મુનવ્વર ફારુકી : શું હવે ભારતમાં જોક કરવી ખતરનાક છે?

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

હ્યુમર ઇન ઇન્ડિયા ડૉક્યુમેન્ટરીના પ્રાંરભના દૃશ્યમાં સ્ટેન્ડ-અપ કૉમિક આર્ટિસ્ટ સંજય રાજોરા ટોણો મારતાં કહે છે કે, "આપણી પાસે સેન્સ ઑફ હ્યુમર નથી."

તેઓ કદાચ સાચા પણ છે અને ખોટા પણ. ભારતીયોનો હ્યુમર સાથે કંઈક ગૂંચવણભર્યો સંબંધ છે.

તેઓ ફૅમિલી અને કૉમ્યુનિટીને લગતી જોક મોટા ભાગે પસંદ કરે છે. પૉલિટિકલ વાતો અને મિમિક્રી પણ અહીં સ્વીકૃત છે. આ સિવાય યુવાન અને ઉદારવાદી દર્શકોને વ્યંગાત્મક કૉમેડી પસંદ છે.

મુનવર ફારુકીએ તાજેતરમાં પોતે કૉમેડી કરવાનું છોડી રહ્યા હોવાનો સંકેત આપ્યો હતો

ઇમેજ સ્રોત, MUNAWAR FARUQUI/FACEBOOK

ઇમેજ કૅપ્શન, મુનવર ફારુકીએ તાજેતરમાં પોતે કૉમેડી કરવાનું છોડી રહ્યા હોવાનો સંકેત આપ્યો હતો

આ સિવાય બોલીવૂડ ફિલ્મોમાં બૉડી-શૅમિંગ અને વિકલાંગોને લગતી જોક પણ પસંદ કરવામાં આવે છે. ભારતીય દર્શકો સ્લૅપસ્ટિક કૉમેડી અને જાતીય જોક પણ પસંદ કરે છે.

હિંદી ભાષાના કૉમેડિયન દીપક સૈની કહે છે કે તેમના દર્શકોને ખરાબ શબ્દોનો ઉપયોગ પસંદ નથી. નોંધનીય છે કે તેઓ દર વર્ષે 200 કરતાં વધુ શો કરે છે. પરંતુ જાણીતા કૉમેડિયન વીર દાસ કહે છે કે, "તેઓ આખા વર્ષ દરમિયાન સૌથી ગંદો અને વાંધાજનક શો રૉટરી ક્લબના 65 વર્ષ કે તેથી ઉપરની વયના લોકો માટે કરે છે."

સ્પષ્ટ છે કે ભારતીયો અલગ-અલગ પ્રકારની કૉમેડી પસંદ કરે છે. જેમાં શરમાવે તેવી નીચ કક્ષાની અને તીખી જોક સમાવિષ્ટ છે અને દરેક ઉંમરના લોકો તેના દર્શકો છે.

મુંબઈના સ્ટેન્ડ-અપ કૉમેડી માટેનાં સૌથી પ્રખ્યાત સ્થળો પૈકી એક ધ હૅબિટાટના માલિક બલરાજ ઘઈ કહે છે કે, "ભારતમાં બધા પ્રકારનું હ્યુમર છે. આ એક મોટો દેશ છે."

હવે ધીરેધીરે કૉમેડી ફિલ્મો અને કવિતાઓનાં સત્રોથી નીકળીને કાફે, ક્લબો, બાર, કૉર્પોરેટ શો, તહેવારો, ટીવી. યૂટ્યૂબ અને સ્ટ્રીમિંગ સર્વિસ સુધી પહોંચવા લાગી છે.

મુંબઈમાં એક કૉમેડી કાફે એક મહિનામાં 65 શોનું આયોજન કરે છે. ચાહકો કૉમેડિયનોને ઘેરી વળે છે અને તેમની સાથે સેલ્ફી લે છે. ટ્વિટર પર ઘણા કૉમેડિયનોના લાખો ફૉલૉઅર છે.

તેથી આટલી પૂર્વભૂમિકા પરથી તો બધું સારું છે તેવું જ દેખાય છે.

પરંતુ આવું ખરેખર નથી. પાછલા પખવાડિયા દરમિયાન વૉશિંગટન ડીસી ખાતે આયોજિત વીર દાસના એક મૉનોલૉગના કારણે ઘણાં પ્રદર્શનો યોજાયાં, જેના કારણે પોલીસ ફરિયાદ થઈ અને પ્રતિબંધ પણ લાદવામાં આવ્યા.

દાસે કહ્યું કે, "તેમની રજૂઆત બે જુદાંજુદાં ભારતને રજૂ કરતી હતી", જેમાં તેઓ રહે છે. તેમના ટીકાકારોએ તેમની ભારતની નિંદા કરવા બદલ ટીકા કરી હતી.

line

મુનવ્વર ફારુકીને તેમના ધર્મના લીધે ટાર્ગેટ કરાઈ રહ્યા છે?

તાજેતરમાં જ વીર દાસની તેમના ‘ટુ ઇન્ડિયાઝ’ નામના મોનોલોગને લઈને ઘણી ટીકા થઈ હતી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તાજેતરમાં જ વીર દાસની તેમના ‘ટુ ઇન્ડિયાઝ’ નામના મોનોલોગને લઈને ઘણી ટીકા થઈ હતી.

આ વર્ષે જ મૂળ ગુજરાતના મુસ્લિમ સ્ટૅન્ડઅપ કૉમેડિયન મુનવ્વર ફારુકીને એક જોકના કારણે એક માસ જેલમાં વિતાવવો પડ્યો હતો. તેમણે જમણેરી હિંદુ જૂથોનાં પ્રદર્શનોને કારણે તેમના એક ડઝન જેટલા શો રદ કરાયા હોવાના કારણે કૉમેડી કરવાનું બંધ કરવા તરફ ઇશારો કર્યો હતો.

કુણાલ કામરા નામના એક સ્ટેન્ડ-અપ કૉમેડિયન કે જેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વેશ ધારણ કરી અસભ્ય લાગે તેવા ઘણા શો કર્યા છે, તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અંગે જોક કરતાં તેમની સામે પડ્યા છે.

ધ હૅબિટાટ પર વર્ષ 2017માં ત્યારે પ્રથમ વખત લક્ષ્ય સાધવામાં આવ્યું હતું જ્યારે ધ હૅબિટાટના માલિક બલરાજ ઘઈ પર અમુક યુવાનોએ કૉમેડિયનોની યાદીમાંથી એકનું નામ દૂર કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

આ કૉમેડિયનની ભૂલ એ હતી કે તેમણે 17મી સદીના લડાયક રાજા શિવાજી, જેઓ હવે હિંદુ ઓળખના પ્રતીક છે, તેમના અંગે અમુક જોક કરી હતી.

2020માં અન્ય એક જૂથ કાફેમાં બૂમો પાડતું ધસી આવ્યું હતું. આ જૂથ પણ એક એવા કૉમેડિયનને બહાર કરવાની માગ કરી રહ્યું હતું જેમણે શિવાજીનું અપમાન કર્યાનો તેઓ દાવો કરી રહ્યા હતા.

ઑક્ટોબર માસમાં જમણેરી જૂથે આ કાફેને ફારુકીના શોને રદ કરવા માટે નિશાન બનાવ્યું હતું. ઘઈને ત્યાં કામ કરનારા લોકોને અજાણી વ્યક્તિઓ તરફથી ધમકીભરેલા કૉલ આવ્યા છે.

ઘઈ આ વિશે કહે છે કે, "ચિંતાનો વિષય એ છે કે આ પ્રકારના વ્યતિક્રમ જીવન અને સ્વતંત્રતા માટે એક જોખમ તરીકે સામે આવી શકે છે. આ બધું તમારી આશાઓને મારી નાખે છે અને તમને કંટાળો આવી જાય તે હદ સુધી લઈ જાય છે."

ઘણી વાર દર્શકો ઘણા સંવેદનશીલ હોઈ શકે છે. ફૅમિલી અંગેની જોક હંમેશાં લોકો માણે છે, પરંતુ નીતિ પાલટા નામનાં કૉમેડિયને પરિવારને 'બદનામ' કરવા માટે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. એ સમયે તેમણે શારીરિક દંડ અંગે એક જોક કરી હતી.

મુનવ્વર ફારુકી પોતે ન કરેલી જોક માટે એક મહિનો જેલમાં વિતાવી ચૂક્યા છે

ઇમેજ સ્રોત, Facebook/ Munawwar Farooqui

ઇમેજ કૅપ્શન, મુનવ્વર ફારુકી પોતે ન કરેલી જોક માટે એક મહિનો જેલમાં વિતાવી ચૂક્યા છે

કૉમિક અમિત ટંડનને તેમનાં પત્ની અંગે જોક કરવા બદલ લિંગભેદી ગણાવવામાં આવ્યા હતા.

એક શીખ વકીલે સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2017માં શીખ સમુદાય અંગેની જોક પર પ્રતિબંધ લાદવા માટે અરજી કરી હતી. (પરંતુ કોર્ટે, તેઓ નાગરિકો માટે નીતિને લગતી માર્ગદર્શિકા બહાર ન પાડી શકે, તેવું જણાવી આ અરજી અંગે પગલાં નહોતાં લીધાં.)

હાલમાં ઝડપથી વિકસી રહેલ "વાંધો ઉઠાવનાર લોકોની ઇન્ડસ્ટ્રી", જેને સોશિયલ મીડિયા વેગ પૂરો પાડે છે, તેઓ બાબતોને વધુ જટિલ બનાવી રહી છે.

પાલટાએ કહ્યું, "આજકાલ લોકો ખૂબ જ ઝડપથી વાંધો ઉઠાવવા માટે સામે આવવા લાગ્યા છે."

સીમાંત જૂથો - જેમાં મોટા ભાગે જમણેરી વિચારધારાવાળા બેરોજગાર અને ધ્યાન આકર્ષવા માગતા યુવાનો સામેલ હોય છે - ઘણી વખત શો અટકાવી દે છે. હાલનો સમય જે કૉમેડિયનો સંવેદનશીલ મુદ્દાને વધુ ઍક્સપ્લોર કરવા માગે છે તેમના માટે યોગ્ય નથી.

સ્ટેન્ડ-અપ કૉમિક નીતિ પાલટાએ કહ્યું કે લોકો આજકાલ ખૂબ ઝડપથી કોઈ પણ બાબત અંગે વાંધો વ્યક્ત કરવા માટે સામે આવવા લાગ્યા છે

ઇમેજ સ્રોત, NEETI PALTA

ઇમેજ કૅપ્શન, સ્ટેન્ડ-અપ કૉમિક નીતિ પાલટાએ કહ્યું કે લોકો આજકાલ ખૂબ ઝડપથી કોઈ પણ બાબત અંગે વાંધો વ્યક્ત કરવા માટે સામે આવવા લાગ્યા છે

પાલટાએ એક શો દરમિયાન મજાકમાં કહ્યું હતું કે, "ભારતમાં આજકાલ એક ચળવળ ચાલી રહી છે. જો તમે જોક ક્રેક કરશો તો અમે તમને ક્રેક કરી નાખીશું."

તેઓ આગળ જણાવે છે કે, "પહેલાં મારું ધ્યાન પંચલાઇન સુધી પહોંચવા માટે શક્ય તેટલાં નાનાં વાક્ય ઘડવા પર રહેતું."

જેલમાં ફેંકાઈ રહેલા કૉમેડિયનો તરફ ઇશારો કરતાં તેઓ કહે છે કે, "હવે હું એ વાત પર વધુ ભાર આપું છું કે મારી પંચલાઇનને કારણે મને સજા ન થાય."

ઘણી બધી રીતે ભારતીય હાસ્ય કલાજગત માટે આ સૌથી સારો અને કપરો બંને પ્રકારનો સમય છે.

ફૅમિલી અને કૉમ્યુનિટી અંગેની જોક કરો તેમાં કોઈ વાંધો નથી, પરંતુ ધર્મ, રાષ્ટ્રીય ચિહ્ન અને દેવી-દેવતાઓની મશ્કરી કરતી કોઈ રજૂઆત ન કરશો.

ટંડન કહે છે કે હવે તેઓ ધર્મ અંગે "સાદો રેફરન્સ" આપતી મશ્કરી કરવાનું પણ ટાળે છે. ફારુકી પર નિશાન સાધવામાં આવી રહ્યું છે તેનું એક કારણ તેમનો ધર્મ પણ છે, તેવું ઘણા માને છે. આ સિવાય દલિતો માટે પણ કહેવાતા ઉચ્ચ જ્ઞાતિના લોકો અંગે મશ્કરી કરતી જોક કરવી અશક્ય બની જશે.

રાજોરા (જેઓ એક મ્યુઝિકલ વ્યંગ્ય શો, ઐસી તૈસી ડેમૉક્રસીના સભ્ય છે) કહે છે કે ભારતીયો કૉમેડીને લઈને સંવેદનશીલ થઈ ગયા છે, કારણ કે તેઓ "તેના અંગે ઓછી માહિતી ધરાવે છે અને તેઓ જગતમાં તેના સ્થાન અંગે સાવધ નથી."

કૉમેડીને અસહિષ્ણુતાનું વાતાવરણ ખૂબ જ ઝડપથી ઘેરી વળી શકે છે.

આઈ એમ ઑફેન્ડેડના દિગ્દર્શક જયદીપ વર્મા કહે છે કે, "હાસ્ય માણવા કરતાં વિચારધારા વધુ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. તમે આવો જુસ્સો હણનારા વાતાવરણમાં હાસ્યજગતના વિકાસ અંગે કઈ રીતે વિચારી શકો."

line

કૉમેડિયનોએ રાજકીય દૃષ્ટિએ સંતુલન જાળવવું જોઈએ?

દીપક સૈની કહે છે કે કૉમેડિયનોએ 'રાજકીય દૃષ્ટિએ સંતુલન જાળવવું જોઈએ'

ઇમેજ સ્રોત, Deepak Saini

ઇમેજ કૅપ્શન, દીપક સૈની કહે છે કે કૉમેડિયનોએ 'રાજકીય દૃષ્ટિએ સંતુલન જાળવવું જોઈએ'

સૈની જેવા કૉમેડિયનોને પરિસ્થિતિ બહુ વણસી હોય તેવું લાગતું નથી. તેમણે કહ્યું કે, "કૉમેડિયનોએ પૉલિટિક્સથી બચવાની જરૂર નથી તેમણે માત્ર 'સંતુલન જાળવવાની' જરૂર છે. દર્શકોને સંતુલન જોઈએ છે. તેમજ ઘણી અંગ્રેજીમાં થતી કૉમેડીમાં મોટા ભાગે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. જે ભારતના મુખ્ય પ્રવાહમાં ચાલતું નથી."

આ જરા વિટંબણાવાળી સ્થિતિ હોય તેવું પણ લાગે છે, કારણ કે ભારતના ઇતિહાસમાં બિરબલ અને તેનાલી રામા જેવી હસ્તીઓ થઈ ચૂકી છે. જેઓ પોતાની વ્યંગ્યાત્મક ચતુરાઈને કારણે મનોરંજનનાં પાત્રો તરીકે અમર બની ગયાં છે.

પરંપરાગત લગ્નગીતો પણ મશ્કરીભર્યાં અને અસભ્ય શબ્દો ધરાવતાં હોય તેવું જોવા મળે છે.

ભારતના સૌથી વધુ ખ્યાતનામ હાસ્ય કલાકાર ગણાતા એવા ખુશવંતસિંહે દાયકાઓ સુધી કૉલમ લખી જેનું શીર્ષક જ હતું, "વ્યક્તિગતપણે અને બધા પ્રત્યે દ્વેષ સાથે."

દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન પાલટાને એક દર્શકે અમુક વિષય અંગે વધુ 'ઊંડાણમાં ઊતરવા' જણાવ્યું. એ સમયે તેમણે પોતાના મનની અંદર રહેલા ભયનો ફરી એક વાર સામનો કરવો પડ્યો.

તેમણે તે દર્શકને કહ્યું કે, "જો હું હજુ વધુ ઊંડી ઊતરીશ તો એ સુરંગ જેલ તરફ જ ખૂલશે."

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો