લારખ્ખા ટીમ્મરે બીબીસી ગુજરાતીને જણાવ્યું.

તેમની પિટિશનમાં તેમણે નોંધ્યું છે કે હાલમાં ગોસાબારાના અનેક લોકો પોલીસ અને બીજી ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી માટે માહિતી ભેગી કરવાનું પણ કામ કરે છે.

તેઓ કહે છે, "અમને એ સમજાતું નથી કે અમારે ક્યાં સુધી સાબિત કરતા રહેવાનું કે અમે પણ આ દેશના નાગરિક છે. જ્યારે ગામડાંઓમાં પાણી ભરાઈ જાય ત્યારે દરેક ચોમાસામાં ગોસાબારાની આસપાસનાં 30 જેટલાં ગામડાંઓના લોકોને અમે બચાવીએ છીએ."

જોકે RDX લેન્ડિંગના કેસનાં 29 વર્ષ બાદ પણ આ લોકોની તકલીફો જેમની તેમ છે. "અમે પ્રાથમિક સુવિધાની વાત જ નથી કરતા. અમને પીવાનું પાણી હજી સુધી મળ્યું નથી. પરંતુ અમારી સમસ્યા એના કરતાં મોટી છે, અમારી રોજગારી છીનવાઈ ચૂકી છે, અમારે ભૂખથી મરવાના દાડા આવ્યા છે," એમ ટીમ્મરે કહ્યું.

line

શું છે સમસ્યા?

મુસ્લિમ લોકો

ઇમેજ સ્રોત, Alarakkha timmer

ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પિટિશન પ્રમાણે, ગોસાબારાનો મુસ્લિમ સમુદાય હાલમાં રોજગારી વિનાનો છે.

પિટિશન પ્રમાણે, તેમની પાસે 30 ફિશિંગ બૉટ છે અને તેનાં લાઇસન્સ પણ છે, પરંતુ તેમને ઑનલાઇન પરમિટ ન મળતી હોવાથી આ તમામ બૉટ દરિયામાં માછીમારી માટે નથી જઈ શકતી.

આ વિશે બીબીસી ગુજરાતીએ પિટિશનર ટીમ્મર સાથે વાત કરી, તો તેમણે કહ્યું કે, "અમે પહેલાં ગોસાબારાના તળાવના મીઠા પાણીમાં નાની બૉટ મારફતે માછીમારી કરતા હતા. જોકે 2014માં જ્યારે આ વિસ્તારને એક બર્ડ સેન્ચુરી જાહેર કરવાની વાત આવી તો અમને દરિયામાં માછીમારી કરવાનું સરકાર દ્વારા કહેવામાં આવ્યું."

ત્યાર બાદ મુસ્લિમ સમુદાયના લોકોએ આશરે 2.50 લાખની એક એવી 30 બૉટ ખરીદી અને ફિશરિઝ ડિપાર્ટમેન્ટ તરફથી તેમને લાઇસન્સ પણ આપવામાં આવ્યા હતા.

ગોસાબારાના એક માછીમાર પોતાનું નામ ન આપવાની શરતે બીબીસીને જણાવે છે કે "2014માં અમને મોટા વાયદાઓ કરવામાં આવ્યા હતા કે અમને નિયમિત રીતે દરિયામાં માછીમારી માટે જવા દેવામાં આવશે, પરંતુ અમને પરવાના ન મળ્યા અને અમારે નછૂટકે ગેરકાયદેસર રીતે માછીમારી માટે અમારી બૉટ લઈ જવી પડી. આ સમસ્યા સતત 2014થી ચાલતી આવી રહી છે."

જોકે તેમની વાતને સમર્થન આપતા ટીમ્મર કહે છે કે આખા વિસ્તારમાં લોકોને માછીમારી સિવાય બીજુ કંઈ જ આવડતું નથી, કોઈ ભણતા નથી અને હવે અમારી માછીમારી પણ બંધ થઈ ચૂકી છે, તેવામાં અમારી પાસે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

તેમની પિટિશન વિશે તેમના ઍડવૉકેટ ધર્મેશ ગુર્જર બીબીસીને જણાવે છે કે, "અમારી માગણી સ્પષ્ટ છે, બીજા લોકોને મળે છે તેવી સગવડો અને રોજગારી (જે રાજ્યની જવાબદારી છે) અથવા તો અમને ઇચ્છામૃત્યુની પરવાનગી આપવામાં આવે."

line

ગુજરાતમાં મુસ્લિમો સાથેનો ભેદભાવ?

વીડિયો કૅપ્શન, જૂનાગઢના આ હિંદુ-મુસ્લિમની મિત્રતાએ બધાનાં દિલ જીતી લીધાં

એક તરફ જ્યારે ગુજરાતના દલિતો અને આદિવાસીઓ પોતાની સાથે થતા ભેદભાવ વિશે વાત કરતા હોય છે, ત્યાં બીજી બાજુ ઘણા મુસ્લિમ સમુદાયના લોકો માને છે કે તેમની સાથે ભેદભાવ થાય છે, પરંતુ તેઓ ખૂલીને સામે આવતા નથી.

"તેનાથી કોઈ ફાયદો નહીં થાય, અમને હવે આ સરકાર પર બિલકુલ ભરોસો નથી," એક મુસ્લિમ યુવાને બીબીસી સાથે પોતાની વાત દરમિયાન આમ કહ્યું હતું.

તેમણે કહ્યું કે, "નોકરી હોય કે મકાન, રહેવાની વ્યવસ્થા હોય કે પછી પબ્લિક ટ્રાન્સપોર્ટ, દરેક જગ્યાએથી અમને તરછોડી દેવામાં આવ્યા છે."

માઇનોરિટી કો-ઓર્ડિનેશન કમિટી નામની એક સંસ્થા મુસ્લિમ સમુદાયના મૂળભૂત હક્કો માટે કામ કરે છે. આ સંસ્થાના કન્વીનર મુજાહીદ નફીસ કહે છે કે, "પ્રથમ વખત ગુજરાતના મુસ્લિમ સમુદાયના લોકો આવી રીતે બહાર આવીને પોતાની સાથે થતા ભેદભાવ વિશે વાત કરી રહ્યા છે. ગોસાબારાના લોકો સાથેનો ભેદભાવ એ વાતની સાબિતી આપે છે કે ગુજરાતમાં મુસ્લિમોની હાલત કેટલી કફોડી છે."

મુજાહીદે હાલમાં જ મુસ્લિમ સમુદાયના લોકો માટે ગુજરાતના બજેટમાં નહિવત્ રકમ ફાળવવામાં આવે છે, તે મુદ્દે પણ સરકારની ટીકા કરી હતી.

તેઓ કહે છે કે, "વિકાસની વાત તો થાય છે, વિકાસ પણ થાય છે, પણ તે વિકાસ મુસ્લિમો માટે નથી. જેમ કે અમદાવાદ શહેરમાં ઘણા રસ્તાઓ પર મેટ્રો ટ્રેનનું કામ ચાલી રહ્યું છે. આ ટ્રેન માટેનો મોટો ડેપો મુસ્લિમ વિસ્તાર જુહાપુરામાં બનાવવામાં આવશે, પરંતુ મેટ્રો અહીંથી નહીં નીકળે, અમને કોઈ સ્ટેશન પણ નહીં મળે."

જોકે મુસ્લિમો સાથેના ભેદભાવ પર વાત કરતા રાજકીય વિશ્લેષક અચ્યુત યાજ્ઞિકે કહ્યું કે, "આ એક-બે દિવસમાં નથી થયું. હિન્દુત્વની રાજનીતિના પાયા ગુજરાતમાં નંખાયા છે અને તેની અસર હવે છેક છેવાડાના ગામડા સુધી પણ જોવા મળી રહી છે."

line

ગોસાબારાના ભેદભાવ વિશે શું કહે છે સરકાર?

મુસ્લિમ લોકો

ઇમેજ સ્રોત, Alarakkha timmer

તેમના આ કેસ અંગે બીબીસી ગુજરાતીએ પોરબંદરના કલેક્ટર એ.એમ. શર્મા સાથે વાત કરી.

તેમણે ક્હ્યું કે, "ગોસાબારાના લોકો મુસ્લિમ છે માટે તેમને તકલીફ પડી રહી છે, તે વાત પાયાવિહોણી છે. જિલ્લામાં બીજા પણ અનેક મુસ્લિમ વિસ્તારો છે, ત્યાં કેમ આવી કોઈ ફરિયાદ નથી. અમે હાલમાં સમસ્યાના મૂળ સુધી જઈ રહ્યા છીએ, હાલમાં જ અમારી એક ટીમે ગોસાબારાની મુલાકાત લીધી હતી અને અને તુરંત જ તેમની તકલીફોનું સમાધાન લઈ આવીશુ."

જોકે આવી જ રીતે ગુજરાત ફિશરિઝ ડિપાર્ટમેન્ટના વેરાવળ ખાતેના ડેપ્યુટી ડાયરેક્ટર કે.આર. પટણીએ બીબીસીને જણાવ્યું કે "ભેદભાવની વાતમાં કોઈ તથ્ય નથી. અમે તેમને ક્યારેય ફિશિંગ કરતા રોક્યા નથી. જો બધાને પરવાનગી મળે તો તેમને કેમ નહીં. જોકે તેમની જે પણ સમસ્યા છે, તેનું નિરાકરણ અમે જલદીથી લાવીશુ."

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો