લિવ-ઇન રિલેશન : ઝારખંડની એ ખાસ પ્રથા જેમાં લિવ-ઇન પછી લગ્ન થાય છે

    • લેેખક, રવિ પ્રકાશ
    • પદ, રાંચીથી બીબીસી માટે

ઝારખંડનાં ગામડાઓમાં અખાડાની પરંપરા છે. અહીં આયોજિત ધૂમકુડિયા નામથી ઓળખાતા સમારોહ દરમિયાન કોઈ યુવતી કે યુવક કોઈને પસંદ કરી લે તો તે તેમની સમક્ષ પ્રેમ પ્રસ્તાવ મૂકે છે.

પરિવારના સભ્યો આ લગ્ન માટે સંમત થઈ જાય તો તેઓ લગ્ન કરી લે છે. પરંતુ, કેટલાક કિસ્સાઓમાં, પરિવારના સભ્યો તેમની સાથે સહમત નથી થતા.

પછી દંપતિ લિવ-ઇનમાં પતિ-પત્ની તરીકે રહેવાનું શરૂ કરે છે. જેને ઢુકૂ કહેવામાં આવે છે. અને ત્યાર બાદ બાળકો જન્મે પછી લગ્નનો વારો આવતો હોય છે.

લગ્ન

ઇમેજ સ્રોત, NIMITTA

ઇમેજ કૅપ્શન, કેટલાક પ્રસંગોએ તમને એક જ મંડપમાં અથવા થોડા કલાકોના અંતરે એક જ દિવસે એકસાથે માતાપિતા અને તેમનાં પુત્ર-પુત્રીનાં લગ્ન થતાં જોવા મળે છે.

ઝારખંડના ખૂંટી જિલ્લાના ડુમરદગા ગામનાં ફૂલમણી ટૂટી 46 વર્ષનાં છે. વર્ષ 1998માં તેમનાં પ્રથમ લગ્ન વખતે તેમની ઉંમર માત્ર 22 વર્ષની હતી.

લગ્નનાં સાત વર્ષ પછી તેમના પતિનું અવસાન થયું. ત્યાં સુધીમાં તેમને બે બાળકો હતાં અને ત્રીજું પેટમાં હતું. ફૂલમણી ગર્ભવતી હતાં.

પતિના મૃત્યુ પછી તેઓ સાવ એકલાં પડી ગયાં. ત્રણ-ત્રણ બાળકો અને ઘરમાં કોઈ યુવાન પુરુષ ન હતો, જે કંઈ કમાણી કરીને ઘરનો ખર્ચ ચલાવી શકે.

તેમના સસરા બહુ વૃદ્ધ હતા. જેના કારણે તેઓ ક્યાંય કામ કરવા જઈ શકે તેવી સ્થિતિમાં ન હતા.

સાસુનું તો વહેલાં જ અવસાન થઈ ગયું હતું. ફૂલમણી માથે તો જાણે દુઃખનો પહાડ જ તૂટી પડ્યો અને તેમાંથી નીકળી શકાય તેવો કોઈ ઉપાય તેમની પાસે નહોતો.

ફૂલમણી ઘરમાં પોતાના બે પુત્રો, એક પુત્રી અને સસરા બિરસા લોહરા સાથે રહેતાં હતાં. ત્યાર બાદ તેમના સસરાએ તેમની બહેનના પુત્ર મહાવીરને દત્તક લઈ લીધા.

ફૂલમણી ટૂટીની મહાવીર સાથે નિકટતા વધી અને તેઓ લિવ-ઇનમાં રહેવાં લાગ્યાં. આ સંબંધને તેમના સસરાનું પણ સમર્થન હતું.

તેઓ ખુશ હતા, કારણ કે તેમનાં વહુને તેમનો જીવનસાથી અને ઘરનો વારસદાર મળ્યો હતો. હવે આ સંબંધને સામાજિક ઓળખ આપવા માટે તેમને ગામના પંચો પાસે જવાનું હતું. તેમની સલાહ પ્રમાણે, દંપતીના વિધિવત લગ્ન કરાવવાનાં હતાં. પરંતુ, તે પહેલાં જ તેમના સસરાનું અવસાન થઈ ગયું.

ફૂલમણી ટૂટી અને તેમના પતિ મહાવીર

ઇમેજ સ્રોત, NIMITTA

ઇમેજ કૅપ્શન, ફૂલમણી ટૂટી અને તેમના પતિ મહાવીર

હવે ઘરમાં ફૂલમણી ટૂટીનાં દીકરા-દીકરીઓ અને તેમના લિવ-ઇન પાર્ટનર મહાવીર લોહરા હતા.

મહાવીર મહેનત મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવવા લાગ્યા અને તેમનું જીવન ફરી પાટા પર ચડી ગયું. તેઓ પતિ-પત્નીની જેમ રહેવાં લાગ્યાં.

પરંતુ, તેમના વિધિવત્ લગ્ન થયાં ન હતાં, તેથી તેમને લોકો 'ઢુકૂ' કહીને બોલાવતા. કારણ કે સમાજની ઔપચારિક મંજૂરી વિના મહાવીર પોતાના જ ગામની એક મહિલા સાથે લિવ-ઇનમાં રહેતા હતા. આ કારણે, ફૂલમણી ટૂટીને તેના સસરાની જમીન પર વિધિવત (દસ્તાવેજી) અધિકારો ન મળી શક્યા.

સ્વૈચ્છિક સંસ્થા 'નિમિત્ત' દ્વારા તાજેતરમાં આયોજિત સમૂહલગ્ન સમારોહમાં તેમણે વિધિવત્ લગ્ન કરી લીધાં છે. તેઓ આ સંસ્થાના ગ્રામ્ય સંયોજક પણ છે.

ફૂલમણી ટૂટીએ બીબીસીને કહ્યું, "મને મારા સાસરિયાંની મિલકત પર માલિકી હક્કો મળી ગયા છે અને મારા પતિને ઢુકૂના સંબોધનથી મુક્તિ મળી ગઈ છે."

"અમે હવે કાયદેસર રીતે પતિ-પત્ની છીએ. 16 વર્ષના લિવ-ઇન સંબંધ પછી અમારાં લગ્ન થયાં છે. તેથી અમે ખુશ છીએ."

"અમે અગાઉ સરના ધર્મમાં માનતા હતા, પણ હવે અમે ખ્રિસ્તી છીએ. તેથી અમારાં લગ્ન ચર્ચની પરંપરા મુજબ કરાવવામાં આવ્યાં છે."

"તે લગ્ન સમારોહમાં સરના અને હિન્દુ ધર્મના લોકોના પણ આવ્યા હતા. તેઓ બધા અમારી જેમ લિવ-ઇનમાં રહેતા હતા."

line

અનેક યુગલોનાં લગ્ન

લગ્ન

ઇમેજ સ્રોત, NIMITTA

ઇમેજ કૅપ્શન, આદિવાસી સમાજ સામાન્ય રીતે મહિલા પ્રધાન માનવામાં આવે છે, જ્યાં દરેક નિર્ણયમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવે છે.

ફૂલમણી ટૂટીની જેમ ખૂંટીમાં આયોજિત સમૂહલગ્ન સમારોહમાં ઘણા 'ઢુકૂ' યુગલોએ લગ્ન કર્યાં છે અને તેમના સમાજ અનુસાર, હવે દરેકના લિવ-ઇન રિલેશનશિપને સામાજિક અને કાનૂની માન્યતા મળી ગઈ છે.

સિલવંતી મુંડાઇન પણ તેમાંનાં એક છે. તેઓ 69 વર્ષનાં છે. તેમનાં પૌત્ર-પૌત્રી છે, પરંતુ તેઓ હજુ સુધી લગ્ન કરી શક્યાં નહોતાં. તેમનો મોટો પુત્ર 40 વર્ષનો છે.

તેઓ છેલ્લાં 46 વર્ષથી તેમના પતિ પ્રભુ સહાય આઈંદ સાથે લિવ-ઇનમાં રહેતાં હતાં.

હવે તેઓ વિધિવત્ પરિણીત છે અને ઝારખંડના આદિવાસી સમાજની પરંપરા અનુસાર તેમને સાસરિયાઓની મિલકત પર માલિકીના અધિકાર મળી ગયા છે.

સિલવંતી મુંડાઇન અને ફૂલમણી ટૂટીની જેમ પ્રમિલા ટોપનો, ઠેકલા ઉરાઇન, ફૂલો મુંડાઇન, જાઉની મુંડાઇન, કૃપા સોયા, મરિયમ બોદરા, શાંતિ આઈંદ પણ એવા લોકોમાં સામેલ છે જેમનાં વર્ષોનાં લિવ-ઇન રિલેશનશીપ અને બાળકો પેદા થયાં પછી વિધિવત્ લગ્ન થયાં છે.

ઝારખંડમાં આવાં લગ્નના સમાચારથી કોઈને આશ્ચર્ય થતું નથી, કારણ કે તે આદિવાસીઓની પરંપરાનો હિસ્સો છે.

આદિવાસી સમાજમાં અનેક પ્રકારના લગ્ન પ્રચલિત છે. ઢુકૂ રિવાજ પણ તેમાંનો એક છે.

line

ઢુકૂ રિવાજ શું છે?

લગ્ન

ઇમેજ સ્રોત, NIMITTA

ઇમેજ કૅપ્શન, આદિવાસી સમાજના રીત-રિવાજો અને પરંપરાઓ લગ્ન અને જીવનસાથીની પસંદગીની સ્વતંત્રતાના મામલે મહિલાઓને વિશેષ અધિકાર આપે છે.

આદિવાસી સમાજ સામાન્ય રીતે મહિલા પ્રધાન માનવામાં આવે છે, જ્યાં દરેક નિર્ણયમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવે છે.

જોકે મિલકતના કબજાના લોભમાં (ઉપલબ્ધ માહિતી અનુસાર) ડાકણ ગણાવીને મહિલાઓની હત્યાના કેસોમાં ઝારખંડની ટીકા પણ કરવામાં આવે છે.

આ મૂળભૂત રીતે આદિવાસી સમાજને લગતો મુદ્દો છે. આમ છતાં અહીંના આદિવાસી સમાજના રીત-રિવાજો અને પરંપરાઓ લગ્ન અને જીવનસાથીની પસંદગીની સ્વતંત્રતાના મામલે મહિલાઓને વિશેષ અધિકાર આપે છે.

આદિવાસી ધર્મગુરૂ બંધન તિગ્ગા અનુસાર, ઢુકૂ પ્રણાલી પણ આવી સ્વતંત્રતાનો ઉદ્દઘોષ છે.

બિન-સરકારી સંસ્થા નિમિત્તના સ્થાપક સચિવ નિકિતા સિંહા

ઇમેજ સ્રોત, NIMITTA

ઇમેજ કૅપ્શન, બિન-સરકારી સંસ્થા નિમિત્તના સ્થાપક સચિવ નિકિતા સિંહા

બંધન તિગ્ગાએ બીબીસીને કહ્યું, "ઝારખંડનાં ગામડાઓમાં અખાડાની પરંપરા છે. અહીં આયોજિત ધૂમકુડિયા સમારોહ દરમિયાન યુવાનો અને યુવતીઓ માટે અલગ-અલગ રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે."

"સાંજે તેઓ એકસાથે નૃત્ય કરે છે અને ગીતો ગાય છે. આ દરમિયાન, જો કોઈ યુવતી કે યુવક કોઈને પસંદ કરી લે તો તે તેમની સમક્ષ પ્રેમ પ્રસ્તાવ મૂકે છે."

"પછી તેઓ આ વાત તેમનાં માતા-પિતાને કહે છે. જો પરિવારના સભ્યો આ લગ્ન માટે સંમત થઈ જાય તો તેઓ લગ્ન કરી લે છે. પરંતુ, કેટલાક કિસ્સાઓમાં, પરિવારના સભ્યો તેમની સાથે સહમત નથી થતા."

"પછી દંપતિ લિવ-ઇનમાં પતિ-પત્ની તરીકે રહેવાનું શરૂ કરે છે. જેને ઢુકૂ કહેવામાં આવે છે."

"ઘણા કિસ્સામાં આવાં યુગલો ગામ છોડીને ચાલ્યા જાય છે અને બાળકો જન્મે ત્યાર બાદ ગામમાં પાછા ફરે છે. પછી આવા દંપતી લગ્નની સામાજિક માન્યતા માટે ગામના પંચો (પાહન, મહતો વગેરે) પાસે જાય છે."

તેઓ સમજાવે છે, "પંચ તેમના પર દંડ લાદે છે. તેમની ચૂકવણી કર્યા પછી, તેઓ વિધિવત્ લગ્ન કરે છે."

"જેથી કરીને, તેઓને તેમની પૈતૃક સંપત્તિમાં હિસ્સો મળી શકે અને તેઓ તેમનાં બાળકોનાં લગ્ન વિધિવત્ રીતે કરાવી શકે."

આમ કેટલાક પ્રસંગોએ તમને એક જ મંડપમાં અથવા થોડા કલાકોના અંતરે એક જ દિવસે એકસાથે માતાપિતા અને તેમનાં પુત્ર-પુત્રીનાં લગ્ન થતાં જોવા મળે છે.

line

સમૂહ લગ્નનું મહત્ત્વ

આદિવાસી ધર્મગુરૂ બંધન તિગ્ગા

ઇમેજ સ્રોત, NIMITTA

ઇમેજ કૅપ્શન, આદિવાસી ધર્મગુરૂ બંધન તિગ્ગા

બંધન તિગ્ગા કહે છે, "ઢુકૂ યુગલ માટે સામાન્ય રીતે નજીવા દંડનો રિવાજ છે. ઘણીવાર દંડ રૂ. 100-200 અથવા ખસ્સી (બકરા)થી લઈને આખા ગામના લોકો માટે ભોજન સમારંભ સુધીનો હોય છે."

"દંડ નક્કી કરતી વખતે પંચ તે યુગલની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લે છે."

ઢુકૂ પ્રથામાં સાથે રહેતાં યુગલોનાં સમૂહલગ્ન સમારોહનું આયોજન કરતી બિન-સરકારી સંસ્થા 'નિમિત્ત'નાં સ્થાપક સચિવ નિકિતા સિંહા માને છે કે , "ઝારખંડમાં આવા કાર્યક્રમો સતત યોજવાની જરૂર છે."

તેમણે કહ્યું કે કોલ ઇન્ડિયા અને ખૂંટી જિલ્લા પ્રશાસને પણ તેમના આયોજનને સમર્થન આપ્યું છે.

તેમણે બીબીસીને કહ્યું, "નિમિત્ત દ્વારા અમે અત્યાર સુધીમાં 1950 યુગલોનાં લગ્ન કરાવ્યાં છે. આ માટે એક ડઝનથી વધુ સમૂહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે."

"આવાં લગ્નોનું આયોજન કરતી વખતે અમે ધ્યાનમાં રાખીએ છીએ કે તે યુગલોનો ધર્મ કયો છે. તેમનાં લગ્ન તેમના ધર્મની પરંપરાઓ અનુસાર કરવામાં આવે છે, પછી ભલે તેઓ સરના (આદિવાસી ધર્મ)ના હોય કે હિન્દુ, ખ્રિસ્તી અથવા અન્ય કોઈ ધર્મના હોય."

અત્યાર સુધી યોજાયેલાં લગ્નોના આંકડા મુજબ, 85 ટકા યુગલોનાં લગ્ન જ્યારે તેઓને બાળકો થઈ ગયાં હતાં ત્યારે થયાં હતાં. આવાં લગ્ન કરતાં 85 ટકા યુગલો આદિવાસી (એસટી) છે.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો