શિવકુમાર શર્મા : સંતૂરવાદક પંડિત શિવકુમાર શર્માનું અવસાન, મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ - પ્રેસ રિવ્યૂ
મહાન સંતુરવાદક શિવકુમાર શર્માનું અવસાન થયું છે. 84 વર્ષીય શિવકુમાર શર્મા છેલ્લા 6 મહિનાથી કિડનીની બિમારીથી પીડાતા હતા અને ડાયાલિસિસ પર હતા.
કાર્ડિયાક અરેસ્ટને કારણે મુંબઈમાં તેમનું નિધન થયું છે.
શિવકુમાર શર્માએ પોતાની કલા વડે જમ્મુ-કાશ્મિરના વાદ્ય સંતુરને દુનિયાભરમાં ખ્યાતિ અપાવી હતી.

ઇમેજ સ્રોત, Hindustan Times
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
તેમણે લખ્યું કે, "પંડિત શિવકુમાર શર્માજીના નિધનથી આપણું કલાજગત વધુ ગરીબ થયું છે. તેમણે સંતૂરને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવ્યું. તેમનું સંગીત આવનારી પેઢીઓને મંત્રમુગ્ધ કરતું રહેશે. મને તેમની સાથેની મારી મુલાકાતો યાદ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
તેઓ અન્ય વાદ્યો સાથે જુગલબંદી કરતા હતા, મોટેભાગે સરોદ અને સંતૂરની જુગલબંદી જામતી હતી.
તેઓ મ્યૂઝિક કંમ્પોઝર પણ હતા. તેમણે મહાન વાંસળીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયા સાથે ફિલ્મ સિલસિલા, લમ્હે અને ચાંદની જેવી ફિલ્મો માટે સંગીત આપ્યું હતું.
તેમણે ઘણા શિષ્યોને તાલીમ આપીને તૈયાર કર્યા હતા. તેમના પુત્ર રાહુલ શર્માની પણ દેશના જાણીતા સિતારવાદકમાં ગણના થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર તેમની અંતિમ ક્રિયા બુધવારે સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે મહારાષ્ટ્રના પવન હંસમાં થશે.

કુતુબમિનારનું નામ વિષ્ણુસ્તંભ કરવાની માગ, દિલ્હીમાં વિરોધપ્રદર્શન

ઇમેજ સ્રોત, ANI
હિંદુવાદી સંગઠન મહાકાલ માનવસેવાના કાર્યકર્તા દિલ્હીની ઐતિહાસિક ધરોહર કુતુબમિનારનું નામ બદલીને વિષ્ણુસ્તંભ કરવાની માગ સાથે પ્રદર્શન કરી રહ્યા છે.
આ વિરોધપ્રદર્શન દક્ષિણ દિલ્હીમાં સ્થિત મહરૌલી વિસ્તારમાં આવેલા કુતુબમિનારની પાસે કરવામાં આવી રહ્યું છે. કુતુબમિનાર યુનેસ્કોની 'વર્લ્ડ હૅરિટેજ સાઇટ'ની યાદીમાં સામેલ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આ સિવાય યુનાઇટેડ હિંદુ ફ્રન્ટ સહિત કેટલાક હિંદુવાદી સંગઠનોએ ત્યાં હનુમાનચાલીસાના પાઠ પણ કર્યા. જ્યાર બાદ દિલ્હી પોલીસે તેમની અટકાયત કરી છે.
યુનાઇટેડ હિંદુ ફ્રન્ટ સંગઠનનું કહેવું છે કે કુતુબમિનાર હકીકતમાં વિષ્ણુસ્તંભ જ છે. આ મિનારને જૈન અને હિંદુ મંદિરોને તોડીને બનાવવામાં આવેલ છે.

પંજાબ પોલીસના ગુપ્તચર વિભાગના મુખ્યાલય પર ગ્રૅનેડ હુમલા બાદ હાઈ ઍલર્ટ

ઇમેજ સ્રોત, ANI
પંજાબના મોહાલીમાં પોલીસ ગુપ્તચર વિભાગના મુખ્યાલય પર સોમવારે રાત્રે રૉકેટ જેવા હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો, આ ગ્રૅનેડ હુમલો હોવાનું કહેવાઈ રહ્યું છે. બ્લાસ્ટના કારણે ઇમારતની બારીઓ તૂટી ગઈ હતી.
પંજાબ પોલીસે કહ્યું છે કે આ ઘટનામાં વધારે નુકસાન થયું નથી અને આ વિસ્તારને કૉર્ડન કરવામાં આવ્યો છે. આ બ્લાસ્ટ સોમવારે રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ થયો હતો. આ ઘટના બાદ પંજાબમાં હાઈઍલર્ટ જારી કરવામાં આવી છે.
પોલીસ તરફથી જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે "સાંજે અંદાજે પોણા આઠ વાગ્યે એસએએસ નગરમાં પંજાબ પોલીસના ગુપ્તચર વિભાગના મુખ્યાલયમાં એક સામાન્ય વિસ્ફોટની માહિતી મળી હતી, તેમાં ઝાઝું નુકસાન થયું નથી. તપાસ માટે ફૉરેન્સિકની ટીમને બોલાવાઈ છે."
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મામલે હાલ તપાસ ચાલી રહી છે અને અમારા વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે. વિસ્ફોટ એક રૉકેટ જેવા હથિયારથી કરવામાં આવ્યો છે અને તેમાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ ઘટના સંદર્ભે પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદરસિંહ, કૉંગ્રેસ નેતા સુખજિંદરસિંહ રંધાવાએ ટ્વીટ કરીને ઘટનાની ત્વરિત તપાસકરવાની માગ કરી છે.

રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે, દાહોદમાં સભા યોજશે

ઇમેજ સ્રોત, Reuters
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. જ્યાં તેઓ દાહોદમાં સભાને સંબોધશે.
ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, રાહુલ ગાંધી 10 મેના રોજ દાહોદની નવજીવન આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં 'આદિવાસી સત્યાગ્રહ રેલી'માં સંબોધન કરશે.
ત્યાર બાદ સાંજે દાહોદના ગોવિંદનગરસ્થિત સ્વામી વિવેકાનંદ સંકુલમાં કૉંગ્રેસના ધારાસભ્યો અને આદિવાસી નેતાઓ સાથે બેઠક યોજશે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની આ મુલાકાત ત્રણ કારણોથી સૂચક માનવામાં આવી રહી છે.
પહેલું છે, વડા પ્રધાન મોદીની 20 એપ્રિલની મુલાકાત. જેમાં તેમણે દાહોદમાં રૂપિયા 20 હજાર કરોડના ખર્ચે રેલવે વર્કશોપની જાહેરાત કરી હતી.
બીજું કારણ છે, અશ્વિન કોટવાલનું રાજીનામું. ગુજરાતના આદિવાસી સમાજમાં ઘરોબો ધરાવતા ધારાસભ્ય તાજેતરમાં જ કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે.
ત્રીજું અને અંતિમ કારણ છે કૉંગ્રેસનો આંતરિક ખટરાગ. કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલ છેલ્લા ઘણા સમયથી પાર્ટીની કાર્યપ્રણાલીથી નારાજ છે. તેઓ પોતાની નારાજગી વ્યક્ત પણ કરી ચૂક્યા છે અને સંખ્યાબંધ નેતાઓ અને ધારાસભ્યો પણ પક્ષ સાથે છેડો ફાડી રહ્યા છે.

વડા પ્રધાન મોદીને મળનારાં કૉંગ્રેસ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટે આપ્યું રાજીનામું

ઇમેજ સ્રોત, Facebook/ Shweta Brahmbhatt
ગાંધીનગરસ્થિત રાજભવન ખાતે વડા પ્રધાન મોદીને મળનારાં કૉંગ્રેસ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટે સોમવારે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે.
ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, તેમણે રાજીનામું ફેસબુક પેજ પર પોસ્ટ કર્યું હતું. આ રાજીનામું પાર્ટીનાં અધ્યક્ષા સોનિયા ગાંધીને સંબોધીને લખવામાં આવ્યું હતું.
38 વર્ષીય શ્વેતા બ્રહ્મભટ્ટે અવારનવાર રાહુલ ગાંધીને ઈ-મેઇલ લખીને પાર્ટીમાં સુધારા લાવવા અંગે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.
અહેવાલમાં તેમને ટાંકીને લખવામાં આવ્યું છે કે, વડા પ્રધાનને મળ્યા બાદ પાર્ટીમાં મહિલાઓ સહિતના નેતાઓએ તેમની સાથે નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કર્યો હતો.
શ્વેતાએ પત્રકારોને કહ્યું હતું કે જો પાર્ટી અમારા જેવાં યુવા નેતાઓને સાંભળવા જ ન માગતી હોય તો પાર્ટીમાં રહેવાનો શો અર્થ?


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












