મુનવ્વર ફારુકીઃ કૉમેડિયનની પોલીસ લૉકઅપથી 'લૉકઅપ' શોમાં વિજેતા સુધીની કહાણી

    • લેેખક, વિકાસ ત્રિવેદી
    • પદ, બીબીસી સંવાદદાતા

સ્ટેન્ડઅપ કૉમેડિયન મુનવ્વર ફારુકી રિયાલિટી શો લૉકઅપમાં વિજેતા બન્યા છે. કંગના રનૌટના આ શોમાં મુનવ્વરને પહેલેથી મજૂબત દાવેદાર માનવામાં આવતા હતા.

શનિવાર મોડી રાત્રે ગ્રાન્ડ ફિનાલેમાં કંગના રનૌટે વિજેતાનું નામ જાહેર કર્યું. મુનવ્વર સિવાય અંજલિ અરોરા, પાયલ રોહતગી, શિવમ ફિનાલે સુધી પહોંચ્યાં હતાં. જોકે, મુનવ્વર ફારુકીની આ સફર સરળ નથી રહી. આવો, મુનવ્વરની સફર પર એક નજર નાખીએ.

'લૉકઅપ' શોમાં એન્ટ્રી કર્યા બાદ મુનવ્વર ફારુકી ક્યારેક પોતાનાં માતાની વાર્તા સંભળાવીને તો ક્યારેક બાળપણમાં થયેલા યૌનશોષણની વાર્તા કહીને સતત ચર્ચાતા રહ્યા છે

ઇમેજ સ્રોત, ALT BALAJI/TWITTER

ઇમેજ કૅપ્શન, 'લૉકઅપ' શોમાં એન્ટ્રી કર્યા બાદ મુનવ્વર ફારુકી ક્યારેક પોતાનાં માતાની વાર્તા સંભળાવીને તો ક્યારેક બાળપણમાં થયેલા યૌનશોષણની વાર્તા કહીને સતત ચર્ચાતા રહ્યા છે

1 જાન્યુઆરી, 2021એ આખી દુનિયા જ્યારે નવા વર્ષની ઉજવણી કરી રહી હતી ત્યારે લાખો લોકોને હસાવનારા એક ગુજરાતી કૉમેડિયનને લૉકઅપ એટલે કે જેલમાં મોકલાઈ રહ્યા હતા.

આ વર્ષ 2022 છે અને ફરી એક વાર આ જ કૉમેડિયન મુનવ્વર ફારુકી 'લૉકઅપ'માં મોકલી દેવાયા પરંતુ આ 'લૉકઅપ' પેલું 2021વાળું નહીં, બલકે, એક રિયાલિટી શો છે, જેનાં હોસ્ટ ઍક્ટ્રેસ કંગના રનૌટ છે.

'લૉકઅપ' 'બિગ બૉસ' જેવો રિયાલિટી શો છે, જેમાં કેટલાક મહેમાન થોડા સમય માટે શોમાં આવે અને ધીરે ધીરે શોમાંથી બહાર નીકળી જાય છે.

શોમાં ટકી રહેવા માટેની રીતોમાં પોતાનાં સિક્રેટ (જીવનનાં રહસ્યો) જણાવવાનું પણ સામેલ છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

'લૉકઅપ' શોમાં એન્ટ્રી કર્યા બાદ મુનવ્વર ફારુકી ક્યારેક પોતાનાં માતાની વાર્તા સંભળાવીને તો ક્યારેક બાળપણમાં થયેલા યૌનશોષણની વાર્તા કહીને સતત ચર્ચાતા રહ્યા છે.

આ શો સમાપ્ત થતાં પહેલાં કેટલાક મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મુનવ્વર ફારુકી 'ખતરોં કે ખિલાડી' શોમાં પણ જોવા મળી શકે છે.

આવો, તમને મુનવ્વર ફારુકીની કહાણી કહીએ કે યૂ-ટ્યૂબ વીડિયો અને સ્ટેજ શો જેવાં માધ્યમો દ્વારા કૉમિડી કરનારા મુનવ્વર છેલ્લાં દોઢ વર્ષથી કઈ રીતે ચર્ચામાં છે અને 'લૉકઅપ' કૉમેડી પહેલાં મુનવ્વરની બાળપણથી જવાની સુધીની કહાણી શી હતી?

line

મુનવ્વર ફારુકીના બાળપણ અને પરિવારની વાત

મુનવ્વર ફારુકી પોતાના બાળપણ વિશે 'લૉકઅપ' શોમાં ઘણી વાતો કહેતા જોવા મળ્યા છે

ઇમેજ સ્રોત, ALTBALAJI

ઇમેજ કૅપ્શન, મુનવ્વર ફારુકી પોતાના બાળપણ વિશે 'લૉકઅપ' શોમાં ઘણી વાતો કહેતા જોવા મળ્યા છે

મુનવ્વર ફારુકી પોતાના બાળપણ વિશે 'લૉકઅપ' શોમાં ઘણી વાતો કહેતા જોવા મળ્યા છે. જોકે, એ વાતો ફારુકીએ ત્યારે કહી જ્યારે શોના ફૉર્મેટની રીતે પોતાના જીવન સાથે સંકળાયેલું કોઈ રહસ્ય કહેવાનું હતું.

મુનવ્વરે શોમાં કહેલું કે, "હું છ-સાત વર્ષનો હતો ત્યારે લગભગ 4-5 વર્ષ સુધી સતત મારું યૌનશોષણ થયું. કોઈ નજીકના સંબંધી હતા અને તમે કશુંય બોલી ના શકો. તમને કશું સમજાય નહીં. ચોથા વરસે એમને કદાચ એવી અનુભૂતિ થઈ કે બહુ વધારે પડતું થઈ ગયું અને એમણે અટકી જવું જોઈએ, ત્યારે એ વસ્તુ બંધ થઈ."

"આ વિશે મેં ક્યારેય કોઈને નથી કહ્યું. એક વાર મને એવું લાગ્યું કે મારા પિતાને એ વિશે ખબર પડી ગઈ છે, ત્યારે એમણે મને ખૂબ ધમકાવ્યો."

મુનવ્વરે આ રહસ્ય કહ્યા પછી કંગના રનૌટે પણ બાળપણમાં થયેલા પોતાના યૌનશોષણ વિશે જણાવ્યું હતું. આ શોમાં મુનવ્વરે પોતાનાં માતાના મૃત્યુ સાથે સંકળાયેલો કિસ્સો પણ વર્ણવ્યો હતો.

મુનવ્વરે કહેલું, "એક દિવસ મને ખબર પડી કે મારાં માતાની તબિયત ખરાબ છે. હું દોડતો હૉસ્પિટલ પહોંચ્યો. જેવો હું હૉસ્પિટલ પહોંચ્યો તો મેં જોયું કે મા બૂમો પાડતાં હતાં. મે પરિવારના લોકોને પૂછ્યું કે માને શું થયું છે? દવાઓ આપી પણ ફરક ના પડ્યો. ત્યારે મારાં એક બડી અમ્માએ આવીને કહ્યું, તારી માએ ઍસિડ પી લીધું છે."

"એ વાત મેં અમારાં સંબંધી એક નર્સને જણાવી. ડૉક્ટર આવ્યા. મને લાગ્યું બધું સારું થઈ જશે. પછી એક પળ એવી આવી કે, ડૉક્ટર બોલ્યા, હાથ છોડી દે. મારો હાથ છોડાવાયો ત્યારે મને ખબર પડી કે અમ્મીનું મૃત્યુ થઈ ગયું છે."

માતાના મૃત્યુ અંગે મુનવ્વરે અફસોસ પ્રગટ કર્યો કે, "મને હંમેશાં એમ લાગતું રહ્યું કે જો એ રાત્રે હું અમ્મીની સાથે સૂતો હોત તો કદાચ તેઓ બચી જાત. ડૉક્ટરોએ પોસ્ટમૉર્ટમ કર્યું તો ખબર પડી કે અમ્મીએ 7-8 દિવસથી કશું ખાધું નહોતું. ત્યારે એવી અનુભૂતિ થઈ કે 22 વર્ષનું લગ્નજીવન કેટલું ખરાબ હતું."

"મેં મારા સમગ્ર બાળપણમાં મારાં માતાને કાં તો માર ખાતાં જોયાં કાં તો ઝઘડતાં જોયાં."

મુનવ્વરે કહેલું, "મારી બહેને જ્યારે લગ્ન કર્યાં ત્યારે પરિવારના લોકોએ અમ્મી પર એનો બધો દોષ નાખ્યો હતો. વર્ષ 2007 મારા પરિવાર માટે ખૂબ ખરાબ હતું. ઘરનાં વાસણ વેચીને ખાવાનું લાવતા હતા. મા પર જે કંઈ જવાબદારી હતી એમાં 3,500 રૂપિયાનું દેવું પણ હતું. અમ્મીએ એ દેવું પણ ઘર ચલાવવા માટે કર્યું હતું. હજુ પણ એ બધું મને પીડા આપે છે."

line

ગુજરાતના જૂનાગઢથી મુંબઈના ડોંગરી સુધી

30 વર્ષના મુનવ્વર ફારુકીનો જન્મ ગુજરાતના જૂનાગઢમાં 1992માં થયો હતો

ઇમેજ સ્રોત, INSTA/MUNAWAR FARUQUI

ઇમેજ કૅપ્શન, 30 વર્ષના મુનવ્વર ફારુકીનો જન્મ ગુજરાતના જૂનાગઢમાં 1992માં થયો હતો

30 વર્ષના મુનવ્વર ફારુકીનો જન્મ ગુજરાતના જૂનાગઢમાં 1992માં થયો હતો.

મુનવ્વર ઘણા વીડિયોમાં એમ કહે છે કે, 2002નાં ગુજરાતનાં તોફાનોમાં જે લોકોનાં ઘર 'તબાહ' થયાં એમાં એમનું પણ ઘર હતું.

મુનવ્વર 2002નાં તોફાનો પછી પોતાના પરિવાર સાથે મુંબઈના ડોંગરીમાં આવીને રહેવા લાગ્યા. આ એ જ ડોંગરી છે જ્યાં દાઉદ ઇબ્રાહીમ પણ હતા અને એ અંગેના લોકોના સવાલો અને શંકાભરી નજરોની મુનવ્વર પણ પોતાના ઘણા વીડિયોમાં મજાક ઉડાવતા જોવા મળે છે.

ગુજરાતમાંથી ડોંગરી આવ્યાના થોડા સમય પછી મુનવ્વરનાં માતાએ દુનિયાને અલવિદા કહ્યું હતું.

ઘણા મીડિયા રિપોર્ટમાં મુનવ્વર ફારુકીની બાળપણમાં વાસણ વેચ્યાં અને ગ્રાફિક આર્ટિસ્ટનું કામ કર્યું એવી વાતો કહેવાઈ છે.

તો પછી મુનવ્વર ફારુકી કૉમેડીની દુનિયામાં કઈ રીતે આવ્યા?

શરૂઆતમાં પરિવારે સ્ટૅન્ડઅપ કૉમેડીને અવગણીને એને ટાઇમપાસ ગણાવી હતી

ઇમેજ સ્રોત, YOUTUBE/MUNAWAR FARUQUI

ઇમેજ કૅપ્શન, શરૂઆતમાં પરિવારે સ્ટૅન્ડઅપ કૉમેડીને અવગણીને એને ટાઇમપાસ ગણાવી હતી

ધ પ્રિન્ટમાં છપાયેલા એક રિપોર્ટમાં મુનવ્વરના મિત્ર અને કૉમેડી શો કરનારા 'ધ હેરિટેજ'ના ફાઉન્ડર બલરાજસિંહ ઘઈએ એ અંગે જણાવ્યું હતું.

બલરાજસિંહ ઘઈએ જણાવેલું કે, "એક વાર મુનવ્વરે મને કહેલું કે તેઓ કોઈ એડ્‌ના શૂટિંગની નજીક હતા. ત્યાં કોઈ સ્ટૅન્ડઅપ કૉમેડીના સીનને ફિલ્માવવાનો હતો. પ્રૉડ્યૂસર પાસે કોઈ આગવી વ્યક્તિ હતી નહીં જે મંચ પર કૉમેડી સ્ટૅન્ડઅપ કરતી દેખાય. ત્યારે પ્રૉડ્યૂસરે મુનવ્વરને કહ્યું કે સ્ટેજ પર જઈને બે લાઇનો બોલી દે. તે લાઇનો એટલી બધી પાવરફુલ લાગી. એવું લાગ્યું કે મુનવ્વરે એ બધું ખરેખર કરવું જોઈએ. ત્યાર બાદ તેઓ અમારા ઘણા શો માટે આવ્યા અને અચાનક હિટ થઈ ગયા."

આ જ રિપોર્ટમાં મુનવ્વરના સંબંધીઓએ એમ જણાવ્યું છે કે શરૂઆતમાં પરિવારે સ્ટૅન્ડઅપ કૉમેડીને અવગણીને એને ટાઇમપાસ ગણાવી હતી. પરંતુ જ્યારે મુનવ્વરની લોકપ્રિયતા વધતી ગઈ અને લોકો આવીને મુનવ્વરની સાથે સેલ્ફી લેવા લાગ્યા ત્યારે સમજાયું કે આ કંઈક ગંભીર વાત છે.

મુનવ્વરના પ્રશંસકોમાં યુવતીઓ પણ સામેલ છે. સોશિયલ મીડિયા પર મુનવ્વર માટે પ્રેમનો એકરાર પણ જોઈ શકાય છે. 'લૉકઅપ' શોમાં પણ મુનવ્વર 'કચ્ચા બાદામ' પર ડાન્સ કરીને હીટ થયેલાં અંજલિ અરોરાની સાથે જોવા મળે છે. આ બંનેની કૅમિસ્ટ્રી પણ લોકોને પસંદ પડે છે.

પરંતુ આ શોમાં એક એવી ક્ષણ પણ આવી જેમાં મુનવ્વર ફારુકી પરણેલા હોવાની વાતની પણ ખબર પડી.

શોમાં ટ્વિટર પર મુનવ્વરની શૅર થતી એક તસવીર પણ બતાવવામાં આવી. એ તસવીરમાં મુનવ્વર એક મહિલા અને બાળક સાથે દેખાય છે. શોમાં આ બ્લર તસવીર બતાવાઈ ત્યારે મુનવ્વરે પોતે પરણેલા હોવાની વાત સ્વીકારી. સાથે જ મુનવ્વરે એમ પણ જણાવ્યું કે, "અમે લગભગ દોઢ વર્ષથી જુદાં રહીએ છીએ. કોર્ટમાં મામલો ચાલે છે. આ મારી એક એવી પ્રાઇવેટ બાબત છે જેના વિશે હું શોમાં વાત કરવા નથી માગતો."

મુનવ્વરે પોતાનાં લગ્નની વાત ખૂલીને ના કરી એ બાબતે કંગના રનૌટ પણ સવાલ કરી ચૂક્યાં છે. સાથે જ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો એ વાતને ખોટી ગણાવે છે.

line

મુનવ્વરની કમાણી - એમના ટુચકામાં એવું શું હોય છે?

મુનવ્વર ફારુકીના લગભગ 26 લાખ ફૉલોઅર્સ છે અને 16 કરોડથી વધારે વ્યૂ છે

ઇમેજ સ્રોત, INSTA/MUNAWAR FARUQUI

ઇમેજ કૅપ્શન, મુનવ્વર ફારુકીના લગભગ 26 લાખ ફૉલોઅર્સ છે અને 16 કરોડથી વધારે વ્યૂ છે

યૂ-ટ્યૂબ પર 5 મે, 2022 સુધીમાં મુનવ્વર ફારુકીના લગભગ 26 લાખ ફૉલોઅર્સ છે અને 16 કરોડથી વધારે વ્યૂ છે.

એક કૉમેડિયને અનુમાન કરીને બીબીસીને જણાવ્યું કે, "યૂ-ટ્યૂબમાંથી થતી કમાણી ઉપરાંત મુનવ્વર ભારતમાં એક શોના લગભગ એકથી દોઢ લાખ રૂપિયા લે છે."

ઘણા મીડિયા રિપોર્ટમાં પણ મુનવ્વરની લગભગ આટલી જ કમાણીનો દાવો કરાયો છે. દેખીતું છે કે મુનવ્વર તરફથી આ બાબતે કોઈ પણ માહિતી ક્યારેય જાહેર કરવામાં નથી આવી.

મુનવ્વર કૉમેડી ઉપરાંત રૅપ સૉન્ગ પણ ગાય છે.

હવે, શક્ય છે કે તમે વિચારતા હશો કે મુનવ્વરના ટુચકામાં એવું શું હોય છે અને વિવાદ કેમ થઈ જાય છે.

આ સમજવા માટે આવો, તમને મુનવ્વરના કેટલાક ટુચકા વિશે જણાવીએ. મુનવ્વરની યૂ-ટ્યૂબ ચૅનલ પર અપલોડ દેખાતા પહેલા વીડિયોની પહેલી લાઇન કંઈક આવી છેઃ

  • "મને લાગે છે કે 'બોલો જુબાં કેસરી' ભાજપનું ઇલેક્શન સ્લોગન હોવું જોઈએ. કેમ કે વિમલ હોય કે ભાજપ… દેશ માટે બંને કૅન્સર છે."
  • "તમે જોયું હશે કે ઝાડને છાપામાં લપેટીને આપવામાં આવે છે. કેમ કે ભારતમાં અખબાર એ જ કરે છે - સચ્ચાઈ સંતાડે છે."
  • "મારો એક દોસ્ત છે. એને લાગે છે કે મદરેસામાં ઇસ્લામી શિક્ષણમાં શીખવતા હશે કે ગાઓ બાળકો - ઇસ્લામનો હીરો, ઓસામા બિન લાદેન."
  • "તમારામાંથી કોઈનું નામ સીતા છે? કોઈનું નામ સીતા નથી. કેમ કે એક સમાજની રીતે આપણે નથી ઇચ્છતા કે સ્ત્રીઓ લાઇન પાર કરે."
  • "જાહેરખબરો એવું કહે છે કે કપડાં ધોવાનું કામ માત્ર સ્ત્રીઓનું છે. 'હેમા, રેખા, જયા ઔર સુષમા'. ક્યારેય સાંભળ્યું છે કે કોઈ સૌરભ નામના પુરુષને કપડાં ધોવાનું કહેવાયું હોય?"
  • "મારી પંજાબી લોકોને વિનંતી છે કે તમારી ગર્લફ્રૅન્ડ તમારી પાસે કશું માગે તો તે લાવીને આપી દો. ગીત ના બનાવી દો. પંજાબી ગીતોને સાંભળો - દરેક ગીતમાં કોઈક કશુંક માગી રહ્યા છે."
  • "આપણે મુસ્લિમ લોકો છીએ. આપણે લગ્નમાં સેલ્ફી પાડીએ ત્યારે ચીઝની જગ્યાએ બીફ બોલીએ છીએ. આપણી મુસ્લિમોની સેલ્ફીમાં બધાં બાળકો સમાતાં નથી તો એટલાં બાળકો પેદા કેમ કર્યાં?
line

મુનવ્વર સાથે સંકળાયેલાં વિવાદ અને ટીકા

મુનવ્વરના ટીકાકારો એમ કહે છે કે પોતાના વીડિયોમાં મુનવ્વર ધર્મ સાથે જોડાયેલી મજાક કેમ કરે છે અને ઝાકિર ખાન પણ કૉમેડી કરે છે પરંતુ તેઓ ક્યારેય ધર્મ કે રાજકારણ પર ટુચકા નથી બનાવતા

ઇમેજ સ્રોત, INSTA/MUNAWAR FARUQUI

ઇમેજ કૅપ્શન, મુનવ્વરના ટીકાકારો એમ કહે છે કે પોતાના વીડિયોમાં મુનવ્વર ધર્મ સાથે જોડાયેલી મજાક કેમ કરે છે અને ઝાકિર ખાન પણ કૉમેડી કરે છે પરંતુ તેઓ ક્યારેય ધર્મ કે રાજકારણ પર ટુચકા નથી બનાવતા

તમે ઉપર મુનવ્વર ફારુકીના જે ટુચકા વાંચ્યા તે ઘણા વીડિયોમાં સાંભળી શકાય છે. મુનવ્વરના ટીકાકારો એમ કહે છે કે પોતાના વીડિયોમાં મુનવ્વર ધર્મ સાથે જોડાયેલી મજાક કેમ કરે છે અને ઝાકિર ખાન પણ કૉમેડી કરે છે પરંતુ તેઓ ક્યારેય ધર્મ કે રાજકારણ પર ટુચકા નથી બનાવતા.

'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચૅલેન્જ' દ્વારા લોકોની નજરે ચડેલા કૉમેડિયન સુનીલ પાલ પણ મુનવ્વરની ટીકા કરી ચૂક્યા છે.

'લૉકઅપ' શોના લૉન્ચિંગ વખતે સુનીલ પાલે કહેલું, "ફ્રીડમ ઑફ સ્પીચનો અર્થ એવો નહીં કે તમે કંઈ પણ બોલવા માટે આઝાદ છો. તમે જે બોલો એનાથી સમાજમાં સારો મૅસેજ જવો જોઈએ. આવા લોકોના કારણે આજે લોકો ડરેલા છે. આ લોકો જનતાની સામે જાય છે ત્યારે એમનું પણ અપમાન કરે છે. વલ્ગર કન્ટેન્ટ આપે છે આ લોકો."

જોકે, મુનવ્વરે એનો જવાબ આપ્યો, "જે લોકો શોમાં આવે છે તેઓ આ બધાં શરતો - નિયમો વાંચીને પોતાની મરજીથી આવે છે, આ કૉમેડી ફૉર્મેટ છે - ક્રાઉડ વર્ક. જેમાં જનતાને જ સામેલ કરીએ છીએ."

એવા જ કૉમેડી વીડિયોમાં હિન્દુ દેવી-દેવતાઓ અને ગૃહમંત્રી અમિત શાહ પર કથિત ટિપ્પણી કરવાનો મુનવ્વર પર આરોપ હતો. આ આરોપના લીધે 1 જાન્યુઆરી, 2021એ ઇન્દોર પોલીસે મુનવ્વર સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી.

મુનવ્વરને ફેબ્રુઆરી 2021માં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા

ઇમેજ સ્રોત, INSTA/MUNAWAR FARUQUI

ઇમેજ કૅપ્શન, મુનવ્વરને ફેબ્રુઆરી 2021માં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા

લગભગ 1 મહિના સુધી મુનવ્વરને જેલમાં રહેવું પડ્યું હતું. એ દરમિયાન જામીન અરજી રદ કરીને મધ્ય પ્રદેશ હાઇકોર્ટની ઇન્દોર બેન્ચે કહેલું, "આવા લોકોને માફ ના કરવા જોઈએ."

મુનવ્વરને ફેબ્રુઆરી 2021માં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા.

આ જેલમુક્તિ પછી મુનવ્વરે મીડિયાથી અંતર જાળવી રાખ્યું હતું અને એક યૂ-ટ્યૂબ વીડિયો 'લીવિંગ કૉમેડી' પોતાની ચૅનલ પર પબ્લિશ કર્યો હતો.

એ વીડિયોમાં મુનવ્વરે કહેલું, "આ જે ટોળાંશાહી કે રાજકારણ છે, એનો કોઈ પણ શિકાર બની શકે છે. હું એનો શિકાર ના થયો, મને તો ખાલી ઉઝરડા થયા અને તે પણ એ વસ્તુના કારણે જે મેં કરી પણ નહોતી. રાજકારણના ચક્કરમાં કોઈની જિંદગી બરબાદ થઈ શકે છે."

"મેં ક્યારેય નહોતું ઇચ્છ્યું કે હું કોઈનું દિલ દુભાવીશ અને ક્યારેય મશહૂર થવાનું પણ નહોતું ઇચ્છ્યું. મેં માત્ર લોકોને હસાવવાનું પસંદ કર્યું, બસ. કોઈની પૅશન હોય કે તેઓ ગાડીમાં બેસીને ગાળ દે. મારી પૅશન છે કે હું લોકોને હસાવું. કોઈને તકલીફ થાય એવું હું ક્યારેય નહીં ઇચ્છું."

મુનવ્વરે વીડિયોના અંતમાં કહ્યું છે, "કૉમેડી તો હું છોડી નહીં શકું. કેમ કે કૉમેડી છોડવા માટેનાં મારી પાસે ઘણાં કારણ છે. પરંતુ, કૉમેડી કરવા માટે એક કારણ છે… એ અવાજ જે મંચ પર બોલાવે છે."

line

મુનવ્વરના રદ શો અને હવે આગળ શું…

બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાની ટીકા અને સમર્થન અંગે મુનવ્વર એક વાત કહે છે, તે અડચણો છતાં ચાલુ રહેલી મુનવ્વરની સફરને રજૂ કરે છે

ઇમેજ સ્રોત, YOUTUBE/MUNAWAR FARUQUI

ઇમેજ કૅપ્શન, બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાની ટીકા અને સમર્થન અંગે મુનવ્વર એક વાત કહે છે, તે અડચણો છતાં ચાલુ રહેલી મુનવ્વરની સફરને રજૂ કરે છે

આ વીડિયો જોવા મળ્યા પછી મુનવ્વરે બીજાં ઘણાં વીડિયો અને સ્ટૅન્ડઅપ કૉમેડી કર્યાં પરંતુ એ જ વર્ષ 2021 પૂરું થતાં થતાંમાં મુનવ્વરના ઘણા કૉમેડી શો રદ થયા. પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રએ સુરક્ષાનાં કારણોને ધ્યાનમાં રાખીને એ શો માટે મંજૂરી નહોતી આપી.

ત્યાર બાદ મુનવ્વરે સોશિયલ મીડિયા પર લખ્યું હતું, "…હવે બહુ થઈ ગયું." બીબીસીએ ત્યારે ડિસેમ્બર 2021માં મુનવ્વર સાથે વાતચીત કરી હતી અને એનો અર્થ પૂછ્યો હતો.

મુનવ્વરે બીબીસીને કહેલું કે, "મને મારી વાત કહેવા નહોતી મળતી. છેલ્લા કેટલાક દિવસોમાં કુલ 15 શો રદ થયા છે. હું વિચારતો હતો, ચાલો, ઠીક છે. પરંતુ લોકોને સમજાતું નહોતું કે હું કેવા સમયમાંથી પસાર થઈ રહ્યો છું. હું કંઈ જોખમી નથી. મારો શો જોયા વગર કોઈ કઈ રીતે કહી શકે કે આ ખોટું છે? તેથી ત્યારે એવું લાગ્યું કે, હવે બહુ થઈ ગયું."

જોકે, આ પછી મુનવ્વરના ઘણા વીડિયો યૂ-ટ્યૂબ પર અપલોડ થયા. એ વીડિયોઝમાં મુનવ્વર કૉમેડી કરતા કે રૅપ સૉન્ગ ગાતા જોવા મળે છે અને દરેક વીડિયોની શરૂઆતમાં એવું ડિસ્ક્લેમર જોવા મળે છે કે, આ વીડિયોનો હેતુ કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી, આ માત્ર ટુચકા છે. એને જુઓ અને આનંદ માણો.

બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાની ટીકા અને સમર્થન અંગે મુનવ્વર એક વાત કહે છે, તે અડચણો છતાં ચાલુ રહેલી મુનવ્વરની સફરને રજૂ કરે છે.

"જ્યાં સુધી દેશમાં પ્યાર, શાંતિ અને કૉમેડી પસંદ કરનારા સમજદાર લોકો તમારા પક્ષમાં છે, તમને સપૉર્ટ કરે છે, તેથી નફરત વધારે દિવસ જીતી નહીં શકે."

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો