'બહુપત્નીત્વ ઘૃણાસ્પદ છે', ભારતમાં એક કરતાં વધુ પત્ની રાખવાના મુસ્લિમ રિવાજ પર ફરી વિવાદ કેમ?
- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
28 વર્ષની એક મુસ્લિમ મહિલાએ અદાલતમાં અરજી કરી છે કે પોતાની લેખિત મંજૂરી વિના તેમના પતિને વધુ એક બીબી કરતાં રોકવામાં આવે. આ અરજીને કારણે ભારતીય મુસ્લિમોમાં બહુપત્નીત્વનો રિવાજ ફરી ચર્ચામાં આવ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
પોતાનું નામ માત્ર રેશમા હોવાનું જણાવતાં આ મુસ્લિમ મહિલાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે કે સરકારે બહુપતિ-પત્નિત્વનો "જૂનવાણી રિવાજ" રોકવા માટે કાયદો ઘડવો જોઈએ.
અદાલતમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર, મહમદ શોએબખાન સાથે જાન્યુઆરી 2019માં રેશમાની શાદી થઈ હતી અને અને તે પછીના વર્ષે નવેમ્બરમાં તેમને ત્યાં સંતાન જન્મ્યું હતું.
રેશમાએ પતિ પર ઘરેલું હિંસાનો, ક્રૂરતાનો, ત્રાસનો અને દહેજ માગવાનો આરોપ મૂક્યો છે. સામી બાજુ તેમના પતિએ પણ આવા જ આરોપ રેશમા પર મૂક્યા છે.
રેશમાએ જણાવ્યું છે કે તેના પતિએ તેને અને સંતાનને તરછોડી દીધાં છે અને હવે એ બીજી શાદી કરવા માગે છે.
પતિના વર્તનને "ગેરબંધારણીય, શરિયત વિરુદ્ધ, એકપક્ષીય, ક્રૂર, અમાનવીય અને બર્બર" ગણાવીને તેઓ કહે છે, "મુસ્લિમ મહિલાઓની હાલતને સુધારવા માટે આ રિવાજ પર નિયંત્રણ લાવવું જોઈએ".
બંને વચ્ચેના ખટરાગની તથા બહુપત્નીત્વના કાનૂની પાસાની સુનાવણી અદાલતમાં ચાલી રહી છે, ત્યારે બીજી બાજુ બહુપત્નીત્વ વિશે ભારતમાં ચર્ચા જાગી છે. ભારતમાં કેટલાક આદિવાસી સમૂહો અને મુસ્લિમો સિવાય અન્યોને માત્ર એક જ લગ્ન કરવાની છૂટ છે.

વિશ્વમાં 2% પરિવારોમાં બહુપતિ-પત્નીત્વ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
'પ્યૂ રિસર્ચ સેન્ટર'ના 2019ના અહેવાલ અનુસાર વિશ્વમાં 2% પરિવારો બહુપતિ-પત્નીત્વ સાથેના છે. તુર્કી અને ટ્યુનિશિયા સહિતના ઘણા મુસ્લિમ દેશો ઉપરાંત વિશ્વના મોટા ભાગના દેશોમાં એકથી વધુ જીવનસાથી રાખવા પર પ્રતિબંધો મૂકાયેલા છે.
કેટલાક દેશોમાં એકથી વધુ જીવનસાથીની છૂટ છે પણ તેના પર ઘણાં નિયંત્રણો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ આવા સંબંધોને "મહિલાઓ સામેનો અસ્વીકાર્ય ભેદભાવ" ગણાવે છે અને જણાવે છે કે "તેને સ્પષ્ટપણે નાબુદ કરવો જોઈએ".
જોકે, ભારતમાં આ મુદ્દાને રાજકીય રંગ લાગ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હિન્દુ રાષ્ટ્રવાદી ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની સરકારે સમાન નાગરિક ધારો લાવવાનું વચન આપેલું છે. આ વિવાદસ્પદ ખરડામાં એવી જોગવાઈ કરાઈ છે કે લગ્ન, લગ્નવિચ્છેદ, વારસો વગેરે બાબતમાં ધર્મના આધારે નહીં, પરંતુ બધા માટે એક સમાન રીતે નિયમો લાગુ પડશે.
દેશમાં ધર્મના નામે વિભાજનનો માહોલ ઊભો થયેલો છે ત્યારે સરકાર તેમાં કોઈ પણ પ્રકારના સુધારા કરવાની વાત કરે ત્યારે તેને મોટા ભાગના મુસ્લિમો ઇસ્લામ પરનું આક્રમણ ગણી લે છે.
ઇસ્લામના જાણકાર અને ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ. વાય. કુરેશી કહે છે, "એવી છાપ ઊભી થઈ છે મોટા ભાગના મુસ્લિમોને ચાર ચાર બીબીઓ છે" અને તેના કારણે ઘણાં સંતાનો પેદા કરશે અને તેનાથી હિન્દુ કરતાં તેમની વસ્તી વધી જશે, જે વાત સાચી નથી. (ભારતની 130 કરોડની વસતિમાં મુસ્લિમોની વસ્તી માત્ર 14% છે, જ્યારે હિન્દુઓની 80% જેટલી છે.)

ઇસ્લામમાં બહુપત્નીત્વની છૂટ, પરંતુ "આકરી શરતો અને પ્રતિબંધો" સાથે
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ભારતમાં મુસ્લિમોને ચાર પત્નીઓ રાખવાની છૂટ છે અને બહુપત્નીત્વ માટેની આ છૂટ કુરાનમાંથી મળી છે એમ તેઓ કહે છે. પરંતુ તેઓ ઉમેરે છે કે અમુક "આકરી શરતો અને પ્રતિબંધો" અનુસાર જ મંજૂરી મળે છે અને તે શરતો પૂર્ણ કરવી લગભગ અશક્ય જેવી હોય છે.
તેઓ ઉમેરે છે, "કુરાને કહ્યું છે કે પુરુષ બીજી, ત્રીજી કે ચોથી પત્ની કરી શકે છે, પણ માત્ર અનાથ અને વિધવા હોય તેની સાથે જ શાદી કરી શકે છે અને બધી જ બેગમો સાથે સમાન વ્યવહાર જરૂરી છે. આમ ના થાય ત્યારે તે માન્ય ના ગણાય. વ્યવહારમાં બધી પત્નીઓને એક સમાન પ્રેમ કરવો મુશ્કેલ હોય છે. માત્ર એક સરખાં વસ્ત્રો ખરીદવાની વાત નથી, ઘણી અન્ય બાબતોનો તેમાં સમાવેશ થાય છે."
કુરેશીના જણાવ્યા અનુસાર બહુપત્નીત્વ માટે કુરાનમાં જે માર્ગદર્શિકા આપવામાં આવી છે તે સાતમી સદીમાં અપાઈ હતી અને તે વખતે અરબસ્તાનમાં કબીલાઓ વચ્ચે ભારે લડાઈ ચાલતી હતી.
તેના કારણે યુવાનો મૃત્યુ પામી રહ્યા હતા અને અનેક મહિલાઓ વિધવાઓ થતી હતી, તેથી બહુપત્નીત્વ મારફત વિધવા અને અનાથને આશરો મળે તેવો હેતુ હતો.
"આ સિવાય અન્ય સંજોગોમાં કુરાન એકથી વધુ જીવનસાથી રાખવાની બાબતને સારી ગણતું નથી."
ઝાકિયા સોમણ જેવાં મહિલા અધિકારો માટે લડનારાં કાર્યકરો કહે છે કે આજે ભારતમાં યુદ્ધની સ્થિતિ નથી અને તેથી આવા "સ્ત્રીદ્વેષી અને પૈતૃકસત્તાક" રિવાજો પર પ્રતિબંધિત લાદી દેવો જોઈએ.

"નૈતિક, સાામાજિક અને કાનનૂ રીતે ઘૃણાસ્પદ" છતા માન્યતા
મુંબઈસ્થિત ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન (બીએમએમએ)નાં સ્થાપક સોમણ કહે છે કે બહુપત્નીત્વ એ "નૈતિક, સાામાજિક અને કાનનૂ રીતે ઘૃણાસ્પદ છે" અને તેમ છતાં તેને "કાયદેસરતા અપાઈ છે તેના કારણે સમસ્યા સર્જાઈ છે".
"એવું તમે કઈ રીતે કહી શકો કે એક પુરુષ એકથી વધુ પત્નીઓ રાખી શકે? સમાજે સમય સાથે આગળ વધવાની જરુર છે. આજના યુગમાં આ નારીસન્માન અને માનવાધિકારનું ઉલ્લંઘન છે."
2017 આ સંસ્થાએ બહુપત્નીત્વ પરિવારમાં રહેલી 289 મહિલાઓનો સર્વે કર્યો હતો અને તેમની શારીરિક, માનસિક, ભાવનાત્મક અને નાણાકીય સ્થિતિની ચકાસણી કરી હતી. તેમાંથી 50 સ્ત્રીઓની આપવીતી સાથેનો અહેવાલ પ્રગટ કરાયો હતો.
સોમણ કહે છે, "અમે જોયું કે આ મહિલાઓ અન્યાયભરી સ્થિતિમાં ફસાઈ ગઈ છે અને બધી જ મહિલાઓ માટે આ બહુ ત્રાસજનક અનુભવ હતો. તેમનામાં માનસિક સમસ્યાઓ ઊભી થઈ હતી."
ઇસ્લામના તત્કાલ તલાકના મુદ્દા સામે પણ અગાઉ બીએમએમએ સંસ્થાએ ઝુંબેશ ચલાવી હતી અને તે પછી ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મુકાયો હતો.
આ સંસ્થાએ 2019માં સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને બહુપત્નીત્વ પર પ્રતિબંધની માગણી કરી હતી.
જોકે, આ મામલે અન્ય કાનૂની પડકારો પણ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં એક વકીલ અને ભારતના શાસક પક્ષ ભાજપના એક નેતા અશ્વિનીકુમાર દુબેની અરજી પણ સામેલ છે.
આના કારણે રૂઢિચૂસ્ત મુસ્લિમોએ આક્ષેપો કર્યા હતા કે આ તેમના ધર્મમાં દખલગીરી છે.

"કોઈ પુરુષને અધિકાર નથી કે અલ્લાએ જેને માન્યતા આપી હોય તેને બદલી નાખે."

ઇમેજ સ્રોત, Getty Images
દુબેની અરજીનો અદાલતમાં વિરોધ કરનારા 'ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ'ની મહિલા પાંખનાં વડા ડૉ. અસ્મા ઝોહરા કહે છે, "ઇસ્લામમાં કાનૂન પવિત્ર છે અને અમે માર્ગદર્શન માટે કુરાન અને હદીસ પર આધાર રાખીએ છીએ. કોઈ પુરુષને અધિકાર નથી કે અલ્લાએ જેને માન્યતા આપી હોય તેને બદલી નાખે."
મુસ્લિમોમાં બહુપત્નીત્વ "ભાગ્યે જ જોવા મળે છે અને એ કોઈ મુદ્દો જ નથી" એમ જણાવીને ભાજપ પર આક્ષેપ મૂકે છે કે તે "લઘુમતીને દબાવવા માટે બહુમતીવાદનો ઍજન્ડા ચલાવી રહ્યો છે".
"તમે ચાર બેગમો સાથેના કોઈ મુસ્લિમ પુરુષને જોયો છે? 2022ના વર્ષમાં મોટા ભાગના પુરુષો કહે છે કે એક પત્નીને સંભાળવી પણ મુશ્કેલ છે ત્યાં ચાર-ચારનું પોષણ કરવું ક્યાંથી શક્ય બને? મુસ્લિમોમાં બહુપત્નીત્વનું પ્રમાણ સૌથી ઓછું છે."
બધા જ ધર્મોમાં બહુપતિ-પત્નીત્વની પ્રથા જોવા મળે છે એવા સર્વેક્ષણના આધારે તેઓ આ જણાવે છે. આ સર્વે 1961માં વસ્તીગણતરી વખતે કરવામાં આવ્યો હતો અને તે વખતે એક લાખ પરિવારોની માહિતી એકઠી કરવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે મુસ્લિમોમાં 5.7 ટકા જેટલા પરિવારોમાં બહુપત્નીત્વ પ્રથા છે, જે અન્ય સમાજોની સરખામણીએ સૌથી ઓછી છે.
તે પછીની વસ્તીગણતરીમાં આવી માહિતી એકઠી કરવામાં આવી નહોતી. છેલ્લે 2004-06માં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (એનએફએચએસ-3) કરવામાં આવ્યો તેમાં બહુપત્નીત્વ વિશેના તાજા આંકડા મળ્યા હતા. તેમાં બધા જ ધર્મોમાં આ પ્રથા ઘટી રહી હોય તેવું જોવા મળ્યું હતું:
કુરેશી કહે છે કે "મોટા ભાગના આંકડા બહુ જૂના છે એટલે કઈ દિશાનો પ્રવાહ છે તે ચકાસવું પડે. જો આપણે 1930થી 1960ની વસ્તીગણતરીના આંકડા ચકાસીએ તો તેમાં બધા જ સમાજમાં બહુપત્નીત્વનું પ્રમાણ ઘટતું જોવા મળ્યું હતું. દરેક દાયકામાં સૌથી વધારો ઘટાડો મુસ્લિમોમાં જ જોવામાં આવ્યો હતો". આ બધામાં માત્ર એનએફએચએસના આંકડા જ જુદા પડે છે એમ તેઓ ઉમેરે છે.
કુરેશીએ 2021માં 'પોપ્યુલેશન મીથ: ઇસ્લામ, ફેમિલી પ્લાનિંગ ઍન્ડ પોલિટિક્સ ઇન ઇન્ડિયા' પુસ્તક પ્રગટ કર્યું હતું. તેમાં તેમણે લખ્યું છે કે મુસ્લિમોએ જ બહુપત્નીત્વ પર પ્રતિબંધની માગણી મૂકવી જોઈએ. તેઓ પૂછે છે, "જો વ્યવહારમાં એકથી વધારે શાદી ન થતી હોય ત્યારે તેના પર પ્રતિબંધ આવે તો શું ગુમાવવાનું છે?"
જોકે તેની સામેનો વિરોધ ધાર્મિક કારણોસર છે અને રાજકીય પણ છે એમ ડૉ. ઝોહરા કહે છે.
"લોકો એવું કહે છે કે મુસ્લિમો બહુ જડ છે, પણ પવિત્ર ગ્રંથમાં જેની છૂટ અપાઈ હોય તેમાં કોઈ પરિવર્તન કરી શકે નહીં. ઈશાન ભારતમાં ઘણા આદિવાસી સમૂહો એકથી વધારે પત્નીઓ રાખે છે, પણ તેમની ટીકા થતી નથી. તો શા માટે અમને જ ટાર્ગેટ કરવામાં આવે છે? આવું ઇસ્લામોફોબિયાને કારણે થાય છે."
તેઓ કહે છે કે બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવાની માગણી એ સમાજ પર આક્રમણ છે અને "વ્યક્તિની ધાર્મિક માન્યતામાં દખલગીરી છે".
સોમણ એ પણ સ્વીકારે છે કે દેશમાં ધર્મના આધારે ફાંટા પડી ગયા છે અને મુસ્લિમોમાં ભાજપની સરકારના ઈરાદા સામે શંકા છે. પરંતુ તેઓ કહે છે કે "જો આપણે આપણું ઘર નહી સંભાળીએ તો બીજાઓ આવશે અને તેઓ ઠીક કરશે - અને ઍજન્ડા પણ તેમના હશે".
"પરંતુ આખરે તો બહુપત્નીત્વની પ્રથા એ મહિલાઓના અધિકારોનો ભંગ છે અને તેનો અંત આવવો જ જોઈએ."
- આંકડાકીય માહિતીની રજૂઆત અને ગ્રાફિક્સ શાદાબ નઝમી, બીબીસી
- બાબાસાહેબ આંબેડકર હિંદુરાષ્ટ્રને ખતરો કેમ ગણતા હતા?
- કાશ્મીરી પંડિતોને પાછા આવવાનું આમંત્રણ આપનાર મુસ્લિમ, જે 11 વર્ષથી મંદિરની દેખરેખ રાખે છે

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












